સાંભળેલી વાત પર આંખ મીંચીને વિશ્વાસ ન કર! – ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ

સાંભળેલી વાત પર આંખ
મીંચીને વિશ્વાસ ન કર!


ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ


કોઇ અઘરા નિયમ પણ હું ક્યાં પાળું છું,
બીજા શબ્દોમાં કહું, જિંદગી માણું છું,
એક ને એક અગિયાર કર તો ખરો,
એક ને એક બે તો હું પણ જાણું છું.
-વિપુલ માંગરોલિયા `વેદાંત’મોટા ભાગના પ્રોબ્લેમ, ઇશ્યૂ, ઝઘડા અને સંઘર્ષ ઘણીબધી વાતો માની લેવા, ધારી લેવા અને કોઈની વાત પર આંખો મીંચીને ભરોસો મૂકી દેવાના કારણે થાય છે. આપણને ક્યાંકથી કોઇક વાતની ખબર પડે છે અને આપણે એક ગાંઠ બાંધી લઇએ છીએ. બાંધી લીધેલી ગાંઠ જ્યાં સુધી છૂટે કે તૂટે નહીં ત્યાં સુધી ભાર જ આપવાની છે. આપણે આપણી અંદર કેટલું બધું ધરબીને બેઠાં હોઈએ છીએ? આપણે જેટલી ચિંતા કરીએ છીએ એટલી ચિંતા કરવાની ખરેખર કોઇ જરૂર હોય છે ખરી? માણસે કરવા જેવી હોય એની જ ચિંતા કરવી જોઇએ. ઘણા લોકોને કારણ વગરની ચિંતા કરવાની આદત પડી ગઇ હોય છે. એનો ચહેરો જોઇને આપણને એવો વિચાર આવી જાય કે આખી દુનિયાનો ભાર આની માથે જ લાગે છે! પોતાનો કોઇ ઇશ્યૂ ન હોય તો માણસ બીજાની ચિંતા કરતો રહે છે. એનું શું થશે? એનું જે થવું હોય એ થાય! હા, એ વ્યક્તિ નજીકની હોય તો વાત જુદી છે. એક છોકરાની આ વાત છે. તેની સાથે ભણતો એક છોકરો ખોટા રસ્તે ચડ્યો હતો. તેના મિત્રએ કહ્યું કે, તું એને સમજાવને કે ભણવા સિવાયના ધંધા છોડી દે! આ વાત સાંભળીને તેણે કહ્યું કે, એ મારું માનવાનો નથી. થોડા સમય અગાઉ મેં તેને એક વાત કરી હતી તો એને ગમ્યું નહોતું. તેણે મને કહી દીધું હતું કે, તું તારા કામથી કામ રાખને! એ દિવસથી મેં મારા કામથી કામ રાખવાનું જ શરૂ કરી દીધું છે. દુનિયાને સુધારવાનો ઠેકો આપણે લીધો નથી. કોઇ સલાહ ન માંગે ત્યાં સુધી સામે ચાલીને દોઢ ડહાપણ કરવાનું નહીં. મને મારું અપમાન કરાવવાનો જરાયે શોખ નથી!
દરેક માણસે જિંદગીમાં એ નક્કી કરવું પડતું હોય છે કે, શેની નજીક રહેવું, શેનાથી દૂર રહેવું અને કોનાથી કેટલું અંતર જાળવવું. બધા સાથે એકસરખી આત્મીયતા હોઈ શકે નહીં. આપણે બધા માણસ કેવો છે એ જોઇને સંબંધ બાંધતા હોઇએ છીએ. માણસનું આપણી સાથેનું વર્તન કેવું છે, એ કેવી વાતો કરે છે, એ શા માટે વાતો કરે છે, એના પર પણ માણસે વિચાર કરતા રહેવું જોઇએ. એક સોસાયટી હતી. તેમાં ઘણા બધા ફ્લેટ્સ હતા. એક ભાઇ પોતાના ફ્લોરના લોકો સાથે કોઈ ને કોઇ ખટપટ કરતા જ રહેતા હતા. નાની વાત હોય એને પણ મોટી કરીને પેશ કરે. એની વાત સાંભળીને પાડોશીઓ વિચારે ચડી જતા હતા કે, ખરેખર આની વાત સાચી હશે? એ માણસ તો આપણને કે એને કંઈ લાગતુંવળગતું ન હોય એવી વાતો પણ કરવા લાગતો હતો. એક પાડોશી એની વાતો સાંભળીને ટેન્શનમાં આવી જતો હતો. એમને ટેન્શનમાં જોઇને પત્નીએ કહ્યું કે, તમે પણ શું એની વાતો સાંભળો છો? પત્નીએ પછી સરસ વાત કરી. તેણે કહ્યું કે, આપણો પાડોશી એનો કચરો આપણા ઘરમાં નાખવા આવશે તો આપણે નાખવા દઈશું ખરાં? પતિએ કહ્યું કે સવાલ જ નથીને! પત્નીએ કહ્યું કે, એ તમારા મગજમાં કચરો ઠાલવે છે એનું શું? આપણું મગજ ડસ્ટબિન નથી કે ગમે તે તેમાં ગમે એ ઠલવી જાય ! આપણે જે કંઈ સાંભળીએ છીએ તેની આપણા દિલ અને દિમાગમાં સીધી અસર થાય છે. આપણે કોઈની વાત સાંભળ્યા પછી એવું વિચારીએ છીએ કે, એની મારા પર કેવી અસર થઇ છે? જે વાત આપણને લાગુ પડતી ન હોય કે જેનાથી આપણને કોઇ ફેર પડતો ન હોય એને ટાળવી એ જ હિતાવહ છે.
એક યુવતીની આ વાત છે. તેના ડિવોર્સ થઇ ગયા હતા. જુદા પડ્યા પછી એ પતિ સાથે સાવ કટઓફ થઇ ગયું હતું. યુવતીની એક ફ્રેન્ડ તેને મળી અને કહ્યું કે, તારા એક્સ હસબન્ડ વિશેની પેલી વાત તેં સાંભળી? આ વાત સાંભળીને પેલી યુવતીએ કહ્યું કે, ના મેં એના વિશે કોઇ વાત સાંભળી નથી અને મારે એના વિશે કોઇ વાત સાંભળવી પણ નથી. હવે એની સાથે મારે કંઇ લાગતુંવળગતું નથી તો પછી એની વાત મારે શા માટે જાણવી જોઇએ? તેની ફ્રેન્ડે કહ્યું કે, સારી વાત છે કે, તું આવા બધામાં પડતી નથી, બાકી લોકો કારણ વગરની બીજાની પંચાત કરતા હોય છે. એક છોકરીએ એવું કહ્યું હતું કે, કોઈની વાત સાંભળવાને બદલે હું મારું ગમતું મ્યુઝિક ન સાંભળું? ક્યારેક થોડોક વિચાર કરજો કે આપણે જે વાતો સાંભળીએ છીએ એમાં કેટલી કામની હોય છે અને કેટલી ન કામની હોય છે? પછી બીજો સવાલ પોતાની જાતને જ પૂછજો કે, સાવ નકામી છે એ વાત હું સાંભળું છું શા માટે?
મોટા ભાગની શંકાઓ સાંભળેલી વાતો પરથી સર્જાતી હોય છે. કોઇ કોઇના વિશે કંઇ વાત કરે એ પછી એ વાત મનમાં ને મનમાં સળવળતી રહે છે અને સતાવતી રહે છે. આપણને વિચાર આવે છે કે, મેં સાંભળ્યું હશે એ સાચું હશે? બે મિત્રોની આ વાત છે. બંને વચ્ચે બહુ સારું બને. એનો એક ત્રીજો મિત્ર હતો. એનાથી પેલા બંને મિત્રોની આત્મીયતા સહન થતી નહોતી. તેણે એક મિત્રની કાનભંભેરણી કરી કે, તું જેને તારો અંગત મિત્ર માને છેને એ તો તારા વિશે ખરાબ બોલતો હતો. તું બદમાશી કરે છે, તારી જાતને કંઈક સમજે છે, એવી બધી વાતો તારા વિશે કરતો હોય છે. આ વાત સાંભળીને પેલો મિત્ર ડિસ્ટર્બ થઇ ગયો. તે મનમાં ને મનમાં મૂંઝાતો હતો. જેને હું જીગરજાન માનતો હતો એ મારા વિશે આવું બોલે છે? તેણે પોતાના મિત્ર સાથે સંબંધ ઘટાડી નાખ્યો. આખરે એના મિત્રએ જ પૂછ્યું કે, શું વાત છે? કેમ હમણાં કંઇક ખૂટતું હોય એવું લાગે છે? તેણે ત્રીજા મિત્રએ કહેલી વાત કરીને વિશે પૂછ્યું કે, તું મારા વિશે ગમે તેમ બોલે છે! આ વાત સાંભળીને તેના અંગત મિત્રએ કહ્યું કે, એણે કહ્યું અને તેં સાચું માની લીધું? અરે, મને પૂછી લેવું હતુંને કે, આ વાત સાચી છે? હવે એક વાત સાંભળ, એ મારા મોઢે પણ તારા વિશે ઘસાતું બોલ્યો હતો. મેં એને કહ્યું હતું કે, તું રહેવા દે, મારે મારા દોસ્ત વિશે કંઈ સાંભળવું નથી. એ કેવો છે એ મને ખબર છે. એના વિશે સારું કે ખરાબ કોઇ સર્ટિફિકેટ મારે તારી પાસેથી જોઇતું નથી. પહેલાં તો કોઇની વાત સાંભળ નહીં, અને સાંભળ તો પછી ખુલાસો કરી લે. સંબંધમાં એટલી તો ટ્રાન્સપરન્સી હોવી જ જોઈએ કે મનમાં કંઈ ન રહે!
કાને સાંભળેલું સાચું હોય એવું જરૂરી નથી. આંખે દેખેલું પણ ઘણી વાર સાચું હોતું નથી. આપણે કંઈક જોઇએ ત્યારે આપણા વિચારોને આધારે એનું મૂલ્યાંકન કરી લેતા હોઈએ છીએ. કોઈને કોઇની સાથે જોઇને એવું માની લેવાની જરૂર નથી હોતી કે એ બંને સાથે મળીને કંઇક રમત રમી રહ્યાં છે! આપણે બહુ ઝડપથી જજમેન્ટલ થઇ જતા હોઇએ છીએ. આપણે જે માનતા હોઇએ એ કેટલું સાચું છે અને કેટલું ખોટું છે એ જાણવાની કે સમજવાની દરકાર જ કરતા નથી, એના કારણે જ આપણા ઘણા સંબંધો દાવ પર લાગી જાય છે. સાચો સંબંધ એ છે જેમાં નિખાલસતા અને પારદર્શકતા હોય! જ્યાં વ્યક્ત થવાનો અવકાશ નથી ત્યાં મુક્તિનો અહેસાસ થવાનો જ નથી! કોઇ વાત છે તો કહી દો, કોઇ શંકા છે તો પૂછી લો, સંબંધોમાં એટલી સરળતા અને સહજતા તો હોવી જ જોઇએ કે કોઇ જાતના ડર કે સંકોચ વગર વાત કરી શકાય. જે વાત કહેવાતી નથી એ ધૂંધવાટ બનીને મન અને મગજમાં ઘૂમતી રહે છે, આપણે વાતો સાંભળીને ગાંઠો બાંધી લઇએ છીએ અને આપણી આસપાસ જ એક એવી કેદ રચી લઇએ છીએ જે આપણને મુક્તિ કે હળવાશનો અહેસાસ જ થવા દેતી નથી!


છેલ્લો સીન :
કાન કાચો હશે તો આંખોમાં શંકા જ અંજાયેલી રહેવાની છે. કાચા કાનના માણસો સંશયમાં જ જીવતા હોય છે. દરેક વાતમાં શંકા આપણને જ ભેદી વ્યક્તિના દાયરામાં મૂકી દે છે!


(`સંદેશ’, સંસ્કાર પૂર્તિ, તા. 10  જુલાઈ 2022, રવિવાર. `ચિંતનની પળે’ કૉલમ)
kkantu@gmail.com

Krishnkant Unadkat

Krishnkant Unadkat

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *