અફસોસ : કાશ, એવું કર્યું હોત
તો લાઇફ બહુ જ જુદી હોત!

દૂરબીન : કૃષ્ણકાંત ઉનડકટ
———-
ડેથ બેડ પર અનેક લોકોને જે થયા હતા એ `ટોપ ફાઇવ રિગ્રેટ્સ ઓફ લાઇફ’ કયા છે?
બહુ ઓછા લોકો પોતાની મરજી મુજબની જિંદગી જીવી શકતા હોય છે.
દરેક માણસ કોઇ ને કોઇ અફસોસનો ભાર લઇને જ ફરતો હોય છે!
તમે તમારી જિંદગી તમારી મરજી મુજબ જીવો છો ખરા? હજુ પણ કંઇ મોડું થયું નથી!
હા, આંધળુકિયાં ન થઇ જાય એનું પણ ધ્યાન રાખવાનું હોય છે!
———–
જિંદગીમાં સૌથી વધુ કંઇ અટપટું હોય તો એ જિંદગી પોતે છે. જિંદગી આપણી હોય છે પણ આપણી જિંદગીમાં જ આપણું કેટલું ચાલતું હોય છે? આપણે ધાર્યું હોય છે કંઇ અને થતું રહે છે કંઇક જુદું જ! ક્યારેક માણસ પાસે કોઇ ચોઇસ જ નથી હોતી તો ક્યારેક જિંદગી આપણને એક કરતાં વધારે ઓપ્શન આપે છે. આપણે એ નક્કી કરી શકતા નથી કે કયો ઓપ્શન અપનાવવો. કોઇ ઓપ્શન અપનાવ્યા પછી એવું થાય છે કે, આના કરતાં પેલો ઓપ્શન અપનાવ્યો હોત તો વધુ સારું થયું હોત! માણસનું કંઇ ચાલે નહીં ત્યારે એ બધું જ નસીબ પર ઢોળી દે છે! ડેસ્ટિનીમાં લખ્યું હોય એ આપણે થોડું બદલી શકવાના છીએ? ક્યારેક તો ડેસ્ટિની સામે જ સવાલ થાય છે કે, મારી ડેસ્ટિનીમાં આવું જ કેમ છે? આપણા નિર્ણયો આપણી જિંદગીને બનાવે છે અથવા તો બગાડે છે. છતાં ક્યારેક, જગજિતસિંહે ગાયેલી નિદા ફાઝલીની પેલી ગઝલ જેવો વિચાર આવી જાય છે કે, યૂં તો ગુઝર રહા હૈ હર ઇક પલ ખુશી કે સાથ, ફિર ભી કોઇ કમી સી હૈ ક્યૂં જિંદગી કે સાથ!
અફસોસનો ભાર લઇને જીવવું બહુ અઘરું હોય છે. જિંદગીમાં એવી ઘટનાઓ બનતી રહે છે જેના વિશે આપણને એવું થાય કે, આવું ન થયું હોત તો સારું હતું! ક્યારેક આપણે જે કર્યું હોય છે એના વિશે પણ એવું લાગે છે કે, આવું ન કર્યું હોત તો સારું હતું! આપણે અમુક સમયે જે કરતા હોઇએ છીએ ત્યારે એ ખબર નથી હોતી કે, હું જે કરું છું એ જ મારા માટે ભવિષ્યમાં અફસોસનું સૌથી મોટું કારણ બની જશે. આપણને એમ જ લાગે છે કે હું સાચા રસ્તે છું. રસ્તો પૂરો થઇ જાય અને અંત નજીક આવી જાય ત્યારે ખબર પડે છે કે, મેં જે રસ્તો લીધો હતો એ તો ખોટો હતો. એ પછી અફસોસ સિવાય કંઇ બાકી રહેતું નથી. તમે બ્રોની વેરનું નામ સાંભળ્યું છે? ઓસ્ટ્રેલિયાના સિડની શહેરમાં રહેતી 55 વર્ષની બ્રોની વેર લેખક અને મૉટિવેશનલ સ્પીકર છે. આજથી અગિયાર વર્ષ પહેલાં 2011માં બ્રોનીએ એક બુક લખી હતી. બુકનું નામ છે, ધ ટોપ ફાઇવ રિગ્રેટ્સ ઓફ ધ ડાઇંગ. મરતા લોકોના પાંચ અફસોસ. દુનિયાની 30 જેટલી ભાષામાં આ બુકનો અનુવાદ થયો છે. આ બુક કઇ રીતે લખાઇ એ ઘટના પણ રસપ્રદ છે. બ્રોની લેખક તો પછી બન્યાં, પહેલાં એ નર્સ હતાં. હોસ્પિટલમાં તેમને એવા દર્દીઓની દેખભાળની જવાબદારી સોંપવામાં આવી હતી જેઓ થોડા જ દિવસોના મહેમાન હતા. બ્રોનીને વિચાર આવ્યો કે, જે લોકોની જિંદગી પૂરી થવા આવી છે એને કેવા વિચારો આવતા હશે? એને કોઈ અફસોસ રહી ગયો હશે? બ્રોનીએ જ્યારે પેશન્ટ્સ સાથે વાત કરી ત્યારે એને થયું કે, ઓહો, આવું છે! લોકોને આવા આવા અફસોસ રહી જાય છે. બ્રોનીએ પાંચ અફસોસ અલગ તારવ્યા. પહેલાં તો બ્રોની રિગ્રેટ્સ વિશે બ્લોગ લખતી હતી પણ જે રીતે લોકોનો રિસ્પોન્સ મળ્યો એ જોઇને તેણે બુક પબ્લિશ કરી.
વૅલ, એ પાંચ અફસોસ કયા હતા? કાશ, લોકો શું વિચારશે એની ચિંતા છોડીને મેં મારી જિંદગી મારી રીતે જીવી હોત! બીજો અફસોસ એ હતો કે, કાશ, મેં જિંદગીમાં જેટલી મહેનત કરી એટલી ન કરી હોત અને મારા લાઇફ પાર્ટનર અને પરિવારજનો સાથે વધુ સમય પસાર કર્યો હોત! ત્રીજો અફસોસ, કાશ, મારામાં એટલી હિંમત હોત કે, હું મારા નજીકના લોકોને મારી ફીલિંગ્સ જણાવી શક્યો હોત. ફોર્થ રિગ્રેટ, કાશ, હું મારા મિત્રોની નજીક રહ્યો હોત, એ બધાની સાથે વધુ સમય વિતાવ્યો હોત! લાસ્ટ રિગ્રેટ, કાશ, મેં મારી જાતને ખુશ રાખી હોત, હું મજામાં રહ્યો હોત!
તમને નથી લાગતું કે આ પાંચ વાતમાં જિંદગીની બહુ મોટી ફિલોસોફી છુપાયેલી છે. જરાક એ વિચારવાની જરૂર છે કે, ક્યાંક આપણે તો એવું નથી કરી રહ્યાને જેનો અફસોસ રહી જાય! ડેથ બેડ પર રહેલા એકેય માણસે નાણાં કમાવા વિશે, સંપત્તિ ભેગી કરવા માટે, કરિયર વિશે કે કોઈ હોદ્દા વિશે કંઇ કહ્યું નહોતું. જિંદગીના અંતે કદાચ એ બધું ગૌણ બની જાય છે. મહત્ત્વનું રહેતું હોય તો એ છે, માત્ર ને માત્ર સંબંધ! પોતાના લોકો સાથેનો અને પોતાની જાત સાથેનો સંબંધ! પરિવારના લોકો અને મિત્રોને ઘણી વખત આપણે કોઇ ઇમ્પોર્ટન્સ આપતા નથી. એમને ટેકન ફોર ગ્રાન્ટેડ લઇ લેતા હોઇએ છીએ. છેલ્લે સમજાય છે કે અરે, એ જ બધું મહત્ત્વનું હતું. આપણા લોકોને આપણી પાસેથી આપણા સમય એટલે કે સાથ સિવાય કંઇ જોઇતું હોતું નથી. દુનિયા જેમ જેમ આધુનિક બનતી જાય છે એમ એમ માણસ પાસે સમય ઘટતો જાય છે. કોઇને ફુરસદ જ નથી. પોતાની વ્યક્તિને વાત કરવી હોય તો પણ સમય અને મોકાની રાહ જોવી પડે છે. જિંદગીમાં કરિયર અને ઇન્કમ જરૂરી છે પણ એની સાથોસાથ બીજું એનાથી પણ વધુ અગત્યનું છે. એક સાવ સાચો કિસ્સો છે. એક ભાઇએ ઊંચા પગારની નોકરી છોડી દીધી. તેના મિત્રએ કહ્યું કે, આટલો સારો પગાર હોવા છતાં તેં નોકરી છોડી દીધી? પેલા મિત્રએ કહ્યું, એ કંપની રૂપિયા તો આપતી હતી પણ એ રૂપિયા હું મારા લોકો સાથે વાપરી શકું એટલો સમય બચવા દેતી નહોતી! બીજી એક મહત્ત્વની વાત એ છે કે, બધું મનમાં ધરબી ન રાખો. કહી દો. જેને પ્રેમ કરો છો એને કહો કે, હું તને પ્રેમ કરું છું. માત્ર પ્રેમી, પત્ની કે પતિની જ વાત નથી. ક્યારેય મમ્મી કે પપ્પાને કહ્યું કે, હું તમને ખૂબ પ્રેમ કરું છું. ક્યારેય ભાઇ કે બહેનને કીધું છે કે, તું મારી જિંદગીમાં બહુ ઇમ્પોર્ટન્ટ છે. દોસ્તને કહ્યું છે કે, તારા કારણે મારી જિંદગી જીવવા જેવી છે. કોઇનાથી નારાજ થાવ ત્યારે એને પણ કહી દો કે, નથી ગમ્યું તારું વર્તન મને! આપણે આપણી રીતે જિંદગી જીવતા જ નથી હોતા. કોને કેવું લાગશે? કોણ શું કહેશે? હું કેવો લાગીશ? જાતજાતનું વિચારીને આપણે મન મારીને બેઠા રહીએ છીએ. પોતાના લોકો સિવાય કોઇને કંઇ ફેર પડતો હોતો નથી.
જિંદગીને એવી રીતે જીવો કે કોઇ અફસોસ ન રહે. આપણે ઘણી વખત મન મનાવતા હોઇએ છીએ કે, ઓલ ઇઝ વેલ પણ અંદરખાને ઘણુંબધું ચાલતું રહેતું હોય છે! દરેક માણસે જિંદગીને સમયે સમયે તપાસતા રહેવું જોઇએ. છેલ્લે એક સાવ સાચો કિસ્સો કહેવો છે. અમેરિકામાં એક યુવાન નોકરી કરતો હતો. બહુ સારી જોબ હતી. ઇન્ડિયા આવીને તેણે મેરેજ કર્યા. પત્નીને લઇને અમેરિકા ગયો. થોડા સમયમાં પત્ની બીમાર રહેવા લાગી. ડૉક્ટરોએ ઘણા રિપોર્ટ્સ કર્યાં. છેલ્લે એ તારણ નીકળ્યું કે, પત્નીને અહીંની વેધર જ માફક નથી આવતી. અહીં રહેશે તો એ કોઇ દિવસ સાજી જ નહીં રહે! યુવાને જોબમાંથી રિઝાઇન કર્યું. તેની સાથે કામ કરતા એક લોકલ ફ્રેન્ડે કારણ પૂછ્યું. તેણે કહ્યું કે, મારી વાઇફની હેલ્થ અહીં સારી રહેતી નથી એટલે ઇન્ડિયા પાછો જાઉં છું. આ વાત સાંભળીને ત્યાંની એ વ્યક્તિએ એવું કહ્યું કે, એમાં આ દેશ અને આવી સારી નોકરી થોડી છોડાય, એના કરતાં પત્નીને જ છોડી દેને! એ યુવાને એટલું જ કહ્યું કે, મને ખબર છે કે શું છોડાય અને શું ન છોડાય! હું મારો દેશ છોડીને મારા લોકોને સુખી કરવાના ઇરાદે આવ્યો હતો. એનું સુખ અહીં ન હોય તો એ જ્યાં સુખી રહી શકે એ જ મારું સુખ! મારી પ્રાયોરિટીઝ મને ખબર છે! બાય ધ વે, તમને તમારી પ્રાયોરિટીઝ ખબર છેને? અફસોસ રહી જાય એવું તો કંઇ આપણે નથી કરતાને? શાંતિથી બેસીને થોડુંક વિચારજો તો!
હા, એવું છે !
જિંદગી વિશેનો એક અભ્યાસ એવું કહે છે કે, જે વ્યક્તિ બીજા કશાની પરવા કર્યા વગર માત્ર કરિયર બનાવવામાં કે નાણાં રળવામાં વ્યસ્ત રહ્યો છે એ એક નહીં અનેક અફસોસ સાથે દુનિયામાંથી વિદાય લે છે!
(`સંદેશ’, અર્ધસાપ્તાહિક પૂર્તિ, તા. 24 ઓગસ્ટ, 2022, બુધવાર, `દૂરબીન’ કૉલમ)
kkantu@gmail.com
