દુનિયાની બહુ પરવા કરવાની જરૂર નથી! – ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ

દુનિયાની બહુ પરવા
કરવાની જરૂર નથી!

ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ


ઔર ક્યા આખિર તુજે એ જિંદગાની ચાહિએ,
આરજૂ કલ આગ કી થી આજ પાની ચાહિએ,
ક્યૂં જરૂરી હૈ કિસી કે પીછે પીછે હમ ચલે,
જબ સફર અપના હૈ તો અપની રવાની ચાહિએ.
-મદન મોહન દાનિશ


માણસ પોતાના વિશે વધુ વિચારે છે કે દુનિયા વિશે? આપણે કંઇ પણ કરતાં પહેલાં એ વિચારીએ છીએ કે, કોને કેવું લાગશે? આપણે કેટલા બધા નિર્ણયો બીજાને નજર સમક્ષ રાખીને લેતા હોઇએ છીએ? ક્યારેક તો એ નક્કી કરવું મુશ્કેલ થઇ જાય છે કે, આપણે આખરે આપણા માટે જીવીએ છીએ કે બીજા બધા માટે? દરેકે દરેક વાતમાં બીજાનો વિચાર કરવાનો? આપણે બધા એવું કહેતાં અને સાંભળતાં રહીએ છીએ કે, કોઇના માટે જજમેન્ટલ નહીં થવાનું પણ આપણે પોતે જ ઘણી વખત બીજાના જજમેન્ટના આધારે જિંદગી જીવતા હોઇએ છીએ. નવો શર્ટ લીધો હોય અને બે જણાં કહેશે કે, ભંગાર લાગે છે તો આપણે પહેરવાનું બંધ કરી દઈશું. આપણે એ નહીં વિચારીએ કે મને ગમે છે કે નહીં? મને ફાવે છે કે નહીં? કોઇ વખાણ કરે તો આપણે હરખાઇ જઇએ છીએ. લોકો સાવ સામાન્ય બાબતમાં પણ દુનિયાને ફોલો કરતા હોય છે. દોરવાઇ જવું બહુ સહેલું છે. પોતાને ગમતા રસ્તે જવું જ અઘરું છે. સોશિયલ મીડિયા પર પણ લોકો હવે કોઇના કેટલા ફોલોઅર્સ છે એ જોઇને ફોલો કરે છે! એવું માની લે છે કે, આટલા બધા લોકો ફોલો કરે છે તો કંઈક તો હશે! જેને પોતાની ચોઇસ નથી એણે બીજાની પસંદગી પર આધાર રાખવો પડતો હોય છે. એક પ્રેમી અને પ્રેમિકા હતાં. બંને સમયે સમયે હોટલમાં લંચ કે ડિનર માટે જતાં હતાં. પ્રેમી દર વખતે પૂછે કે, શું ખાવું છે? પ્રેમિકા એક જ જવાબ આપે, તને ગમે એ મંગાવી લે, મને બધું ચાલશે! એક વખત પ્રેમીએ કહ્યું કે, તું તારી ચોઇસ કેમ નથી કહેતી? દર વખતે બધું શા માટે ચલાવવાનું? ક્યારેક તો તને ગમે એ મંગાવ! આપણી પસંદગીનું પણ આપણને પ્રાઉડ હોવું જોઇએ.
આપણે ખરેખર આપણા દિલને કેટલું અનુસરતા હોઇએ છીએ? કેટલી વખત આપણે હન્ડ્રેડ પર્સન્ટ આપણને ગમે એમ જ કરીએ છીએ? આપણે તો કોઇ સાથે આવે તો જ બહાર જઇએ છીએ. આપણને કંપની જોઇતી હોય છે. એક છોકરીની આ વાત છે. એ મન થાય ત્યારે એકલી ફરવા નીકળી જતી. તેની ફ્રેન્ડે પૂછ્યું, તને કંપની વગર મજા આવે છે? એ છોકરીએ કહ્યું કે, મને મારી કંપની હોય જ છે! મારાથી વધુ સારી મારી બીજી કઇ કંપની હોઈ શકે? જેને પોતાની સાથે રહેવાની મજા આવે છે એને બીજા પર ઓછો આધાર રાખવો પડે છે. આપણે આપણું સુખ કે દુ:ખ પણ કોઇને આધારિત કરી દીધું છે. આપણે ન તો સુખ એકલા ઝીરવી શકીએ છીએ, ન તો એકલા દુ:ખ સહન કરી શકીએ છીએ. પ્રેમની બાબતમાં પણ આપણે કેટલા પરાધીન હોઇએ છીએ? આપણે પ્રેમ ઝંખીએ છીએ પણ પ્રેમ કરતા નથી. પ્રેમ કર્યા વગર પ્રેમ ક્યારેય મળવાનો નથી. પ્રેમ, સંબંધ, લાગણી, સ્નેહ એકતરફી હોય તો એનું આયુષ્ય ટૂંકું જ રહેવાનું છે.
આપણે દુનિયાને કેવી રીતે ટ્રીટ કરીએ છીએ? માણસના બે ચહેરા હોય છે. એક જે ઘરની ચાર દીવાલ વચ્ચે હોય છે. બીજો એક ચહેરો ઘરની બહાર હોય છે. દુનિયામાં સુખી અને સાચો માણસ એ જ છે જેના બંને ચહેરા એક છે. જેવા ઘરમાં છે એવો જ બહાર છે અને જેવો દુનિયા સામે છે એવો જ ઘરમાં છે. આપણે એક નથી હોતા. માણસ તો માણસે માણસે બદલાવા લાગ્યો છે. સામેનો માણસ કોણ છે એ નક્કી કરીને એની સાથે બિહેવ કરે છે. માણસને માત્ર ને માત્ર માણસ તરીકે જ જોતાં હોય એવા લોકોની સંખ્યા સતત ઘટતી જાય છે. એક ગરીબ માણસની આ વાત છે. ક્લાર્કની સામાન્ય નોકરી. ઓફિસમાં પણ બધા તેનાથી હોશિયાર હતા. ઘરનું માંડ માંડ પૂરું થાય. એવું કંઇ હતું નહીં કે સમાજમાં પણ લોકો માન આપે કે સારી રીતે બોલાવે. એક વખત તેની ઓફિસમાં બોસે તેને બોલાવ્યો. પહેલાં તો એને ફડકો પડ્યો કે, મને શા માટે બોલાવ્યો હશે? કંઇ ભૂલ થઇ હશે? ડરતાં ડરતાં એ બોસની ચેમ્બરમાં ગયો. બોસના હાથમાં થોડાંક પેપર્સ હતાં. બોસે પૂછ્યું, આ પેપર્સ તમે તૈયાર કર્યાં છે? એ ભાઇએ હા પાડી. બોસે કહ્યું, તમે સરસ કામ કર્યું છે. માત્ર તમને અભિનંદન આપવા માટે જ બોલાવ્યા હતા. એ માણસની આંખો ભીની થઇ ગઇ. બોસે પૂછ્યું, કેમ શું થયું? એ માણસે કહ્યું કે, સાહેબ પહેલી વખત મારા કામનાં કોઇએ વખાણ કર્યાં છે! કોઇ મને ગણકારતું જ નહોતું. બોસે, ઊભા થઇને તેની સાથે હાથ મિલાવ્યા અને પીઠ થાબડી. બોસે એવું કરવાની કંઇ જરૂર નહોતી. એવું ન કર્યું હોત તો બિલકુલ ચાલત પણ તેને થયું કે, સારું કામ કર્યું છે તો મારે એપ્રિસિએટ કરવું જોઇએ. તમે વિચારજો, તમે ક્યારેય કોઇને એપ્રિસિએટ કર્યાં છે? દરેક માણસે એ વિચારવું જોઇએ કે, હું દરેકની સાથે માણસની જેમ વર્તું છું ખરા?
આપણે દુનિયા સામે ફરિયાદો કરતા હોઇએ છીએ. દુનિયા વિચિત્ર છે. બધા સ્વાર્થી છે. લોકો પોતાનો જ ફાયદો જુએ છે. દુનિયા વિશે વાતો કરતી વખતે આપણે એ ભૂલી જઇએ છીએ કે, આપણે પણ એ જ દુનિયાનો હિસ્સો છીએ. દુનિયા પ્રત્યેનો તમારો દૃષ્ટિકોણ કેવો છે? એક યુવાનની વાત છે, તેણે પિતાને પૂછ્યું, દુનિયાની કેટલી પરવા કરવી જોઇએ? પિતાએ કહ્યું, કરવા જેટલી હોય એટલી! તેમણે કહ્યું, આપણે બધા સાથે રહેવાનું હોય છે. બધાને માન આપવામાં કશું ખોટું નથી પણ એક હદથી વધારે દુનિયાની ચિંતા કરવાની જરૂર નથી. આપણે જ્યારે આપણને યોગ્ય લાગે એવો નિર્ણય કરવા જતા હોઇએ ત્યારે એવું વિચારવાની જરૂર નથી કે, દુનિયાને શું લાગશે? કોણ કેવું બોલશે? આપણે માત્ર એટલું ધ્યાન રાખવાનું કે, હું ખોટું કરતો નથીને? હું કોઇનું બૂરું કરતો નથીને? મારાથી કોઇને હર્ટ થતું નથીને? તમે સાચા હશો તો દુનિયા તમને સ્વીકારવાની જ છે. આ દુનિયા દરેક પ્રકારના માણસોથી ભરેલી છે. સારા લોકો પણ છે અને બદમાશોની પણ કમી નથી. બધા સાથે તમે મેચ થઈ શકો નહીં. સંબંધમાં પણ પસંદગી કરવી પડે છે. અમુક લોકો સાથે જ આપણને ફાવે છે. બધાને સારું લગાડવાની પણ જરૂર નથી. એનો મતલબ બિલકુલ એવો નથી કે, જેને સારું લગાડવાની જરૂર ન હોય એને ગણકારવાના જ નહીં. એની સાથે કામથી કામ રાખવાનું. આપણાં સુખ અને દુ:ખનો આધાર એના પર હોય છે કે, આપણો પનારો કોની સાથે છે. નજીકના લોકો પણ સારા જ હોય એવું જરૂરી નથી. જે નજીક છે એને ઘણી વખત આપણે હડસેલી શકતા નથી પણ તેનાથી સેઇફ ડિસ્ટન્સ તો ચોક્કસ રાખી શકીએ. દુનિયા જેવી છે એવી જ રહેવાની છે. ઇર્ષા કરવાવાળા અને મેળ પડે તો પછાડી દેવાવાળા લોકો પણ હોવાના જ છે. એક યુવાનની આ વાત છે. તેની ઓફિસમાં તેની ઇર્ષા કરવાવાળા ઘણા બધા કલિગ હતા. એક વખત તેના એક કલિગે કહ્યું કે, બધા તારી ઇર્ષા કરે છે તો તને ટેન્શન નથી થતું? એ યુવાને કહ્યું, એ તો મારા માટે મૉટિવેશન જેવા છે! એ બધાને જોઇને હું વિચારું છું કે, મારે એવું કામ કરવું પડશે કે મારી તોલે કોઇ આવી શકે નહીં. જો હું કામમાં કાચો પડીશ તો એ બધા મને પાડી દેશે. મારે મારા કામમાં બેસ્ટ રહેવાનું છે. હું એ બધાની એટલા પૂરતી જ દરકાર કરું છું કે, મારું કામ નબળું ન પડે, બાકી જેણે જે બોલવું હોય એ બોલે અને જે કરવું હોય એ કરે, મને કોઇ ફેર પડતો નથી. આપણે જો આપણા માર્ગે મક્કમતાથી ચાલતા રહીએ તો કંઈ વાંધો આવતો નથી. આપણી પાછળ બરાડા પાડતા લોકોની પરવા કર્યા વગર એટલા આગળ નીકળી જવાનું હોય છે કે, એનો અવાજ સંભળાતો પણ બંધ થઇ જાય, એના માટે જરૂરી એ છે કે, આપણને આપણા દિલનો અવાજ પૂરેપૂરો સંભળાતો હોવો જોઇએ!
છેલ્લો સીન :
ક્યારે મનને મનાવવું અને ક્યારે મનને મારવું એની સમજ પણ કેળવવી પડતી હોય છે. આપણે જ ઘણી વખત પોતાને સાંત્વના આપવી પડતી હોય છે! -કેયુ.
(`સંદેશ’, `સંસ્કાર’ પૂર્તિ, તા. 23 એપ્રિલ, 2023, રવિવાર. `ચિંતનની પળે’ કૉલમ)
Kkantu@gmail.com

Krishnkant Unadkat

Krishnkant Unadkat

Leave a Reply

%d bloggers like this: