તું ક્યાં સુધી એકની એક વાત કર્યે રાખીશ? – ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ

તું ક્યાં સુધી એકની

એક વાત કર્યે રાખીશ?

ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ

એ નિખાલસતા, સહજતા ક્યાં ગઇ?

ના મળે તમને તો હું લાવી દઉં?

તું કદી કોઇને સમજાયો નથી,

વાત આ હું સૌને સમજાવી દઉં?

– ભાવેશ ભટ્ટ

આખા દિવસમાં તમે સૌથી વધુ વાત કોની સાથે કરો છો? આ વાત શા માટે કરો છો? અમુક વાતો આપણે કામ, નોકરી કે બિઝનેસ માટે કરવી પડતી હોય છે. અમુક વાતો આપણે કરવા ખાતર કરતાં હોઇએ છીએ. ક્યારેક કોઇકને સારું લગાડવા માટે વાત કરીએ છીએ. આપણે આપણને મજા આવે એ માટે કેટલી વાત કરીએ છીએ? કોની સાથે વાત કરવાની આપણને સૌથી વધુ મજા આવે છે? કોને એવું કહેવાનું મન થાય છે કે, ‘યાર, તારી સાથે વાત કરવાની મજા આવે છે, જલસો પડે છે, હળવાશ લાગે છે, સારું ફીલ થાય છે! પોતાની જાત સાથે વાત કરતી વખતે બોલવું પડતું નથી, પણ સંવાદ તો ચાલતો જ હોય છે! આપણે જ્યારે આપણી સાથે જ વાત કરતાં હોઇએ ત્યારે આપણા શબ્દો કેવા હોય છે? આપણે તો ક્યારેક પોતાની જાત સાથે પણ નિખાલસતાથી વાતો કરી શકતા નથી. જે પોતાની સાથે ફ્રેન્ક ન હોય એ બીજા સાથે હિપોક્રેટ જ હોવાનાં! આપણને એટલે જ ઘણા લોકોની વાતમાં દંભ વર્તાય છે. ખોટાડા લોકો માટે એટલે જ એવું કહેવાય છે કે, ‘એ તો એની છઠ્ઠીમાં પણ સાચું રડ્યો નહીં હોય!’

આપણે શું બોલીએ છીએ, ક્યાં બોલીએ છીએ, કેવું બોલીએ છીએ, શા માટે બોલીએ છીએ એના ઉપરથી આપણું વ્યક્તિત્વ છતું થતું હોય છે. આપણી ઇમેજ આપણા શબ્દોથી ઊભી થાય છે. આપણી વાતનો વિષય શું છે, આપણે કયા મુદ્દા ઉપર વાત કરીએ છીએ, જે વાત કરીએ છીએ એની આપણને કેટલી સમજ છે, એ વિશે આપણે કેટલું વિચારીએ છીએ? આપણે ઘણી વખત આપણને કંઇ ખબર ન હોય એવા વિષયમાં પણ ડિંગેડિંગ હાંકતા હોઇએ છીએ. મને એ વિષયમાં કશી જ સમજણ પડતી નથી એવું કહેવામાં બહુ સમજણની જરૂર પડતી હોય છે. અજ્ઞાનનો સ્વીકાર એ જ ખરું જ્ઞાન છે. બધામાં આપણને બધી ખબર પડે એવું શક્ય નથી અને એવું જરૂરી પણ નથી.

વાતના વિષયો ન હોય ત્યારે અસંવાદ સર્જાય છે. અસંવાદ અભાવ સર્જે છે. ઘણા દાંપત્યો એટલે અટકી કે ભટકી જાય છે, કારણ કે એની પાસે વાત કરવાના વિષયો નથી હોતા! શું વાત કરવી? એક પતિ-પત્નીની આ વાત છે. પતિ વાતો કરતો હોય, ત્યારે તેની વાતોમાં રિપિટેશન જ હોય. મેં આમ કર્યું, હું આવું કરતો હતો. એક વખત પત્નીથી ન રહેવાયું. તેણે કહ્યું, ‘ક્યાં સુધી તું એકની એક વાત કર્યે રાખીશ? તારી પાસે નવી કોઇ વાત નથી?’ ક્યારેક માણસ પોતાની સફળતાની પણ એકની એક વાતો કરતો રહે છે. સામેનો માણસ બોલે નહીં, પણ મનમાં તો એવું વિચારતો જ હોય છે કે. ખબર છે કે તેં મોટી ધાડ મારી છે! જેની પાસે વર્તમાનની કોઇ વાતો નથી હોતી એ ભૂતકાળ વાગોળ્યા રાખે છે. જે આજમાં જીવે છે તેની પાસે આજની જ વાત હોવાની! તમારી પાસે આજની વાત છે?

માણસે અમુક વખતે એકની એક વાતનો પણ સહર્ષ સ્વીકાર કરવો જોઇએ. એક યુવાનની આ વાત છે. તેના પિતા તેની સાથે એકની એક વાત કર્યે રાખતા હતા. એ યુવાનનો મિત્ર દર વખતે જુએ કે, ફ્રેન્ડના ફાધર એકની એક વાતો કર્યે રાખે છે. મિત્રએ એક વખત પૂછ્યું કે, ‘તને તારા ફાધરની એકની એક વાતથી ઇરિટેશન નથી થતું?’ એના મિત્રએ કહ્યું કે, ‘થતું હતું, ખૂબ થતું હતું. એક ઘટના બની એ પછી નથી થતું! એક વખત મેં પપ્પા સાથે જૂની વીડિયો ક્લિપ જોઇ. પપ્પા કામ કરતા હતા. હું તેમને એકની એક વાત કરતો હતો, આ જુઓ મેં શું કર્યું? કાગળમાં મેં જે ચકરડાં-ભમરડાં કર્યાં હતા એ હું બતાવતો હતો. થોડા જ સમયમાં મેં કેટલીય વાર પિતાને બતાવ્યું. પિતા જરાયે ઇરિટેટ થયા વગર દરેક વખતે જોતા હતા અને રિસ્પોન્સ પણ આપતા હતા. દર વખતે કહેતા કે, ‘અરે વાહ! બહુ સરસ કર્યું છે તેં તો!’ દરેક વખતે મને એપ્રિસિએટ કરતા હતા. એ જોઇને મને થયું કે પપ્પા મારા વર્તનથી ક્યારેય ઇરિટેટ નહીં થયા હોય? ક્યારેય એવું નહીં થયું હોય કે, હવે તું બંધ થા! મારે કામ છે! શું એકનું એક બતાવ્યા રાખે છે? એ પછી મેં પિતાની વાતથી ઇરિટેટ થવાનું બંધ કરી દીધું!’ આપણા માટે જેણે જેવું કર્યું હોય, એવું એના માટે આપણે ન કરીએ, ત્યારે આપણને આપણા જ વર્તન સામે સવાલ થવો જોઇએ!

આપણે ક્યારેય વિચારીએ છીએ કે, આપણી વાતમાં કેટલું સત્વ અને કેવું તત્વ છે? વાતોમાં ડેપ્થ હોય તો જ કોઇ ઊંડું ઊતરી શકે. છીછરું હોય એ વર્તાઇ જતું હોય છે. ન બોલવા જેવું લાગે ત્યારે જે મૌન રહે છે, એ માણસ સમજુ છે. દર વખતે આપણું જ્ઞાન ફાડવાની પણ કંઇ જરૂર હોતી નથી. જેને ઘણીબધી ખબર હોય છે એ એવા પ્રયાસો કરતા નથી કે, મને બધી ખબર છે. આપણી વાતો જો પ્રિડિક્ટેબલ હશે તો બધા પહેલેથી જ એ અંદાજ બાંધી લેશે કે આપણે શું વાત કરવાનાં છીએ! ઘણાને જોઇને આપણને એટલે જ એવું થાય છે કે, હમણાં પાછો શરૂ થઇ જશે! બીજા જે કરતાં હોય એ, આપણે માત્ર આપણું ધ્યાન રાખવાનું હોય છે કે, હું તો એવું નથી કરતો ને? મારી વાતમાં તો દમ હોય છે ને? મારી સાથે વાત કરવાની તો કોઇને મજા આવે છે ને? જો એવું ન લાગતું હોય તો થોડોક સુધારો કરી લેવાનો! આપણામાં જ સુધારો કરવા જેવું શ્રેષ્ઠ કામ બીજું કશું જ નથી. બીજું કંઇ ન કરી શકીએ તો એટલું તો કરવું જ જોઇએ કે, આપણને જે ન ગમતું હોય એ આપણે બીજા સાથે ન કરીએ!

છેલ્લો સીન :

વાતમાં વજન તો જ પડે જો શબ્દો હળવાશથી કહેવાયા હોય! બોદા શબ્દોના પડઘા પડતા નથી!      -કેયુ.

(‘દિવ્ય ભાસ્કર’, ‘કળશ’ પૂર્તિ, તા. 21 ઓકટોબર 2020, બુધવાર, ‘ચિંતનની પળે’ કોલમ)

kkantu@gmail.com

Krishnkant Unadkat

Krishnkant Unadkat

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *