એની ઈર્ષા કરવાનો તને જરાયે અધિકાર નથી! – ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ

એની ઈર્ષા કરવાનો તને
જરાયે અધિકાર નથી!

ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ


જગત સામે જૂની ટસલ છે ને રહેશે,
બગાવતપણું આ અટલ છે ને રહેશે,
મળી જાય તું, તો ઠરીઠામ થઇએ,
નહીંતર તો લાંબી મજલ છે ને રહેશે.
-જુગલ દરજીદરેક માણસ જુદો, આગવો અને અનોખો છે. દરિયો એક જ છે પણ દરેક કિનારે એ જુદો લાગશે. એક જ નદીનું વહેણ જુદું જુદું હોય છે. એક જ ઝાડની ડાળીઓ અને પાંદડાંઓ એકસરખાં હોતાં નથી. દુનિયામાં કોઇ પર્વત એકસરખા નથી. કુદરતે પ્રકૃતિના કણેકણમાં વૈવિધ્ય પૂર્યું છે. જો કંઈ જ સરખું ન હોય તો પછી એક માણસ બીજા જેવો ક્યાંથી હોવાનો? આમ તો આ વાતની દરેક માણસને ખબર હોય છે છતાં પણ એ પોતાની સરખામણી બીજા સાથે કરતો જ રહે છે. સરખામણીમાં પોતે ઊતરતો કે નબળો હોય તો બીજાની ઇર્ષા પણ કરતો રહે છે. આજના હાઇટેક જમાનામાં તો લોકો હવે સોશિયલ મીડિયા પર બીજાના ફોલોઅર્સ જોઇને પણ બળવા લાગ્યા છે. એના ફોલોઅર્સ મારા કરતાં વધારે છે. એને મારા કરતાં વધુ લાઇક્સ મળે છે. એની પોસ્ટમાં તો કેટલા બધા લોકો કમેન્ટ્સ કરે છે. હું તો એની સરખામણીમાં કંઇ જ નથી. એક સંત હતા. તેના અનુયાયીઓની સંખ્યા બહુ ઓછી હતી. એક બીજા સાધુના અનુયાયીઓની સંખ્યા ખૂબ વધારે હતી. એ સાધુ પહેલા સંત કરતાં ઓછા જ્ઞાની હતા, તો પણ લોકો એને વધુ ફૉલો કરતા હતા. એક વખત પહેલા સંતના અનુયાયીએ કહ્યું કે, તમે વધુ મહાન છો, વધુ જ્ઞાની છો, તો પણ લોકો તમને ઓછા ફૉલો કરે છે. તમારો સમુદાય નાનો છે. પેલા સાધુ દેખાડો કરીને લોકો ભેગા કરે છે અને લોકો તેની પાછળ ગાંડા થાય છે. તમને ક્યારેય એવું નથી થતું કે, તમારા અનુયાયીઓ પણ વધુ હોય? આ વાત સાંભળીને સંતે કહ્યું, આ જિંદગી કોઇ સ્પર્ધા માટે છે જ નહીં. મેં તો અત્યારે છે એટલા અનુયાયીઓ ભેગા કરવા માટે પણ પ્રયાસ નથી કર્યો. જ્ઞાનને ટોળાં સાથે કંઈ લેવાદેવા નથી. મારા બધા અનુયાયીઓ પણ જો એને અનુસરવા લાગે તો પણ મને કંઈ ફેર નથી પડતો. જ્ઞાનનું મૂળ જ એ છે કે, આપણે સૌથી પહેલાં આપણને ઓળખીએ. હું તો મને ઓળખવાનો પ્રયાસ કરું છું. એ સાધુ પણ એની જગ્યાએ મહાન હશે. જ્યારે સ્પર્ધા શરૂ થાય છે ત્યારે જીત કે હારનો સવાલ પેદા થાય છે. તમારે કોઇની સાથે રેસમાં ઊતરવાની જરૂર જ નથી. જે રેસમાં નથી એ જીતેલો જ છે!
અધિકાર અને આધિપત્ય માટે માણસ સતત ઝઝૂમતો રહે છે. માણસને કંટ્રોલ જોઇતો હોય છે. હું ધારું એમ થાય. હું કહું એમ જ બધા કરે. કોઇ મારો શબ્દ ન ટાળી શકે. મારી સામે બોલવાની કોઇ હિંમત ન કરે. પોતાનું ધાર્યું કરવા માટે માણસ કોઇ પણ હદ સુધી જઇ શકે છે. માણસને અધિકાર મળે છે પણ એ કોઇ દબાણથી નહીં પણ પ્રેમ અને પ્રભાવથી જ મળે છે. કોઇ તમે કહો એમ કરે પણ એના માટે સૌથી પહેલાં તો તમારે એ ઇચ્છા ત્યજવી પડતી હોય છે કે, એ હું કહું એમ જ કરે! આપણે કહેવું પણ ન પડે અને એ થઇ જાય એવું પણ બને પણ એના માટે સૌથી પહેલાં આપણે લાયક બનવું પડતું હોય છે. સાચો અધિકાર એ જ છે જેમાં તમારે અધિકાર જતાવવો પડતો નથી, સાચો અધિકાર એ છે જે સામેથી મળે છે. લોકો એને જ આદર આપે છે જે પોતાની જાતને એના માટે સાબિત કરે છે. ડર, ભય કે લોભથી તમે કોઇ પાસે ધાર્યું કરાવી શકો પણ એમાં જ્યારે સામેના માણસનો સ્વાર્થ પૂરો થઇ જશે ત્યારે એ દૂર થઇ જશે. આપણે રાખવા પડે એટલા માટે કેટલા સંબંધો રાખતા હોઇએ છીએ? કરવું પડે એટલા ખાતર કેટલું કરતાં હોઇએ છીએ? આપણે ખરેખર દિલથી કેટલું કરીએ છીએ? કદાચ બહુ ઓછું!
અધિકાર મેળવવા માટે પહેલાં તો માણસે પોતાની જાત સાથે પ્રામાણિક રહેવું પડતું હોય છે. પોતાની જાત સાથે જીવવું પડતું હોય છે. પોતાની સરખામણી બીજા કોઇની સાથે કરવાનું બંધ કરવું પડતું હોય છે. જે જેવા છે એવા જ તેને સ્વીકારવા પડતા હોય છે. કોઇ આપણાથી આગળ હોય એની ઈર્ષાથી બચવું પડતું હોય છે. આપણે તો ઘણી વખત આપણા લોકોનાં જ સુખ અને આનંદથી રાજી થતાં નથી. તમે માર્ક કરજો, લોકો પોતાની નજીક હશે એની જ ઇર્ષા કરશે! જેની સાથે કંઈ લાગતું વળગતું ન હોય એની ઇર્ષા ક્યારેય નહીં કરે! ભાઇ કે બહેનની સફળતા પણ ઘણાં લોકો જોઇ શકતા નથી. આ દુનિયામાં સૌથી અઘરું કંઇ હોય તો એ સ્વીકાર છે. બીજાનો સ્વીકાર એ જ કરી શકે છે જેણે સૌથી પહેલાં તો પોતાનો સ્વીકાર કર્યો છે. હું જે છું એ છું. જેવો છું એવો છું. મારી પાસે જેટલું છે એટલું છે. હું છું એનાથી સારો થવા, આગળ વધવા અને વધુ મેળવવા માટે શ્રેષ્ઠ પ્રયાસો કરું છું. હું કોઇની ઇર્ષા કરતો નથી. એક સાવ સાચો કિસ્સો છે. એક છોકરા-છોકરીના મેરેજ થયા. બંને સારા હતા. જોકે, બંનેને ન ફાવ્યું અને ડિવોર્સ થઇ ગયા. જુદા થઇ ગયા બાદ છોકરીની વાત બીજા છોકરા સાથે ચાલી. એ છોકરો છોકરીના પહેલા પતિને મળવા આવ્યો અને તેનાથી જુદી થયેલી પત્ની વિશે પૂછ્યું. એ છોકરાએ કહ્યું, એ બહુ જ સારી છોકરી છે. તેણે કહ્યું કે, અમે જોઇન્ટ ફેમિલીમાં રહીએ છીએ. મારા મધર સાથે તેને ફાવતું નહોતું. પૂરી પ્રામાણિકતાથી કહું છું કે, વાંક મારી માનો હતો પણ માને હું કંઇ કહી શકતો નહોતો. પત્નીએ અલગ રહેવા માટે કહ્યું. જુદા થવું મારા માટે શક્ય નહોતું. આખરે તેણે ડિવોર્સ માંગ્યા અને મેં આપ્યા. એ સારી છે, ઓનેસ્ટ છે. તેણે બધા સાથે એડજસ્ટ થવા ખૂબ પ્રયાસો કર્યાં હતા પણ પ્રયાસો જ્યારે જિંદગી કરતાં આકરા લાગવા માંડે ત્યારે માણસ થાકી જતો હોય છે.
ઘણા માણસો તો જુદા પડી ગયા પછી પણ ઇર્ષા છોડી શકતા નથી. એક ડિવોર્સનો જ કેસ છે. પતિ-પત્નીને ન ફાવ્યું અને જુદાં પડી ગયાં. આ કિસ્સામાં થોડો થોડો વાંક બંનેનો હતો. બંનેએ બીજા મેરેજ કર્યા. જુદી પડેલી પત્ની તેના બીજા પતિ સાથે ખુશ હતી. તે પતિ સાથેની તસવીરો સોશિયલ મીડિયા પર અપલોડ કર્યે રાખતી. પોતાના પતિનાં વખાણ કરતાં લખાણો પણ મૂકતી. આ જોઇને તેનો પહેલો પતિ બળી જતો હતો. આખરે તેના ફ્રેન્ડે તેને કહ્યું કે, તને એની ઇર્ષા કરવાનો કોઇ અધિકાર નથી. એ તો તારા જીવનમાંથી ચાલી ગઇ છે, એની નવી લાઇફમાં સેટ પણ થઇ ગઇ છે. તું પણ હવે એનાથી મુક્ત થઇ જા. આપણી જિંદગીમાં જે દુ:ખો હોય છે એ મોટા ભાગે આપણે જ પેદા કરેલાં હોય છે. મોટા ભાગનાં દુ:ખનું કારણ તો આપણા વિચારો જ હોય છે. વિચાર ઉપર કાબૂ ન રાખીએ તો એ ગમે ત્યારે વિકાર બની જતા હોય છે. આપણે આપણી જિંદગીથી મતલબ રાખવો જોઇએ. આપણી પાસે સારી રીતે જીવવાનાં પૂરાં કારણો હોય છે. મજાથી જીવી શકાય એટલું આપણી પાસે હોય પણ છે. આપણે એ ભોગવી નથી શકતા. તેનું કારણ એ છે કે, આપણને બીજાનું સુખ મોટું અને સારું લાગે છે. આપણે જેનાથી બળતા રહીએ છીએ એ ખરેખર કેટલા સુખી અને ખુશ હશે એ તો ભગવાન જાણે પણ એની ખુશી જોઇને આપણી ખુશી આપણે આપણા હાથે જ હણી નાખીએ છીએ. બીજા શું કરે છે એની પરવા કરવામાં સમય ન બગાડો તો જ તમને તમારા માટે વિચારવાનો અને જીવવાનો સમય મળશે!
છેલ્લો સીન :
માણસનો સૌથી મોટો પ્રોબ્લેમ એ હોય છે કે, પોતાનું સુખ કે દુ:ખ પણ બીજાના આધારે જ નક્કી કરે છે. જ્યાં સુધી બીજા લોકો જ આપણા કેન્દ્રમાં રહે ત્યાં સુધી આપણે આપણું સેન્ટર પોઇન્ટ બનાવવાના જ નથી. બીજાના વિચારો જે છોડી શકે છે એ જ પોતાના વિચાર કરવા સમર્થ બને છે! -કેયુ.
(`સંદેશ’, `સંસ્કાર’ પૂર્તિ, તા. 26 માર્ચ, 2023, રવિવાર. `ચિંતનની પળે’ કૉલમ)
Kkantu@gmail.com

Krishnkant Unadkat

Krishnkant Unadkat

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *