કોઈ મારું સુખ જોઈને કેમ સુખી થતું નથી? – ચિંતનની પળે

કોઈ મારું સુખ જોઈને
કેમ સુખી થતું નથી?

58
ચિંતનની પળે – કૃષ્ણકાંત ઉનડકટ

વાયરાએ ડાળને કૈં પ્રશ્ન પૂછ્યો છે,
છાંયડો પણ પાંદડાંનો સહેજ ઝૂક્યો છે.
હસ્તરેખાને બદલવા હોય બીજું શું?
મેં જ મારા હાથને લ્યો, આજ ચૂમ્યો છે.
-હેમંત ગોહિલ ‘મર્મર’

સંબંધો ક્યારેય આપણે ધારીએ એવા હોતા નથી, હોય તો એ કાયમ એકસરખા રહેતા નથી. દુ:ખના સમયમાં આપણી જોડાજોડ ઊભેલી વ્યક્તિ જ સુખના સમયમાં આપણી ઈર્ષા કરતો હોય છે. કોઈનું સુખ જોવું અને જીરવવું એ કંઈ નાનીસૂની વાત નથી. આપણાં દુ:ખે દુ:ખી થનારાં ઘણાં હોય છે, પણ આપણાં સુખે સુખી થનારાંઓની સંખ્યા બહુ ઓછી હોય છે. સુખ અને દુ:ખમાં પણ માણસ ચડસાચડસી કરતો હોય છે. આપણે કોઈનાે હાથ ઝાલીને બેઠો કર્યો હોય એ જ માણસ પછી દોડવા લાગે ત્યારે આપણને કેવું ફીલ થાય છે? હજુ ગઈ કાલ સુધી દુ:ખીના દાળિયા હતો અને આજે જુઓ, ફાટીને ધુમાડે ગયો છે.

ઘણા લોકોના મોઢે આપણે એવું પણ સાંભળતાં હોઈએ છીએ કે આજે એ જે કંઈ પણ છે એ મારા કારણે છે. મેં મદદ કરી ન હોત તો એનો ક્યાંય મેળ પડ્યો ન હોત. માની લઈએ કે, આ વાત સાચી છે, તો પણ શું? એક યુવાનની વાત છે. તેના વડીલે તેને આગળ વધવામાં મદદ કરી હતી. એ યુવાન સફળ થયો. પેલા વડીલ આખા ગામમાં એ જ વાત કરતા હતા કે, મેં કર્યું ત્યારે થયું. યુવાન ખુદ પણ કહેતો કે, સાચી વાત છે, એમણે મને મારા અઘરા સમયે મદદ કરી હતી, હું આજે જે કંઈ છું એ એમના કારણે છું. એક વખત એક કાર્યક્રમમાં પેલા વડીલે એ જ વાત કરી કે, એ મારા કારણે આગળ આવ્યો છે. આખરે યુવાને કહ્યું કે વડીલ, તમે મદદ કરી છે એ મને કહેવા દો. તમે જ કહેતા રહેશો તો તમારી કિંમત ઘટશે. આખા ગામમાં ગીત ન ગાવ. હું ક્યાં ના પાડું છું કે તમે મદદ નથી કરી. જેણે મદદ લીધી હોય એ કહે એની શોભા છે, મદદ કરનાર પોતે કહે એમાં નહીં.

આવો જ એક બીજો કિસ્સો છે. એક વડીલ વારંવાર કહેતાં કે, મારા કારણે જ એનું અસ્તિત્વ છે. મેં મદદ કરી ન હોત તો એની હાલત ખરાબ હોત. આ વાત સાંભળીને યુવાને કહ્યું કે, જુઓ અંકલ, તમે મદદ કરી ન હોતને તો બીજા કોઈએ કરી હોત. તમે મદદ કરી એ સાચું, પણ મહેનત તો મેં કરી છે. તમે તો ઘણાને મદદ કરી હતી, એ બધા કેમ આગળ ન આવ્યા? કોઈના માટે એમ કેમ નથી કહેતાં કે, મેં મદદ કરી હતી તો પણ એણે કંઈ ન ઉકાળ્યું! મહેરબાની કરીને પોતાની તંગડી ઊંચી રાખવાનું છોડો, આદર ધરાર ન મળે. આદર માટે આદરપાત્ર બનવું પડે છે.

એક સાચી ઘટના છે. એપાર્ટમેન્ટમાં એક ફ્લોર પર બે ફેમિલી બાજુબાજુમાં રહેતાં હતાં. ફ્લેટમાંથી કાયમ હસવાનો જ અવાજ આવે. ઘરના બધા સભ્યો આનંદમાં જ હોય. એક દિવસ જુદું બન્યું. એ ઘરમાંથી હસવાને બદલે રડવાનો અવાજ આવ્યો. બાજુવાળાને પહેલી વાર મોકો મળ્યો કે પડોશીની વાત કરી શકે. બીજા લોકોને તેણે વાત કરી કે, એ ઘરમાંથી રડવાનો અવાજ આવતો હતો, કંઈક થયું લાગે છે. આ વાત જ્યારે એ ફ્લેટમાં રહેતા ભાઈને ખબર પડી ત્યારે એણે પડોશીને કહ્યું કે, અમારા ઘરમાંથી રોજ હસવાનો અવાજ આવે છે, એ વખતે તો તમે કોઈને કહ્યું નહીં કે આ લોકોના ઘરમાંથી દરરોજ હસવાનો અવાજ આવતો હોય છે. ખૂબ હેપ્પી ફેમિલી છે. એક દિવસ રડવાનો અવાજ આવ્યો તો તમને વાતનો મુદ્દો મળી ગયો.

અચ્છા ચલો, તમને રડવાનો અવાજ આવ્યો તો તમે ડોરબેલ મારીને પૂછવા કેમ ન આવ્યા કે શું થયું? અમે કંઈ ઉપયોગી થઈ શકીએ? તમે એવું ન કરી શક્યા, કારણ કે તમે ક્યારેય અમારા સુખમાં ભાગીદાર બન્યા નથી. અરે! દુ:ખ તો માણસ એકલો પણ સહન કરી લે, માણસમાં એટલી તાકાત હોય છે, તમે મારું સુખ સહન કરી શકશો? તો આવો અને મારી સાથે દોસ્તી રાખો.

કંઈ પણ કામ હોય તો મને કહેજે, હું બેઠો છું એવું ઘણાં કહેતાં હોય છે. માત્ર કહેતાં હોતાં નથી, જરૂર પડે ત્યારે હાજર પણ થઈ જતાં હોય છે. આવા લોકોની વાત સાંભળીને ક્યારેક સવાલ થાય કે, કંઈ કામ ન પડે તો? તો નહીં આવવાનું? બે સગાં ભાઈઓની આ વાત છે. મોટા ભાઈને નાના ભાઈ પ્રત્યે અપાર સ્નેહ. નાના ભાઈને કંઈ ઓછું ન આવવા દે. નાનો ભાઈ જરાયે તકલીફમાં હોય તો એ કહે તે પહેલાં તેને મદદ મળી જાય. મોટાભાઈ એનાથી થતું બધું કરીને ફરજ બજાવ્યાનો સંતોષ માને.

એક વખત નાના ભાઈને ત્યાં પ્રસંગ હતો. મોટા ભાઈએ કહ્યું કે, એમાં મારું શું કામ છે? તું પતાવી લેજેને. મારે બીજાં ઘણાં કામ છે. આ વાત સાંભળીને નાના ભાઈએ કહ્યું કે, તું માત્ર મારી તકલીફમાં જ તારી ફરજ ન બજાવ, તને એમ નથી થતું કે મારા ભાઈની મજામાં, એની ખુશીમાં અને એના સુખમાં સામેલ થવું એ પણ મારી ફરજ છે. મારા ભાઈ, તું સારો છે, મારું ખૂબ ધ્યાન રાખે છે, પણ મને મારા સારા અવસરે તારા સંગાથની જરૂર છે. મારે માત્ર તને એ અહેસાસ કરાવવો છે કે જો તેં જે ઝાડને ખાતર અને પાણી આપ્યું છે, એમાં ફૂલો ખીલ્યાં છે. આ ફૂલોની સુગંધ પ્રસરી રહી છે, તું એ સુગંધને માણ એવી મારી ઇચ્છા છે. આપણે ફરજની પણ ઘણી વખત ખોટી વ્યાખ્યા કરી નાખતા હોઈએ છીએ. આપણી રીતે જ માની લેતા હોઈએ છીએ કે અત્યારે મારી જરૂર છે અને અત્યારે નથી. થોડોક વિચાર કરજો કે તમારી વ્યક્તિને ખરેખર જરૂર હોય છે ત્યારે તમે હોવ છો? આપણે દવાખાને તો પહોંચી જતાં હોઈએ છીએ, પણ પૂજામાં જવાનું ટાળતા હોઈએ છીએ. મારી ફરજ છે, મારે જવું જોઈએ એ એક વાત છે અને મને તેના પ્રત્યે લાગણી છે, મારે જવું છે એ બીજી વાત છે. બે બાબતો વચ્ચે ઘણી વખત એટલી પાતળી ભેદરેખા હોય છે જે આપણને દેખાતી નથી અને ઘણી વખત સમજાતી પણ નથી!

સુખની અનુભૂતિ પણ સાત્ત્વિક હોવી જોઈએ. સુખને અનુભવતા પણ આવડવું જોઈએ. સુખનો પણ સંતોષ હોવો જોઈએ. સુખ કોઈને દેખાડવા માટે હોતું નથી. સુખ સુખી થવા માટે હોય છે. આપણી પાસે જે હોય તે બીજાને બતાવવામાં અને કહેતા રહેવામાં ઘણા લોકો સુખ અનુભવે છે. કોઈ નવી વસ્તુ પહેરી હોય અને કોઈ નોંધ ન લે તો ઘણા લોકો દુ:ખી થઈ જાય છે. તેનું કારણ એ જ હોય છે કે એણે બીજા પાસેથી પોતાના સુખનું પ્રમાણપત્ર જોઈતું હોય છે. કોઈ બીજું કહે ત્યારે જ એને બધું વર્થ લાગે છે, બાકી વ્યર્થ લાગે છે. હેર સ્ટાઇલ ચેઇન્જ કરી હોય કે નવો ડ્રેસ પહેર્યો હોય તો પણ આપણને બીજા તરફથી એપ્રિશિએશન જોઈતું હોય છે. ઘણા લોકો તો એવું કરતાં હોય છે કે આપણને સમજ જ ન પડે કે એ પોતાના માટે કરે છે કે બીજા માટે?

એક માણસ સાધુ પાસે ગયો. તેણે સાધુને કહ્યું કે, હું ખૂબ સુખી છું. પ્રોબ્લેમ એ છે કે કોઈ મારા સુખે સુખી થતું નથી. સાધુએ હસીને કહ્યું કે, તું પણ ક્યાં તારા સુખે સુખી થાય છે? પહેલાં તો તું તારા સુખથી સુખી થા. તું તો આખો દિવસ બધાને તારું સુખ બતાડવા જ મથતો રહે છે. તારું સુખ કોઈ ન જુએ તો તું દુ:ખી થાય છે. સુખ સહજ રીતે વર્તાવું જોઈએ. સુખી થવું તારા હાથમાં છે, પણ તેં તારું સુખ બીજાના હાથમાં આપી દીધું છે. તમારા તાળાની ચાવી બીજા પાસે હોય ત્યારે તમે તમારી ઇચ્છા થાય ત્યારે અને તમારી મરજી હોય ત્યારે તાળું ન ખોલી શકો.

કુદરતે આમ તો દરેક વ્યક્તિને એના પૂરતું સુખ આપ્યું જ હોય છે. આપણા સહુની પાસે આપણા પૂરતું સુખ હોય જ છે. આપણા દુ:ખનું એક કારણ એ હોય છે કે આપણી પાસે જે સુખ હોય છે તેને આપણે ગણકારતા નથી. આપણું સુખ બીજાના પ્રમાણ ઉપર નક્કી થાય છે. બીજા કરતાં આપણી પાસે વધુ હોય તો આપણે આપણી જાતને તેના કરતાં વધુ સુખી સમજીએ છીએ. ચલો એમાં પણ વાંધો નથી, વાંધો એમાં છે કે બીજા કરતાં આપણી પાસે ઓછું હોય ત્યારે આપણે આપણી જાતને દુ:ખી સમજવા માંડીએ છીએ. આપણે એવું વિચારતા જ નથી કે મારી પાસે મારા પૂરતું તો છે જ. આપણે બંગલો, ગાડી, ગેઝેટ્સ, રાચરચીલું અને બીજી ચીજવસ્તુઓને સુખ સમજવા માંડીએ છીએ. સુખ એમાં છે જ નહીં.

તમારી પાસે ગમે એટલું હશે તો પણ એક હકીકત એ તો રહેશે જ કે તમારા કરતાં કોઈ પાસે વધુ હશે. તમે સરખામણી કરતાં રહેશો તો ક્યારેય સુખી નહીં થાવ. એક મોટી ઉંમરના માણસની આ વાત છે. મિત્રો સાથે વાતો કરતી વખતે તેણે કહ્યું કે, મારા જેટલું સુખ કદાચ તમારામાંથી કોઈએ અનુભવ્યું નથી. હા, મારા કરતાં સંપત્તિ તમારા બધા પાસે વધુ છે, સુખ મારી પાસે વધુ છે. એક નિશ્ચિત હદે પહોંચ્યો ત્યારે મેં નક્કી કર્યું કે બસ, હવે મારે વધારે જોઈતું નથી. ઘર ત્રણ રૂમનું હોય કે દસ રૂમનું, તમારે સૂવાનું તો એક જ રૂમમાં છે. મહત્ત્વનું એ છે કે સૂતા પછી સરખી ઊંઘ આવે. મને રાતે સરસ મજાની ઊંઘ આવે છે. સૂવા માટે ગોળી લેવી પડતી નથી, ઊઠવા માટે એલાર્મ મૂકવું પડતું નથી. મારું સુખ મારી અંદર છે અને દરેક ક્ષણે હું એ સુખ અનુભવું છું.

તમે સુખી છો? થોડોક વિચાર કરશો તો થશે કે મારા પૂરતું સુખ તો મારી પાસે છે જ. હવે બીજી વાત, તમારી પાસે એવી વ્યક્તિ છે જે તમારા સુખને જોઈને સુખી થાય? હોય તો એનું જતન કરજો, એવા લોકો દુર્લભ હોય છે અને હા, થોડોક એ પણ વિચાર કરજો કે તમે પોતે કોઈનું સુખ જોઈને સુખી થાવ છો? જો ન થતાં હોવ તો બીજાનું તો જે થવાનું હશે એ થશે, તમે સુખી નહીં થાવ. જે માણસ બીજાનું સુખ ન સમજી શકે એને પોતાનું સુખ ક્યાંથી સમજાવાનું?

છેલ્લો સીન:
આપણું સુખ તો આપણા હાથવગું જ હોય છે, આપણું ધ્યાન ત્યાં નથી હોતું, પણ બીજાના હાથમાં શું છે એના પર હોય છે! –કેયુ.

(‘દિવ્ય ભાસ્કર’, ‘કળશ’ પૂર્તિ, તા. 09 નવેમ્બર, 2016, બુધવાર. ચિંતનની પળે કોલમ)

09-november-2016-58

Krishnkant Unadkat

Krishnkant Unadkat

6 thoughts on “કોઈ મારું સુખ જોઈને કેમ સુખી થતું નથી? – ચિંતનની પળે

  1. Sir I was written your article last one year it was very inspired to me I love your article ‘chintan ni pade’ I bless for you and your article .i was very thankful to you

  2. આપનો લેખ વાંચીને હંમેશા નવી ઉર્જા પ્રાપ્ત થાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *