તું તારા વિશેના જ ખોટા ભ્રમમાંથી બહાર આવીશ? – ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ

તું તારા વિશેના જ ખોટા
ભ્રમમાંથી બહાર આવીશ?

ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ


મૌન શું છે? બોલવાની વાત છે, ભેદ સઘળા ખોલવાની વાત છે,
ત્રાજવાં તારા નહીં તોલી શકે, બોલ મારા તોલવાની વાત છે.
-રાજ લખતરવી

દરેક માણસની પોતાની માન્યતાઓ હોય છે, પોતાની વિચારસરણી હોય છે, અને એ જ એક માણસને બીજા માણસ કરતાં જુદા પાડે છે. બધા જ એકસરખું વિચારતા કે માનતા હોત તો દુનિયામાં આટલા સંઘર્ષ, મતભેદ કે વાદવિવાદ જ ન હોત! જિંદગી અને દુનિયાની સૌથી મોટી મજા જ એ છે કે, બધું જુદું છે. જમીનનો રંગ જુદો જુદો છે, આસમાનનો કલર બદલાતો રહે છે, દરિયો પણ દરેક કિનારે અલગ લાગે છે, જંગલો જુદાં છે, પર્વતો સાવ અલગ છે અને એ જ આપણને વૈવિધ્ય પૂરું પાડે છે. માણસ જન્મે ત્યારે એ બિલકુલ કોરોકટ હોય છે. જેમ જેમ આપણે મોટા થઇએ એમ એમ આપણામાં ઘણું બધું ઉમેરાતું રહે છે. એ સાચું પણ હોય અને કદાચ ખોટું પણ હોય, એ સારું પણ હોય અને કદાચ ખરાબ પણ હોય, એ હોય છે. એ આપણી સાથે સતત જીવે છે. થોડોક ડર પણ આપણામાં જીવતો જ હોય છે. દરેક માણસ કોઇક વાતથી ગભરાતો હોય છે. કોઇ ગભરાટ કામચલાઉ હોય છે, તો કોઇ કાયમી હોય છે. કોઇને ભૂતથી ડરે લાગે છે, તો કોઇને સપનાં પણ ડરાવતાં રહે છે. કેટલા બધા ફોબિયા માણસમાં ઘર કરી ગયા હોય છે! આપણે જ એ ભયને પાળ્યો અને પોષ્યો હોય છે! એવું તો કેટલું બધું આપણે જીવતા હોઇએ છીએ! ક્યારેક આપણે એને માઇનસ પોઇન્ટ પણ કહીએ છીએ. તમને તમારો કોઇ માઇનસ પોઇન્ટ ખબર છે? કદાચ ખબર હશે પણ આપણે એ હટાવી શકતા હોતા નથી. ઇરાદો હોય તો પણ થઇ શકતું નથી. એક છોકરીની આ સાવ સાચી વાત છે. એને ન ગમતું હોય એવું કંઈ થાય એટલે તરત જ તેનું મગજ છટકે. ઘરમાં તો ઠીક છે, બધા એનું વર્તન ચલાવી લેતા પણ બહાર તેને નાનીનાની વાતોમાં માથાકૂટ થઇ જતી. એક વખત તેની ફ્રેન્ડે તેને કહ્યું કે, બધું આપણું ગમતું થાય એવું જરૂરી નથી. બીજા પણ આપણને ગમે એવું જ કરે એવો આગ્રહ ગેરવાજબી છે. તું જો તને ગમતું હોય એવું કરે તો બીજા પણ એને ગમતું હોય એવું કરવાના છેને? તું તારા મગજને કંટ્રોલ કર, નહીં તો દુ:ખી થઇ જઇશ. ફ્રેન્ડની વાત સાંભળીને એ છોકરીએ કહ્યું કે, તારી વાત સાચી છે પણ મારાથી એ નથી થતું! મને ખબર છે કે, હું ખોટું કરું છું. મારે કરવું હોતું નથી પણ મારાથી થઇ જાય છે. આપણે પણ આપણી આજુબાજુમાં એવા ઘણા લોકોને જોતા હોઇએ છીએ જે વિચિત્ર રીતે વર્તન કરતા હોય! આપણને એમ થાય કે, આને કેમ કંઇ સમજ પડતી નથી? આપણે એવા લોકોને ગમે તેટલું સમજાવીએ તો પણ એનામાં નયા ભારનો ફેર પડતો નથી. અમુક લોકો હોય છે જે પોતાની ભૂલો, ખામીઓ, મર્યાદાઓ દૂર કરે, બાકીના લોકો માટે તો એવું જ કહેવું પડે કે, પ્રાણ અને પ્રકૃતિ સાથે જ જાય!
માણસમાં બીજું ગમે તે હોય એ ચાલે પણ ખોટા ભ્રમ ન હોવા જોઇએ! ઘણા લોકોને પોતાના વિશે જ એટલા મોટા ભ્રમ હોય છે કે આપણને અચરજ થાય! હું ધારું એ કરી શકું, આઈ એમ ધ બેસ્ટ, એવી બધી વાતો કરનારા ઘણા હોય છે. પોતાના વિશે સારું વિચારવું એ સારી વાત છે પણ પોતાના વિશે વધુ પડતું વિચારવું એ જોખમી છે. એક યુવાનની આ વાત છે. એણે પોતાનો સ્ટડી પૂરો કર્યો. જોબ કરવાની હતી. તેણે કહ્યું કે, હું તો બેસ્ટ કંપનીમાં જોબ કરવા માટે જ જન્મ્યો છું. આલતુ ફાલતુ કંપની આપણને ન ફાવે. હું જ્યાં કામ કરું એ કંપનીનું કલ્ચર હાઈ-ફાઈ હોવું જોઇએ. પોતાના ફિલ્ડની બેસ્ટ કંપનીઓમાં જોબ માટે તેણે ટ્રાય કરી પણ મેળ ન પડ્યો. આખરે તેના ફ્રેન્ડે તેને કહ્યું કે, જ્યાં મળે ત્યાં નોકરી કરી લે, નહીંતર ક્યાંયનો નહીં રહે. પહેલાં તું એવું કામ કરીને બતાવ કે તારી ઓળખ બને! તું બેસ્ટ બનીશ તો જ જે બેસ્ટ છે એ તને બોલાવશે. ઘણા માણસો પોતાના વિશે જ નબળો પ્રતિભાવ રાખતા હોય છે. મારાથી ન થાય, આપણો ત્યાં ક્યાંથી મેળ પડવાનો છે, આપણે ત્યાં ટૂંકા પડીએ, આ વસ્તુ પણ ખોટી છે. પોતાની જાતને ઊતરતી સમજવી જેટલી જોખમી છે એટલું જ ખતરનાક પોતાની જાતને વધુ પડતી ધારવાનું છે. પોતાની સાચી ક્ષમતાની સમજ એ જિંદગી માટે બહુ જ જરૂરી છે. માણસ કાં તો પોતાને અંડરએસ્ટિમેટ કરતો હોય છે અને કાં તો ઓવરએસ્ટિમેટ કરતો હોય છે, રિઅલ એસ્ટિમેટ બહુ ઓછા કરી શકતા હોય છે. બીજો એક કિસ્સો પણ રસપ્રદ છે. એક છોકરી હતી. મોટી થઇ. ડાહી હતી. ભણવામાં પણ સારી હતી. ઘરના લોકોએ લગ્નની વાતો શરૂ કરી. કેવો છોકરો ગમે એ વિશે ઘરમાં વાતો થતી હતી. છોકરીએ કહ્યું, ગમે તો હીરો જેવો છોકરો પણ આપણેય હિરોઇન જેવા હોવા જોઇએને? તેણે કહ્યું, હું સામાન્ય દેખાવની છું અને આપણને સામાન્ય દેખાવના છોકરા સામે પણ કોઇ વાંધો નથી, હા માણસ સારો હોવો જોઇએ! તમે માર્ક કરજો, મેરેજની વાતો ચાલતી હોય ત્યારે એક વાત બહુ થતી હોય છે કે, થોડુંક કોમ્પ્રોમાઇઝ તો કરવું જ પડે! આપણે સમાધાન આપણી સાથે કરતા હોઇએ છીએ કે પરિસ્થિતિ સામે? કોમ્પ્રોમાઇઝ ક્યારેક વાસ્તવિકતાની નજીક પણ લઇ જતું હોય છે. સાચી વાત એ છે કે, આપણે પોતાને સમજીએ અને સાચા સમજીએ. જે માણસ પોતાને જ સમજી શકતો નથી એ ક્યારેય કોઇને સમજી શકવાનો નથી!
આપણે ઘણાને જોઈને એવું બોલતા હોઇએ છીએ કે, આ પોતાની જાતને શું સમજતો કે સમજતી હશે? આવા માણસોથી લોકો પણ દૂર રહેતા હોય છે. એને જોઇને જ કહે છે કે, હમણાં ઊંચી ઊંચી ફેંકવાનું ચાલુ કરી દેશે! આપણે ખરેખર ઊંચા સ્થાને કે મહત્ત્વની જગ્યાએ હોઇએ ત્યારે પણ નમ્ર રહેવું જોઈએ. એ જ તો સમજણની નિશાની છે. જે લોકો છકી જાય છે એ લોકો જ ભટકી જતા હોય છે. ઘણા લોકોનાં મોઢે આપણે એવું પણ સાંભળતા હોઇએ છીએ કે, એક વાર મેળ પડવા દેને, બધાને બતાવી દેવું છે! આપણે શું બતાવી દેવું હોય છે? આપણે શું સાબિત કરવું હોય છે? એક વાત યાદ રાખવા જેવી છે કે, આપણે સાબિત કરવાનો પ્રયાસ કરીએ કે ન કરીએ, સરવાળે આપણે જેવા હોઇએ એવા સાબિત થઇ જ જતા હોઇએ છીએ. દુનિયામાં બધું બનવું સહેલું છે, સારા માણસ બનવું બહુ અઘરું છે. દરેક માણસે પોતાના દિલ પર હાથ મૂકીને એ વિચારવું જોઇએ કે, હું ખરેખર સારો માણસ છું? સ્થાન, હોદ્દો, મોભો, પદ ગમે તે હોય ગ્રેસ હોય છે ખરો? બધું હશે અને ગ્રેસ નહીં હોય તો ક્યારેય સાચી કદર થવાની નથી. માણસને સૌથી પહેલાં માણસ હોવાનું ગૌરવ હોવું જોઇએ. એક મહાન વ્યક્તિની આ વાત છે. એણે ઘણાં એવોર્ડ અને ઇનામો મેળવ્યાં હતાં. તે ભાઈ ઘરની બહાર નીકળતા ત્યારે કોઇને કહેતા નહીં કે, પોતે કોણ છે! તેઓ એક કૅફેમાં જઇને બેસતા. એક વખત કૅફેના માલિકનો ફ્રેન્ડ તેમને ઓળખી ગયો. તેણે કૅફેના માલિકને કહ્યું, તને ખબર છે એ કોણ છે? બહુ મહાન માણસ છે! કૅફેનો માલિક તેની પાસે ગયો અને કહ્યું કે, આપે ક્યારેય ઓળખાણ આપી નહીં? એ માણસે કહ્યું કે, હું એવું જ ઇચ્છતો હોઉં છું કે, લોકો મને હું છું એવો જ ઓળખે, મારા હોદ્દા કે એવોર્ડ જેવો નહીં! માણસ જિંદગીમાં મહેનત કરીને જે મેળવે છે એ એના ગ્રેસમાં વધારો કરવું જોઇએ, અભિમાનમાં નહીં! કોઇ ભ્રમમાં ન રહેવું અને કોઇને ભ્રમમાં ન રાખવા એ જ સારા માણસની સૌથી મોટી નિશાની છે!
છેલ્લો સીન :
કોઈ વધુ પડતાં વખાણ કરે ત્યારે સૌથી પહેલાં એ વિચારવું જોઇએ કે, એની દાનત શું છે? જે ક્યારેય કોઈનું સારું બોલતા ન હોય એ જ્યારે આપણું સારું બોલવા લાગે ત્યારે સાવચેત થઇ જવાની જરૂર હોય છે. માણસ જરૂરિયાત મુજબ સૂર બદલી નાખતો હોય છે! -કેયુ.
(`સંદેશ’, સંસ્કાર પૂર્તિ, તા. 19 માર્ચ, ૨૦૨૩, રવિવાર, `ચિંતનની પળે’ કૉલમ)
Kkantu@gmail.com

Krishnkant Unadkat

Krishnkant Unadkat

Leave a Reply

%d bloggers like this: