લવ અને બ્રેકઅપ : કેવા પ્રેમી ઉપર ભરોસો ન કરવો? – દૂરબીન

લવ અને બ્રેકઅપ : કેવા
પ્રેમી ઉપર ભરોસો ન કરવો?

51

દૂરબીન : કૃષ્ણકાંત ઉનડકટ

પ્રેમ આંધળો છે એવું ભલે કહેવાતું હોય
પણ પ્રેમ ખુલ્લી આંખે કરવો જોઇએ કારણ કે
દિલ જ્યારે તૂટે છે ત્યારે એની વેદના
માણસને આખેઆખો વેતરી નાખે છે.

પ્રેમ માટે પાત્રતા અને પવિત્રતા જરૂરી છે. લવની રીધમનો
અહેસાસ ન થતો હોય તો સતર્ક થઇ જવું

પ્રેમ, ઇશ્ક, લવ, મહોબ્બત, આશિકી અથવા બીજું ગમે તે નામ આપો તેનો અર્થ અંતે તો એ જ થાય છે કે તું મારામાં ધબકે છે. તું મને ગમે છે. કેટલો ગમે છે એ નહીં પૂછવાનું, કારણ કે હું ગમે એટલું કહીશ તો તને અને મને પણ એ માપ ઓછું જ લાગશે. પ્રેમ અમાપ હોય છે. પ્રેમનું કોઇ માપ કે પ્રમાણ હોઇ જ ન શકે. પ્રેમ એક અદ્્ભુત અને અલૌકિક અહેસાસ છે. પ્રેમ માણસને સપનાની સફર કરાવે છે. જો કે દરેક સપના સાચા નથી પડતા. અમુક સપનાઓ તૂટે છે ત્યારે એમ થાય છે કે આવું સપનું જોયું જ ન હોત તો સારું થાત. જેને આંખોમાં આંજ્યો હોય એ આંસુની સાથે વહી જાય ત્યારે થતી વેદના વલોવી નાખતી હોય છે.

પ્રેમનાં કોઇ કારણો નથી હોતાં, બ્રેકઅપનાં ઘણાં કારણો હોય છે. દાનતથી માંડીને મજબૂરી સુધીનાં રીઝન હોય છે. શાયર બશીર બદ્રએ લખ્યું છે કે, કુછ તો મજબુરિયાં રહી હોંગી, યું કોઇ બેવફા નહીં હોતા. અલબત, દરેક બેવફાઇ પાછળ મજબૂરી નથી હોતી, મોટા ભાગે મગરુરી હોય છે. અમુક કિસ્સામાં તો ઇરાદા જ યોગ્ય નથી હોતા અને ક્યારેક પસંદગીમાં પણ થાપ ખવાઇ જતી હોય છે. ગમે તે હોય પણ બ્રેકઅપ અઘરું અને અસહ્ય હોય છે. દિલ જબ તૂટતા હે તો આવાજ નહીં આતી, જિંદગી જૈસે સન્નાટા બન જાતી હૈ.

હમણાં એક મનોચિકિત્સક મિત્રને મળવાનું થયું. યંગસ્ટર્સની વાતો થતી હતી ત્યારે તેણે કહ્યું કે અત્યારનાં છોકરા અને છોકરીઓને સૌથી અઘરું જો કંઇ લાગતું હોય તો એ છે કે, હાઉ ટુ ટેકલ બ્રેકઅપ. કોઇનો સાથ તૂટે તો કેવી રીતે ટકવું? કેટલું રડવું અને કેવી રીતે સહેવું?

ફિલ્મ અભિનેત્રી કેટરિના કેફે રણબીર સાથે થયેલા બ્રેકઅપ વિશે કહ્યું કે મારા માટે બહુ મુશ્કેલ સમય હતો. બ્રેકઅપથી નર્વસ થઇ ગઇ હતી. કેટરિના તો શું, કોઇપણ માણસ ડિસ્ટર્બ થઇ જાય. બ્રેકઅપની ઘટનામાં એક બીજી વાત એ પણ હોય છે કે બ્રેકઅપના કિસ્સામાં માત્ર છોકરીઓ ઉપર જે વીતે છે એની ચર્ચા વધુ થાય છે, છોકરાઓ માટે તો જાણે રમત વાત ન હોય! છોકરાઓને પણ બ્રેકઅપની ઓછી વેદના થતી નથી હોતી. જો કે બ્રેકઅપની અસર છોકરો કે છોકરી કેટલા સંવેદનશીલ છે એના પર આધાર રાખે છે. વધુ સેન્સેટિવ હોય તેને એમાંથી નીકળતા વધુ વાર લાગે છે.બધાને ભૂલવું હોય છે અને તેમાંથી બહાર પણ નીકળવું હોય છે, સવાલ એ જ હોય છે કે નીકળવું કેવી રીતે?

કેટરિનાએ પોતાના બ્રેકઅપની પીડાના બયાન સાથે તેમાંથી બહાર નીકળવાની ટિપ્સ પણ આપી. તેણે કહ્યું કે ડ્રિંક કરો, આઇસક્રીમ ખાવ, ઘરે જાવ અને સૂઇ જાવ પણ પથારીમાં પડ્યાં પડ્યાં રડતા નહીં. તેણે તો એમ પણ કહી દીધું કે બ્રેકઅપમાંથી બહાર આવવાનો આ એક જ ઉપાય છે. કેટરિનાને ભલે આ એક જ ઉપાય દેખાતો હોય પણ બીજા ઉપાયો હોય છે. કેટરિના રડવાની ના કહે છે પણ રડવું આવતું જ રહે તો શું કરવું? એના માટે એવું પણ કહેવાય છે કે રડવું આવે તો રડી લેવું અને આંસુની સાથે એ વ્યકિતને પણ બહાર વહાવી દેવાની. જસ્ટ ફરગેટ એન્ડ ફરગિવ. આપણો વાંધો એ છે કે આપણે દાંત કચકચાવીને પણ તેને યાદ કરતા રહીએ છીએ અને દેખાડી દેવાની દાનત પણ રાખીએ છીએ. જ્યાં સુધી કોઇપણ રીતે એ વ્યક્તિ તમારા દિલ કે દિમાગમાં રહેશે ત્યાં સુધી તમને છુટકારો મળવાનો નથી. એમ તો બ્રેકઅપથી બચવા માટેબીજી પણ ઘણી રીતો સૂચવવામાં આવે છે. તમને ગમતું હોય અવું કંઇક કરો, અંગત મિત્રો હોય તેને વાત કરી બહાર આવવા માટે તેની મદદ લો, મેળ ખાય એમ હોય તો થોડા દિવસ ક્યાંક બહાર ફરી આવો. જો કે એ વિચારોમાંથી તો અંતે તો તમારે જ બહાર આવવાનું છે, ઘણુંબધું અઘરું હોય છે પણ અશક્ય કંઇ નથી હોતું.

પ્રેમ વિશે ભલે એવું કહેવાતું હોય કે પ્રેમ આંધળો છે પણ પ્રેમ કરવો તો આંખો ખૂલી રાખીને જ કરવો જોઇએ. પ્રેમનો એકરાર કરતા પહેલાં પૂરતો સમય લો, એ વ્યક્તિને પારખો કે એ તમારી ટાઇપનો છે કે નહીં?એ ભરોસાપાત્ર છે કે નહીં? રિલેશન પાછળ એની દાનત શું છે? હમણાં એક સરસ અહેવાલ વાંચવામાં આવ્યો કે કેવા છોકરાઓ ઉપર ભરોસો ન કરવો? જે પ્રેમી ભવિષ્યનું પ્લાનિંગ ટાળતો હોય, એ જ્યારે ભવિષ્ય વિશે વાત કરતો હોય અને એમાં તમે ક્યાંય દેખાતા ન હોવ, એ કોઇ કમિટમેન્ટ કરતો ન હોય, લગ્નની વાત ટાળતો હોય, તમે જે વાત કરો તેના કોઇ નિર્ણય પર ન આવતો હોય અને જાહેરમાં તમારી સાથે વાત કરવાનું ટાળતો હોય તો સમજી લેજો કે એ માણસના પેટમાં પાપ છે.
પ્રેમ થાય ત્યારે બધું રોમાંચક જ લાગતું હોય છે પણ તેનાં પરિણામોનો પણ વિચાર કરવો જોઇએ. માણસ ગમી જાય એટલું પૂરતું નથી હોતું. પ્રેમ પછીની જિંદગીમાં જ ખરેખર તો પ્રેમ મપાતો હોય છે. એક છત અને એક બેડ શેર કરવાનું કામ દેખાતું હોય છે એટલું સહેલું નથી હોતું. પ્રેમમાં પાગલ નહીં પણ ડાહ્યા થવાનું હોય છે. પૂરતો સમય લો અને આખી જિંદગી સાથ નભે એમ છે કે નહીં એ બરાબર વિચારી જુઓ. બાકી તો સાહિર લુધિયાનવીનું પેલું ગીત છે ને એને અનુસરો, વો અફસાના જીસે અંજામ તક લાના ન હો મુમકિન, ઉસે ઇક ખૂબસૂરત મોડ દેકર છોડના અચ્છા.. હા, છોડ્યા પછી પણ બહુ દુ:ખી નહીં થવાનું, સપનું ખરાબ રીતે પૂરું થાય એના કરતાં સપનું અધૂરું જ છૂટી જાય એ બહેતર હોય છે.

(દિવ્ય ભાસ્કર, રસરંગ પૂર્તિ, તા. 18 સપ્ટેમ્બર 2016, રવિવાર, દૂરબીન કોલમ)

18-9-16_rasrang_26-5 in size.indd

Krishnkant Unadkat

Krishnkant Unadkat

4 thoughts on “લવ અને બ્રેકઅપ : કેવા પ્રેમી ઉપર ભરોસો ન કરવો? – દૂરબીન

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *