તું ભલે દૂર હોય, દિલથી હંમેશાં નજીક જ હોઇશ! – ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ

તું ભલે દૂર હોય, દિલથી

હંમેશાં નજીક જ હોઇશ!

ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ

 યે કબ ચાહા કિ મેં મશહૂર હો જાઉં,

બસ અપને આપ કો મંજૂર હો જાઉં,

બહાના કોઇ તો એ જિંદગી દે,

કિ જીને કે લિએ મજબૂર હો જોઉં.

-રાજેશ રેડ્ડી

જિંદગીમાં કશું જ કાયમી હોતું નથી. દરેક સંબંઘ એક આયખું લઇને આવતો હોય છે. આપણી જિંદગીમાં સંબંધો બનતા, બગડતા અને તૂટતા રહે છે. આપણી ઇચ્છા ન હોય તો પણ અમુક સંબંધોનો અંત આવતો હોય છે. આપણે સંબંધને આપણી નજર સામે જ તૂટતો જોઇએ છીએ. આપણે કંઇ જ કરી શકતા નથી. સંબંધ બંને પક્ષે એક સરખો જીવાતો હોતો નથી. આપણે કોઇને દિલોજાનથી પ્રેમ કરતા હોઇએ એટલે એ પણ આપણને એટલા જ ચાહે એવું જરૂરી નથી. એની ચાહત આપણા કરતા થોડી ઘણી ઓછી કે ઘણી બધી વધુ હોય શકે છે. પ્રેમ કરવાની પણ માણસની જુદી જુદી કેપેસિટી હોય છે. એક છોકરીની આ વાત છે. તેનો પ્રેમી હતો. સંપૂર્ણ રીતે કમિટેડ. પ્રેમિકાનું ખૂબ જ ધ્યાન રાખે. એની નાની નાની વાતની પરવા કરે. દરેક વાતને એપ્રિસિએટ કરે. કંઇ પણ થાય એ હાજર જ હોય. પ્રેમિકા થોડીક બિન્ધાસ્ત હતી. તેને ખબર હતી કે, તેનો પ્રેમી એના માટે કંઇ પણ કરી શકે છે. એક દિવસ તેણે પોતાના પ્રેમીને કહ્યું કે, તું આટલો બધો પણ સારો નહીં રહે. તું મારી જેટલી પરવા કરે છે એટલી હું કરી શકતી નથી. મને ગિલ્ટ થાય છે. પ્રેમિકાની વાત સાંભળીને પ્રેમીએ કહ્યું કે, એ તારો સ્વાભાવ છે, તારી પ્રકૃતિ છે. મારી ફિતરત જુદી છે. હું આવો જ છું. હું તને બદલવાનું કહેતો નથી અને હું ઇચ્છું તો પણ મારા સ્વભાવને બદલી શકું એમ નથી. તું જેવી છે એવી જ રહેજે. તું તારી જગ્યાએ બરાબર છે અને હું મારી જગ્યાએ યોગ્ય છું. જે જ્યાં હોય અને જેવા હોય એવો જ એનો સ્વીકાર થાય એ જ ખરો પ્રેમ છે.

આપણી લાઇફમાં પણ એવા લોકો હોય છે જે આપણા માટે ઘણું બધું કરતા હોય છે. આપણને ખુદને ન સમજાય કે, આ વ્યક્તિ મારા કેમ આટલું બધું કરે છે? સાવ નજીક ન હોય એ વ્યક્તિ પણ આપણા માટે ક્યારેક ઘણું બધું કરતી હોય છે. એક છોકરાની આ વાત છે. એ વિદેશ ભણવા ગયો હતો. એ જ્યાં રહેતો હતો તેની  બાજુમાં જ એક ફેમિલી રહેતું હતું. છોકરો એ પરિવારના પરિચયમાં આવ્યો. એ કપલ તેનું ખૂબ ધ્યાન રાખતું હતું. ઘરે કંઇ પણ બનાવ્યું હોય તો તરત જ તેને ખાવા બોલાવે. યુવાનની દરેક સમસ્યામાં એની મદદે પહોંચી જાય. યુવાનને સમજાતું નહોતું કે, આ બંને સાથે કોણ જાણે ક્યા ભવનું લેણું હશે? એનું સ્ટડી પૂરું થયું. એ વતન પાછો જતો હતો. છેલ્લી વખત તેને મળવા ગયો ત્યારે તેણે કપલને પૂછ્યું કે, તમે શા માટે મારું આટલું બધું ધ્યાન રાખ્યું?  પતિ-પત્ની બંનેએ કહ્યું કે, દરેક ઘટનાના કોઇ કારણો હોય એવું જરૂરી નથી. દરેક સંબંધ કોઇ સ્વાર્થ માટે જ હોય એવું પણ હોતું નથી. કેટલાંક ઋણાનુબંધ હોય છે. કોઇ કારણ વગર જ કોઇ પોતાનું લાગે, સારું લાગે. એમ જ તું અમને અમારો લાગ્યો! દરેક સંબંધને વિચાર કે તર્કના ચકડોળે ચડાવવાની પણ જરૂર હોતી નથી. એને બસ વહેવા દેવાના હોય. જેટલો સમય હોય જીવી લેવાના હોય.

ઘણી વખતે જુદા પડતી વખતે આપણને જ એમ થાય છે કે, હવે આને ક્યારે ફરીથી મળીશ? જે વ્યક્તિ રોજે રોજ મળતી હોય, એક ફોન કોલથી હાજર થઇ જતી હોય, એ અચાનક જ જોજનો દૂર ચાલી જાય છે. જુદા પડવાનો એનો કોઇ ઇરાદો નથી હોતો. સમય અને સંજોગો એવી પરિસ્થિતિ સર્જે છે કે, એ દૂર થઇ જાય. દૂર ગયા પછી પણ એ વ્યક્તિ દૂર હોતી નથી. દિલના એક ખૂણામાં એની યાદો સચવાયેલી હોય છે. ક્યારેક એ ખૂણો જીવતો થઇ જાય છે. એક સંબંધ ફરીથી તાજો થઇ જાય છે. સંબંધો ક્યારેય કાયમ માટે મરતા નથી. એ જીવતા હોય છે અને આપણે જેને મરેલા માની લીધા હોય એ સંબંધ પણ પાછા જીવતા થઇ જાય છે. એક સાવ સાચી ઘટના છે. એક પતિ-પત્ની હતા. તેને એક દીકરો હતો. દીકરાની એક ગર્લ ફ્રેન્ડ હતી. બંને બહુ જ સારી રીતે રહેતા હતા. કોઇ પણ તહેવાર કે પ્રસંગ હોય, બંને સાથે જ સેલિબ્રેટ કરતા. પતિ પત્ની એવું જ સમજવા લાગ્યા હતા કે, આ છોકરી જ ભવિષ્યમાં ઘરની વહુ બનવાની છે. બંનેની ખૂબ જ લાડકી હતી.

એક સમયે બંનેના લગ્નની વાત આવી. છોકરીની ઇચ્છા તો હતી પણ કાસ્ટ અલગ હોવાથી છોકરીના માતા પિતાએ ના પાડી. છોકરીએ કહ્યું કે, મારે મારા માતા-પિતાની મરજી વિરૂદ્ધ કંઇ જ કરવું નથી. છોકરો અને છોકરી બંને જુદા થઇ ગયા. એક બીજાને ભૂલી શકે એમ નહોતો છતાં બંનેએ દૂર થવા માટે સંપર્ક બંધ કરી દીધો. એક બીજાને અનફ્રેન્ડ કરી નાખ્યા. મોબાઇલમાં બ્લોક કરી દીધા. છોકરાના મા-બાપથી એ છોકરી ભૂલાતી નહોતી. કંઇ પણ પ્રસંગ હોય તે તરત જ એ યાદ આવી જતી હતી. સંપર્ક તો ઓછો જ થઇ ગયો હતો. એવામાં છોકરીનો બર્થ ડે આવ્યો. છોકરાની માતાએ દીકરાની જૂની ગર્લફ્રેન્ડને મેસેજ કર્યો અને હેપી બર્થ ડે કહ્યા. સાથોસાથ એમ પણ લખ્યું કે, તું અમારી લાડકી હતી, છે અને કાયમ રહેવાની છે. તું ભલે સાથે નથી પણ તું જ્યાં ક્યાંય પણ હોઇશ ત્યાં અમારી પ્રાર્થનાઓ તારી સાથે હશે. તું ખૂબ સુખી થાય એવી તને શુભકામનાઓ. થોડી જ વારમાં એ છોકરીનો જવાબ આવ્યો. મારી આંખો ભીની છે. મોબાઇલમાં ટાઇપ થતાં અક્ષરો ઝાંખા લાગે છે પણ તમારી લાગણી સ્પષ્ટ રીતે વર્તાય છે. આજે હું તમારી પાસેથી એ શીખી છું કે, દૂર થયા પછી પણ નજીક કેવી રીતે રહેવાય? તમારી યાદ આવે છે પણ સંપર્ક કરવાની હિંમત થતી નથી. મારાથી નક્કી નથી થતું કે, તમારી સાથે સંપર્ક રાખવાથી મને સારું લાગશે કે હું દુ:ખી થઇશ? ઘણું બધું તાજું થઇ જાય છે ત્યારે આયખું હચમચી જાય છે. ક્યારેક એવો વિચાર આવી જાય છે કે, આટલી બધી લાગણી કેમ થઇ ગઇ હતી? ક્યારેક એમ થાય છે કે, કેટલું સારું છે કે જેટલો સમય સાથે હતા એટલો સમય તમારી સાથે સો ટકા જીવાયો છે. જે હતું એનાથી ખુશ થવું કે જે નથી એનાથી દુ:ખી થવું એ નક્કી થતું નથી.

ઘણી વખત ઘણું બધું નક્કી થઇ શકતું હોતું નથી. જિંદગીમાં ઘણું બધું એવું બનતું હોય છે જે સમજની બહાર હોય છે. જે સમજાય નહીં એના પર બહુ વિચાર નહીં કરવાનો. જે સમય હોય એને જીવી લેવાનો. દરેક વખતે કોઇ તર્ક કામ કરતો નથી. સૌથી મહત્ત્વની વાત એ જ હોય છે કે, જે સંબંધ હોય એ જ્યારે હોય છે ત્યારે કેવી રીતે જીવાયો હોય છે? જો એ પૂરેપૂરો જીવાયો હોય તો એ સંબંધ સાર્થક છે. તમારી જિંદગીમાં એવો ક્યો સંબંધ છે જે દિલના કોઇ ખૂણે જીવતો છે? ક્યારેય એના પર નજર પડે ત્યારે શું તાજું અને જીવતું થઇ જાય છે? જૂના સંબંધો જેટલી ક્ષણો માટે જીવતા થઇ જાય એટલો સમય પૂરતો એ સંબંધ પણ જીવી લેવો જોઇએ. કોઇ વ્યક્તિ હતી જેણે જે તે સમયે પ્રેમ કર્યો હતો અને એ સમયે એ પ્રેમ સાચો, સારો અને પૂરેપૂરો જીવાયો હતો, એને થોડી ક્ષણો ફરીથી નજીક લાવી દેવાની હોય છે. ચહેરા પર હળવું હાસ્ય રાખીને મનથી એવી કામના કરવાની કે, એ જ્યાં હોય ત્યાં એને જિંદગીની તમામ ખુશીઓ પ્રાપ્ત થાય! ઘણી વખત દિલમાંથી નીકળેલા શબ્દો સાંભળીને ભગવાન પણ કહી દેતો હોય છે કે, તથાસ્તુ!

છેલ્લો સીન :

સ્મરણો દૂઝણાં હોય છે. સ્મરણો અચાનક કોઇ કારણ વગર થોડાક સમય માટે આપણને ભૂતકાળમાં ખેંચી જતા હોય છે. જૂની જિંદગી ફરીથી જીવી લેવાનો રોમાંચ પણ ગજબનો હોય છે. રોમાંચ અને રોમાન્સ આપણે જીવતા હોઇએ ત્યાં સુધી ક્યારેય મરતા નથી.   –કેયુ.

(‘સંદેશ’, સંસ્કાર પૂર્તિ, તા. 13 માર્ચ 2022, રવિવાર. ‘ચિંતનની પળે’ કોલમ)

kkantu@gmail.com

Krishnkant Unadkat

Krishnkant Unadkat

2 thoughts on “તું ભલે દૂર હોય, દિલથી હંમેશાં નજીક જ હોઇશ! – ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ

Leave a Reply

%d bloggers like this: