તમે તમારી વ્યક્તિનો ફોન
છૂપી રીતે ચેક કરો છો?
દૂરબીન : કૃષ્ણકાંત ઉનડકટ
રિલેશનશિપના ઇસ્યૂઝ દિવસે ને દિવસે વધતા જ જાય છે.
બધાને શંકા જાય છે કે, મારી વ્યક્તિ મને પૂરેપૂરી
વફાદાર છે કે નહીં? શંકા સવાલો જ નહીં, સમસ્યાઓ સર્જે છે.
ચારમાંથી એક કપલને સાથી દ્વારા ચીટિંગ થવાનો
ભય લાગે છે. હવે ખાનગીમાં મોબાઇલ ચેક કરવાનું
પ્રમાણ સતત વધતું જાય છે
તમારી પત્ની, તમારો પતિ કે તમારા પ્રેમી પાસે તમારા ફોનનો પાસવર્ડ છે? જો ન હોય તો તમે કેમ પાસવર્ડ આપ્યો નથી? જો પાસવર્ડ હોય તો તમને ક્યારેય એવો વિચાર આવ્યો છે કે, તમારી વ્યક્તિએ ક્યારેક તમને ખબર ન પડે એ રીતે તમારો ફોન ચેક કર્યો હશે? તમારી વ્યક્તિના ડરથી તમે ક્યારેય કોઇ ચેટ કે કોઇ ફોટા ડિલીટ કર્યા છે? દરેક વખતે કંઇક ડિલીટ કરવાનું કારણ માત્ર કંઇ છુપાવવાનું નથી હોતું, મોટા ભાગે માણસ માથાકૂટ ટાળવા માટે ચેટ ડિલીટ કરતો હોય છે. એ જોશે તો વળી સો સવાલ કરશે, એના કરતા ન રહે બાંસ, ન બજે બાંસુરી એવો વિચાર કરીને મેસેજીસ ડિલીટ થતા રહે છે.
ટેક્નોલોજીની સાથે રિલેશનશિપના સવાલો વધ્યા છે. કોણ કોના ફ્રેન્ડ છે? કોણ કોની પોસ્ટ લાઇક કરે છે? શું કમેન્ટ કરે છે? એની સાથે જ એ સવાલ થાય છે કે, લાઇક કે કમેન્ટ શા માટે કરે છે? મારી વ્યક્તિ બીજા કોઇની નજીક તો નથીને? દરેકને એક છૂપો ડર રહે છે. હમણાં એક એપ કંપની દ્વારા ઓનલાઇન સર્વે થયો. તેમાં એવું બહાર આવ્યું હતું કે, ચારમાંથી એક કપલને એવો ભય સતાવે છે કે, તેના પાર્ટનર તેની સાથે ચીટિંગ કરે છે અથવા તો ચીટિંગ કરશે. પોતાની વ્યક્તિ થોડો સમય ફોન જોતી હોય તો મનમાં એવો સવાલ ઊઠે છે કે, શું કરતો કે કરતી હશે? કોઇની સાથે ચેટ તો ચાલુ નહીં હોયને? કોલ કરે અને પોતાની વ્યક્તિનો મોબાઇલ બિઝી આવે તો પણ સવાલ થાય છે કે, કોની સાથે વાત ચાલતી હશે? અનેક લોકો તો એવું પૂછે પણ છે કે, તારો ફોન સતત બિઝી આવતો હતો, કોની સાથે વાત ચાલતી હતી? માત્ર કોની સાથે વાત ચાલતી હતી એટલું જ જાણવું નથી હોતું, શું વાત ચાલતી હતી એ પણ જાણવું હોય છે. પ્રેમી કે પ્રેમિકા સાથે હોય અને બેમાંથી કોઇના ફોનની રિંગ વાગે તો સ્ક્રીન પર નજર નાખી લેવાય છે કે, કોનું નામ સ્ક્રીન ઉપર ઝળકે છે.
શંકાનું પ્રમાણ એટલું બધું વધી જાય છે કે, માણસને ચેન પડતું નથી. એક વ્યક્તિએ કબૂલ્યું હતું કે, તે પત્નીનો ફોન ખાનગીમાં ચેક કરે છે. ક્યારે ફોન ચેક કરે છે? એવા સવાલના જવાબમાં તેણે કહ્યું કે, પત્ની નહાવા જાય ત્યારે એનો ફોન ચેક કરું છું! ક્યારેક ફૂડનો ઓર્ડર આપવા કે રિઝર્વેશન કરાવવાનું બહાનું આપીને પણ ચેક કરી લઉં છું. ખાનગીમાં ફોન ચેક કરવાના સર્વેમાં મુંબઇના 52 ટકા અને દિલ્હીના 56 ટકા લોકોએ એ વાતનો સ્વીકાર કર્યો હતો કે, તે પોતાની પત્ની અથવા પોતાના પતિનો ફોન એને ખબર ન પડે એ રીતે ચેક કરે છે. આશ્ચર્યની વાત એ છે કે, અરેન્જ મેરેજ કરનારાઓ કરતાં લવ મેરેજ કરનારા લોકો વધુ સંખ્યામાં પોતાના પાર્ટનરનો ફોન ચેક કરે છે! લવ મેરેજ કરનારા 62 ટકા અને અરેન્જ મેરેજ કરનારા 52 ટકા લોકો પોતાની વ્યક્તિના ફોન ચેક કરે છે. આ સર્વેમાં એવી વાત પણ બહાર આવી કે, પુરુષોની સરખામણીમાં વધારે સ્ત્રીઓ પોતાના પતિનો ફોન ચેક કરે છે.
વેલ, આ સર્વે વિશે રસપ્રદ વાત કઇ છે? સર્વેના ફાઇન્ડિંગ્સમાં એ વાતને જ ગાઇ-વગાડીને કહેવામાં આવી છે કે, ચારમાંથી એક કપલને એવું ટેન્શન છે કે, તેનો પાર્ટનર તેની સાથે ચીટિંગ કરશે. હકીકતે તો આ સર્વેને જરાક જુદી રીતે જોવાની જરૂર છે. એ રીતે કે, ચારમાંથી ત્રણ કપલને એવો ડર નથી કે, તેના પાર્ટનર તેની સાથે કંઇ ખોટું કરશે. આ વાત મોટી નથી? હજુ બધું ખતમ નથી થઇ ગયું. હશે થોડાક એવા યંગસ્ટર્સ જે લફરેબાજ હશે, પણ મોટા ભાગના લોકોને પોતાની વ્યક્તિ પ્રત્યે લાગણી હોય છે. એ પોતાની વ્યક્તિ માટે કમિટેડ હોય છે. મજાની વાત એ પણ છે કે, લોકો પોતાની વ્યક્તિનો ફોન એટલા માટે ચેક કરે છે કે, મારી વ્યક્તિ મારી જ રહે. એના માટે જે કરવાનું છે એ એટલું જ છે કે, તમારી વ્યક્તિને દિલથી ચાહો. ભરોસો રાખો. દરેક વાતને શંકાની નજરેથી ન જુઓ.
હવે એક બીજી વાત. માનો કે તમને ખબર પડે કે, તમારી વ્યક્તિ કોઇ સાથે ચેટ કરે છે અથવા કોઇના પ્રત્યે એને લાગણી છે, તો તમારો પ્રતિભાવ કેવો હોય? આ સર્વેમાં આવો સવાલ પણ પુછાયો હતો. અડધોઅડધ વ્યક્તિએ એવું કહ્યું હતું કે, હું મારી વ્યક્તિને માફ કરી દઉં. 20 ટકાએ એવું કહ્યું કે, હું તો એ વાત જ ભૂલી જાઉં. જોકે, 30 ટકાએ એવું પણ કહ્યું કે, હું આ મુદ્દે મારી વ્યક્તિ સાથે લડી લઉં. માફ કરવાવાળાની ટકાવારી કદાચ એટલે વધુ છે કે, દરેક માણસને આખરે તો પોતાની રિલેશનશિપ બચાવવી હોય છે. એક વ્યક્તિ સાથે જુદા પડીને બીજી વ્યક્તિ સાથે એડજસ્ટ થવું અઘરું હોય છે.
ક્યારેક આપણને એવો પણ સવાલ થાય કે, આખરે માણસ લફરાં શા માટે કરતો હોય છે? તેના વિશે અનેક સર્વે થયા છે. મોટાભાગના સર્વેનાં તારણો એવાં હતાં કે, માણસો ઇમોશનલ નીડ માટે બીજા સંબંધો બાંધતો હોય છે. એને સરવાળે તો એટલું જ જોઇતું હોય છે કે, કોઇ મારી વાત સાંભળે. મારી વાત સમજે. મને પ્રેમ કરે. મારી લાગણી સમજે. જો પોતાની વ્યક્તિ પાસેથી માણસને ઇમોશનલ સપોર્ટ મળી રહેતો હોય તો એ બીજી વ્યક્તિ તરફ આકર્ષાતો નથી. હરીફરીને વાત તો ત્યાં જ આવે છે કે, તમારી વ્યક્તિને સમજો, એ જેવી છે એવી કે એ જેવો છે એવો સ્વીકારો, તો એ વ્યક્તિ કાયમ તમારો જ રહે છે.
પેશ-એ-ખિદમત
બહુત દિન સે કોઇ મંજર બનાના ચાહતે હૈં હમ,
કિ જો કુછ કહ નહીં સકતે દિખાના ચાહતે હૈં હમ,
હમેં અંજામ ભી માલૂમ હૈ લેકિન ન જાને ક્યૂં,
ચરાગોં કો હવાઓં સે બચાના ચાહતે હૈં હમ.
-વાલી આસી
(‘દિવ્ય ભાસ્કર’, ‘રસરંગ’ પૂર્તિ, તા. 05 જાન્યુઆરી 2020, રવિવાર. ‘દૂરબીન’ કોલમ)
kkantu@gmail.com