તું તારા વિચાર એના પર ઠોકી ન બેસાડ! – ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ

તું તારા વિચાર એના

પર ઠોકી ન બેસાડ!

ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ

 

દુ:ખ થાય એટલો કાયમ અભાવ નથી હોતો,

ખુશ રહેવાનો બધાનો બસ સ્વભાવ નથી હોતો.

– બૈજુ જાની માનવ

દરેક માણસ પોતાને સમજુ માને છે. પોતાના વિશે માન્યતા બાંધવાનો દરેકને અધિકાર પણ છે. તેમાં કશું ખોટું પણ નથી. આપણે આપણા વિશે ઊંચો અભિપ્રાય રાખીએ એ સારી વાત છે. આપણે આપણને ડાહ્યા, હોશિયાર, સમજુ, શાણા, ઇન્ટેલિજન્ટ કે એક્સ્ટ્રા ઓર્ડિનરી માનીએ તેનો કોઈ પ્રોબ્લેમ નથી, આપણે કોઈને અણસમજુ, નાદાન, બેવકૂફ, મૂર્ખ, બેદરકાર કે ઓછી બુદ્ધિના માનીએ એ ખોટું છે. કુદરતે દરેકને બુદ્ધિ આપી છે. કેટલી બુદ્ધિ હોય તો માણસ સમજુ કહેવાય એનું કોઈ પ્રમાણ નથી. આપણે આપણી બુદ્ધિની સરખામણી પણ કોઈની સાથે ન કરવી જોઈએ. જોકે, જાણે-અજાણે આપણે આવું કરી બેસતા હોઈએ છીએ. કોઈને આપણે આપણાથી વધુ બુદ્ધિશાળી માની લઈએ છીએ અને કોઈને મૂરખ સમજી લઈએ છીએ.

આપણી સમજના આધારે આપણે આપણી માન્યતાઓ અને અભિપ્રાયો બીજા પર ઠોકી બેસાડતા હોઈએ છીએ. એણે આમ કરવું જોઈતું હતું, આવું કરીને એણે ખોટું કર્યું, હું હોઉં તો આવું ન કરું. આપણે ઓળખતા ન હોઈએ, આપણે કંઈ લેવાદેવા ન હોય એના માટે પણ આપણે જજમેન્ટલ બની જતા હોઈએ છીએ. એક પ્રેમીયુગલ હતું. બંનેના સ્વભાવ તદ્દન જુદા. વિચારસરણીમાં આસમાન જમીનનો ફરક. એ બંનેએ લગ્ન કર્યાં. એ વિશે એક ભાઈએ એવું સ્ટેટમેન્ટ કર્યું કે આ બંનેનું લાંબું ચાલવાનું નથી. આ વાત સાંભળીને તેના મિત્રએ કહ્યું કે, એ બંનેનું તારે ચલાવવાનું છે? એ બંનેએ ચલાવવાનું છે ને? તો તું શા માટે એવું માની લે છે કે એ બંનેનું લાંબું નથી ચાલવાનું? માન કે એ બંનેનું ન ચાલે તો પણ એ એનો પ્રોબ્લેમ છે. કેટલી બધી બાબતોમાં આપણે આવું કરતા હોઈએ છીએ! કોઈ ટ્રેનમાં જાય ત્યારે પણ આપણે એવું કહી દેતા હોઈએ છીએ કે એણે પ્લેનમાં જવું જોઈતું હતું. કેટલો સમય બચે? એણે સમય બચાવવો ન હોય તો? એને ટ્રેનની સફર એન્જોય કરવી હોય તો? એ પ્લેનની સફરથી કંટાળી ગયો હોય તો?

માણસ જ્યારે કોઈ અભિપ્રાય આપે છે ત્યારે એ પોતાને એની જગ્યાએ મૂકીને વાત કરતો હોય છે. આપણે ક્યારેય કોઈના વિશે વાત કરતી વખતે એને એ જગ્યાએ નથી મૂકતા. હું હોઉં તો આવું ન કરું, પણ તું એ નથી. એ વ્યક્તિ જુદી છે. એ જુદું વિચારે છે, એ જુદું માને છે. આપણને આપણી વ્યક્તિ સાથે જે ઇસ્યૂઝ થાય છે તેનું એક અને સૌથી મોટું કારણ એ જ હોય છે કે આપણે નક્કી કરી લેતા હોઈએ છીએ કે તેણે શું કરવું જોઈએ. એ જરાકેય જૂદું કરે એટલે આપણને પ્રોબ્લેમ થાય છે. જે લોકો બીજાના વિચાર, બીજાના ગમા, બીજાના અણગમા, બીજાની માન્યતા અને બીજાના નિર્ણયો સ્વીકારી શકતા નથી એ ધીમે ધીમે એકલા પડી જાય છે. તમે બીજાની સમજને સ્વીકારી શકો છો તો તમે સમજુ છો.

આપણા લોકોની આપણને ફીકર હોય છે. આપણને એની ચિંતા હોય છે. આપણે આપણા જીવનમાં અનેક ભૂલો કરી હોય છે. આપણે કરેલી ભૂલોનું પરિણામ પણ આપણે ભોગવ્યું હોય છે. કોઈને શિખામણ કે સલાહ આપતી વખતે ક્યારેક આપણને એવું પણ થતું હોય છે કે જે મારી સાથે થયું એ આપણી વ્યક્તિ સાથે ન થાય. એક પિતાની આ વાત છે. એના સનને બહારગામ જોબ મળી. દીકરાએ બહારગામ જવાની રજા માગી. પિતાએ ના પાડી. રહેવા દે, દુ:ખી થઈશ. આપણે અહીં ક્યાં કશું ખૂટે છે? ત્યાં નવું શહેર, નવું કામ, ભાડાનું મકાન, જમવાનાં કોઈ ઠેકાણાં નહીં, આપણે એવું કંઈ નથી કરવું. દીકરો તો કંઈ ન બોલ્યો, પણ તેની માતાએ પોતાના પતિને કહ્યું કે તમે એમ કેમ માનો છો કે એ નહીં કરી શકે? તમે નહોતા કરી શક્યા એટલે? થયું હતું એવું કે પિતા નાના હતા ત્યારે નોકરી માટે બહારગામ ગયેલા. તેને ત્યાં ફાવ્યું ન હતું. આખરે એણે નોકરી છોડીને પાછા પોતાના વતનમાં આવવું પડ્યું હતું. પત્નીએ કહ્યું કે, તમારા સંજોગો જુદા હતા, તમારી માનસિકતા જુદી હતી, દીકરો જુદો છે. એ કદાચ મેનેજ કરી લેશે. માનો કે ન કરી શકે તો પણ શું પ્રોબ્લેમ છે? પાછો આવી જશે. એને જે કરવું છે એ કરવા તો દો. કમ સે કમ એને એવું તો નહીં લાગે કે મેં પ્રયત્ન જ નહોતો કર્યો. આપણે ક્યારેય કોઈને કંઈ કરતા રોકીએ ત્યારે એવું વિચારીએ છીએ કે આપણે એવું શા માટે કરીએ છીએ?

માણસ કોઈ પણ નિર્ણય લે, કોઈ પણ નિવેદન કરે, કોઈ પણ સલાહ આપે એની પાછળ કંઈક કારણ હોય છે. દરેકની પોતાની વિચારવાની એક મર્યાદા હોય છે. આપણને જે અનુભવો થયા હોય છે તેના પરથી આપણામાં અમુક ગ્રંથિઓ બંધાઈ ગઈ હોય છે. આપણી આદતો પણ આવા જ આધારે બનતી હોય છે. આપણી સાથે થયું હોય એવું જ બધા સાથે થાય એવું જરૂરી નથી. ઘણી વખત તો આપણે આપણી વ્યક્તિઓની તાકાતને જ અંડર એસ્ટિમેટ કરતા હોઈએ છીએ. આપણને શંકા હોય છે કે એ આવું નહીં કરી શકે.

એક છોકરા અને છોકરીની આ વાત છે. બંને ખાસ દોસ્ત. એક જ કોલેજમાં સાથે ભણે. કોલેજમાં એન્યુઅલ ડેનું સેલિબ્રેશન હતું. છોકરીએ કહ્યું કે મારે ડાન્સ કમ્પિટિશનમાં ભાગ લેવો છે. છોકરાએ કહ્યું, ડાન્સ કમ્પિટિશન? તારે એમાં ભાગ લઈને શું કરવું છે? તારો ડાન્સ પણ કંઈ એટલો સારોય નથી. શા માટે તારો સમય અને તારી શક્તિ વેડફે છે? તારે ભણવામાં ધ્યાન રાખવાની જરૂર છે. માર્ક્સ ઓછા આવે છે. ડાન્સ-બાન્સ રહેવા દે. આ સાંભળીને છોકરી ખડખડાટ હસવા લાગી. તેણે કહ્યું, તને ડાન્સ નથી આવડતો એટલે તું મારા ઉપર પણ ઠોકી બેસાડે છે. તું ભણવામાં હોશિયાર છે, પણ સ્ટેજ ઉપર જવામાં તારા ટાંટિયા ધ્રૂજે છે. તને ન ફાવે તો તું ન કર, પણ મને તો રોક નહીં. મેં તને કહ્યું કે મારી સાથે ડાન્સ કર? મને ખબર છે કે તારો ટપ્પો પડવાનો નથી! તું મને તારા વિચારોથી ના પાડી દે છે, મારા વિચારોથી વિચાર કર પછી તારો અભિપ્રાય આપ.

માણસને પોતાની વ્યક્તિના અભિપ્રાયથી ફેર પડતો હોય છે. આપણી જિંદગીમાં અમુક લોકો ‘થિંક ટેન્ક’ જેવા હોય છે. આપણે જરૂર પડ્યે એની સલાહ અને એનો ઓપિનિયન લઈએ છીએ. દરેક માણસ આવું કરતો હોય છે. આવું કરવું પણ જોઈએ. ઘણી વખત નવી દિશા મળતી હોય છે. બસ, થોડોક એ વિચાર કરવાની જરૂર હોય છે કે આપણે જેની સલાહ, માર્ગદર્શન કે અભિપ્રાય લઈએ છીએ એની બુદ્ધિક્ષમતા, માનસિકતા અને સક્ષમતા કેટલી છે? એ કોઈ પણ મુદ્દે તટસ્થતાપૂર્વક વિચારી શકે છે? નિષ્ફળ માણસો પણ ક્યારેક સફળતાનો માર્ગ ચીંધી શકે એટલા સક્ષમ હોય છે.

ઘણી વખત તો કોઈ આપણી સલાહ કે અભિપ્રાય ન માગે તો પણ આપણે આપણા વિચાર એના પર ઠોકી બેસાડતા હોઈએ છીએ. એ આપણને વાત કરતા હોય છે અને આપણે આપણને પૂછતા હોય એવું માની લઈએ છીએ. બે મિત્રોની વાત છે. એક મિત્રએ એક દિવસ એવું કહ્યું કે હું ટ્રેકિંગ માટે લેહલદાખ જાઉં છું. આ વાત સાંભળીને તેના મિત્રએ કહ્યું, લેહલદાખ જાય છે, પણ ત્યાં તો… એ વાત પૂરી કરે એ પહેલાં જ તેના મિત્રએ કહ્યું કે, કંઈ બોલતો જ નહીં, હું તને કંઈ પૂછતો નથી. તારો અભિપ્રાય પણ માગતો નથી, ફક્ત તને જાણ કરું છું. તું મારી વાતમાં સો પ્રોબ્લેમ બતાવીશ. લેહલદાખમાં વેધર સારું નથી. જૂના કિસ્સા સંભળાવીશ કે પેલા લોકો ગયા હતા એ કેવા ફસાઈ ગયા હતા? તારે પણ હેરાન થવું હોય તો જા. ઘણી વખત આપણે જેને ખતરો કે પ્રોબ્લેમ સમજતા હોઈએ એને આપણા લોકો એડવન્ચર માનતા હોય છે. રોમાંચની વ્યાખ્યા બધા માટે અલગ અલગ હોય છે. આપણને જે થતું હોય એ જ રીતે અને એનાથી જ બીજાને રોમાંચ થાય એવું જરૂરી નથી. બીજાને જેમાં રોમાંચ થતો હોય એનાથી આપણને ભય લાગતો જ હોય છે ને? કોઈની વાત સાંભળીને આપણે ઘણી વખત એવું બોલતા હોઈએ છીએ કે, એવા ધંધા ન કરાય. આપણને એવું માફક આવતું નથી એટલે આપણે આવું કહી દેતા હોઈએ છીએ.

આપણે આપણા લોકોને કેટલા ઓળખતા હોઈએ છીએ? તમારી સાથે જોડાયેલા લોકોની કાબેલિયત, ખાસિયત, ખામીઓ, મર્યાદાઓ આપણને કેટલી ખબર હોય છે? એક પિતાને બે દીકરી હતી. એક વખત એક કામ માટે પિતાએ એક દીકરીને ના પાડી. આ જ કામ કરવાની બીજી દીકરીને હા પાડી. જેને હા પાડી હતી એ દીકરીએ પૂછ્યું કે, તમે બહેનને તો ના પાડી હતી, મને કેમ હા પાડી? પિતાએ કહ્યું, મેં એટલા માટે તને હા પાડી, કારણ કે તું જુદી છે. તારી તાકાત, તારી ક્ષમતા જુદી છે. તારી બહેનની ક્ષમતાઓ અલગ છે. તું અમુક કામ કરી શકે એ તે ન કરી શકે. એ તો શું કદાચ હું પણ ન કરી શકું. આપણાથી નાના લોકોની ક્ષમતાઓને ક્યારેક આપણે ઓળખી શકતા નથી. આપણી વ્યક્તિને એ ઇચ્છે એમ કરવા દેવું એ પણ એને પાંખો આપવાનું જ કામ છે.

આપણને ક્યારેક કોઈ પૂછે છે કે આમાં મારે શું કરવું જોઈએ? આપણે આપણી બુદ્ધિક્ષમતા મુજબ એને સલાહ કે માર્ગદર્શન પણ આપીએ છીએ. આપણે કોઈ સલાહ આપીએ એમાં વાંધો નથી, આપણે ઘણી વખત એવું ઇચ્છતા હોઈએ છીએ કે સલાહ માગ્યા પછી એ આપણી વાતને જ અનુસરે. ક્યારેક તો આપણે ત્યાં સુધી પણ સંભળાવી દેતા હોઈએ છીએ કે, મારી વાત માનવી નહોતી તો મને પૂછ્યું શા માટે? આપણને પૂછ્યું એ એનો ગુનો? બનવા જોગ છે કે એને આપણી વાત સાચી કે સારી લાગી ન પણ હોય. આપણે આપણું કર્તવ્ય બજાવવાનું હોય છે, એ પછી એને માનવું, ન માનવું એ એના પર છોડી દેવાનું! એ ન માને અને નિષ્ફળ જાય તો પણ એને એવું નહીં સંભળાવવાનું કે હું તો ના કહેતો હતો તો પણ તેં કર્યું, હવે ભોગવ. એક વડીલની આ વાત છે. તેમણે એક યુવાનને સલાહ આપી હતી, એ ન માન્યો, નિષ્ફળ ગયો. વડીલ પાસે આવીને કહ્યું, તમારી વાત ન માની અને આવું થયું. વડીલે કહ્યું કે, કંઈ વાંધો નહીં, એવું થાય, હતાશ નહીં થવાનું. એક વખત પરિણામ સારું ન મળે એમાં કંઈ વાંધો નહીં. બનવા જોગ છે કે આપણે સલાહ આપવામાં ખોટા ઠરીએ અને આપણું ન માનીને કોઈ આગળ પણ આવે. એને બિરદાવવાની તાકાત પણ હોવી જોઈએ. તેં મારી વાત ન માનીને સારું કર્યું. તું સફળ થયો એની મને ખુશી છે. આપણે આપણા વિચારો કોઈ માથે ઠોકી બેસાડવા ન જોઈએ. એ માણસ સાચો, સમજુ છે જે એવું સ્વીકારી શકે છે કે આપણે પણ ખોટા હોઈ શકીએ, આપણે પણ ખોટા પડી શકીએ. સાચા રહેવા માટે આપણા પોતાની આપણા વિશેની સમજ પણ હોવી જોઈએ.

છેલ્લો સીન :

જેને પોતાના પર પૂરી શ્રદ્ધા છે એણે બીજાની માન્યતાઓની, આશરાની, સહારાની કે સધિયારાની જરૂર પડતી નથી.    –કેયુ.

(‘દિવ્ય ભાસ્કર’, ‘કળશ’ પૂર્તિ, તા. 05 સપ્ટેમ્બર 2018, બુધવાર, ‘ચિંતનની પળે’ કોલમ)

kkantu@gmail.com

Krishnkant Unadkat

Krishnkant Unadkat

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *