એક મસ્ત મજાની ઘટના : મારે એ દીકરાની માતાને થેંક યુ કહેવું છે! – દૂરબીન : કૃષ્ણકાંત ઉનડકટ

એક મસ્ત મજાની ઘટના : મારે એ

દીકરાની માતાને થેંક યુ કહેવું છે!

દૂરબીન : કૃષ્ણકાંત ઉનડકટ

તમે જો એવું ઇચ્છતા હોવ કે તમારી દીકરી સલામત

રહે તો તમે તમારા દીકરાને સારા સંસ્કારો આપો. પેરેન્ટિંગમાં

હવે થોડાક નવાં લેસન ઉમેરવાનો સમય આવી ગયો છે.

સ્કૂલ બસમાં એક છોકરીને પહેલી વખત પિરિયડ શરૂ થયા

ત્યારે તેની બાજુમાં બેઠેલા છોકરાએ જે કર્યું

એ આજે ચર્ચાનો વિષય બન્યું છે

નિકલો ના બેનકાબ, જમાના ખરાબ હે… મુમતાઝ રાશિદે લખેલી આ ગઝલમાં પ્રેમી એની પ્રેમિકાને સાવચેત કરે છે કે ધ્યાન રાખજે, જમાનો ખરાબ છે. દરેક મા-બાપને પણ દીકરીની ચિંતા થતી હોય છે. દીકરી ઘરેથી બહાર જાય પછી પાછી ઘરે આવી ન જાય ત્યાં સુધી પેરેન્ટ્સને ચેન નથી પડતું. દિલ્હીની નિર્ભયા જેવી ઘટના પછી ઘણાં મા-બાપ ટ્રોમામાં આવી જાય છે. એક ડર સતાવતો રહે છે કે ક્યાંક મારી દીકરી સાથે તો કંઇ અજુગતું થશે નહીં ને? તમે કોઇપણ છોકરીને ખાનગીમાં પૂછી જોજો કે તારી સાથે ક્યારેય કોઇએ ગંદી હરકત કરી છે? મોટાભાગની છોકરીઓને એકાદ ખરાબ અનુભવ થયો જ હોય છે. એ કંઇ બોલતી નથી. મા દીકરીને ખાનગીમાં કહે છે કે, તારી સાથે કંઇ થાય તો મને કહી દેજે. ચૂપ ન બેસતી. કેટલી માતાઓ પોતાના દીકરાને પૂછે છે કે, તું કંઇ ખોટું તો નથી કરતોને? છોકરીઓ સાથે તારો વર્તાવ સારો તો છેને? ધ્યાન રાખજે, મારા સંસ્કારોને ન લજાવતો. આપણે દીકરીઓને તો લાખ શિખામણો આપીએ છીએ પણ દીકરાઓને ક્યારેય કંઇ કહેતા નથી. દીકરો કોઇ છોકરી વિશે કંઇ મજાક કરે તો ઘણી વખત મા-બાપ પોરસાતાં હોય છે, ત્યારે એ ભૂલી જાય છે કે મારો દીકરો જેની વાત કરે છે એ કોઇની દીકરી છે.

આપણે કહીએ છીએ કે જમાનો ખરાબ છે. એક વાત યાદ રાખવા જેવી છે કે જમાનો માણસોથી બને છે. માણસને ઘરમાં સંસ્કારો મળે છે. જેવા સંસ્કારો ઘરમાંથી મળે એવો જ જમાનો બનતો હોય છે. ઘર એ સમાજ અને જમાનાનું સૂક્ષ્મ સ્વરૂપ છે. આજે જમાનો દીકરાને છોકરીઓ અને મહિલાઓ પ્રતિ આદર અને સન્માન શીખવવાનો છે. દીકરીને જેટલી વાર રોકીએ કે ટોકીએ એટલી વખત આપણે દીકરાને કશું કહેતા હોઇએ છીએ ખરાં? દીકરો કોઇ ખોટી કે નબળી વાત કરે કે દીકરા વિશે કંઇ ખબર પડે તો તરત તેને રોકવાની જરૂર હોય છે. દીકરો કંઇ ખરાબ કરશે તો લોકો તેના વિશે એવું જ બોલાશે કે તેને ઘરના લોકોએ આવા સંસ્કારો આપ્યા છે?

અમેરિકામાં હમણાં બનેલી એક ઘટના વાઇરલ થઇ છે. એક છોકરી સ્કૂલેથી બસમાં ઘર તરફ પાછી ફરતી હતી. બરાબર એ જ વખતે એ છોકરી પહેલી વખત રજસ્વાલા બની. તેના સફેદ સ્કૂલ ડ્રેસમાં લોહીનો લાલ ડાઘ પડી ગયો. એ છોકરીની બાજુમાં બેઠેલા એક છોકરાનું એ ડાઘ તરફ ધ્યાન ગયું. તેણે પેલી છોકરીનું ધ્યાન ખેંચ્યું. એ છોકરી ગભરાઇ ગઇ. હવે શું કરવું? બરાબર એ જ વખતે પેલા છોકરાએ પોતાનું સ્વેટર કાઢીને આપ્યું અને કહ્યું કે આ સ્વેટર તું કમરે બાંધી લે એટલે ડાઘ નહીં દેખાય. એ છોકરી હેઝિટેટ થતી હતી. એ છોકરીની મૂંઝવણ જોઇને એ છોકરાએ કહ્યું કે, તું ચિંતા ન કર. મારે બે બહેનો છે. મને ખબર છે કે આવું થાય. એ બહુ સહજ છે, એમાં શરમાવા કે ગભરાવા જેવું કંઇ નથી. એ છોકરી ઘરે પહોંચી ગઇ. તેની સાથે બનેલી ઘટનાની વાત માતાને કરી.

એ છોકરીની માતાએ પછી ફેસબુક પર એક પોસ્ટ લખી. પોતાની દીકરી સાથે બનેલી આખી ઘટના વર્ણવીને છેલ્લે એટલું લખ્યું કે, મારે એ છોકરાની માને થેંક યુ કહેવું છે, જેણે પોતાના દીકરાને આવા સારા સંસ્કાર આપ્યા. આ માતાની પોસ્ટ અનેક મીડિયાએ પ્રસિદ્ધ કરી. સોશિયલ મીડિયા ઉપર જે કમેન્ટ્સ થઇ તેમાં મોટા ભાગની એવી હતી કે દરેક મા પોતાના દીકરાને આવા સંસ્કાર આપે તો જમાનો સારો થઇ જાય.

#metoo કેમ્પેઇનથી ઘણા ચહેરાઓ ઉપરથી નકાબ હટી ગયા છે. એનાથી જે ઇમેજ ખડી થઇ છે એ એવી છે કે કોઇનો ભરોસો કરવા જેવો નથી. એક છોકરીએ આ કેમ્પેઇન અંગે લખ્યું હતું કે, આ કેમ્પેઇનમાં તમે વ્યકિતને નિશાન બનાવો એમાં વાંધો ન હોય પણ તમે જેન્ડરને ટાર્ગેટ ન કરો. એ પછી તેણે પોતાને જે પુરુષોના સારા અનુભવો થયા હતા તેની વાત કરી હતી. તેણે લખ્યું કે, એક એવી કેમ્પેઇન પણ શરૂ કરવાની જરૂર છે જેમાં છોકરીઓ તેને છોકરાઓથી થયેલા સારા અનુભવોની વાત કરે, જેથી છોકરીઓ સારા લોકોનો ભરોસો કરવાનું છોડે નહીં. બધા છોકરાઓ કે પુરુષો ખરાબ નથી હોતા, એમ તો બધી છોકરીઓ પણ ક્યાં સારી હોય છે? સરવાળે વાત સંસ્કાર અને ઉછેર પર આવે છે.

લોકો એવી પણ વાત કરે છે કે માણસ કેવો બને એ તો એની પ્રકૃતિ પર આધાર રાખે છે. ઘણાં સારાં મા-બાપના છોકરાઓ પણ ઉઠયેલ પાકે છે. આવું પણ થઇ શકે છે, જોકે એ અપવાદ હોય છે. ઘરના સંસ્કારો ભાગ તો ભજવે જ છે. હમણાંનો એક સાવ સાચો કિસ્સો છે. એક છોકરાએ તેની સાથે ભણતી એક છોકરીની મશ્કરી કરી. આ વાત છોકરાની બહેનને ખબર પડી. તેણે પોતાના ભાઇ પાસે જઇ એટલું જ કહ્યું કે, તું માત્ર એટલું વિચાર કે કોઇ મારી સાથે આવી મશ્કરી કરશે તો તને ગમશે? આપણા રાજ્ય વિશે એવું કહેવાય છે કે, ગુજરાતમાં શાતિ છે અને અહીં છોકરીઓ સેફ છે. રાતના મોડે સુધી છોકરીઓ એકલી ફરી શકે છે. આ માટે કહેવું પડે કે છોકરીઓ અહીં એટલે સેફ છે કારણ કે ગુજરાતના છોકરાઓ સારા છે, એની માતાઓએ એને સારા સંસ્કારો આપ્યા છે. જમાનો સારો કરવાની જવાબદારી કોઇ એકની નહીં પણ બધાની હોય છે.

પેશ-એ-ખિદમત

માઁ સે ક્યા કહેંગી દુખ હિજ્ર કા કિ ખુદ પર ભી,

ઇતની છોટી ઉમ્રો કી બચ્ચિયાઁ નહીં ખુલતી,

હુસ્ન કો સમઝને કો ઉમ્ર ચાહિએ જાનાઁ,

દો ઘડી કી ચાહત મેં લડકિયાઁ નહીં ખુલતી.

-પરવીન શાકિર

 (દિવ્ય ભાસ્કર, રસરંગ પૂર્તિ, તા. 11 નવેમ્બર 2018, રવિવાર)

kkantu@gmail.com

Krishnkant Unadkat

Krishnkant Unadkat

Leave a Reply

%d bloggers like this: