આઇ રિઝાઇન, મજા નહીં આ રહા! મજા ન આવે એટલે છોડી દેવાનું? – દૂરબીન : કૃષ્ણકાંત ઉનડકટ

આઇ રિઝાઇન, મજા નહીં આ રહા!
મજા ન આવે એટલે છોડી દેવાનું?

દૂરબીન : કૃષ્ણકાંત ઉનડકટ


———-

જિંદગી, મજા, ખુશી, સુખ વગેરેને કેટલું મહત્ત્વ આપવું જોઈએ?

સફળતા અને નિષ્ફળતાને કેવી રીતે મેનેજ કરવી?


લાઇફ છે, અપ-ડાઉન્સ તો આવતા જ રહેવાના છે.

ભાગેડુવૃત્તિ ત્યજીને પડકારોનો સામનો કરવાનું નામ જ જિંદગી છે !


જિંદગીને વહેવા દેવાનો મતલબ એ નથી કે જે થાય એ થવા દેવું,

એનો અર્થ એ છે કે જે હોય એને સ્વીકારવું અને સારી રીતે જીવવું!


———–

વાઇરલનો જમાનો છે. ગમે ત્યારે ગમે તે હરતું, ફરતું, રમતું કે ભમતું થઈ જાય છે. સોશિયલ મીડિયા પર રોજ આપણી સામે કંઇક ને કંઇક આવતું રહે છે. ઘણું ગમે એવું હોય છે, ઘણું ન ગમે એવું પણ હોય છે અને કેટલુંક વિચારતા કરી દે એવું હોય છે. હમણાં એવો જ એક નાનકડો લેટર જોવા-વાંચવા મળ્યો. એ એક રેઝિગ્નેશન છે. સાવ ટૂંકું ને ટચ રાજીનામું. ડિયર સર, આઈ રિઝાઇન. મજા નહીં આ રહા! યોર સિન્સિયરલી, પછી નામ લખ્યું છે. આ લેટરને બધા પોતપોતાની રીતે કંઇક ને કંઇક લખીને અપલોડ કરી રહ્યા છે. એક ભાઇએ લખ્યું કે, ધિસ લેટર ઇઝ શોર્ટ બટ વેરી ડીપ! અ સીરિયસ પ્રોબ્લેમ ધેટ વી ઓલ નીડ ટુ સૉલ્વ!
કોઇ તમને પૂછે કે, આ રેઝિગ્નેશન વિશે તમારું શું માનવું છે તો તમે શું જવાબ આપો? પહેલો વિચાર તો એવો જ આવે કે, સાચી વાત છે, મજા ન આવતી હોય તો જોબ છોડી દેવી જોઇએ! થોડુંક વધુ વિચારીએ તો એવો વિચાર આવ્યા વગર ન રહે કે, મજા ન આવતી હોય તો છોડી દેવું જોઇએ કે પછી એ વિચારવું જોઇએ કે મજા કેમ નથી આવતી? મજા ન આવવાનાં ઘણાં કારણો હોય છે. એ કારણને શોધીને એનું નિરાકરણ ન લાવવું જોઈએ? અગેઇન, એ મુદ્દે પણ દરેકના વિચાર અલગ અલગ હોઈ શકે છે.
થોડા સમય અગાઉ નોકરી અને મજા વિશે એક સરવૅ થયો હતો. તેમાં પૂછવામાં આવ્યું હતું કે, તમે જે કામ કરો છો એમાં તમને મજા આવે છે? મોટા ભાગના લોકોને કંઇક ને કંઇક ઇશ્યૂ હતા. કોઇને કામ સામે વાંધો હતો, કોઇને વર્ક કલ્ચર સામે વાંધો હતો. કેટલાંક વાંધાઓ તો સાવ વાહિયાત હતા. ટોઇલેટ, પીવાના પાણીથી માંડીને એચઆર પૉલિસી સુધીના વાંધાઓ રજૂ થયા હતા. મજાની વાત એ હતી કે, એકને જે વાંધો લાગતો હતો એમાં બીજાને કોઇ પ્રોબ્લેમ નહોતો. દાખલા તરીકે એક ભાઇએ એવું કહ્યું હતું કે, પીવાનું ઠંડું પાણી હોતું નથી. તેની સામે બીજાએ એવું કહ્યું કે, હું તો ઠંડું પાણી ઘરેથી લઇને જ આવું છું ! કહેવાનો મતલબ એ છે કે, આપણને જે પ્રોબ્લેમ લાગતો હોય એ કેટલો જેન્યુઇન છે? એનું આપણે પોતે કોઈ સોલ્યુશન શોધી શકીએ એમ છીએ ખરા?
એક વખત એક ઓફિસમાં એસી ખરાબ થઇ ગયું. એક કર્મચારીએ બૂમબરાડા કર્યા. એચઆર મેનેજરે આવીને બહુ પ્રેમથી કહ્યું કે, તમારા ઘરે એસી ખરાબ થઇ જાય ત્યારે તમે શું કરો છો? રિપેર થાય ત્યાં સુધી રાહ જુઓ છો કે નહીં? થોડીક તો રાહ જુઓ, કારીગર આવીને રિપેર કરે એટલો સમય તો લાગવાનો જ છેને? આ વિશે એવું કહેવાયું હતું કે, અલ્ટિમેટલી તમારા કામ અને કામના વાતાવરણ પ્રત્યે તમારો એટિટ્યૂડ કેવો છે એ મહત્ત્વનું છે. દરેક વખતે મજા નથી આવતી એવું કહીને છોડી દેવાનો કોઇ મતલબ હોતો નથી. છોડી દીધા પછી પણ બીજે કામ કરવાની મજા આવશે જ એની કોઇ ગેરન્ટી છે? કેટલા લોકો પોતાના કામથી ખરેખર સંતુષ્ટ હોય છે? અત્યારે હાલત એ છે કે મોટા ભાગના લોકો બીજે કામની શોધમાં જ હોય છે. બેટર ઓપોર્ચ્યુનિટી મળે અને માણસ જોબ બદલે એ સમજી શકાય એવી વાત છે પણ સતત કામની શોધમાં રહેવું એ થોડુંક વિચિત્ર વલણ છે !
મજા નથી આવતી એને થોડાક વ્યાપક અર્થમાં પણ જોવાની જરૂર છે. નોકરીમાં મજા ન આવતી હોય તો હજુ છોડી શકાય પણ બીજા કશામાં મજા આવતી ન હોય તો? ઘરમાં લાઇફ પાર્ટનર સાથે મજા ન આવે તો શું કરવાનું? સંબંધ પૂરો કરી દેવાનો? એ તો વાજબી વાત નથી. લાઇફમાં અનેક તબક્કે આપણે સમાધાન શોધતા જ હોઇએ છીએ અને સમાધાન કરતા પણ હોઇએ છીએ. પતિ-પત્નીના કિસ્સામાં મતભેદ એક્સ્ટ્રીમ કક્ષાનો હોય તો હજુ ડિવોર્સ લઇ શકાય પણ દરેક સંબંધમાં તો એ પણ શક્ય નથી. પિતા સાથે ન ફાવતું હોય કે ભાઇ-બહેન સાથે માથાકૂટો થતી હોય તો? આપણે સંબંધનો અંત નથી લાવી દેતા! સમજણની જરૂર બેલેન્સ કરવામાં જ પડતી હોય છે. દરેક સમસ્યામાંથી જે રસ્તો કાઢી શકે છે એને જ આપણે સમજુ માણસ કહીએ છીએ.
મજા વિશે જિંદગીના એક રહસ્યને પણ સારી રીતે સમજવું પડે છે. દરેક વખતે દરેક વાતમાં મજા જ આવે એવું જરૂરી નથી. ક્યારેક તો કોઇ કારણ વગર મજા આવતી હોતી નથી! દરેક માણસને ક્યારેક તો એમ થયું જ હોય છે કે, યાર મજા નથી આવતી! એવું થાય ત્યારે શું કરવાનું? મજા આવે એના રસ્તા શોધવાના! કંઇક ગમતું હોય એવું કરવાનું! મનોચિકિત્સકો કહે છે કે, મજા ન આવતી હોય તો મજાનાં કારણો શોધો, કારણો પેદા કરો અને ગમે તેમ કરીને મજા નથી આવતી એ વિચારને ટાળો. મજા નથી આવતી એ જ વાતને પકડી રાખશો તો મજા ક્યાંથી આવવાની છે?
જિંદગી છે, ચાલ્યા રાખે, એવો એટિટ્યૂડ પણ અમુક વખતે જરૂરી બનતો હોય છે. બધું આપણે ધારતા હોય અને ઇચ્છતા હોય એવું જ થાય એ જરૂરી નથી. ક્યારેક તો એવું થવાનું જ છે જે આપણને ન ગમે કે ન ફાવે! ગુજરાતીમાં એક સુવાક્ય છે, ગમશે, ફાવશે અને ચાલશે એવું જે માને છે અને સ્વીકારે છે એને જિંદગીમાં બહુ વાંધો આવતો નથી. બેટર ઓપ્શન હોય ત્યારે ચેન્જ લો પણ જે પરિસ્થિતિ છે એ બદલી શકીએ એમ ન હોય ત્યારે એ સ્વીકારવામાં જ ડહાપણ છે. ધરાર કે મન મારીને સ્વીકારશો તો પણ નહીં મજા આવે, જે છે એને એન્જોય કરો તો ઘણું છે. તાલ ફિલ્મમાં એક દૃશ્ય છે. અનિલ કપૂર એક પાર્ટીમાં નાચતો હોય છે. અક્ષય ખન્ના એ પાર્ટી તરફ આવતો હોય છે. અનિલ કપૂર સિક્યોરિટી ગાર્ડને બોલાવીને કહે છે કે, એને ગમે તેમ કરીને રોકો. ગાર્ડ કહે છે કે, વો મૈં નહીં કર શકતા! એ સમયે અનિલ કપૂર કહે છે કે, તુમ કુછ નહીં કર શકતે? તો ફીર નાચો !
મજા આવતી ન હોય એટલે છોડી દેવું એ વિકલ્પ નથી. મજાના વિકલ્પ શોધો. આપણા સહુની તકલીફ એ છે કે, આપણે સોલ્યૂશનને બદલે પ્રોબ્લેમ શોધવામાં વધુ રુચિ દાખવીએ છીએ! લાઇફમાં પ્રોબ્લેમ તો હોવાના જ છે. જિંદગીનો અર્થ જ એ છે કે, જે પડકાર તમારી સામે આવે છે, એને ઝીલો અને એને પાર કરો! પ્રોબ્લેમ વગરની લાઇફ તો હોવાની જ નહીં. દુનિયાના દરેક મહાન માણસની જિંદગી જોઈ જાવ, દરેક અનેક સમસ્યાઓ સામે ઝઝૂમીને જ મહાન બન્યા હોય છે. દરેકે દરેક ભગવાનની કથાઓ પણ વાંચી જાવ. કયા ભગવાને મુશ્કેલીઓનો સામનો નથી કર્યો? સાચી વાત એ છે કે, નાની નાની વાતમાં રોદણાં ન રડો, ફરિયાદો કરશો તો એનો અંત જ નહીં આવે. ઊલટું હતાશ થવાશે. ડિપ્રેશન એ સતત નેગેટિવ વિચારોનું જ પરિણામ હોય છે. પરિસ્થિતિ બદલાતી હોય છે, પણ જ્યાં સુધી સ્થિતિ અને સંજોગો ન બદલાય ત્યાં સુધી સ્વસ્થતાપૂર્વક તેનો સામનો કરીએ અને રિલેક્સ રહેવાનો પ્રયાસ કરીએ એમાં જ ડહાપણ છે!


હા, એવું છે!
હ્યુમન બિહેવિયર વિશેનો એક અભ્યાસ એવું કહે છે કે, ઘણા લોકોને પોતાની જિંદગીમાંથી પ્રોબ્લેમ શોધવામાં જ મજા આવતી હોય છે! ગમે એવી સારી સ્થિતિમાં પણ એ કોઈ ને કોઈ ઇશ્યૂ શોધી જ કાઢે છે. આજીવન ફરિયાદી જેવા લોકો ક્યારેય સુખ, ખુશી કે આનંદ ફીલ કરી શકતા નથી!
(`સંદેશ’, અર્ધસાપ્તાહિક પૂર્તિ, તા. 29 જૂન, 2022, બુધવાર, `દૂરબીન’ કૉલમ)
kkantu@gmail.com

Krishnkant Unadkat

Krishnkant Unadkat

Leave a Reply

%d bloggers like this: