મને સમજાતું નથી કે એની સાથે વાત શું કરવી? : ચિંતનની પળે – કૃષ્ણકાંત ઉનડકટ

મને સમજાતું નથી કે એની
સાથે વાત શું કરવી?

ચિંતનની પળે – કૃષ્ણકાંત ઉનડકટ


આયખાના તાપણે તાપી શકો તો તાપજો,
ને પછી મન માલીપા વ્યાપી શકો તો વ્યાપજો,
કોઇના જખ્મો રુઝાવી ના શકો તો શું થયું,
હૂંફ જો થોડી ઘણી આપી શકો તો આપજો.
-સાહિલઆપણા શબ્દો, આપણો સંવાદ અને આપણી દાનત સરવાળે આપણે કેવા છીએ એ છતું કરે છે. દરેક માણસને બોલતા આવડે છે પણ શું બોલવું એની સમજ બધાને હોતી નથી. માણસ કેટલો ડાહ્યો છે એ એની વાત પરથી જ પરખાતું હોય છે. શાણા લોકો કહી ગયા છે કે, દરેક વખતે બોલવું જરૂરી નથી. જ્યાં તમારું મૌન સમજી જતું હોય ત્યાં શબ્દોને શાંત કરી દેવા જોઇએ. સાચો સંવાદ મૌનથી જ થતો હોય છે. વેવલેન્થ મળતી હોય ત્યારે વર્ડ્ઝની જરૂર પડતી નથી. દરેક શબ્દનું એક મૂલ્ય હોય છે પણ એની કિંમત આપણે એને કેવી રીતે વાપરીએ છીએ તેના પરથી નક્કી થતી હોય છે. આંગળાનાં ટેરવાંની પણ એક ભાષા હોય છે. સ્પર્શ ઘણું બધું બયાન કરી દે છે. સ્પર્શ કેવી રીતે થાય છે તેના પરથી એ નક્કી થાય છે કે તમારો શાંત સંવાદ કેવો છે. માથે ફરતો હાથ તને મારા આશીર્વાદ છે એ કહી દે છે. પીઠ થાબડતી વખતે કંઇ બોલાય નહીં તો પણ એ વાત અનુભવાતી હોય છે કે, મને તારો ગર્વ છે. સ્પર્શ જ કહી દે છે કે હું તને બહુ પ્રેમ કરું છું. ધક્કો મારવા માટે પણ સ્પર્શની તો જરૂર પડે જ છે. શબ્દો આંખ દ્વારા પણ બોલાતા હોય છે. નફરત અને તિરસ્કાર માટે કંઈ બોલવાની ક્યાં જરૂર પડતી હોય છે? આંખો જ કહી દે છે કે, મને તારી હાજરી પસંદ નથી.
ઘણી વખત તો કોઇની સાથે વાતચીત વખતે એ સમજાતું નથી કે, અહીં બોલવું શું? મારા બોલવાથી કોઈને કંઈ ફેર પડવાનો છે ખરો? ફેર પડતો ન હોય ત્યારે કંઈ ન બોલવું એ ડહાપણ જ છે. એક વખત એક પરિવારના સભ્યો વાતો કરતા હતા. ધીમે ધીમે વાત કોણ કેવું છે એના પર થવા લાગી. ઘરની દીકરી ચૂપ થઇ ગઇ. થોડી વાર પછી પિતાએ કહ્યું કે, તું કેમ કંઇ બોલતી નથી? દીકરીએ કહ્યું, મને એ નથી સમજાતું કે, શું બોલવું? એનાથી પણ વધારે તો એવું લાગે છે કે, શા માટે બોલવું? મારે નક્કામું બોલીને મારા શબ્દોને તકલાદી સાબિત કરવા નથી. દીકરીએ કહ્યું કે, દરેક શબ્દનો એક રણકો હોય છે. જો શબ્દો સમજીને ન વાપરીએ તો શબ્દ રણકવાને બદલે બોદો વાગવા માંડે છે. આપણો ટોન શબ્દને શાર્પ અને સ્મૂધ બનાવતો હોય છે. મારે મારા શબ્દો અને મારા સંવાદને બોદો કે બુઠ્ઠો બનાવવો નથી. બોલતી વખતે કેટલા લોકો એવું વિચારતા હોય છે કે, મારે અહીં બોલવું જરૂરી છે?
બોલવામાં વજન પડવું જોઇએ. વજન ક્યારે પડે? જ્યારે કહેવા જેવું જ કહેવાતું હોય ત્યારે! આપણે કહેવા જેવું ઓછું અને ન કહેવા જેવું વધુ કહેતા હોઇએ છીએ? એક યુવાન સંત પાસે ગયો. સંત પાસે બેસીને એ કંઇ જ ન બોલ્યો. સંત પણ મૌન હતા. થોડોક સમય થયો પછી સંતે પૂછ્યું, કેમ કંઇ બોલતો નથી? યુવાને કહ્યું કે, કંઇ બોલવાની જરૂર લાગતી નથી. સંતે કહ્યું, ભલે તું બોલતો નથી પણ તારી સાથે તારો કેવો સંવાદ ચાલે છે? આપણી અંદર પણ એક સંવાદ સતત ચાલતો હોય છે. એ કેવો છે? બહારથી તો તું શાંત છે પણ અંદરથી તો કોઇ ઉકળાટ નથીને? શાંતિ જો અંદરથી નહીં અનુભવાતી હોય તો મૌનનો કોઈ મહિમા નહીં રહે. અનુભૂતિ અને અહેસાસ અંદરની ઘટના છે. બહારથી શાંત દેખાતો દરેક વ્યક્તિ શાંત હોતો નથી. અંદરથી જે શાંત હોય છે એ બહારથી અશાંત દેખાય જ ન શકે. માણસ નાટક કરીને પોતાની અંદર જે ચાલતું હોય એ છુપાવતો હોય છે. સાચો માણસ એ છે જે જેવો અંદર છે એવો જ બહાર દેખાય છે. અંદરથી ઉગ્ર હોય એ ઉગ્ર જ દેખાય ત્યારે એ જે શાંત દેખાવાનું નાટક કરતો હોય એના કરતાં વધુ પ્રામાણિક હોય છે. આજે એવા લોકોની સંખ્યા બહુ ઓછી જે જેવા છે એવા જ પેશ આવે છે.
કોની સાથે વાત કરતી વખતે તમને એમ થાય છે કે, આ કોઈ બદમાશી નહીં કરે? એ જે કહેશે એમાં કોઇ કપટ નહીં હોય? આપણે તો હવે કોઈ વાત કરે ત્યારે એવું કહેવા પાછળ એની દાનત શું છે એ પણ વિચારવા લાગ્યા છીએ. શબ્દો પણ હવે ક્યાં એના ઓરિજિનલ રૂપમાં કહેવામાં આવે છે? એને તો ક્યારેક ઢોળ ચડાવીને તો ક્યારેક કલાઇ કરીને કહેવામાં આવે છે. શબ્દોને જુદા જુદા રંગોમાં બોળીને આપણી સામે મૂકવામાં આવે છે. એટલે જ આપણે ઘણી વખત કોઇની વાતોમાં આવી જઇએ છીએ અને છેતરાઇ જઇએ છીએ. એક પ્રેમી અને પ્રેમિકા હતાં. પ્રેમિકાને ખબર પડી કે, તેનો પ્રેમી તો નાનીનાની વાતમાં ખોટું બોલે છે. એક વખત પ્રેમી ક્યાં હતો એ બાબતે ખોટું બોલ્યો અને પકડાઈ ગયો. પ્રેમિકા એક શબ્દ ન બોલી. પ્રેમીએ પૂછ્યું, કેમ કંઇ બોલતી નથી? પ્રેમિકાએ કહ્યું, કંઈ બોલવાનું મન થતું નથી. તું જ્યાં ખોટું બોલવાની જરૂર નથી ત્યાં પણ ખોટું બોલે છે. તને ખબર છે, તારી આ આદતના કારણે શું થશે? મારી સાચી વાત પર પણ તને એવો વિચાર આવી જશે કે, આ સાચું તો બોલતી હશેને? એનું કારણ એ છે કે, તું તો ખોટું જ બોલે છે. આપણે ખોટા હોઇએ ત્યારે આપણને બીજા પર ભરોસો બેસતો નથી. માણસ પણ આખરે એ ત્રાજવે જ બીજાને તોળતો હોય છે જે ત્રાજવું એની પાસે હોય છે. એનું જ ત્રાજવું છેતરામણું હોય તો એને બીજા પર ભરોસો ક્યાંથી બેસવાનો છે? આપણે શંકાશીલ હોઇએ તો બીજા આપણને ભેદી જ લાગવાના છે. એક પતિ-પત્ની હતાં. પતિનો સ્વભાવ બધી છોકરી સાથે રમત કરવાનો હતો. તેને સતત એવા જ વિચાર આવતા હતા કે, મારી પત્ની તો આવું નહીં કરતી હોયને? બદમાશ માણસને પણ સાથીદાર તો સારો અને વફાદાર જ જોઈએ છે! આ તો એવી વાત છે કે, ચોરી, ગેરરીતિ અને બદમાશી કરીને રૂપિયા ભેગા કરનાર માણસને ચોકીદાર તો ઇમાનદાર જ જોઇતો હોય છે, જે એક રૂપિયાનું પણ આડુંઅવળું ન કરે!
શબ્દો માત્ર ડિક્શનરીમાં હોતા નથી, મગજમાં પણ હોય છે અને મનમાં પણ હોય છે. બોલો તો એવું બોલો જેનાથી તમારું વજૂદ વર્તાય. સૌથી મહત્ત્વની વાત એ પણ છે કે, તમારી સાથે કે તમારી સામે કંઈ બોલતા પણ કોઇ ન અચકાય. આપણે બધી વાતના બહુ મતલબો કાઢીએ છીએ. એમાં ઘણી વખત જે સાચો મતલબ હોય એ ચુકાઈ જતો હોય છે. મતલબ ચુકાય ત્યારે અર્થો ચૂંથાઇ જતા હોય છે. માત્ર શબ્દોને જ નહીં, મૌનને પણ સાત્ત્વિક રાખવું જોઇએ. પવિત્રતા દેખાવી નહીં. વર્તાવી જોઇએ. વાત એમની સાથે જ કરવી જે તમારી વાતને સમજી શકે છે. બધાને બધી વાત ક્યાં કહી શકાતી હોય છે? વાત કરવા માટે પણ આપણે વ્યક્તિની પસંદગી કરતા હોઇએ છીએ. આ વાત એને જ કરાય. શું બોલવું એ નક્કી ન થઇ શકતું હોય ત્યારે કંઇ જ ન બોલવું. આપણા શબ્દોની જેને કદર ન હોય ત્યાં બોલવું એની સાથે બોલવું એ આપણા શબ્દોને આપણા હાથે જ બરબાદ કરવા જેવું હોય છે. આપણા શબ્દોનું આપણને ગૌરવ હોવું જોઇએ. શબ્દોની સમજ જ સંવાદને સિદ્ધ અને સાર્થક બનાવે છે. આપણી વ્યક્તિ જ્યારે આપણી વાત સાંભળવા, સમજવા કે સ્વીકારવા તૈયાર ન થતી હોય ત્યારે એક પીડા જન્મે છે. એ પીડાને સહન કરીને પણ મૌન રહેવામાં માલ છે. જેને સમજવું જ ન હોય એને કોઈ સમજાવી શકતું નથી. એને સમજાવવાનો પ્રયાસ કરીને આપણે આપણી શક્તિ અને સમજ જ વેડફતા હોઇએ છીએ!
છેલ્લો સીન :
વિચાર સાત્ત્વિક હશે તો જ સંવાદ સહજ, સરળ અને શ્રેષ્ઠ રહેશે. વિચારીએ જુદું અને વાત કરીએ જુદી તો સંવાદ પણ બગડે અને સંબંધ પણ ખરડાય! -કેયુ.

(`સંદેશ’, સંસ્કાર પૂર્તિ, 21 ઓગસ્ટ,૨૦૨૨, રવિવાર, `ચિંતનની પળે’ કૉલમ)

kkantu@gmail.com

Krishnkant Unadkat

Krishnkant Unadkat

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *