તારા વગર તહેવાર
જેવું લાગતું જ નથી!
ચિંતનની પળે – કૃષ્ણકાંત ઉનડકટ
એ જ તારો સ્વભાવ છે કે નંઈ? એની સાથે લગાવ છે કે નંઈ?
આજ પાછું ઉદાસ છે હૈયું, બોલ, એનો અભાવ છે કે નંઈ?
-દિનેશ ડોંગરે `નાદાન’
જિંદગીમાં અમુક સમય એવો હોય છે જ્યારે આપણને એવી ઇચ્છા જ હોય છે કે, આપણી વ્યક્તિ આપણી સાથે હોય. એ દિવસે તો તું મને મારી સાથે જ જોઇએ છે! તું ગમે તે કરજે પણ એ દિવસે આવવાનું ચૂકતો કે ચૂકતી નહીં! તારા વગર મજા ન આવે! મારે બીજું કંઈ નથી સાંભળવું, તું આવી જજે બસ! આપણા દરેકની જિંદગીમાં એક વ્યક્તિ એવી હોય છે જેના વગર આપણને બધું જ અધૂરું લાગે! એના વગર કોઈ મીઠાઇ ગળી ન લાગે! સપરમા દહાડે એના વગર કોળિયો પણ ગળે ન ઊતરે! એના વિના તૈયાર થવાનું મન ન થાય! એવું જ થાય કે એ જલ્દી આવી જાય એટલે હાશ! આપણા તહેવારોની શરૂઆત જ એના આવવાથી થાય છે. આપણી વ્યક્તિ આવે ત્યારે એની સાથે ઉજાસ અને આનંદ લઇને આવતી હોય છે. જે ખાલી હોય એ બધું જ ભરાઇ જાય છે. એનો ચહેરો જોઇને આયખું ખીલી જાય. પોતાનું વજૂદ વર્તાય. એવું કહેવાનું મન થઇ આવે કે, તું છે તો તહેવાર છે, તું છે તો રોશની છે. તું ન હોય તો શું તહેવાર અને શું આનંદ? તારા વગર બધું અધૂરું! આપણે ક્યારેક તો કરગરતા હોઇએ છીએ, યાર કંઇક કરને, આવી જાને પ્લીઝ! તને વિચાર આવે છે, તારા વગર હું શું કરીશ? કેમ જશે મારી દિવાળી? કોની સાથે બેસીને પૂજા કરીશ? કોની સાથે બહાર જઇશ? મને તું જોઇએ છે!
સંબંધ છે તો તહેવાર છે. પ્રેમ છે તો આનંદ છે. ઉજાસ છે તો ઉજવણી છે. એક પતિ-પત્નીની આ સાવ સાચી વાત છે. બંને સાથે સ્ટડી કરતાં હતાં. પ્રેમ થયો. ઘરના લોકોને મનાવીને લવમેરેજ કર્યા. બધું સારું છે. કોઇ પ્રોબ્લેમ નથી. થયું એવું કે, પતિને ફોરેનમાં જોબ મળી. પત્નીને એવું કહીને ગયો કે, મને સેટ થઇ જવા દે. એક વખત બધું ગોઠવી લઉં એટલે તું આવી જજે. પતિ ગયો. બધું ગોઠવાઇ ગયું. વાઇફ માટે વિઝાની પ્રોસિજર કરી. થોડો સમય લાગે એમ હતો. આવામાં દિવાળી આવી ગઈ. પતિએ કોશિશ કરી પણ તેને રજા ન મળી. પત્નીએ કહ્યું, કંઈક કરને! ફરીથી રિક્વેસ્ટ કરને! એને કહેને કે, દિવાળી અમારો સૌથી મોટો ફેસ્ટિવલ છે! એમ પણ કહેને કે, મારી વાઇફ ત્યાં એકલી છે! પતિ પણ ગળગળો થઇ ગયો. તેણે કહ્યું કે, મેં બધું કહી જોયું, કહેવામાં કંઇ બાકી નથી રાખ્યું પણ શક્ય બને એવું નથી લાગતું. પત્નીથી રડી પડાયું, તારા વગર હું શું કરીશ? રડી પડાય, ડિસ્ટર્બ થઇ જવાય, કંઇ કરવાનું મન ન થાય! આપણને ખબર હોય કે, કંઇ કાયમ માટે ખતમ નથી થઇ ગયું. એક વખતનો સવાલ છે તો પણ આવું થતું હોય છે. પત્નીને પણ ખબર હતી કે, મારે મહિના બે મહિનામાં તો પતિ પાસે જવાનું છે છતાં પણ અમુક દિવસો એવા હોય છે જ્યારે આપણને આપણી વ્યક્તિ વગર ચાલતું નથી!
ઉજાસને બદલે ઉદાસી ઘેરી વળે છે. એક બીજો સાવ સાચો કિસ્સો છે. એક પતિ-પત્ની છે. એને એકની એક દીકરી છે. દીકરીને ભણવા વિદેશ મોકલી છે. દિવાળી કરવા દીકરી આવી શકે એમ નથી. દીકરીની કૉલેજ ચાલુ છે. માતાને ખબર પડી કે, દીકરી આવવાની નથી એટલે તેણે દિવાળીની કોઇ તૈયારીઓ જ કરી નથી! દિવાળીની વાત નીકળે તો પણ એની આંખોમાં પાણી આવી જાય છે! અમને તો આ વખતે દિવાળી જેવું લાગતું જ નથી. એ હોય તો સવારમાં વહેલી ઊઠીને રંગોળી કરે. ઘરમાં ઠેકઠેકાણે દીવા મૂકે. એ હોય તો એના ફ્રેન્ડ્સ પણ ઘરમાં ધબધબાટી બોલાવતા હોય. આ વખતે તો કોઇ ફરકતું પણ નથી. બાપને પણ દીકરી વગર સોરવતું નથી પણ એ ચૂપ છે. એને ખબર છે કે, હું ઢીલો પડીશ તો એની મા છે એના કરતાં વધુ દુ:ખી થશે. હાલત એ થઇ કે, દીકરીએ બંને પાસે કરગરવું પડે છે કે, તમે પ્લીઝ આવું નહીં કરો, મારો તો વિચાર કરો. તમે બંને આવું કરશો તો હું અહીં કેવી રીતે રહીશ? દીકરીએ એના ફ્રેન્ડ્સને ફોન કરીને કહ્યું કે પ્લીઝ, તમે મારા ઘરે જતા રહેજો, એટલે મારાં મા-બાપને સારું લાગે! આવું ઘણું આપણી આસપાસ બનતું હોય છે. આપણી સાથે પણ ક્યારેક તો એવું બન્યું જ હોય છે કે, મજાના સમયે આપણી વ્યક્તિ ન હોય અને આપણને એ આનંદનો સમય પણ અઘરો લાગે!
માણસ હોય અને ન આવે તો પણ આપણે દુ:ખી થઇ જતા હોઇએ છીએ. માણસ કાયમ માટે ચાલ્યો ગયો હોય તો શું થાય એની કલ્પના પણ અઘરી છે. એક યુવાનની આ વાત છે. શહેરમાં નોકરી કરે. પત્ની અને દીકરા સાથે સરસ જિંદગી જીવે. દિવાળી હોય એટલે બધું જ મૂકીને મા-બાપ પાસે ગામડે ચાલ્યો જાય. મા-બાપ માટે પણ દીકરો, વહુ અને પૌત્ર આવે ત્યારે જ દિવાળી બેસે! થયું એવું કે, માત્ર છ મહિનાની અંદર માતાપિતા બંને વારાફરતી ચાલ્યાં ગયાં. દિવાળી આવી. સૌથી પહેલો સવાલ એ થયો કે, હવે ક્યાં જવું? ગામડે જવાનો તો હવે કોઇ મતલબ નહોતો! ત્યાં જઈશું તો ઉલટું મા-બાપ યાદ આવ્યા રાખશે અને વધુ દુ:ખી થઈશું. દીકરાએ કહ્યું કે, પહેલી વખત મને દિવાળી અઘરી લાગી રહી છે. બધી સમજ પડે છે. મા-બાપ ઉંમરલાયક હતાં. સરસ જિંદગી જીવીને ગયાં છે. એ બંને પણ છેક સુધી ખુશ હતાં. બધું સાચું પણ અત્યારે એમની કમી મહેસૂસ થાય છે.
ખાલીપો બહુ અઘરી ચીજ છે. ક્યારેક કોઈ તૂટેલો સંબંધ પણ ફૂટેલા કાચની જેમ વાગતો રહે છે. એક છોકરી હતી. તેનાં લગ્ન થયાં. સાસરે ગયા પછી ખબર પડી કે પતિનો સ્વભાવ સારો નથી. એની સાથે માંડ દોઢબે વર્ષ કાઢ્યાં. પત્નીને એક વાત સમજાઇ ગઇ કે આની સાથે જિંદગી કાઢવી સહેલી નથી. મા-બાપને વાત કરી. ડિવોર્સ લઇ લીધા. પતિએ પણ કોઇ માથાકૂટ ન કરી. ન ગમે તો સાથે રહેવાનો કોઇ મતલબ નથી એવું બંને માનતાં હતાં. છૂટાં પડી ગયાં. એ પછી દિવાળી આવી. એ છોકરીને વારેવારે એ વિચાર આવી જતો હતો કે, ગઇ દિવાળીએ અમે બંને સાથે હતાં. હા, ઇશ્યૂઝ હતા પણ ઘણી વખત એણે મારું ધ્યાન પણ રાખ્યું છે. છૂટાં પડ્યાં પછી માત્ર કડવાશ જ સાથે નથી હોતી. થોડાંક સારાં સંભારણાં પણ હોય છે. કાળા કાગળમાં થોડાંક સફેદ ટપકાં પણ બચેલાં હોય છે. એ પણ ક્યારેક યાદ તો આવી જાયને?
આ દિવાળીમાં તમારા લોકો તમારી સાથે છે? તમે જેને સૌથી વધુ પ્રેમ કરો છો એ તમારી નજીક છે? એની હાજરીથી જ તમને દિવાળી જેવું લાગે છેને? આપણને એની કેટલી કદર હોય છે? આપણે કેમ આપણી વ્યક્તિ દૂર હોય ત્યારે જ એને મિસ કરીએ છીએ? એ સામે અને સાથે હોય ત્યારે આપણે કેમ એની પરવા કરતા નથી? કેમ એને કહેતા નથી કે, તું છે તો દિવાળી જેવું લાગે છે. તારા કારણે જ મને જિંદગી જીવવા જેવી લાગે છે. કહી દો. વ્યક્ત થાવ. જોજો, તહેવારોનો આનંદ બેવડાઈ જશે. સંબંધોને સજીવન રાખો. સંબંધ છે તો જ બધું છે. માત્ર બે ઘડી એવો વિચાર કરી જુઓ કે આજે જે તમારી સાથે છે એ ન હોય તો તમને દિવાળી જેવું લાગે ખરું? એ છે એના માટે ભગવાનનો પણ આભાર માનો અને એને પણ કહો કે, તું છે તો બધું છે!
છેલ્લો સીન :
જતું કરી દીધું હોત તો સારું હતું એવો વિચાર આવે ત્યારે એ પણ વિચારવું જોઈએ કે, હજુ સંબંધ સુધારી લેવાની કોઈ તક બચી છે ખરી? તક તો હોય જ છે, આપણે જ ઘણી વખત હાથ લંબાવતા હોતા નથી! -કેયુ.
(`સંદેશ’, સંસ્કાર પૂર્તિ, તા. 23 ઓક્ટોબર,૨૦૨૨, રવિવાર, `ચિંતનની પળે’ કૉલમ)
Kkantu@gmail.com