મોંઘાંદાટ લગ્નો, દેખાદેખી અને
અબજો રૂપિયાની મેરેજ ઇન્ડસ્ટ્રી
દૂરબીન : કૃષ્ણકાંત ઉનડકટ
——–
લગ્નો એનું મૂળ રૂપ તો ક્યારનુંયે ખોઇ બેઠાં છે.
લગ્ન હવે ઇવેન્ટ બની ગયાં છે અને આખી
મેરેજ ઇન્ડસ્ટ્રી જબરજસ્ત રીતે ધમધમવા લાગી છે!
મધ્યમ વર્ગ પણ દેખાદેખીમાં ખેંચાઇ રહ્યો છે!
———–
મેરેજીસ આર મેડ ઇન હેવન. લગ્નો સ્વર્ગમાં નક્કી થાય છે એ વાત આપણે પહેલેથી સાંભળતા આવ્યા છીએ. લગ્ન ભલે સ્વર્ગમાં નક્કી થતાં હોય, પણ લગ્ન યોજાય છે ધરતી પર જ! પ્રભુતામાં પગલાં પાડવાનો આ પ્રસંગ સમયની સાથે બદલતો રહ્યો છે. હમણાંની એક સાવ સાચી ઘટના છે. એક છોકરીના મેરેજ યોજાવાના હતા. ઘરમાં દિવસોથી મેરેજની તૈયારીઓ ચાલતી હતી. છોકરીના દાદા પણ ઉત્સાહભેર બધા આયોજનમાં ભાગ લેતા હતા. આ દરમિયાનમાં જેના મેરેજ હતા એ છોકરીએ દાદાને સવાલ કર્યો. દાદા, તમારા મેરેજ કેવી રીતે યોજાયા હતા? દાદા હસ્યા અને કહ્યું કે, તને માન્યામાં ન આવે એ રીતે લગ્ન થયાં હતાં. એ જમાનો સાવ સીધો સાદો હતો. લગ્ન કરવા માટે જાન જાય એના આગલા દિવસે વર પક્ષનો જમણવાર યોજાતો. એ જમણવારમાં મેસુબ, બુંદી, ગાંઠિયા, દાળ, ભાત, શાક, સંભારો અને પૂરી જ રહેતાં. મોટા ભાગે બધાને ત્યાં લગ્નનું મેનુ આ જ રહેતું. જાનમાં કુટુંબના અંગત લોકો જ જતા. એક ઘરમાંથી એકને અને વધુમાં વધુ બે વ્યક્તિને જ જાનમાં આવવાનું કહેવામાં આવતું. હા, જાન બે-ત્રણ દિવસ રોકાતી. ત્યાં બધી સરભરા થતી. ચા-નાસ્તો સતત ચાલુ રહેતા, પણ એમાંયે મોટા ભાગે ચા, ગાંઠિયા, જલેબી જેવું જ રહેતું. માન આપવામાં કમી ન રહેવી જોઇએ એનું ધ્યાન રખાતું. જૂતાં માલિશ કરવા અને પગચંપી કરવા માટે પણ માણસો રાખવામાં આવતા. દીકરીવાળાના ઘરના લોકો ખડેપગે રહેતા. કેટલાક લોકો જાતજાતની ચીજવસ્તુઓની માંગણી કરતા હતા. એ વસ્તુ ગમે ત્યાંથી શોધીને હાજર કરી દેવામાં આવતી હતી. પ્રસંગ એકદમ અંગત રહેતો હતો. આજના જમાના સાથે તો એની સરખામણી જ ન હોય. આટલું બોલીને દાદાએ કહ્યું, હવેનાં લગ્નો બહુ ખર્ચાળ થઇ ગયાં છે. પહેલાં આટલું બધું નહોતું થતું. અત્યારે કોઇ પણ મેરેજમાં જઇએ એટલે એવું થયા વગર ન રહે કે, કેટલું બધું વધી ગયું છે! ઘણા વળી એવું કહેશે કે, આ સિરિયલોએ દાટ વાળ્યો છે. સિરિયલોમાં જોઇ જોઇને લોકો નવું નવું શીખી રહ્યા છે. મેરેજનો પહેરવેશ પણ બદલી ગયો છે. અગાઉના સમયમાં વરરાજો પહેરતો એવા ડ્રેસીસ ઘરના લોકો પણ પહેરવા માંડ્યા છે. વિધિઓ ફિલ્મી થઇ ગઇ છે. મેરેજ ફોટો ઇવેન્ટ બની ગયા છે. ડ્રોન સહિત અનેક કેમેરાઓથી શૂટિંગ થાય છે. વર-કન્યા માટે તો બરાબર છે, મહેમાનો માટે પણ સેલ્ફી પોઇન્ટ અને ફોટો પ્લેસ બનાવવામાં આવે છે. એ ન હોય તો જાણે કંઇક અધૂરું રહી ગયું હોય એવું લાગે.
પ્રિવેડિંગ ફોટોશૂટનો કન્સેપ્ટ નવો છે. હવે તો એના માટે પણ બેસ્ટ ડેસ્ટિનેશન શોધવામાં આવે છે. કેટલાંક કપલ્સ ફોટોગ્રાફર્સની ટીમ સાથે ફોરેન જઇને ફોટોશૂટ કરાવે છે. અમીરો માટે ડેસ્ટિનેશન વેડિંગ એ નવી વાત નથી. આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકોને કહ્યું હતું કે, ડેસ્ટિનેશન વેડિંગ માટે ફોરેન ન જાવ, આપણા દેશમાં પણ મસ્ત મજાની જગ્યાઓ ઓછી નથી. અગાઉના સમયમાં ઘરઆંગણે અને વધુમાં વધુ તો જ્ઞાતિની વંડીમાં લગ્નો થતાં હતાં. હવે એવું કોઇ કરતું નથી. પાર્ટી પ્લોટ અને રિસોર્ટ્સમાં મેરેજ થવા લાગ્યા છે. જેને પરવડે છે એને તો કોઇ વાંધો નથી, પણ મધ્યમ વર્ગે દેખાદેખીમાં ઘણું બધું કરવું પડે છે. કેટલાક કિસ્સાઓમાં જેના મેરેજ હોય એ દીકરી કે દીકરાનો જ એવો આગ્રહ હોય છે કે, મારે તો ધામધૂમથી મેરેજ કરવા છે. સંતાનોની ઇચ્છા પૂરી કરવા માટે લોકોએ આજની તારીખે ઉછીના પાછીના કરવા પડે છે. હમણાં એક બીજી વાત પણ સાંભળવા મળી. એક વડીલે કહ્યું કે, અગાઉના સમયમાં જે ચાંદલો આવતો એના કારણે ઘણો ટેકો રહેતો હતો. ગરીબ કે મધ્યમ વર્ગના પરિવારમાં લગ્ન હોય તો લોકો એ રીતે ચાંદલો આપતા કે, પરિવારને થોડીક રાહત રહે. હવે જમવાની ડિશ જ એટલી કોસ્ટલી થઇ ગઇ છે કે, ચાંદલાથી ખાસ કોઇ ફેર ન પડે. મેરેજમાં બધું ગજા બહારનું થવા લાગ્યું છે એવું મોટા ભાગના લોકોના મોઢે સાંભળવા મળે છે.
મેરેજ હવે ઇન્ડસ્ટ્રી થઇ ગઇ છે. ઇવેન્ટ ઓર્ગેનાઇઝર્સને મેરેજનું તમામ કામ સોંપી દેવામાં આવે છે. અગાઉ તો જેના ઘરે લગ્ન હોય એ દિવસો સુધી નવરા ન પડતા. હવે એ લોકો પણ મહેમાનની જેમ જ મેરેજમાં આવે છે. બાકીની બધી ગોઠવણ ઇવેન્ટ ઓર્ગેનાઇઝર કરી આપે છે. તમારે બસ પેમેન્ટ જ કરવાનું હોય છે. હવે તો મેરેજ ઇન્ડસ્ટ્રીથી દેશની ઇકોનોમીને કેટલો ફાયદો થાય છે એની ગણતરીઓ પણ મંડાવા લાગી છે. હમણાં જ બહાર આવેલી વિગતોમાં એવું કહેવાયું છે કે, આ વખતની મેરેજની સીઝનમાં 48 લાખ લગ્નો યોજાવાનાં છે. આ લગ્નોના કારણે છ લાખ કરોડ રૂપિયાનો બિઝનેસ જનરેટ થશે. સીએઆઇટી એટલે કે કોફેડરેશન ઓફ ઓલ ઇન્ડિયા ટ્રેડર્સના રિપોર્ટમાં કહેવાયું છે કે, 12મી નવેમ્બરથી શરૂ થયેલી મેરેજની સીઝન બે મહિના ચાલવાની છે. આ દરમિયાનમાં 48 લાખ લગ્નો યોજાવાનાં છે. માત્ર દિલ્હીમાં જ સાડા ચાર લાખ લગ્નો યોજાવાનાં છે. એક લગ્નમાં કેટલો ખર્ચ કરવામાં આવશે તેનો પણ અંદાજ બાંધવામાં આવ્યો છે. ગરીબ પરિવારોનાં દસ લાખ લગ્નોમાં સરેરાશ ત્રણ લાખ રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે. દસ લાખ લગ્નો એવાં હશે જેમાં એવરેજ છ લાખનો ખર્ચ થશે. બીજા દસ લાખ મેરેજમાં સરેરાશ પંદર લાખનો ખર્ચ થશે. સાત લાખ લગ્નો એવાં હશે જેમાં સરેરાશ પચીસ લાખનો ખર્ચ થશે. પચાસ હજાર લગ્નોમાં પચાસ લાખથી વધારેનો ખર્ચ થવાનો અંદાજ છે. એ સિવાય લગ્નમાં મિનિમમ એક કરોડ અને તેનાથી પણ વધુ ખર્ચ કરનારા પડ્યા છે. માલેતુજારોનાં લગ્નમાં જે ઠઠારો હોય છે એ જોઇને અચરજ થયા વગર ન રહે. ઘણા લોકો આટલા બધા ખર્ચની ટીકા કરે છે. અલબત્ત, તેના વિશે એવું પણ કહેવાય છે કે, જેની ત્રેવડ હોય એ શા માટે ખર્ચ ન કરે? બધાને દીકરા-દીકરીના મેરેજ જબરજસ્ત રીતે કરવાની ઇચ્છા હોય જ છે. સંગીત સંધ્યામાં પણ લોકો પોતાને પરવડે એવા કલાકારોને બોલાવવા લાગ્યા છે. ધનવાન પરિવારને ત્યાં મેરેજમાં હવે બોલિવૂડ નાઇટ ઇનથિંગ છે.
જેને પોષાય છે એ ભલે કરતા, પણ દેખાદેખીમાં જે થઇ રહ્યું છે એ ટાળવું જોઇએ એવું પણ ઘણા ડાહ્યા લોકો કહે છે. અમુક જ્ઞાતિઓમાં તો બાકાયદા એવાં અભિયાન ચાલે છે કે, પ્રિવેડિંગ અને પોસ્ટ વેડિંગ જેવી વાતોમાં પડ્યા વગર સાદીસીધી રીતે પ્રસંગને નિપટાવો. લગ્ન પાછળની જે ભાવના છે એને જીવંત રાખો. મેરેજમાં સૌથી વધુ જે મહત્ત્વનું હોય છે એ ફેરા અને સપ્તપદીનું મહત્ત્વ ઘટતું જાય છે. બાકીના કાર્યક્રમોમાં ભલે ગમે એટલો સમય લાગે, પણ વિધિમાં મહારાજને કહેવાય છે કે, જરાક ફટાફટ પતાવજો. મેરેજ ફિલ્મી થઇ ગયા છે. કેટલાક મેરેજમાં તો એવી ઝાકમઝોળ હોય છે જે જોઇને એવું જ લાગે જાણે કોઇ ફિલ્મ કે સિરિયલનું શૂટિંગ થઇ રહ્યું છે. અગાઉના સમયના મેરેજમાં વર અને કન્યાના ચહેરાના ભાવ જુદા હતા. જે છોકરીનાં લગ્ન હોય એને તો શરમના શેરડા ફૂટતા રહેતા. હવે કન્યા ડાન્સ કરતી કરતી વરમાળા પહેરાવવા આવે છે. ઘણા લોકો કહે છે, એમાં ખોટું શું છે? જેના મેરેજ હોય, જેના ખાતર બધું થતું હોય એ જ એન્જોય ન કરે એ થોડું ચાલે! વાત ખોટી નથી, દરેકનો નજરિયો જુદો જુદો હોય છે. સરવાળે એ વાત તો સાચી જ છે કે, પછેડી જેટલી સોડ તાણવી. રંગેચંગે લગ્ન કર્યાં પછી લાંબા ન થઇ જવાય એનું ધ્યાન રાખવું. દેખાદેખીમાં બરબાદ થવાવાળાની આપણા દેશમાં કોઇ કમી નથી! જમાના મુજબ બધું બદલતું જ રહેવાનું છે, આપણે કેટલું બદલવું એ આપણે નક્કી કરવાનું હોય છે!
———
પેશ-એ-ખિદમત
યે હિજરતોં કે તમાશે, યે કર્જ રિશ્તોં કે,
મૈં ખુદ કો જોડતે રહને મેં ટૂટ જાતા હૂં,
મેરી અના મુઝે હર બાર રોક લેતી હૈ,
બસ ઇક બાત હૈ કહને મેં ટૂટ જાતા હૂં.
-મુઇદ રશીદી
(`સંદેશ’, અર્ધસાપ્તાહિક પૂર્તિ, તા. 27 નવેમ્બર 2024, બુધવાર, `દૂરબીન’ કૉલમ)
kkantu@gmail.com