હું એને કોઈ વાતની
ના પાડી શકતો નથી!
ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ
કોણ કહે છે સ્વપ્ન માટે રાત હોવી જોઈએ,
દૃશ્ય જોવાની ફક્ત ઔકાત હોવી જોઈએ,
મંઝિલો આવીને ચૂમી લે સ્વયં ચરણ,
ઝંખનામાં એટલી તાકાત હોવી જોઇએ.
-દક્ષેશ કોન્ટ્રાક્ટર `ચાતક’
આપણે બધા જ કોઇ ને કોઇ સાથે જોડાયેલા હોઇએ છીએ. પોતાના લોકો, સ્વજનો, સ્નેહીઓ, દોસ્તો, ઓફિસમાં સાથે કામ કરતા લોકો, પડોશીઓ અને બીજા કેટલા બધા લોકો સાથે આપણો નાતો હોય છે. જુદા જુદા લોકો સાથે સંબંધ જુદી જુદી કક્ષાએ જિવાતો હોય છે. બધાથી આપણને બહુ ફેર નથી પડતો પણ કેટલાંક સંબંધ એવા હોય છે જ્યાં દુનિયાના નિયમો લાગુ પડતા નથી પણ દિલના કાયદાઓ લાગુ પડતા હોય છે. દિલનો કાયદો કેવો હોય છે? જેના પર પ્રેમ હોય, જેના માટે લાગણી હોય, જેની ચિંતા થતી હોય, જેનું પેટમાં બળતું હોય, જેને ખુશ જોઈને સારું લાગતું હોય, જેના ચહેરા પરનું હાસ્ય તાજગી આપતું હોય, એના માટે કંઈ પણ કરી છૂટવાનું! કોઇ વિચાર જ નહીં કરવાનો! આપણી લાઇફમાં થોડાક લોકો અપવાદ જેવા હોય છે. તેની પાસે કોઈ વાદ નહીં, કોઈ વિવાદ નહીં, માત્ર સંવાદ અને માત્ર સ્નેહ. તમારી લાઇફમાં એવું કોણ છે જે તમારા માટે સર્વસ્વ છે? કોના માટે તમે કંઈ પણ કરી છૂટો? એક છોકરીની આ સાવ સાચી વાત છે. એ જોબ કરતી હતી. તેને એક નાનો ભાઇ હતો. સામાન્ય પરિવાર હતો એટલે બધો ખર્ચ વિચારી વિચારીને કરવો પડતો હતો. એને પોતાને કંઇ ખરીદવું હોય તો પણ એ લાંબો વિચાર કરતી. તેના ભાઇ સાથે એ જ્યારે પણ માર્કેટમાં જતી ત્યારે એ ભાઇને કોઇ વાતની ના ન પાડતી! ભાઇ ભાવ જુએ તો પણ એ કહેતી, તને ગમે છેને, લઇ લે! ભાઇએ એક વાર પૂછ્યું, તને ગમે એ તું ફટ દઇને લઇ લે છે? બહેનની આંખો ભીની થઇ ગઇ. નાના ભાઇને ગળે વળગાડીને કહ્યું, તારા માટે થોડો કંઈ વિચાર કરવાનો હોય! આપણે બધાએ ક્યારેક આવું કર્યું જ હોય છે. પોતાના માટે વિચાર કર્યો હોય પણ જેના માટે પ્રેમ છે એના માટે નયા ભારનો પણ વિચાર ન કરીએ.
એનિથિંગ ફોર યુ! આપણી પાસે જ્યારે આવું કહેવાવાળું કોઇ ન હોય ત્યારે એક અજાણી પીડા સતાવતી રહે છે. દરેક માણસને એવું હોય છે કે, કોઇ મને કહે કે, હું છુંને, તું શેની ચિંતા કરે છે? આપણે પાછળ વળીને જોઇએ તો કેટલાંક એવા ચહેરા નજર સામે તરવરી જાય છે જેણે આપણા માટે કોઇ શરત કે કોઇ સ્વાર્થ વગર કંઈ કર્યું હોય છે. કેટલાંક સંબંધોની ડિક્શનરીમાં ના નામનો શબ્દ જ હોતો નથી. બે પ્રેમીઓ હતાં. બંને એકબીજાને ખૂબ જ પ્રેમ કરતાં હતાં. પ્રેમી પોતાની પ્રેમિકાનો પડ્યો બોલ ઝીલે. એ કહે એટલે હાજર જ હોય. એક વખત પ્રેમિકાને કામ પડ્યું. પ્રેમી ઓફિસે હતો. પ્રેમિકાએ ફોન કરીને બોલાવ્યો. પ્રેમી તરત જ હાજર થઇ ગયો. બીજા દિવસે પ્રેમિકાને ખબર પડી કે, મેં જ્યારે એને બોલાવ્યો ત્યારે એને બોસ સાથે મિટિંગ હતી. એ મિટિંગ છોડીને આવ્યો હતો. મિટિંગ મિસ કરી એટલે બોસે તેને ખખડાવ્યો. પેલાએ સાંભળી લીધું. પ્રેમિકા જ્યારે પ્રેમીને મળી ત્યારે તેણે કહ્યું, આવું હોય તો કહી દેવાયને! પ્રેમીએ કહ્યું, યાર, હું તને કોઇ વાતની ના નથી કહી શકતો. તારી વાત આવે ત્યારે એવો જ વિચાર આવી જાય છે કે, જે થવું હોય એ થાય પણ તારી ઇચ્છા પૂરી થવી જોઇએ. પ્રેમિકા સમજુ હતી. તેણે કહ્યું, અમુક વાતમાં પ્રેક્ટિકલ થવું પડતું હોય છે. પ્રેમીએ કહ્યું, બધા સાથે પ્રેક્ટિક્લ ન થવાય. પ્રેમ હોય એની સાથે તો નહીં જ! કેટલાંક સંબંધો વ્યવહારિકતાથી પર હોવા જોઇએ. દુનિયા સાથે દુનિયાની જેમ રહેવાનું, બધાની સાથે જમાનાની જેમ ન રહેવાય!
કોઇક તો એવું જોઇએ જ્યાં ના પાડવાનો સવાલ જ ન આવે. આપણે ના પાડી જ ન શકીએ. ગમે તે હોય તો પણ આપણે એની ઇચ્છા પૂરી કરીએ જ છીએ. એક દાદા હતા. એના દીકરાની દીકરી એમને ગળે હતી. રોજ બિઝનેસથી ઘરે જાય ત્યારે એ રાહ જોઇને જ બેઠી હોય. હમણાં દાદા આવશે અને મારી સાથે રમશે. એક દિવસ દાદાની તબિયત સારી નહોતી. ઘરે વહેલા આવી ગયા. દાદાને વહેલા આવેલા જોઇને દીકરી ખુશ થઇ ગઇ. તેણે દાદાને કહ્યું કે, ચલો, મને બગીચામાં લઇ જાવ. દાદાથી જવાય એમ નહોતું છતાં તે પૌત્રીને બગીચામાં લઇ ગયા. તેમની વહુએ કહ્યું, તમારી તબિયત સારી નથી તો ના પાડી દોને. દાદાએ કહ્યું, એને હું કોઈ વાતની ના પાડી જ ન શકું. એને ના પાડું તો પણ મને ગિલ્ટ થયા રાખે. આપણી નજીકની વ્યક્તિએ કંઈક કહ્યું હોય એને એ પૂરું ન કરી શકીએ ત્યાં સુધી આપણી અંદર એક અજંપો જીવતો રહે છે. વાત એટલી મોટી નથી હોતી પણ આપણા માટે એ મોટી થઇ જતી હોય છે.
તમારા માટે કોણ એવું છે કે, જે તમારા માટે કંઇ પણ કરતું હોય? તમને કોઇ વાતની ના ન પાડતું હોય? એની કેર કરજો. ઘણી વખત આપણી પાસે જે હોય છે એની આપણે કદર કરતા નથી. આપણા માટે જે બધું કરતા હોય એને પણ આપણી પાસે થોડીક અપેક્ષા તો હોય જ છે. આપણી ઇચ્છાઓની જેને કદર હોય એની અપેક્ષાઓને પૂર્ણ કરવાની ખેવના પણ હોવી જોઇએ. કોઇ સંબંધ એક પક્ષે લાંબો સમય ચાલતો નથી. ચાલે તો પણ એમાં ધીમે ધીમે સત્ત્વ ખૂટતું જાય છે. ક્યારેક તો માણસને એવો વિચાર આવી જ જાય કે બધું મારે જ કરવાનું? એના ભાગે કંઈ નહીં? એક કપલની આ વાત છે. બંને જોબ કરતાં હતાં. એક વખત પતિ બીમાર પડ્યો. પત્ની એનું ધ્યાન રાખતી હતી પણ ઓફિસનો સમય થાય એટલે એ પોતાના કામે ચાલી જતી. પતિને એની સામે કોઈ ફરિયાદ નહોતી. થોડો સમય ગયો. એક વખત પત્ની બીમાર પડી. પતિએ ઓફિસમાંથી રજા લઇ લીધી અને પત્નીનું ધ્યાન રાખવા એની સાથે જ રહ્યો. પત્નીને બહુ સારું લાગ્યું. પત્નીને વિચાર આવી ગયો કે, એ બીમાર હતો ત્યારે મેં તો રજા નહોતી લીધી. પત્નીએ પતિને પૂછ્યું, તને એમ ન થયું કે હું બીમાર હતો ત્યારે તો તેં રજા નહોતી લીધી, હું શા માટે લઉં? પતિએ કહ્યું, ના મને એવો વિચાર નથી આવ્યો. આવ્યો હોત તો પણ મેં રજા લીધી હોત. તું શું કરે છે એ જોઇને હું કંઈ નથી કરતો પણ મારે શું કરવું જોઇએ એ જ વિચારું છું. એ દિવસથી પત્નીમાં પણ ઘણો ફેર આવી ગયો. પ્રેમ, લાગણી, સ્નેહમાં આપણે જેવું કરીએ એવો જ પડઘો પડતો હોય છે. તમે જો પ્રેમની આશા રાખતા હો તો પ્રેમ કરો. તમને જે પ્રેમ કરે છે એના માટે કંઇ પણ કરવા તૈયાર રહો. જિંદગીમાં આપણી સાચી મૂડી આપણા લોકો જ હોય છે. જેના કારણે જિંદગી જીવવાની મજા આવતી હોય એને ઇગ્નોર ન કરો. બહુ ઓછા લોકોનાં નસીબ એવાં હોય છે જેની કોઇ રાહ જોતું હોય છે. તમારી કોઇ રાહ જોતું હોય તો તમે નસીબદાર છો. બધા પાછળ દોડવાનો કોઇ અર્થ નથી હોતો, પોતાના લોકો સાથે શાંતિથી અને પ્રેમથી બેસવાનું હોય છે. આપણો સમય માત્ર આપણા માટે હોતો નથી, એના માટે પણ હોય છે જે આપણા માટે ક્યારેય સમય જોતા નથી. આપણે ઘણી વખત ભૂલ એ કરતા હોઇએ છીએ કે, જેની પાસેથી પ્રેમ ઝંખતા હોઇએ એની સાથે જ ઝઘડા કરતા હોઇએ છીએ. પ્રેમ ન મળતો હોય ત્યારે દરેક વખતે સામેની વ્યક્તિનો જ વાંક હોતો નથી. ક્યારેક આપણે પણ જવાબદાર હોઇએ છીએ. પડઘા માટે અવાજ આપવો પડતો હોય છે. હોંકારા માટે સાદ આપવો પડે છે. રાહ જોતા હોય એની પાસે જેમ બને તેમ વહેલા પહોંચવાની આપણને કેટલી દરકાર હોય છે? રાહ જોવાથી થાકી જવાય એ પછી જ રાહ જોવાનું બંધ થતું હોય છે. આપણા માટે જે કંઈ પણ કરતા હોય એના માટે આપણી પણ કંઈ પણ કરી છૂટવાની તૈયારી હોવી જોઇએ!
છેલ્લો સીન :
ગમે એવી તીવ્ર લાગણી હોય તો પણ સંબંધમાં ક્યારેક તો ઓટ આવવાની જ છે. સંબંધ બહુ નાજુક હોય છે, કેટલીક વખત એને સલુકાઈથી સાચવી લેવો પડે છે. સંબંધની નજાકત જળવાઈ ન રહે તો સંબંધ નબળો પડી જાય છે. -કેયુ
(`સંદેશ’, `સંસ્કાર’ પૂર્તિ, તા. 25 જૂન, 2023, રવિવાર. `ચિંતનની પળે’ કૉલમ)
kkantu@gmail.com