મારા માટે તું દુનિયાની સૌથી મહત્ત્વની વ્યક્તિ છે! – ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ


મારા માટે તું દુનિયાની
સૌથી મહત્ત્વની વ્યક્તિ છે!

ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ


તમે ભલેને કહેતા હો કે એમાં કોઈ સ્વાદ નથી,
ખુલ્લી આંખે આ અંધારું મેં પણ થોડું ચાખ્યું છે,
જીવનભર અજવાળાનો દુષ્કાળ અમારે રહેવાનો,
આંખો પર પટ્ટી બાંધીને ભવિષ્ય એણે ભાખ્યું છે.
-જિત ચુડાસમા


પ્રેમ, લાગણી, સ્નેહ કે સંબંધનાં કારણ, મારણ કે તારણ કોઇને ક્યારેય સમજાયાં નથી. દુશ્મની અને નફરતનાં કારણો હોય છે પણ પ્રેમનાં કોઇ કારણો નથી હોતાં. કોઇ આપણી જિંદગીમાં કેમ આવી જાય છે? કેમ એ વ્યક્તિ આપણી જિંદગીનું સેન્ટર ઓફ એટ્રેક્શન બની જાય છે? દરેક વાતે એ કેમ યાદ આવ્યા રાખે છે? શું હોય છે જે એની સાથે આપણને જકડી રાખે છે? કોઇનું આપણી જિંદગીમાં આવવું એ પણ શું તકદીરનો ખેલ છે? જો એવું હોય તો કોઇનું ચાલ્યા જવું એ પણ શું નસીબનું જ કારણ હોય છે? મન ઘણી વખત વિચારે ચડી જાય છે. જિંદગી અને પ્રેમ એ ગણિત નથી કે જેના જવાબ હોય! જે વાત, જે સંબંધ અને જે આત્મીયતાના જવાબ નથી હોતા એનો અહેસાસ હોય છે, અનુભૂતિ હોય છે! કંઇક આત્મસાત્ થઇ જતું હોય છે. દરેકમાં કારણની ક્યાં જરૂર પણ હોય છે? કોઇ ગમે છે તો બસ ગમે છે! ક્યારેક કોઇ પ્રેમી-પ્રેમિકાને જોઈને થાય કે, આને આમાં શું ગમતું હશે? મજાની વાત એ છે કે, તમે એ બંનેને જઇને પૂછો કે, તમને એક-બીજામાં શું ગમે છે તો એનો જવાબ કદાચ એને પણ ખબર નહીં હોય! પ્રેમ દેખાવ કે ઔકાતથી નથી થતો એ વેવલેન્થથી થાય છે. રૂપ અને સંપત્તિથી લફરાં થઇ શકે પણ પ્રેમ ન થાય! એક કરોડપતિ પરિવારનો દીકરો હતો. લક્ઝરી કાર લઇને કૉલેજમાં ભણવા જતો. ટોળું વળી શકે એટલા મિત્રો હતા. તેમાં છોકરીઓ પણ હતી. ઘણી છોકરીઓ ભાવ પણ આપતી હતી પણ છોકરાને કોઇની સાથે ક્લિક થતું નહોતું. એક વખત તેના મિત્રએ પૂછ્યું કે, કેમ કોઇ ગમતી નથી? એ છોકરાએ કહ્યું, મને એવું લાગે છે કે એ બધી છોકરીઓ મને નહીં પણ મારી કાર અને મારો ઠાઠ જોઇને મને પસંદ કરે છે. મને તો કોઇ એવી જોઇએ છે જે માત્ર મને જુએ. આ બધું તો ગૌણ છે. ભવિષ્યમાં કદાચ ન પણ હોય. કંઇ ન હોય તો પણ પ્રેમ રહે એવી વ્યક્તિ મળે તો જ એની સાથે જોડાવવું છે. અત્યારનો સૌથી મોટો પ્રોબ્લેમ કોઇ હોય તો એ છે કે, ક્લિક નથી થતું. કોઇને જોઇને એમ નથી થતું કે, આ જ એ વ્યક્તિ છે જે મારી કલ્પનામાં છે. દરેકની કલ્પનામાં કોઇ હોય છે. એ મળી જાય તો નસીબની વાત છે. જિંદગીમાં એની શોધ ચાલતી રહે છે. ક્યારેક એ વ્યક્તિ મળતી નથી. મળી જાય તો કળી શકાતી નથી. ક્યારેક કોઇને મળીને એવું થાય છે કે, આ જ મારી કલ્પનાની વ્યક્તિ છે. થોડા સમયમાં આપણી કલ્પનાનો ભાંગીને ભુક્કો થઇ જાય છે. દરેકને એમ હોય છે કે, મને કોઇ એવી વ્યક્તિ મળે જે મને ખૂબ પ્રેમ કરે. દરેકને દિલ ફાડીને પ્રેમ કરવો પણ હોય છે. હવે તો યંગસ્ટર્સને પ્રેમની ચિંતા થવા લાગી છે. મને સમજે, મને સ્વીકારે અને મને પ્રેમ કરે એવું કોઇ મને મળશે કે કેમ? એવું નથી કે કોઇને એવી વ્યક્તિ નથી મળતી, ઘણા નસીબદાર પણ હોય છે જેને એવી વ્યક્તિ મળે છે જેની સાથે જીવવાની મજા આવે!
તમારી પાસે એવી વ્યક્તિ છે? હોય છે! આપણી જિંદગીમાં પણ એવી વ્યક્તિ હોય છે જેને આપણી ચિંતા હોય છે. એ પ્રેમી હોય શકે, પ્રેમિકા હોય શકે, પતિ કે પત્ની હોય શકે, દોસ્ત હોય શકે અથવા તો બીજું કોઇ પણ હોય શકે જેને આપણી ફિકર હોય! આપણને એની કેટલી પરવા હોય છે? દુનિયામાં એવી ઘટનાઓ બહુ જોવા મળતી હોય છે કે, આપણે જેને પ્રેમ કરતા હોઇએ એને બીજું કોઇ જ વહાલું હોય! આપણને ક્યારેક સવાલ થાય કે, મારામાં એવું શું ખૂટે છે જે મારી વ્યક્તિ બીજામાં શોધે છે? અમુક સંબંધો પેઇન આપવા માટે જ પેદા થતા હોય છે. આપણે ક્યારેય વિચારીએ છીએ કે, મને જે અનહદ પ્રેમ કરે છે, જેને મારી નાની નાની વાતની ચિંતા છે, એની મને કેટલી કદર છે? એક પતિ-પત્નીની આ વાત છે. પત્ની પતિનું ખૂબ જ ધ્યાન રાખે. બહુ પ્રેમ કરે. પતિ પણ એટલો જ સારો માણસ હતો. એક દિવસ પતિએ પત્નીને કહ્યું કે, તું મારા માટે દુનિયાની સૌથી મહત્ત્વની વ્યક્તિ છે. આ વાત સાંભળીને પત્નીએ પતિ સામે જોયું અને કહ્યું કે, મને ખબર છે પણ તેં કહ્યું એટલે મને વધુ ગમ્યું. મને પહેલાં તો એવો વિચાર પણ આવી ગયો કે, એ કહેવાની જરૂર ખરી કે, તું મારા માટે સૌથી વધુ ઇમ્પોર્ટન્ટ પર્સન છે? ન કહીએ તો ન ચાલે? ચાલે, છતાં કહેવાથી ફેર પડતો હોય એવું મને લાગ્યું. તું પણ મારા માટે સૌથી મહત્ત્વની વ્યક્તિ છે. બાય ધ વે, તમને કોઇ એવું પૂછે કે, તમારી લાઇફમાં સૌથી વધુ મહત્ત્વની વ્યક્તિ કોણ છે તો તમે કોનું નામ આપો? તમે જેનું નામ આપવાના હોય એણે ક્યારેય એના મોઢે કહ્યું છે કે, તું મારા માટે ખૂબ જ મહત્ત્વની છે? આપણે નથી કહેતા! કહી જોજો, સારું લાગશે. એને પણ અને તમને પણ!
આર્ટ ઓફ એપ્રિસિએશનની જરૂર માત્ર કામમાં જ નથી હોતી, સંબંધમાં પણ હોય છે. આપણે બધી વાતને એપ્રિસિએટ કરતા હોઇએ છીએ, પ્રેમને એપ્રિસિએટ નથી કરતા. આપણને સારું લાગતું હોય છે પણ આપણે કહેતા નથી. એક પતિ-પત્નીની આ વાત છે. પતિની જોબ એકદમ ટીડિયસ હતી. કામ પૂરું કરીને પતિ ઘરે આવે ત્યારે અત્યંત થાકી ગયો હોય. ઘરે આવીને બેસે. પત્ની ચા બનાવે. બંને થોડો સમય વાતો કરે. પતિ ઓફિસના બખાળા પણ કાઢી લે. આ રોજનો ક્રમ બની ગયો હતો. એક દિવસ પતિને થયું કે, હું ઘરે આવું છું, પત્ની સાથે બેસીને વાત કરું છું એ પછી શું થાય છે? આખરે તેણે એક દિવસ પત્નીને કહ્યું કે, ઓફિસેથી કંટાળીને આવ્યો હોઉં છું પણ તારી સાથે બેસીને થોડી વાર વાત કરું છું તો એકદમ રિલેક્સ થઇ જાઉં છું. મારો બધો થાક ઊતરી જાય છે. આપણી સાથે પણ આવું થતું હોય છે. આપણે એને નોટિસ કરીએ છીએ? નોટિસ કર્યા પછી પણ એને કહીએ છીએ કે, આ તારા કારણે શક્ય બને છે! તમે માર્ક કરજો. એકદમ કંટાળ્યા હોઇએ અને અચાનક કોઇક વાત થાય છે અને આપણને જોમ આવી જાય છે! આપણે રિલેક્સ થવાનાં ઠેકાણાં શોધતાં હોઇએ છીએ, એવાં ઠેકાણાં હોય પણ છે. આપણને એટલો અંદાજ કે એટલું ભાન હોતું નથી કે, આ જે બદલાવ આવે છે એ એના કારણે આવે છે! કહેતા રહો કે, તારી સાથે મને મજા આવે છે, તું છે તો જિંદગી જીવવા જેવી લાગે છે, તારી સાથે વાત કરીને મને હળવાશ લાગે છે, તારી સાથે હોઉં છું ત્યારે બધું જ ભુલાઈ જાય છે. આ બધા શબ્દો સરવાળે એ જ વાત બયાન કરે છે કે, હું તને પ્રેમ કરું છું અને મારી જિંદગી માટે તું બહુ મહત્ત્વની વ્યક્તિ છે. તમને જેના પર લાગણી છે એને તો કહો જ, જેને તમારી ચિંતા છે એને પણ કહેતા રહો કે, તું કેર કરે છે એ મને ગમે છે. ખાઇ લીધું હોય તો પણ કોઇ પૂછે કે, તું જમ્યો ત્યારે થોડુંક સારું તો લાગતું જ હોય છે કે એને મારા જમવાથી ફેર પડે છે. જિંદગી જીવવી એટલે નાની નાની ઘટનાઓને જીવવી, આવી ઘટના રોજરોજ બનતી જ હોય છે. આપણે તેની નોંધ બહુ ઓછી લેતા હોઇએ છીએ!
છેલ્લો સીન :
દરેક સંબંધ ફૂલ જેવા નથી હોતા, કેટલાંક સંબંધો પાંદડાં જેવા હોય છે. આપણા જીવનમાં પાનખર આવે ત્યારે એ પાંદડાંઓ ખરી જતાં હોય છે. –કેયુ.
(`સંદેશ’, સંસ્કાર પૂર્તિ, તા. 04 ડિસેમ્બર ૨૦૨૨, રવિવાર, `ચિંતનની પળે’ કૉલમ)
Kkantu@gmail.com

Krishnkant Unadkat

Krishnkant Unadkat

Leave a Reply

%d bloggers like this: