એને ન ગમે એવું મારે કંઈ કરવું નથી! – ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ

એને ન ગમે એવું

મારે કંઈ કરવું નથી!

ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ

તમસ ને તેજમાં ભૂલા પડ્યા છીએ,

બધા આ ભેદમાં ભૂલા પડ્યા છીએ,

ખરેખર હોત તો છૂટત ને છોડાવત,

નથી એ કેદમાં ભૂલા પડ્યા છીએ.

-વિપુલ પરમાર

દરેક સંબંધનો એક આકાર હોય છે. અમુક સંબંધો નિરાકાર હોય છે. અમુક સંબંધો અખંડ હોય છે. અમુક સંબંધો ખંડિત હોય છે. અમુક સંબંધોનો આકાર પૂર્ણ હોય છે. અમુક સંબંધો અપૂર્ણ રહી જાય છે. કૂંપળ ફૂટે એ પછી દરેક છોડ ઉછરે જ એવું જરૂરી નથી હોતું. અમુક છોડ ફૂલ આવે એ પહેલાં મૂરઝાઈ જતા હોય છે. સોળે કળાએ ખીલેલા સંબંધો આપણું સદભાગ્ય હોય છે. હાથની રેખાઓમાં સંબંધો દેખાતા નથી, એ જિવાતા હોય છે. દરેક રેખાઓ આપણે ઇચ્છીએ એટલી લાંબી ક્યાં હોય છે? અમુક રેખાઓ અધવચ્ચે કપાઈ જાય છે! અમુક રેખાઓ વળાંક લઈ લેતી હોય છે. અમુક સંબંધો આપણને છોડી આગળ નીકળી જાય છે. ક્યારેક આપણે પાછળ રહી જઈએ છીએ. આગળ નીકળી જનારને રોકતા નથી. આગળ નીકળી ગયા પછી શું?

એક યુવાને કહેલી આ વાત છે. હા, હું મારા એ સંબંધમાં દૂર ચાલ્યો ગયો હતો. એમ કહોને કે, આગળ નીકળી ગયો હતો. બહુ દૂર ચાલ્યા ગયા પછી મને વિચાર આવ્યો કે, મારે એ સંબંધને પૂરો કરવો નથી. હું શું કરું એ વિચારતો હતો. મને હાઇ-વે યાદ આવ્યો. હું આગળ નીકળી ગયો પછી મારી પાસે બે ઓપ્શન હતા. એક તો મારી ગતિ રોકીને એની રાહ જોઉં. એને આવવા દઉં. મારા સુધી પહોંચવા દઉં. બીજો ઓપ્શન એ હતો કે, યુટર્ન લઈને એની પાસે પહોંચી જાઉં! યુટર્ન લેવામાં કદાચ મારો ઇગો ઘવાતો હતો. મેં રાહ જોવાનું નક્કી કર્યું. એ ન આવી. મને ખબર પડી કે હું આગળ નીકળી ગયો. એ પછી તો એ હતી ત્યાં જ રોકાઈ ગઈ છે. એને આગળ ચાલવાનું જ માંડી વાળ્યું છે. ક્યારેક હાથ છૂટે એની સાથે પગ પણ થંભી જતા હોય છે. હવે મારે નક્કી કરવાનું હતું કે આગળ નીકળી જાઉં કે યુટર્ન લઉં? આંખો સામે કેટલાંયે સ્મરણો તાજાં થઈ ગયાં. એક ઊંડો શ્વાસ લીધો અને સ્ટીયરિંગ ઘુમાવી યુટર્ન લઈ લીધો! સંબંધ તમને ઓપ્શન આપતો જ હોય છે.

આપણે સંબંધ બાંધીએ છીએ, નિભાવીએ છીએ, તોડીએ છીએ અને ક્યારેક તૂટી ગયેલા સંબંધને ફરીથી જોડીએ પણ છીએ. એક પ્રેમી-પ્રેમિકા હતાં. બંને વચ્ચે ખૂબ પ્રેમ. જોકે, એક વાર સાવ સામાન્ય વાતમાં ઝઘડો થયો. બંને વચ્ચે બ્રેકઅપ થઈ ગયું. થોડા સમય પછી સમજાયું કે, આપણે ખોટું કર્યું. જે થયું તે યોગ્ય ન હતું. બંને પાછાં મળ્યાં અને પ્રેમ ફરીથી જીવતો થયો. એ પછી પ્રેમીએ એક વખત તેની પ્રેમિકાને કહ્યું કે, સંબંધ વિશે એવું કહેવાય છે કે સંબંધ તો કાચ જેવો હોય છે. એક વાર તૂટે પછી પાછો સાંધીએ તો પણ તિરાડ તો રહી જ જાય છે! આ વાત સાંભળીને પ્રેમિકાએ કહ્યું. હા, કાચ વિશે કહેવાય તો એવું જ છે, પણ મેં કંઈક જુદું કર્યું છે. મેં તૂટેલા કાચને સાંધ્યો નથી કે તિરાડ દેખાય. મેં તો આખેઆખો કાચ ઓગાળી નાખ્યો છે અને પછી એ કાચને નવેસરથી અગાઉ હતો એના કરતાં પણ વધુ સુંદર રૂપ આપ્યું છે. આવું થઈ શકે, આપણામાં બસ ઘણું બધું ‘ઓગાળવા’ની આવડત હોવી જોઈએ. જે ઓગળી નથી શકતા એ જ જામી જતા હોય છે. ગઠ્ઠો ન થઈ જાય એ માટે પીગળવું જરૂરી હોય છે. ગળામાં બાઝી ગયેલો ડૂમો ગળાફાંસો ન બની જાય એની પણ તકેદારી રાખવી પડતી હોય છે!

સંબંધ થોડાક બંધ પણ રહેવા જોઈએ. સાવ ખુલ્લા સંબંધ ક્યારેક વહી જતા હોય છે. સંબંધમાં અમુક બંધન પ્રિય પણ લાગવા જોઈએ. ઘરમાં બારણું એક હોય છે, બારીઓ ઘણી હોય છે. બારણું બહાર જવા માટે મુક્તિ આપે છે એ સાચું, પણ બારીઓયે કંઈ બંધન નથી આપતી. બારીઓ પવન અને પ્રકાશ આપતી રહે છે. સંબંધમાં આપણે અમુક બંધનો આપણને ખબર ન પડે એમ સ્વીકારી લીધાં હોય છે. બે બહેનપણી હતી. એક દિવસ એક ફ્રેન્ડે કહ્યું કે, ચલ આપણે બહાર જઈએ. તેની ફ્રેન્ડે કહ્યું, બે મિનિટ રાહ જો. હું મારા હસબન્ડને કહી દઉં. આ વાત સાંભળીને તેની ફ્રેન્ડે કહ્યું, એમાંયે પૂછવાનું? તને એટલી પણ આઝાદી નથી કે તું તારી રીતે બહાર જઈ શકે? તું કંઈ એની ગુલામ થોડી છે? આ વાત સાંભળીને બહેનપણીએ કહ્યું કે, પહેલાં તો મેં એને કહી દઉં એવું કહ્યું છે, એને પૂછી જોઉં એવું નથી કહ્યું. કદાચ પૂછી જોવાનું હોત તો પણ શું? મને એને કહેવામાં કે એને પૂછવામાં કંઈ પ્રોબ્લેમ નથી, એટલા માટે કે એને મારી ચિંતા હોય છે. એ એવું ઇચ્છે છે કે, મને બધું ગમે છે એવું થાય. બીજી એક વાત, એ પણ મને પૂછે છે, ક્યાંય ઓચિંતું જવાનું હોય તો મને કહે છે. દોસ્ત, આ ગુલામી નથી, આ વફાદારી છે, આ ચિંતા છે, આ કેર છે અને આ જ પ્રેમ છે. તને ભલે આઘાત લાગે કે આશ્ચર્ય થાય, પણ એક વાત સમજી લે કે એ ના પાડે તો હું એ કરું પણ નહીં, એને ન ગમે એવું મારે કંઈ કરવું નથી, એટલા માટે કે મને ન ગમે એવું એ કંઈ કરતો નથી!

સંબંધમાં બંધન અને મુક્તિ બંને જરૂરી છે. બંધન સ્વૈચ્છિક અને સાહજિક હોવું જોઈએ. મુક્તિની પણ અમુક મર્યાદા હોવી જોઈએ. મુક્તિ કે બંધનનો ભાર ન હોવો જોઈએ. કંઈ જ લદાવવું ન જોઈએ, બધું સ્વીકારેલું હોવું જોઈએ. સંપૂર્ણ મુક્તિ પણ ક્યારેક આકરી લાગતી હોય છે. આપણી વ્યક્તિ કંઈ ન પૂછે, જરાયે ન રોકે, બધું જ કરવું હોય એમ કરવા દે ત્યારે પણ એવું લાગતું હોય છે કે, કંઈક ખૂટે છે. કંઈક અધૂરું છે. એક પતિ-પત્નીની આ વાત છે. બંને વચ્ચે ખૂબ પ્રેમ. એકબીજાને પૂરતી સ્પેસ આપે. એકબીજાના કામનો આદર કરે. પત્નીએ એક વખત કામ સબબ બહાર જવાનું હતું. તેણે કહ્યું, હું વહેલી સવારે નીકળી જઈશ. રાતે આવી જઈશ. કદાચ થોડુંક વહેલું-મોડું થશે. પતિએ કહ્યું, કંઈ વાંધો નહીં. પત્નીને થયું કે, જરાક પૂછ તો ખરો કે, કેમ વધુ પડતું કામ છે? કંઈ ઇમ્પોર્ટેન્ટ છે? જમવાનું શું કરવાની છે? મોડું કેમ થશે? મારા વગર તને શું થશે? પત્ની વિચારે ચડી ગઈ. થોડી વાર પછી તેને જ હસવું આવ્યું. તેને થયું કે કદાચ મને એ રોજ પૂછતો હોત તો એવું લાગત કે, આ શું બધું પૂછ પૂછ કરે છે? મારા પર ભરોસો નથી? હું બધું મેનેજ કરવા કેપેબલ છું. એ મને નથી પૂછતો, કારણ કે એને પણ મારા ઉપર ભરોસો છે. છતાં એવું લાગે છે કે, ક્યારેક પૂછે તો સારું!

આપણે બધા આપણી વ્યક્તિને ન ગમતું હોય એવું નથી કરતા. આપણે કરવું હોય, આપણને ગમતું હોય છતાં એવું વિચારીએ છીએ કે જવા દે, નથી કરવું. આપણી વ્યક્તિને ન ગમતું હોય એવું ક્યારેક આપણે છૂપી રીતે કરતા હોઈએ છીએ. એ વખતે પણ એમ તો થતું જ હોય છે કે એને ગમતું નથી. સંબંધમાં ધરાર કંઈ ન થવું જોઈએ. તારે આમ જ કરવાનું છે અથવા તો નથી જ કરવાનું એવું દબાણ આવે ત્યારે ધીમો બળવો શરૂ થઈ જતો હોય છે. સંબંધમાં બેલેન્સ ન રહે તો વાત બગડી જાય છે. મુક્તિ કે બંધન, એની મર્યાદા ન ચુકાવવી જોઈએ. બંધન પણ પ્રિય લાગવું જોઈએ, પોતાની વ્યક્તિ માટે કંઈક કરવાની જેટલી મજા છે, એટલી જ મજા એને ગમતું ન હોય એવું ન કરવામાં આવવી જોઈએ.

ક્યારેક આપણે જેને બંધન સમજતા હોઈએ એ બંધન હોતું નથી. દરેક સવાલ પાછળ કંઈક કારણો હોય છે. સવાલ માત્ર શંકાઓના કારણે જ નથી થતા હોતા, સંવેદનાના કારણે પણ થતા હોય છે. જવાબ મેળવીને હાશ થતી હોય છે. એટલા પ્રશ્નો પણ ન હોવા જોઈએ કે ઇરિટેશન થવા લાગે. સવાલો જ્યારે વધી જાય ત્યારે જવાબો ઘટવા લાગે છે. જવાબો ટૂંકા થવા લાગે છે. વાત પતાવવાની દાનત થઈ આવે છે. સવાલ એવો પુછાવવો જોઈએ કે આપણી વ્યક્તિને જવાબ આપવાનું મન થાય. સવાલ સાંભળવો અને જવાબ આપવો તેને ગમે. દરેકને એ પછી પતિ હોય કે પત્ની, પ્રેમી હોય કે પ્રેમિકા, એને જવાબ આપવો હોય છે, સવાલ બસ સહજ, સાત્ત્વિક અને સંવેદનાસભર હોવો જોઈએ. સંબંધમાં વધુ ભાર લદાય ત્યારે જ સંબંધ સંકોચાઈ જતો હોય છે. પ્રેમમાં એ પણ સમજવું જરૂરી છે કે આપણી વ્યક્તિને શું ગમે છે, શું નથી ગમતું. આપણને જે ગમતું હોય એ આપણી વ્યક્તિને પણ ગમતું જ હોય છે! આપણે એને ગમતું હોય એવું કેટલું કરતા હોઈએ છીએ?

છેલ્લો સીન :

આપણને ન ગમે એવું કોઈ ન કરતું હોય ત્યારે આપણે એને ગમતું હોય એવું જ કરવું એ પ્રેમનો પર્યાય જ છે. – કેયુ

(‘દિવ્ય ભાસ્કર’, ‘કળશ’ પૂર્તિ, તા. 20 માર્ચ 2019, બુધવાર, ‘ચિંતનની પળે’ કોલમ)

kkantu@gmail.com

Krishnkant Unadkat

Krishnkant Unadkat

2 thoughts on “એને ન ગમે એવું મારે કંઈ કરવું નથી! – ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ

Leave a Reply

%d bloggers like this: