દરેક પ્રકારના ડર તારા મનમાંથી કાઢી નાખ! – ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ


દરેક પ્રકારના ડર તારા
મનમાંથી કાઢી નાખ!

ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ


હમણાં જ કૂદી પડશે જળમાં બતકની માફક,
મનસૂબા જો સરોવરની પાળ પર ઊભાં છે!
કરવત આ કેવી લઇને કાપે છે કોણ કોને?
જોવા બધા હકીકતની ડાળ પર ઊભાં છે!
-ભરત ભટ્ટ


દરેક માણસને ક્યારેક તો કોઈ વાતે ડર લાગ્યો જ હોય છે. ક્યારેક ડર લાગે એ સ્વાભાવિક છે પણ દરેક વાતમાં ડર લાગે તો એ જોખમી છે. જિંદગી ડરવા માટે નથી. જિંદગી જીવવા માટે છે. જિંદગી ચેલેન્જ સ્વીકારવા માટે છે. જિંદગીને સાવ સીધી રીતે સમજવી હોય તો એમ કહી શકાય કે, જિંદગીમાં રોજેરોજ નવા નવા પ્રશ્નો આવતા રહેવાના છે અને આપણે તેના જવાબો શોધતા રહેવાના છે. જિદંગી ક્યારે કેવો પ્રશ્ન, કેવો પડકાર, કેવી સમસ્યા, કેવી મુશ્કેલી લઇને આવશે એ કોઈ કહી શકતું નથી. એક વખત એક યુવાને તેના વડીલને પૂછ્યું, ભણવાની એક્ઝામ અને જિંદગીની પરીક્ષામાં શું ફેર છે? વડીલે કહ્યું, ભણવાની પરીક્ષાના પ્રશ્નો તમને જે બુક ભણાવી હોય એમાંથી જ પુછાય છે, જિંદગીના પ્રશ્નો કોઇ સિલેબસમાં હોતા નથી! આપણે ક્યારેય વિચાર સુધ્ધાં ન કર્યો હોય એવી સમસ્યા જિંદગી આપણી સામે લઇને ઊભી રહી જાય છે. આપણને એમ થાય છે કે, આવું થશે એવી તો મેં ક્યારેય કલ્પના જ કરી નહોતી! ગમે એવો પડકાર હોય એ આપણે ઝીલવો પડતો હોય છે. એવા સમયે આપણે ડરી જઇએ, ફફડી જઇએ, પાણીમાં બેસી જઇએ તો ન ચાલે. નિષ્ફળતા એ બીજું કંઈ નથી મોટા ભાગે તો આપણી લાઇફમાં આવતી ચેલેન્જીસનો અસ્વીકાર જ હોય છે. અસ્વીકારનું કારણ ભય હોય છે. જે માણસ ભયને જીતી શક્યો છે એ જ સાચી જિંદગી જીવી શકે છે.
એક આશ્રમ હતો. આશ્રમમાં એક સંત તેમના અનુયાયીઓને જિંદગીના પાઠ શીખવતા હતા. જુદી જુદી કસરતો કરાવીને તે શિખામણ આપતા હતા. એક વખત તેણે એક અનુયાયીને બહુ ઉપરથી કૂદવાનું કહ્યું. પેલા અનુયાયી યુવાને ના પાડી. તેણે કહ્યું, મને ડર લાગે છે. આટલી ઊંચાઇએથી પડીશ તો મને ઇજા થશે. સંતે કહ્યું, સાચી વાત છે પણ એ ઈજાના ડરમાંથી મુક્ત થવા માટે જ તો તારે કૂદકો મારવાનો છે. એ યુવાન જમ્પ મારતો નહોતો. આખરે સંતે કહ્યું કે, તારે જ્યાં જમ્પ મારવાનો છે ત્યાં નીચે મેં ગાદલાં રખાવી દીધાં છે. હવે તો તને ડર લાગતો નથીને? અનુયાયીએ કહ્યું, ના. હવે ડર નથી લાગતો. સંતે કહ્યું, દરેક ચેલેન્જ સામે ઈશ્વરે ગાદલું ગોઠવી જ રાખ્યું હોય છે. આપણે મોટા ભાગે કારણ વગર જ ડરતા હોઇએ છીએ. કોઇ ઘટના ડરવા જેવી હોતી નથી, બધી ઘટના સમજવા જેવી હોય છે. હા, દરેક વાતમાં આંધળુંકિયાં ન કરી શકાય પણ અમુક વાતમાં તમારે જોખમ તો લેવું જ પડતું હોય છે. સાચું જોમ એ જ છે જે જોખમ લેતા ડરતા નથી. સાવ સરળ સમજ એ છે કે, બીજા કરી શકતા હોય તો આપણે કેમ ન કરી શકીએ? કુદરતે બધાને એકસરખી શક્તિ આપી છે. અમુક લોકો હિંમત કરીને તકો ઝડપી લેતા હોય છે, મહેનત કરતા હોય છે અને રિસ્ક પણ લેતા હોય છે. કેટલાંક લોકો પહેલેથી જ એવું માની લે છે કે, આપણાથી એ ન થાય! એક યુવાનની આ વાત છે. તેના મિત્રોમાં એ સૌથી નબળો હતો. કંઈ પણ હોય તો એ હાથ ઊંચા કરી દે! એ કહે કે એ આપણું કામ નહીં? એક વખત તેના મિત્રએ કહ્યું કે, ચાલ, માની લઇએ કે એ તારું કામ નથી, તો પછી તું નક્કી કર કે તારું કામ કયું છે? બધું ફાવે એવું શક્ય નથી પણ બધું જ ન ફાવે એ વાત તમારો ભય છતો કરે છે! માણસ માટે જરૂરી એ પણ છે કે, એ પોતાનામાં જે આવડત છે એને ઓળખે, જે ખૂબી છે એને પીછાણે. મોટા ભાગના લોકોને પોતાના પ્લસ પોઇન્ટ્સની ખબર જ હોતી નથી. જેને પોતાના પ્લસ પોઇન્ટ્સની ખબર નથી હોતી એને માત્ર માઇનસ પોઇન્ટ્સ જ દેખાય છે. તમને ખબર છે કે, તમારામાં શું ખૂબી છે? આપણે ઘણી વખત આપણી આવડતને નજરઅંદાજ કરતા હોઈએ છીએ. ક્યારેક તો કોઇક કહે ત્યારે આપણને ખબર પડે છે કે, આપણામાં આવી આવડત પણ છે. ક્યારેક ખબર હોય તો એ દિશામાં આગળ વધવાની આપણે હિંમત નથી કરતા. એવા વિચારો આપણને અટકાવે છે કે, મારાથી એ નહીં થાય તો? જેને પોતાના પર જ ડાઉટ હોય એ ક્યારેય સફળ થતા નથી. ડર અને ડાઉટ પર જેનો કંટ્રોલ છે એની સફળતા કોઈ રોકી શકતું નથી.
જિંદગીમાં બે વસ્તુ આપણને સૌથી વધુ અસર કરે છે. એક અનિશ્ચિતતા અને બીજી શક્યતા. જેટલી શક્યતા છે એટલી જ અને કદાચ તો એનાથી વધુ અનિશ્ચિતતા છે. જિંદગીમાં કંઈ જ નિશ્ચિત નથી. બીજી ક્ષણે શું થવાનું છે એની પણ ખબર નથી. આમ છતાં એ પણ હકીકત છે કે, આપણી જિંદગીમાં ઘણું સારું થયું હોય છે. તમે ધ્યાનથી જુઓ તો જિંદગીમાં ખરાબ થયું હોય છે એની સરખામણીમાં સારું વધારે થયું હોય છે. આપણે સારું યાદ રાખતા નથી અને કંઇક બૂરું થયું હોય એને ભૂલતા નથી. આપણે બધા સરવાળે ગ્રંથિઓના માણસ છીએ. આપણા બધામાં કોઇ ને કોઇ ગ્રંથિઓ બંધાયેલી હોય છે. ગ્રંથિઓ ખરાબ વસ્તુ નથી. હા, એ ગ્રંથિઓ આપણને અટકાવે કે ભટકાવે એવી ન હોવી જોઇએ. ભય બે પ્રકારના હોય છે, એક વાસ્તવિક અને બીજો કાલ્પનિક! વાસ્તવિક ભય બહુ ઓછા હોય છે. માણસ મોટા ભાગે કાલ્પનિક ભયથી વધુ પીડાતો હોય છે. આમ થશે તો, તેમ થશે તો, મારાથી નહીં થાય તો, હું નહીં પહોંચી વળું તો, આવા વિચારો માણસને પરેશાન કરતા રહે છે. માણસ વાસ્તવિક ભયને પહોંચી વળે છે પણ કાલ્પનિક ભયનો કોઈ ઇલાજ નથી. જે વસ્તુ હોય જ નહીં એનાથી ડરતા રહેવું એ અણસમજ સિવાય કંઈ નથી.
મોટા ભાગની માનસિક બીમારીઓનું મુખ્ય કારણ કાલ્પનિક ભય છે. કોઇ મારું ભલું ઇચ્છતું નથી, બધા મારી પાછળ પડી ગયા છે, કોઇ મને સફળ થવા નહીં દે. માણસ પોતાને કંઈ બીમારી થશે તો? હું મરી જઈશ તો? હું એકલી કે એકલો પડી જઇશ તો? આવા અનેક વિચારોથી માણસ ગભરાતો રહે છે. તમારા વિચારો કેવા છે? તમારામાં ડર પેદા કરે એવા તો નથીને? માણસ હવે નાનીનાની વાતોમાં ડરી જવા લાગ્યો છે. ડર એક એવો ભ્રમ છે જે એક વાર ઘૂસી ગયો તો આસાનીથી છુટકારો થતો નથી. સારી અને સાચી વાત એ જ છે કે, ડરને તમારા પર હાવી થવા ન દો. થઇ થઇને શું થવાનું છે? આપણી ગણતરીઓ કદાચ ખોટી પડશે, કદાચ આપણે જે ધાર્યું છે એ નહીં થાય પણ એનો મતલબ જરાયે એવો નથી કે આપણે ડરના માર્યાં કોઈ પ્રયત્નો જ ન કરીએ! પોઝિટિવ એટિટ્યૂડનો એક મતલબ એવો પણ થાય છે કે, નકારાત્મક વિચારોને આપણી નજીક ફરકવા ન દેવા. વિચારો દૂઝણા હોય છે. એક વિચાર આવે એ પછી એની શૃંખલા શરૂ થાય છે. એક ખરાબ વિચાર આવ્યો તો એના પછી બીજો ખરાબ વિચાર આવશે. એક પછી એક ખરાબ વિચારો આવતા રહેશે અને છેલ્લે એ વિચારો જ હતાશામાં ધકેલી દેશે. બેસ્ટ વે એ છે કે, ડર, ભય, ચિંતા, ઉદાસી, નારાજગીના વિચારોને જ ન આવવા દો. આવે તો તરત જ તેને હડસેલી દો. ઘણા લોકો કહે છે કે, વિચારો હટતા જ નથી! તેને સવાલ કરવાનું મન થાય છે કે, તમે વિચાર ડાયવર્ટ કરવાનો પ્રયાસ કર્યો ખરો? વિચાર જો હાથમાંથી છટક્યા તો એ ક્યાં જઇને અટકે એ નક્કી હોતું નથી. મનમાંથી તમામ પ્રકારના ભયને હટાવી દો, પછી જુઓ કે જિંદગી કેટલી મજાની લાગે છે! ડર જ આપણો જીવવાનો આનંદ છીનવી લેતો હોય છે! ડરને હડસેલી દો, જિંદગી તમારી રાહ જોઈને જ ઊભી છે!
છેલ્લો સીન :
માણસજાત અવળા રસ્તે ચડી ગઈ છે એનો પુરાવો એ જ છે કે, હવે લોકોને સપનાં પણ ડરામણાં આવવાં લાગ્યાં છે. લોકોને ઊંઘમાં પણ અજંપો સતાવતો રહે છે! – કેયુ.
(`સંદેશ’, `સંસ્કાર’ પૂર્તિ, તા. 16 એપ્રિલ, 2023, રવિવાર. `ચિંતનની પળે’ કૉલમ)
Kkantu@gmail.com

Krishnkant Unadkat

Krishnkant Unadkat

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *