એ વ્યક્તિ ક્યાં હશે?
એનું શું થયું હશે?
ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ
કદી મહેનત કરી લઉં છું, કદી રાહત કરી લઉં છું,
ઘણી વેળા અમસ્તી પણ ખડી આફત કરી લઉં છું,
કિનારાની જેમ સાગરથી કદી જીવ્યું નથી જાતું,
નિરંતર હું જીવનમાં કંઇક ને કંઇક હરકત કરી લઉં છું.
-અકબરઅલી જસદણવાલા
સમયની સાથે કેટલાંક સંબંધો પણ પસાર થઇ જતા હોય છે. થોડુંક પાછળ વળીને જોઇએ તો એવા કેટલાંયે ચહેરા નજરે તરવરી ઊઠે છે જે ક્યારેક ખૂબ નજીક હતા. આપણી જિંદગીમાં કેટલા બધા લોકો આવતા અને જતા હોય છે. એક સમયે જેની સાથે રોજ મળવાનો અને વાત કરવાનો સંબંધ હોય એ પણ જુદા થઇ જાય છે. નોકરી, શહેર, પડોશી, મિત્રો અને સ્વજનો પણ બદલાતાં રહે છે. એ જ્યારે નજીક હોય ત્યારે આપણી જિંદગીનો અતૂટ હિસ્સો હોય છે. એના વગર ચાલે નહીં. જુદા પડવાની વેળાએ પેઇન પણ થયું હોય છે. પ્રારંભના સમયમાં યાદ પણ આવે છે. ફોન પર વાતો પણ થાય છે. ધીમે ધીમે દરેક વ્યક્તિ પોતાની નવી લાઇફમાં સેટ થઇ જાય છે. સંબંધ દૂર થઇ જાય છે. અચાનક ક્યારેક યાદ આવી જાય છે કે, એ વ્યક્તિ શું કરતી હશે? ક્યાં હશે? એની સાથે કેવો સરસ સમય કાઢ્યો હતો. એક યુવાનની આ સાવ સાચી વાત છે. એક મોટા શહેરમાં એ નોકરીની તલાશમાં આવ્યો હતો. એક રૂમ ભાડે રાખીને રહેતો હતો. એ રૂમ જેની માલિકીનો હતો એ આન્ટી યુવાનનું ખૂબ જ ધ્યાન રાખતાં. યુવાનને પણ એ આન્ટી માટે આદર હતો. તેને થતું કે, જ્યારે કંઇક બની જઇશ ત્યારે આ આન્ટી માટે હું કંઇક કરીશ. સમય જતો ગયો. એ યુવાનને નસીબે બરોબર સાથ આપ્યો. એ બહુ આગળ વધી ગયો. સારી તક મળી એટલે વિદેશ સેટલ થઇ ગયો. મુશ્કેલીના સમયમાં ધ્યાન રાખનારાં આન્ટી ક્યારેક યાદ આવી જતાં પણ શેડ્યૂલ એટલું ટાઇટ રહેતું કે ફોન કરવાનો પણ સમય ન મળતો. એક વખત એ પાછો વતન આવ્યો. તેણે નક્કી કર્યું કે, આ વખતે તો આન્ટી પાસે જવું જ છે. એ આન્ટીને મળવા ગયો. આન્ટી પણ તેને જોઇને ખુશ થઇ ગયાં. યુવાને આન્ટીને પૂછ્યું, તમારા માટે હું શું કરી શકું? આન્ટીએ કહ્યું, કંઈ નહીં, તું આવ્યો એ જ બસ છે. મને ક્યારેક તું યાદ આવી જતો ત્યારે એવું થતું કે, એ ક્યાં હશે? એની સાથે શું થયું હશે? એ મજામાં તો હશેને? જ્યારે તું યાદ આવતો ત્યારે ભગવાનને પ્રાર્થના કરી લેતી હતી કે, તારું ભલું કરે અને તને સફળતા આપે. આપણા બધાની લાઇફમાં એવું કોઇક હોય છે જે આપણા માટે આપણને ખબર ન હોય એ રીતે પ્રાર્થના કરતું હોય છે. બાય ધ વે, તમારી લાઇફમાં એવું કોણ છે જેના માટે તમે પ્રાર્થના કરો છો? કોઇ જૂના સાથી, કોઇ દોસ્ત, કોઇ કલીગ, કોઇ અજાણી વ્યક્તિ, કોઇક એવું જે સમયની સાથે દૂર થઈ ગયું છે.
ઘણી વખત જે વ્યક્તિને જિંદગીમાં ખૂબ ઝંખી હોય એ પણ દૂર થઇ જતી હોય છે. એ વ્યક્તિ મળી હોય ત્યારે એવું થયું હોય કે, હવે આની સાથે જીવવું છે. એના વિચારો કર્યા હોય, એનાં સપનાં જોયાં હોય. એ પછી કંઈક એવું થયું હોય કે, અલગ થઇ જવું પડે. મન મનાવવું પડે કે, આપણે ઇચ્છીએ એ બધું થોડું મળી જ જાય? હાથની રેખામાં કદાચ એનું નામ નહીં લખ્યું હોય. એક છોકરાની આ સાવ સાચી વાત છે. એ એક છોકરીને પ્રેમ કરતો હતો. છોકરીને પણ તેના માટે ભારોભાર પ્રેમ હતો. છોકરાએ મેરેજની વાત કરી. છોકરીએ કહ્યું, મારે પણ તારી સાથે મેરેજ કરવા છે પણ જો મારા ઘરના લોકો ના પાડશે તો હું નહીં કરું. મારે મારા ઘરના લોકોનું દિલ દુભાવવું નથી. છોકરીએ એક વખત હિંમત કરીને મા-બાપને વાત કરી કે, મને એક છોકરો ગમે છે. માતા-પિતાએ છોકરો કોણ છે એ પણ ન પૂછ્યું અને સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું કે, લવ મેરેજ કરવાનું તો વિચારતી જ નહીં. છોકરી ઉપર વૉચ રાખવા માંડ્યા. માંડમાંડ મેળ પાડીને એ છોકરાને મળી. સારી રીતે એને કહ્યું કે, આપણાં લગ્ન શક્ય નહીં બને. બહેતર એ છે કે આપણે અલગ થઇ જઇએ. છોકરાને આઘાત લાગ્યો પણ તેણે કહ્યું, જેવી તારી મરજી. બંને અલગ પડી ગયાં. છોકરાએ પોતાની પ્રેમિકાની યાદોથી છૂટકારો મેળવવા માટે શહેર જ બદલાવી નાખ્યું. ઘણો સમય વીતી ગયો. છોકરીને ક્યારેક યાદ આવી જતો અને થતું કે એ શું કરતો હશે? ક્યાં હશે? સુખી અને ખુશ તો હશેને? ક્યારેક તેને શોધીને સંપર્ક કરવાનું પણ મન થતું પણ એ માંડી વાળતી. એનું સોશિયલ મીડિયા જોવાનું પણ ટાળતી. તેને થતું કે, જૂના ઘા ખોતરવાથી વેદના જ થવાની છે. બહેતર એ છે કે, એનાથી દૂર જ રહું, માંડ માંડ ભુલાયો છે ત્યાં ક્યાં પાછું બધું જીવંત કરવું. સમય વીતતો ગયો. બંનેના જુદી જુદી જગ્યાએ મેરેજ થઇ ગયા. બંને સુખી હતાં. એક વખત બંનેનો કોમન ફ્રેન્ડ છોકરાને મળ્યો. તેણે પૂછ્યું, ક્યારેય એનો સંપર્ક કરવાનું મન નથી થતું? એને મળવાનું મન નથી થતું? છોકરાએ કહ્યું, ઘણી વખત થયું છે પણ ક્યારેક મનને માર્યું છે તો ક્યારેક મનને મનાવી લીધું છે. હવે તો એવું પણ થાય છે કે, તેની સાથેનાં સ્મરણો છે એ જ મારા માટે પૂરતાં છે. મારા મનમાં તેની એક છબિ છે, એ મારે છે એમ જ રાખવી છે. સુંદર યાદોને પણ છંછેડવી ન જોઇએ. એ યાદ આવે ત્યારે તેની સાથે વિતાવેલી પળો થોડીક વાર જીવી લેવાની અને પછી પાછાં આપણી પોતાની દુનિયામાં આવી જવાનું.
આપણી જિંદગીમાં લોકોની અવરજવર થતી રહે છે. કોઈ એવું હોય છે જે ચાલ્યું જાય પછી પણ રહી જાય છે. પૂરેપૂરું જતું જ નથી. ક્યારેક એ વેદના પણ આપી જાય છે. જેની સાથે જીવવાની કલ્પના કરી હોય, સપનાં જોયાં હોય એ તૂટે ત્યારે વેદના તો થવાની જ છે. મૂવ ઓન થઇ જવાનું ભલે કહેવાતું હોય પણ મૂવ ઓન થતી વખતે એક એક પગલું બહુ ભારે લાગતું હોય છે. સંબંધોનું કેવું છે નહીં? કોઇ કાયમી રહેતું નથી. કેટલાંક પ્રેમથી, કેટલાંક કડવાશથી તો કેટલાંક સંજોગોથી જુદા થઈ જતાં હોય છે. કડવાશથી જુદા પડેલા લોકોની થોડીક મીઠાશ પણ રહી જતી હોય છે. મનદુ:ખ થાય, મતભેદ થાય ત્યારે સંબંધ એકઝાટકે તૂટે છે. આપણે તો સંબંધ રાખવા હોય છે પણ સામેની વ્યક્તિ જ જો સંબંધ તોડે તો આપણે લાચાર હોઇએ છીએ. કોઇ સંબંધ એક છેડેથી ટકતો નથી. બંને તરફ એકસરખી સંવેદનાઓ હોય તો જ મેળ પડે છે. એક વખત જુદાં પડી ગયાં પછી પાછાં મળીએ તો પણ એમાં પહેલાં જેવો ચાર્મ રહેતો નથી. ક્યારેક તો વર્ષો પછી કોઇ મળે ત્યારે એવું લાગે કે, આને મળ્યા એના કરતાં તો ન મળ્યા હોત તો સારું હતું. મને કલ્પના નહોતી કે, આ વ્યક્તિ આટલી બધી બદલાઇ જશે. માણસો બદલાતા હોય છે. આપણે પણ ચેન્જ થતાં રહીએ છીએ. સંબંધોની મજા એ જ છે કે, એ જ્યારે હોય ત્યારે એને જીવી લેવાના. એ સંબંધ હંમેશાં એવો જ રહે એવું પણ માની ન લેવું. દરેક સંબંધ આયખું લઇને આવતા હોય છે. સંબંધના શ્વાસ પણ ખૂટતા હોય છે અને સંબંધ તૂટતા હોય છે. ભલે ગમે એ રીતે જુદાં પડ્યાં હોય પણ કોઈ જૂનો સંબંધ યાદ આવી જાય ત્યારે થોડુંક હસી લેવાનું, તેના માટે પ્રાર્થના કરી લેવાની અને પછી પોતાનામાં પરોવાઈ જવાનું. અત્યારે જે સંબંધ સજીવન છે એને જીવી લો, કારણ કે એનું આયખું કેટલું છે એની પણ આપણને ક્યાં ખબર છે?
છેલ્લો સીન :
જિંદગી રોજ નવું શીખવાડતી રહે છે. આપણે એ નક્કી કરવું પડતું હોય છે કે, જિંદગીએ જે શીખવ્યું છે એમાંથી શું યાદ રાખવું અને શું ભૂલી જવું? શું અપનાવવું અને શું અવગણવું? આ પસંદગીમાં જો થાપ ખાઈ જઇએ તો જિંદગીની ગાડી આડે પાટે ચડી જાય છે! – કેયુ.
(`સંદેશ’, `સંસ્કાર’ પૂર્તિ, તા. 07 એપ્રિલ 2024, રવિવાર. `ચિંતનની પળે’ કૉલમ)
kkantu@gmail.com