`મોતના સૌદાગર’ની સોદાબાજી : તમારી બાસ્કેટ બોલ પ્લેયર જીવતી જોઈતી હોય તો વિક્ટરને છોડી દો! – દૂરબીન : કૃષ્ણકાંત ઉનડકટ`મોતના સૌદાગર’ની સોદાબાજી

રશિયાની અમેરિકા સાથે ચકમક!

તમારી બાસ્કેટ બોલ પ્લેયર જીવતી જોઈતી હોય તો વિક્ટરને છોડી દો!

દૂરબીન : કૃષ્ણકાંત ઉનડકટ


———-

મોતના સૌદાગર તરીકે આખી દુનિયામાં કુખ્યાત રશિયાનો હથિયાર ડીલર વિક્ટર બ્રાઉટ

અત્યારે અમેરિકાની જેલમાં પચીસ વર્ષની સજા કાપી રહ્યો છે.

વિક્ટરને છોડાવવા માટે રશિયાની આખી સરકાર કામે લાગી છે અને અમેરિકા સાથે `ડીલ’ કરવા મથી રહી છે!​ ​

અમેરિકાની બાસ્કેટ બોલ પ્લેયર બ્રિટની ગ્રાઇનર રશિયાની જેલમાં છે.

ડ્રગ્સના કેસમાં તેની ધરપકડ થઇ છે. રશિયાએ અમેરિકાને કહ્યું છે કે, બ્રિટની પાછી જોતી હોય તો

અમારા વિક્ટરને મુક્ત કરવો પડશે!


———–

એનું નામ છે વિક્ટર બ્રાઉટ. આખી દુનિયા તેને મોતના સૌદાગર તરીકે ઓળખે છે. પંચાવન વર્ષનો વિક્ટર અત્યારે અમેરિકાની જેલમાં પચીસ વર્ષની સજા ભોગવી રહ્યો છે. વિક્ટરની કથા કોઇ પણ થ્રિલર ફિલ્મ કે નવલકથાને ટક્કર મારે એવી છે. હવે બ્રિટની ગ્રાઇનરની વાત. આખી દુનિયા તેને અમેરિકાની ઓલિમ્પિક ગોલ્ડ મેડલ વિનર બાસ્કેટ બોલ પ્લેયર તરીકે ઓળખે છે. બ્રિટની ગ્રાઇનર રશિયાની જેલમાં નવ વર્ષની સજા કાપી રહી છે. બ્રિટની ગ્રાઇનર ફેબ્રુઆરી 2022માં રશિયન પ્રીમિયર લીગ રમવા માટે રશિયા ગઇ હતી ત્યારે તેના સામાનમાંથી હશીશ ઓઇલની કાટ્રિજ મળી આવી હતી. રશિયામાં ડ્રગ્સની દાણચોરીનો કેસ તેની સામે ચાલ્યો. તારીખ 4 ઓગસ્ટ, 2022ના રોજ મોસ્કોની અદાલતે બ્રિટની ગ્રાઇનરને નવ વર્ષની સજા ફટકારી હતી. અમેરિકાની સરકાર કહે છે કે, રશિયાએ બ્રિટનીને ખોટી રીતે પકડી છે. અમેરિકામાં બ્રિટનીને છોડાવવા માટે કેમ્પેન ચાલે છે. યૂક્રેન યુદ્ધના કારણે રશિયા અને અમેરિકાના સંબંધો અત્યારે તંગ છે. અમેરિકાએ જ્યારે રશિયા સાથે બ્રિટની ગ્રાઇનરને છોડવાની વાત કરી તો રશિયાએ તરત જ કહ્યું, બ્રિટનીને છોડી દઇએ પણ તમે વિક્ટર બ્રાઉટને છોડી દો! બંને દેશ વચ્ચે અત્યારે બ્રિટનીના બદલામાં બ્રાઉટની ડીલનું નેગોસિએશન ચાલે છે અને એની પણ ચર્ચા ચાલી રહી છે કે, શું અમેરિકા એક સમયે જેને દુનિયાનો સૌથી ખતરનાક માણસ કહેતું હતું એને છોડશે ખરું?
વિક્ટરનાં કદ-કાઠી જેમ્સ બોન્ડને ટક્કર મારે એવાં છે. વિક્ટરનાં કામો આંખો પહોળી થઇ જાય એવાં છે. વિક્ટરનાં કારનામાં પરથી 2005માં લોર્ડ ઓફ ધ વોર નામની હોલિવૂડ મૂવી બની છે. જાણીતા સ્ટાર નિકોલસ કેજે ફિલ્મમાં વિક્ટરનું પાત્ર ભજવ્યું છે. ફિલ્મમાં નિકોલસનું નામ યૂરી ઓર્લોવ છે. 2007માં ડગલસ ફરાહ અને સ્ટીફન બ્રોએ મર્ચન્ટ ઓફ ડેથ: ગન્સ પ્લેન એન્ડ ધ મેન હૂ મેક્સ વોર પોસિબલ નામે વિક્ટરની જીવનકથા પ્રસિદ્ધ કરી છે. વિક્ટરનો જન્મ અફઘાનિસ્તાનને અડીને આવેલા દેશ તજાકિસ્તાનની રાજધાની દુશાંબેમાં તારીખ 13મી જાન્યુઆરી, 1967ના રોજ થયો હતો. એ વખતે તજાકિસ્તાન સોવિયત સંઘનો હિસ્સો હતું. મોટો થઇને વિક્ટર રશિયાની વાયુસેનામાં જોડાયો હતો. સોવિયત સંઘનું પતન થયું એ સમયે કેટલાંક વિમાનો કાઢી નાખવાનાં હતાં. વિક્ટરે તેમાંથી પાંચથી વધુ કાર્ગો વિમાનો ખરીદી લીધાં. આ વિમાનોનો ઉપયોગ તે દુનિયાભરમાં હથિયારોની દાણચોરી માટે કરતો હતો. એ વાત સમજી શકાય એવી છે કે રશિયન સરકારની મદદ વિના હથિયારો દેશની બહાર લઇ જવાં શક્ય જ નથી. રશિયન બનાવટનાં હથિયારો પણ તેને મળી જતાં હતાં. એનો સીધો મતલબ એ જ થાય કે, બધી ગોઠવણ સરકારની મદદથી જ થઇ હતી.
વિક્ટર બ્રાઉટ દુનિયાભરના દેશોમાં સરકાર સામે લડતાં જૂથોને હથિયારો પૂરાં પાડતો હતો. આ હથિયારોમાં ખાલી પિસ્તોલ, રિવોલ્વર કે મશીનગન જ નહીં, મિસાઇલો જેવાં હથિયારો પણ ડિલિવર કરતો હતો. અફઘાનિસ્તાનમાં તાલિબાનો જ્યારે અમેરિકન સેના સામે લડતા હતા ત્યારે વિક્ટરે તાલિબાનોને શસ્ત્રો પૂરાં પાડ્યાં હતાં. વિક્ટરની પહોંચ ક્યાં સુધી હતી તેનો ખયાલ એના પરથી આવે છે કે, એણે પંદર જેટલા દેશોમાં લડાકુઓ અને આતંકવાદી જૂથોને શસ્ત્રો પહોંચાડ્યાં હતાં. અફઘાનિસ્તાન, પાકિસ્તાન, ઇરાક, સુદાન, અંગોલા, કોંગો, લાઇબેરિયા, ફિલિપાઇન્સ, રવાન્ડા, સીએરા લિઓન જેવા દેશોમાં વિક્ટરે હથિયારો વેચ્યાં હોવાના પુરાવાઓ મળ્યા છે, આ તો બહાર આવેલી વિગતો છે, જે કોઇને ખબર નથી એવા કિસ્સાઓ પણ ઘણા હોવાનું માનવામાં આવે છે. વિમાન ભરીને ગેરકાયદે હથિયારો વેચવાં એ નાનીસૂની વાત નથી. આપણને ઘણી વખત એવા સવાલો થાય છે કે, આતંકવાદી જૂથો પાસે આટલાં બધાં હથિયારો ક્યાંથી આવતાં હશે? વિક્ટર અને તેના જેવા લોકો આવાં કામો કરી આપે છે. વિક્ટરે લાઇબેરિયાના ભૂતપૂર્વ પ્રેસિડેન્ટ ચાર્લ્સ ટેલરને પણ હથિયારો પહોંચાડ્યાં હતાં. સિવિલ વૉર અને વૉર ક્રાઇમના અસંખ્ય ગુનામાં 74 વર્ષનો ચાર્લ્સ અત્યારે જેલમાં છે. ચાર્લ્સને પચાસ વર્ષની સજા ફટકારવામાં આવી છે.
વિક્ટર રશિયન ઉપરાંત અંગ્રેજી, ફ્રેન્ચ, પોર્ટુગીઝ, અરબી અને ફારસી ભાષા પર કમાન્ડ ધરાવે છે. વિક્ટર કેવી રીતે પકડાયો એની સ્ટોરી પણ ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ છે. અમેરિકાનું જાસૂસીતંત્ર વિક્ટરને ટ્રેક કરવા આખી દુનિયામાં મથી રહ્યું હતું. આ દરમિયાનમાં અમેરિકાના ડ્રગ એન્ફોર્સમેન્ટ એડમિનિસ્ટ્રેશને વિક્ટરને લોકેટ કરવામાં સફળતા મળી. 2008ની વાત છે. વિક્ટર થાઇલેન્ડની એક લક્ઝરી હોટલમાં રોકાયો હતો. વિક્ટર અહીં કોલંબિયાના ગોરિલા જૂથ સાથે જમીનથી હવામાં માર કરનારી મિસાઇલનો સોદો કરવા આવ્યો હતો. ગોરિલા જૂથ આ મિસાઇલ અમેરિકા સામે વાપરવાનું હતું. અમેરિકાના તંત્રએ થાઇલેન્ડની પોલીસને જાણ કરી. થાઇલેન્ડ પોલીસે હોટલને ઘેરીને વિક્ટરને ઝડપી લીધો. અમેરિકા સાથે નક્કી થયા મુજબ થાઇલેન્ડની સરકારે વિક્ટરને અમેરિકાને સોંપી દીધો. અમેરિકામાં વિક્ટર સામે કેસ ચલાવવામાં આવ્યો. અમેરિકાની અદાલતે વિક્ટરને પચીસ વર્ષની સજા ફટકારી છે.
હવે જ્યારે અમેરિકાની બાસ્કેટ બોલ પ્લેયર બ્રિટની ગ્રાઇનર રશિયાના હાથમાં આવી ગઇ છે ત્યારે રશિયાએ તેને છોડવાના બદલામાં વિક્ટરની માંગણી કરી છે. રશિયાના નાયબ વિદેશપ્રધાન સરગેઇ રયાબકોવે કહ્યું કે, બ્રિટનીના બદલે વિક્ટરની ડીલ મામલે અમેરિકા સાથે વાત ચાલે છે. એમ તો અમેરિકન સેનાનો એક અધિકારી પોલ વહેલન પણ અત્યારે રશિયાની જેલમાં બંધ છે. બાવન વર્ષના પોલની 28મી ડિસેમ્બર, 2018ના રોજ રશિયાના મોસ્કોમાંથી ધરપકડ કરવામાં આવી હતી. અમેરિકા માટે રશિયાની જાસૂસી કરવાના ગુનામાં તેની સામે કોર્ટમાં કેસ ચલાવવામાં આવ્યો હતો. રશિયાની અદાલતે પોલને 16 વર્ષની સજા ફટકારી છે. અગાઉ પોલના બદલામાં વિક્ટરને છોડવાની વાત પણ થઇ હતી. હવે તો પોલ અને બ્રિટની બે મહત્ત્વની વ્યક્તિ રશિયાના હાથમાં છે ત્યારે રશિયા પોતાની શરતો મનાવવા ઉત્સુક બન્યું છે.
રશિયાએ યૂક્રેન પર હુમલો કર્યો એને નવ મહિના પૂરા થઇ ગયા છે. રશિયા પર અમેરિકાએ અગાઉ કોઇએ કોઇના પર લગાવ્યા ન હોય એટલા પ્રતિબંધો લગાવ્યા છે. અમેરિકા રશિયાને ભીંસમાં લેવા માટે પોતાનાથી થાય એ બધું જ કરી રહ્યું છે. સામા પક્ષે રશિયા પણ કંઈ ઓછું ઊતરે એમ નથી. દુનિયાના કોઇ પણ દેશમાં અમેરિકનને કંઈ થાય તો અમેરિકાની સરકારે જવાબ આપવો પડે છે. અમે અમેરિકનો માટે કંઈ પણ કરીએ છીએ એવું સાબિત કરવા માટે જ અમેરિકન સરકાર ગમે એવા ખૂંખાર આતંકવાદીને પણ છોડી દે છે. બનવાજોગ છે કે અમેરિકા બ્રિટનીને છોડવાની સાથે પોલને પણ મુક્ત કરવાની શરત મૂકે, રશિયા કદાચ એ માની પણ લેશે, એનું કારણ એ છે કે, રશિયાને કોઇ પણ ભોગે અમેરિકાના હાથમાંથી વિક્ટરને છોડાવવો છે. વિક્ટર હજુ પણ રશિયાને ખૂબ જ કામનો છે. જોવાનું એ જ રહેશે કે, અત્યારના સંજોગોમાં રશિયા સામે નમતું જોખવાનું અમેરિકા પસંદ કરશે કે નહીં? અત્યારે જે ચાલી રહ્યું છે એના કારણે મોતનો સૌદાગર વિક્ટર ફરીથી આખી દુનિયામાં ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. કદાચ એનાં નસીબમાં હજુ વધુ ટ્વિસ્ટ એન્ડ ટર્ન્સ લખ્યાં લાગે છે!
હા, એવું છે!
દુનિયાના દેશો જાણે છે કે, અમેરિકા પોતાના નાગરિકને છોડાવવા માટે કંઈ પણ કરી છૂટે છે એટલે ઘણા દેશ અમેરિકા સાથે માણસના બદલામાં માણસનો સોદો કરે છે. થોડા સમય અગાઉ જ અફઘાનિસ્તાનમાં કબજો જમાવનાર તાલિબાનોએ અમેરિકાની જેલમાં સજા ભોગવતા પોતાના માણસ અને ખતરનાક આતંકવાદી હાજી બશીર નરજઇને અમેરિકાના એન્જિનિયર માર્ક ફ્રેરિચના બદલામાં છોડાવી ગયા હતા!
(`સંદેશ’, અર્ધસાપ્તાહિક પૂર્તિ, તા. 30 નવેમ્બર, 2022, બુધવાર, `દૂરબીન’ કૉલમ)
kkantu@gmail.com

Krishnkant Unadkat

Krishnkant Unadkat

Leave a Reply

%d bloggers like this: