કારનું સપનું : મારી પાસે પણ એક મસ્ત કાર હોય! – દૂરબીન : કૃષ્ણકાંત ઉનડકટ

કારનું સપનું : મારી પાસે
પણ એક મસ્ત કાર હોય!

દૂરબીન : કૃષ્ણકાંત ઉનડકટ


———-

આપણા દેશમાં સાડા સાત ટકાથી વધુ લોકો પાસે પોતાની કાર છે.
ગુજરાતમાં 10.9 ટકા લોકો પાસે પોતાની કાર છે.
કારની ડિમાન્ડ સતત વધી રહી છે!


———–


કાર એવી ચીજ છે જે દરેક વ્યક્તિને આકર્ષે છે. જેમની પાસે કાર નથી એના માટે પોતાની કાર લેવી એ એક સપનું હોય છે. જેમની પાસે કાર છે એને પણ વધારે મોટી અને લેટેસ્ટ કાર ખરીદવાની ઇચ્છા થતી રહે છે. એક સમય હતો જ્યારે કાર એ સ્ટેટસ સિમ્બોલ ગણાતી હતી. ગાડી હોવી એ ધનવાન હોવાની નિશાની હતી. હવે એવું નથી. હવે તો કઇ કાર છે તેના પરથી સ્ટેટસ નક્કી થાય છે. હજુ થોડાં વર્ષો અગાઉ આપણા દેશમાં માત્ર એમ્બેસેડર અને ફિઆટ એમ બે કંપનીની જ કાર હતી, હવે દુનિયાની બેસ્ટ બ્રાન્ડની કાર અવેલેબલ છે. કારનાં નવાં નવાં મૉડેલ બજારમાં આવતાં જ રહે છે. મેન્યુઅલ, ઓટોમેટિક, સીએનજી, ઇલેક્ટ્રિક સહિત જાતજાતની કાર લોકોને લલચાવતી રહે છે. કાર ધીમેધીમે લોકોની જરૂરિયાત બનતી જાય છે. રોજે રોજ મોટી સંખ્યામાં કારનું વેચાણ થાય છે. નવી કાર આવે એટલે જૂની વેચી દેવામાં આવે છે, એના કારણે સેકન્ડ હેન્ડ કાર માર્કેટ પણ જબરજસ્ત ધમધમતું રહે છે.
રોડ પર કારના કાફલા અને ટ્રાફિકના પ્રોબ્લેમ જોઇને એમ થાય કે, આ બધું ક્યાં જઇને અટકશે? પાર્કિંગના ઇશ્યૂઝ દિવસે ને દિવસે વધી રહ્યા છે. રોડની બંને બાજુ કારના થપ્પા લાગેલા હોય છે. કાર એક્સપર્ટ્સ ભારતના બજારનો અભ્યાસ કરીને કહે છે કે, આ બધું ક્યારેય ઘટવાનું તો નથી જ, ઉલટું વધવાનું છે! આપણા દેશમાં હજુ મોટા ભાગના લોકો કારથી વંચિત છે. મેળ પડે એટલે એ કાર ખરીદવાના જ છે. આપણા દેશમાં કુલ કેટલા લોકો પાસે કાર છે? માત્ર સાડા સાત ટકા પાસે! મતલબ કે હજુ 92.5 ટકા લોકો પાસે કાર નથી અને એમાંથી મોટા ભાગના લોકો મેળ પડે એટલે કાર ખરીદવાના જ છે. દેશમાં પંચાવન ટકા લોકો પાસે ટુ-વ્હીલર છે. રાજ્યોની વાત કરીએ તો સૌથી વધુ ગોવાના લોકો પાસે કાર છે. દેશના સૌથી નાના રાજ્ય ગોવામાં 45.2 ટકા લોકો પાસે કાર છે. બીજા નંબરે કેરળના 24.2 ટકા લોકો કાર ધરાવે છે. કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ અને કાશ્મીર કોઇ ને કોઇ કારણસર ચર્ચામાં રહે છે. આ રાજ્યમાં આતંકવાદીઓ ઉધામા મચાવતા રહે છે. ગમે તે હોય પણ કાર ધરાવનારા લોકોમાં જમ્મુ અને કાશ્મીરનો નંબર ત્રીજો આવે છે. કાશ્મીરમાં 23.7 ટકા લોકો પાસે કાર છે. ગુજરાત અને મહારાષ્ટ્રની ગણના સમૃદ્ધ રાજ્યમાં થાય છે. આપણા ગુજરાત રાજ્યમાં રોડ પર અસંખ્ય કાર જોવા મળે છે પણ ગુજરાતમાં માત્ર 10.9 ટકા લોકો પાસે જ કાર છે. મહારાષ્ટ્રમાં 8.7 ટકા લોકો કારના માલિક છે. સૌથી ઓછી કાર બિહારમાં છે. બિહારમાં માત્ર બે ટકા લોકો પાસે જ કાર છે.
ભારતમાં અડધા કરોડથી માંડીને ત્રણ-ચાર કરોડની કાર પણ ધડાધડ વેચાઇ રહી છે. ગયા વર્ષે એટલે કે 2022ના વર્ષના પહેલા નવ મહિનામાં 25000થી વધુ મોંઘી લક્ઝરી કારનું વેચાણ થયું હતું. ભારતમાં સૌથી વધુ મર્સિડિસ, બીએમડબલ્યુ અને ઓડીની ડિમાન્ડ રહે છે. આ વર્ષે કોસ્ટલી કારના વેચાણમાં પચાસ ટકા જેટલો વધારો થયો છે. આ વધારા વિશે નિષ્ણાતોનું માનવું એવું છે કે, કોરોના પછી લોકોની માનસિકતામાં ફેર પડ્યો છે. લોકો હવે જીવી લેવામાં માનવા લાગ્યા છે. આપણો દેશ યુવાનોનો દેશ છે. સમગ્ર વિશ્વમાં યંગસ્ટર્સની સૌથી વધુ સંખ્યા ભારતમાં છે. આ યુવાનો સારું એવું કમાય છે અને વાપરી પણ જાણે છે. અગાઉના સમયમાં બચત અને રોકાણનો કન્સેપ્ટ વધુ હતો, હવે વાપરવાનો અને એન્જોય કરવાનો ટ્રેન્ડ છે.
અલબત્ત, કાર વર્લ્ડમાં એક જુદી વાત પણ જોવા મળે છે. ઓલા, ઉબર જેવી ટેક્સી સર્વિસના કારણે ઘણા લોકો કાર ખરીદવાનું ટાળી રહ્યા છે. રોડ પર ટ્રાફિક સતત વધતો જાય છે. કાર લઇને નીકળવું એ માથાના દુખાવા જેવું બનતું જાય છે. સેલ્ફ ડ્રાઇવનો જેને શોખ હોય એનો વાંધો નથી, બાકી જેને કાર ચલાવવી ગમતી નથી એના માટે તો રોડ પર નીકળવું અઘરું છે. લોકો કહે છે કે, કાર લઇને ઓફિસે પહોંચીએ ત્યાં સુધીમાં જ થાકી જવાય છે. રોડ પર જતાં હોઇએ ત્યારે સ્ટ્રેસ લેવલ હાઇ હોય છે. એના કરતાં કાર બોલાવી લેવાની, મસ્તીથી બેસી જવાનું, ડ્રાઇવર આરામથી પહોંચાડી દે. પેમેન્ટ કરીને છુટ્ટા. એક હિસાબ-કિતાબ તો વળી એવું કહે છે કે, કાર ખરીદવી, લોનના હપ્તા ભરવા, ફ્યુઅલનો ખર્ચ કરવો, કારને મેન્ટેન કરવી અને પાર્કિંગ માટે જગ્યાની વ્યવસ્થા કરવી એના કરતાં ટેક્સી બોલાવી લેવી સરવાળે સસ્તી પડે છે! કાર લઇને એને સાચવવાની ઝંઝટ કોણ કરે? જોકે, પોતાની કાર હોવાની વાત જ જુદી છે. લોકો માટે અમુક કાર તો ડ્રીમ કાર હોય છે. મેળ પડે તો આ કાર ખરીદવી છે એવું સપનું લોકો જોતા હોય છે. નવી કાર પોસાય તેમ ન હોય તો સેકન્ડ હેન્ડ કાર ખરીદીને પોતાની ડ્રીમ કારની ઇચ્છા પૂરી કરશે.
સ્મોલ અને પ્રમાણમાં સસ્તી કારની ડિમાન્ડ આપણા દેશમાં સૌથી વધુ છે. દેશમાં એવા લોકોની સંખ્યા મોટી છે જેને કાર રાખીને શૉ-બાજી નથી કરવી પણ પોતાના નાનકડા પરિવારને સગવડ આપવી છે અને ફરવા જવું છે. ભલે નાની તો નાની પણ મારી પાસે કાર છે એનો સંતોષ પણ મહત્ત્વનો છે. બાય ધ વે, તમારી સપનાની કાર કઇ છે? ઘરનું ઘર અને કાર એ બંને માટે માણસ મહેનત કરતો હોય છે. ઘર તો એક વખત લઇ લીધા પછી વાંધો આવતો નથી. કાર તો બદલાવવાનું મન થતું રહે છે. નવી નવી કાર બજારમાં આવતી જ જાય છે. કાર લેતી વખતે લોકો સેફ્ટી ફિચર્સથી માંડીને એવરેજ સુધીની બાબતો ધ્યાનમાં લે છે એ વાત સાચી પણ સૌથી વધુ તો માણસને કારનો દેખાવ જ આકર્ષે છે. અમુક કાર જોઇને જ એમ થાય છે કે, શું મસ્ત કાર છે! કારના ડીલર બીજી કારના પ્લસ પોઇન્ટ્સ ગણાવતા હોય તો પણ માણસ છેલ્લે તો પોતાને ગમતી હોય એ કાર જ ખરીદતો હોય છે. પહેલાંના સમયમાં ફોરેનથી જે લોકો આવતા એના મોઢે એવું સાંભળવા મળતું કે, અમારે ત્યાં તો સામાન્ય કામ કરવા આવનારા મજૂરો અને કારીગરો પણ કાર લઇને આવે છે. આવી જ સ્થિતિ હવે આપણા દેશમાં સર્જાવા લાગી છે. રોજે રોજ હજારો કાર બજારમાં ઠલવાય છે અને એના કારણે સેકન્ડ હેન્ડ માર્કેટમાં કાર છલકાઇ રહી છે. જે કાર જેને પોસાય એ ખરીદે છે અને પોતાની ઇચ્છાઓ પૂરી કરે છે. દુનિયામાં સૌથી વધુ કાર ચીનમાં છે. બીજો નંબર અમેરિકાનો છે. એ પછી જાપાન, જર્મની અને આપણા દેશનો નંબર આવે છે. આપણા દેશનું અર્થતંત્ર અત્યારે દુનિયામાં પાંચમા નંબરનું છે. આગામી સમયમાં આપણો દેશ અમેરિકા અને ચીન પછી ત્રીજા નંબરની ઇકોનોમી બની જવાનો છે. વિકાસ પણ વધવાનો છે અને કારની ડિમાન્ડ પણ વધવાની છે. માર્કેટ એક્સપર્ટ્સ છાતી ઠોકીને કહે છે કે, ઇન્ડિયાનું કાર કલ્ચર સોળે કળાએ ખીલવાનું છે!
હા, એવું છે!
વિશ્વના સૌથી પહેલા કાર અકસ્માત વિશે મતમતાંતર છે. ફર્સ્ટ કાર એક્સિડેન્ટ 1891માં અમેરિકાના ઓહાયોમાં થયો હતો. જોન લેમ્બર્ટ કાર ચલાવતા હતા અને જેમ્સ સ્વોવેલેન્ડ સફર કરતા હતા. ડ્રાઇવરે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવતા કાર રોડ પરથી ઊતરી અને ઝાડ સાથે અથડાઈ હતી. એ સમયે કારની સ્પીડ જ મર્યાદિત હતી એટલે બંનેને સામાન્ય ઈજાઓ જ થઇ હતી. જેમ જેમ અકસ્માતો વધતા ગયા તેમ તેમ કારમાં વધુ ને વધુ સેફ્ટી ફિચર્સ ઉમેરાતાં ગયાં.
(`સંદેશ’, અર્ધસાપ્તાહિક પૂર્તિ, તા. 19 એપ્રિલ, 2023, બુધવાર, `દૂરબીન’ કૉલમ)
kkantu@gmail.com

Krishnkant Unadkat

Krishnkant Unadkat

Leave a Reply

%d bloggers like this: