રાજ કપૂર @ 100 – તુમકો ન ભૂલ પાએંગે! : દૂરબીન – કૃષ્ણકાંત ઉનડકટ

રાજ કપૂર @ 100 :

તુમકો ન ભૂલ પાએંગે!

દૂરબીન : કૃષ્ણકાંત ઉનડકટ

——–

ઇન્ડિયન ફિલ્મ ઇન્ડસ્ટ્રીના ધ ગ્રેટ શો મેન રાજ કપૂરની આગામી

તારીખ 14મી ડિસેમ્બરે 100મી જન્મ જયંતી છે. રાજ કપૂર બોલિવૂડ માટે

એક દંતકથાથી જરાયે કમ નથી. રણબીર કપૂર દાદા રાજ કપૂર

સાથેની યાદોને કંઇક આ રીતે વાગોળે છે!

———–

ભારતીય સિનેમામાં કપૂર પરિવારે જેટલું યોગદાન આપ્યું છે એટલું બીજા કોઇએ આપ્યું નથી. બોલિવૂડમાં વર્ષોથી કહેવાતું આવ્યું છે કે, કપૂર સરનેમ જ કાફી છે. કપૂર પરિવારના કલાકારોના નામ ગણવા બેસીએ તો લાંબુ લિસ્ટ કરવું પડે છે. આ બધામાં પણ રાજ કપૂરનું નામ પડે એટલે આફરીન પોકાર્યા વગર ન રહી શકાય. આગામી તારીખ 14મી ડિસેમ્બરે રાજ કપૂરની 100મી જન્મ જયંતિ છે. 63 વર્ષની ઉંમરે તારીખ 2 જૂન, 1988ના રોજ રાજ કપૂરે અંતિમ શ્વાસ લીધા હતા. રાજ કપૂરનું સાચું નામ સિષ્ટ્રીનાથ કપૂર હતું. રાજ કપૂરની જિંદગી પણ ફિલ્મ કથાને ટક્કર મારે એવી હતી. તેની સ્ટ્રગલ, સફળતા, નિષ્ફળતા, પ્રેમ, દોસ્તી અને દિલદારીના કિસ્સાઓ આજની તારીખે બોલિવૂડમાં ચર્ચાતા રહે છે. રાજ કપૂરના પિતા પૃથ્વીરાજ કપૂરથી માંડીને આજની તારીખ સુધી બોલિવૂડમાં કોઇને કોઇ કપૂર હીરોની બોલબાલા રહી છે. બોલિવૂડમાં અત્યારે રણબીર કપૂર અને તેની પત્ની આલિયાનો દબદબો છે. રાજ કપૂરની 100મી જન્મ જંયતી અવસરે દેશમાં અનેક કાર્યક્રમો યોજાવાના છે. ગોવામાં હમણાં ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ યોજાઇ ગયો. આ ફિલ્મ ફેસ્ટિવલમાં રાજ કપૂર વિશે એક વિશેષ સેશન યોજવામાં આવ્યું હતું. રણબીર કપૂરે આ સેશનમાં દાદા રાજ કપૂર સાથેની યાદો વાગોળી હતી. રણબીરની સાથે રાજ કપૂર પર ‘રાજ કપૂર : ધ માસ્ટર એટ વર્ક’ નામનું પુસ્તક લખનાર ફિલ્મ ડિરેકટર રાહુલ રૈવલ પણ હાજર હતા. જ્યારે ફિલ્મોમાં સબ ટાઇટલ્સ ન હતા ત્યારે રાજ કપૂરની ફિલ્મો રશિયા અને બીજા અનેક દેશોમાં પોપ્યુલર હતી. રણબીર કપૂરે કહ્યું કે, જ્યારે હું અમેરિકામાં ફિલ્મનું ભણતો હતો ત્યારે દુનિયાના મહાન ફિલ્મ મેકર્સની વાત થતી ત્યારે ભારતમાંથી બે નામોની ખાસ ચર્ચાઓ થતી હતી. તેમાં એક હતા સત્યજીત રે અને બીજા રાજ કપૂર. એ સમયે જ મને એવું ફીલ થતું હતું કે, મારે તેમની એક્ટિંગની વિરાસત સંભાળવાની છે. અત્યારે રાજ કપૂરની બાયોપિક બનાવવા પર વિચાર થઇ રહ્યો છે. રાજ કપૂરની જિંદગી વિવાદાસ્પદ રહી છે. રણબીર કપૂરે કહ્યું કે, મને ખબર નથી કે, કપૂર ફેમિલી રાજ કપૂરની બાયોપિક બનાવવાની મંજૂરી આપશે કે નહીં પણ જો રાજ કપૂર પર ફિલ્મ બનવાની હોય તો રાજ કપૂરનો રોલ ભજવવાનું મારું સપનું છે.

રણબીર કહે છે કે, દાદા રાજ કપૂરનું જ્યારે અવસાન થયું ત્યારે હું માત્ર છ વર્ષનો હતો એટલે મને ખાસ કંઇ યાદ ન હોય એ સ્વાભાવિક છે. આમ છતાં એક ઘટના મને બરાબર યાદ છે. એ દિવસે ઘરમાં પાર્ટી હતી. ઘણા બધા જાણીતા લોકો પાર્ટીમાં સામેલ હતા. હું એ સમયે ઘરના ગાર્ડનમાં રમતો હતો. થયું એવું કે, બગીચામાં અનેક કીડીઓ અને બીજા જીવડાં મારા પગ પર ચડી ગયા. હું હાંફળો ફાંફળો થઇ ગયો. દાદા રાજ કપૂરની નજર મારા પર હતી. તેઓ તરત જ દોડી આવ્યા. મને તેડીને બાથરૂમમાં લઇ ગયા. તેમના હાથેથી મારા પગ ધોયા અને મને શાંત કર્યો. તેઓ ધારતા હોત તો કોઇને કહી શક્યા હોત કે, જુઓ તો એને શું થયું છે? બીજા કોઇને કહેવાના બદલે તેઓ પાર્ટી છોડીને આવ્યા અને મારી સંભાળ લીધી. બાકીની વાતો ડેડી ઋષિ કપૂર અને ઘરના બીજા સભ્યો પાસેથી સાંભળી છે. હા, મને એટલી ખબર છે કે, હું એમનો બહુ લાડકો હતો.

તેમની સફળ ફિલ્મો વિશે ખૂબ ચર્ચાઓ થઇ છે. તેમણે નિષ્ફળતાનો પણ ખુલ્લા દિલે સામનો કર્યો છે. બે ઇન્ટરવલવાળી ફિલ્મ મેરા નામ જોકર પર રાજ કપૂરને બહુ મોટી આશા હતી. આજે મેરા નામ જોકરની ગણના ક્લાસિક ફિલ્મમાં થાય છે પણ એ સમયે આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ઊંધા માથે પટકાઇ હતી. રાજ કપૂર પર દેવું થઇ ગયું હતું અને ઘર પણ ગીરવે મૂકવું પડ્યું હતું. જો કે, તેને ભરોસો હતો કે બીજી ફિલ્મો બનાવીને હું આ કરજમાંથી બહાર આવી જઇશ. રાજ કપૂરે જે ફિલ્મો બનાવી છે તે હીરોઇન સેન્ટ્રીક રહી છે. રણબીરે કહ્યું કે, રાજ કપૂરની ફિલ્મોમાં કોઇને કોઇ મેસેજ રહેતો હતો. પ્રેમ રોગમાં વિધવા વિવાહની વાત હતી. રામ તેરી ગંગા મૈલીમાં અત્યારે સમાજમાં જે બદીઓ છે તેને લોકો સમક્ષ મૂકવાનો પ્રયાસ થયો હતો. બોબી ફિલ્મમાં પણ સરવાળે તો અમીરી ગરીબી અને નાત જાતના ભેદભાવની જ વાત કરવામાં આવી છે.

સંગમ ફિલ્મની એક મજેદાર વાત પણ માણવા જેવી છે. આ ફિલ્મમાં હીરોઇન વૈજયંતિ માલાનું નામ રાધા છે. ફિલ્મમાં વૈજયંતિ માલાને લેવાનું રાજ કપૂરે નક્કી કર્યું હતું. એ સમયે અત્યારની જેમ મોબાઇલ ફોન તો હતા નહીં કે ફટ દઇને વૈજયંતિ માલાને પૂછી લેવાય. એ જમાનો તાર એટલે કે ટેલિગ્રામનો હતો. રાજ કપૂરે વૈજયંતિ માલાને તાર કર્યો હતો. આ તારમાં રાજ કપૂરે એવો મેસેજ લખાવ્યો હતો કે, બોલ રાધા બોલ સંગમ હોગા કે નહીં? આ તારનો જવાબ વૈજયંતિ માલાએ પણ તારથી જ આપ્યો હતો. તેણે લખ્યું હતું કે, હોગા હોગા હોગા…. આ વાત રાજ કપૂરે પોતાના મિત્ર અને ગીતકાર શૈલેન્દ્રને કરી હતી અને તેના પરથી જ શૈલેન્દ્રએ મેરે મન કી ગંગા ઔર તેરે મન કી જમના કા, બોલ રાધા બોલ સંગમ હોગા કી નહીં ગીત લખ્યું હતું. રાજ કપૂરના આવા તો એટલા બધા કિસ્સા છે કે તે લખવા બેસીએ તો પુસ્તક પણ ઓછું પડે. રાજ કપૂરનું હોલી સેલિબ્રેશન આજની તારીખે યાદ કરવામાં આવે છે. ફિલ્મ ઇન્ડસ્ટ્રીના લોકો રાજ કપૂરના હોલી સેલિબ્રેશનમાં આવવામાં ગૌરવ અનુભવતા હતા. આ વિશે રણબીર કપૂરે કહ્યું કે, ભલે હોલી પાર્ટીને આજની તારીખે યાદ કરવામાં આવતી હોય પણ સાચું કહું તો હું એ પાર્ટીથી ડરતો હતો. બધાના કાળા અને રંગબેરંગી ચહેરાઓ જોઇને મને ડર લાગતો હતો.

રાજ કપૂર અને નરગીસની લવ સ્ટોરીની ચર્ચાઓ પણ ખૂબ થઇ છે. આરકે ફિલ્મ્સનો લોગો જ રાજ કપૂર અને નરગીસની ફિલ્મ બરસાતના બંનેના એક સીન પરથી બનાવવામાં આવ્યો છે. રાજ કપૂર પરણેલા હતા અને પાંચ સંતાનોના પિતા હતા તેથી એ નરગિસ સાથે મેરેજ કરી શકે એમ નહોતા. નરગિસને મેરેજ વગર રાજ કપૂર સાથે રહેવું નહોતું. મધર ઇન્ડિયા ફિલ્મના શૂટિંગ વખતે આગની ઘટના બાદ નરગિસ અને સુનીલ દત્ત નજીક આવ્યા હતા અને બંનેએ મેરેજ કરવાનું નક્કી કર્યું હતું. એક વાત એવી છે કે, જે દિવસે નરગિસ અને સુનીલ દત્તના લગ્ન હતા એ દિવસે અને આખી રાત રાજ કપૂર દારૂ પીતા રહ્યા હતા અને સિગરેટથી પોતાના શરીર પર ડામ દેતા હતા. રાજ કપૂરે એક વખત એમ પણ કહ્યું હતું કે, નરગિસે મારી સાથે દગો કર્યો છે. નરગિસનું અવસાન થયું ત્યારે તેઓ સુનીલ દત્તના ઘરે ગયા હતા પણ દરવાજા પાસે જ ઊભા હતા. તેઓ નરગિસના અંતિમ દર્શન માટે ગયા નહોતા. રાજ કપૂર સાથેના સંબંધો વિશેનો એક બીજો કિસ્સો પણ ખૂબ જ રસપ્રદ છે. રાજ કપૂરના પત્ની કૃષ્ણા કપૂર અને નરગિસ એક વખત એક પાર્ટીમાં ભેગા થઇ ગયા હતા. પાર્ટીમાં એકાંત મળ્યું ત્યારે નરગિસ કૃષ્ણા કપૂર પાસે ગયા હતા અને પોતાના કારણે જે થયું એ માટે કૃષ્ણા કપૂરની માફી માંગી હતી. એ વખતે કૃષ્ણા કપૂરે એમ કહ્યું હતું કે, તારે દુ:ખી થવાની જરૂર નથી, એનું કારણ એ છે કે, તું ન હોત તો બીજી કોઇ હોત! કૃષ્ણા કપૂરે આવું કેમ કહ્યું એના વિશે જાતજાતની વાતો થઇ છે. એક વાત તો એવી છે કે, તેઓ પતિ રાજ કપૂરની ફીતરત જાણતા હતા. બીજી વાત એ કે, રાજ કપૂરનું વ્યક્તિત્ત્વ જ એવું હતું કે કોઇ પણ તેના તરફ આકર્ષાયા વગર ન રહી શકે! રાજ કપૂર હીરો ઉપરાંત ફિલ્મ ડીરેકટર હતા, ફિલ્મનું એકેય એવું પાસું નહોતું જેના પર તેમણે કામ ન કર્યું હોય! રાજ કપૂરનું કામ લાજવાબ હતું. ઘણાયે માઇનસ પોઇન્ટસ હોવા છતાં તેઓ મહાન હતા. તેના માટે એટલું જ કહેવું પડે કે, તુમકો ન ભૂલ પાએંગે!

———

પેશ-એ-ખિદમત

દોસ્તોં કી મેહરબાની સે હુઆ યે કામ ભી,

મૈં ને દેખા હી નહીં થા ખૂન પાની રંગ કા,

ગર દિલોં સે યૂં ધૂંઆ ઉઠતા રહેંગા રાત દિન,

આસમાં કૈસે બચેગા આસમાની રંગ કા.

-ઉબૈદ સિદ્દીકી

(`સંદેશ’, અર્ધસાપ્તાહિક પૂર્તિ, તા. 11 ડિસેમ્બર 2024, બુધવાર, `દૂરબીન’ કૉલમ)

kkantu@gmail.com

Krishnkant Unadkat

Krishnkant Unadkat

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *