મને કહીશ કે તને મારી પાસે શું અપેક્ષાઓ છે? – કૃષ્ણકાંત ઉનડકટ

મને કહીશ કે તને મારી
પાસે શું અપેક્ષાઓ છે?

-કૃષ્ણકાંત ઉનડકટ


છોડ્યું છોડ્યું એમ કહો છો પણ ત્યાંના ત્યાં વળગ્યા છોને?
ઝળહળતા રહેવાની જિદ્દમાં સાચું કહેજો સળગ્યા છોને?
નહીંતર તો આંખોમાં આંસુ આ રીતે ઊગે જ નહીંને!
પથ્થરની પાંપણ પહેરી છે પણ અંદરથી પલળ્યા છોને?
-કૃષ્ણ દવેસંબંધોની વાત નીકળે એટલે સ્વાર્થ અને અપેક્ષાઓની ચર્ચા થવાની જ છે. આપણે બધા ક્યારેક તો એવું બોલ્યા જ હોઇએ છીએ કે, બધા સ્વાર્થનાં સગાં છે. અપેક્ષા વગરનો કોઇ સંબંધ હોતો જ નથી. એક ગ્રૂપમાં આવી વાતો ચાલતી હતી ત્યારે એક માણસે સરસ વાત કરી. તેણે કહ્યું કે, સારું છેને કે સ્વાર્થ અને અપેક્ષા છે, નહીંતર માણસ કોઇની સાથે સંબંધ જ ન રાખત! સ્વાર્થ તો સંબંધનો સૌથી મોટો પાયો છે! સંબંધોની ઇમારત જ એના પર ખડી છે! અલબત્ત, દરેક સંબંધ સ્વાર્થના જ હોય એવું જરૂરી નથી. ઘણા સંબંધો સ્નેહના હોય છે. આપણને ગમતી અને વહાલી વ્યક્તિ પાસે આપણને કોઇ અપેક્ષા ન હોય તો પણ આપણે તેની કેર કરતા હોઇએ છીએ અને તેના માટે કોઇ વિચાર કરતા નથી. સંબંધો ઉપર જેને શંકાઓ જ આવે છે એ તો ત્યાં સુધીની વાતો કરે છે કે, આપણે જેને પ્રેમ કરતા હોઇએ એની પાસેથી પણ આખરે પ્રેમની અપેક્ષા તો હોય જ છે. તમે કોઇને સતત અને સખત પ્રેમ કરતા હોવ અને એ તમને નયા ભારનો પ્રેમ ન કરે તો તમે પણ વહેલા કે મોડા તેનાથી થાકી જશો અને તમારો રસ્તો કરી લેશો! જોકે, ખરો પ્રેમ તો એ હોય છે જે બે વ્યક્તિને જોડે છે. પ્રેમ મેળવવાની ઇચ્છા હોય છે એની સામે પ્રેમ આપવાની પણ તૈયારીઓ હોય છે. પ્રેમ હોય પણ છે. એમ ને એમ તો કોઈની ચિંતા થતી નહીં હોયને? એક પતિ-પત્નીની આ વાત છે. બંને મોટા શહેરમાં એકલાં રહેતાં હતાં. પત્ની પિયર ગઇ. પિયરમાં પણ એને પતિની સતત ચિંતા થયા રાખતી કે, એ જમ્યો તો હશેને? એણે ચા પીધી હશે કે નહીં? પતિ મિત્રો સાથે બહાર જમી આવતો, સરસ રીતે રહેતો છતાં એને એમ તો થતું જ હતું કે, મારી વાઇફને મારી કેટલી બધી ચિંતા થાય છે! પૂછવાનો પણ એક સંતોષ હોય છે. એણે જમી લીધું હોય અને ઓડકાર આપણને આવી જાય! એણે ખાધું ન હોય તો ગળે કોળિયો ન ઊતરે! સંબંધોમાં ભલે એવી વાતો થતી હોય કે હવેના પ્રેમમાં આત્મીયતા જેવી કોઇ વાત નથી રહી પણ જે લોકો પ્રેમ કરે છે એ કરે જ છે. સારી પ્રેમકહાનીઓ દરેક યુગમાં જિવાતી રહી છે અને અત્યારે પણ જિવાઈ જ રહી છે!
પોતાની વ્યક્તિ પાસે અપેક્ષા તો હોવાની જ છે! એની પાસે ન હોય તો કોની પાસે હોય? એક વ્યક્તિની ફરતે જ આપણી આખી દુનિયા હોય છે. એની ચિંતા થાય તો એવી ઇચ્છા પણ હોય જ કે, એને પણ મારી ફિકર થાય! એક છોકરીની આ વાત છે. લગ્ન કરવાની ઉંમર થઇ એટલે માતા-પિતાએ છોકરાઓ જોવાનું શરૂ કર્યું. સારાં સારાં ઠેકાણાં હોય તો પણ છોકરી લગ્નની ના પાડી દે! માતા-પિતાને સમજાતું નહોતું કે, દીકરી કેમ ના પાડે છે? આખરે એક છોકરાને તેણે હા પાડી દીધી. એ દિવસે પિતાએ તેને પૂછ્યું કે, તેં એવું તો એ છોકરામાં શું જોયું કે હા પાડી દીધી? તારે કોઈ જવાબ જોઈતો હતો? દીકરીએ પિતાને કહ્યું કે, ના પપ્પા, મારે કોઈ જવાબ નહોતો જોઇતો, મારે તો બસ એક સવાલ જોઈતો હતો! એ સવાલ મને આ છોકરાએ પૂછ્યો એટલે મેં હા પાડી દીધી! પિતાને આશ્ચર્ય થયું કે, આખરે એ સવાલ હતો શું? દીકરીએ કહ્યું કે, જે છોકરો જોવા આવેને એને હું પૂછતી કે, તમને મારી પાસેથી શું અપેક્ષા છે? બધા છોકરાઓ પોતપોતાની અપેક્ષાઓનું લાંબું બયાન કરતા કે, આવું ગમે અને આવું ન ગમે, આવું વર્તન જોઇએ અને તેવું ન જોઇએ! મને એ વાત સામે પણ કોઇ પ્રોબ્લેમ નહોતો. પ્રોબ્લેમ એક જ હતો કે, એકેય છોકરાએ મને સામો સવાલ નહોતો કર્યો કે, તારી અપેક્ષા શું છે? આ છોકરાને મેં તેની અપેક્ષા પૂછી કે તરત જ એણે મને સામો સવાલ કર્યો કે, તમારી મારી પાસેથી અપેક્ષા શું છે એ પહેલાં મને કહો! મારી અપેક્ષા તો ત્યાં જ પૂરી થઇ ગઈ હતી કે, મને એ પૂછે! મારે જે સવાલ જોઈતો હતો એ મને મળી ગયો! દરેક વખતે જવાબ નથી જોઈતા હોતા, ક્યારેક સવાલની પણ અપેક્ષા હોય છે!
આપણે ક્યારેય આપણી વ્યક્તિને પૂછીએ છીએ કે, તને મારી પાસે શું અપેક્ષા છે? પ્રેમમાં અને દાંપત્યમાં આપણે ઘણું બધું માની અને ધારી લેતા હોઇએ છીએ. આપણી વ્યક્તિ માટે કંઈક કરીને આપણે એવું માની લઇએ છીએ કે, મેં એની અપેક્ષા સંતોષી દીધી! એની અપેક્ષાઓ પણ આપણે જ નક્કી કરી લેતા હોઇએ છીએ! બનવાજોગ છે કે, એની અપેક્ષા સાવ જુદી જ હોય! અપેક્ષાઓ પાછી સમયે સમયે બદલાતી પણ રહેતી હોય છે! જેને બહાર રખડવા જવાનું જ મન થતું હોય એને જ પછી ઘરે રહીને વાતો કરવાનું મન થાય એવું પણ બને! ક્યાંય નથી જવું, ઘરે જ રહીએ! માણસની માન્યતાઓ, અપેક્ષાઓ અને ગ્રંથિઓ નાનીનાની વાતોમાં અને થોડીક જ ક્ષણોમાં બદલાતી હોય છે. હમણાં એક વાત સાંભળવા મળી. ઉનાળાના દિવસો હતા. ખૂબ ગરમી હતી. ચાલીને જઈ રહેલા એક ભાઈ મોટું ઝાડ જોઈને થોડીક વાર છાંયો ખાવા ઊભો રહ્યો. સામેના ઘરમાંથી એક બારી ખૂલી અને પૂછ્યું કે, પાણી પીવું છે? પેલા માણસે હા પાડી. સામેથી જવાબ મળ્યો કે, હું હમણાં લઇને આવું છું. પેલા માણસને વિચાર આવ્યો કે, કેવો સારો માણસ છે, પાણીનું પૂછે છે! ઘણો સમય થઇ ગયો તો પણ એ માણસ પાણી લઇને ન આવ્યો. પેલા માણસનો અભિપ્રાય ઘડીકમાં બદલાઈ ગયો. કેવો માણસ છે? પાણીનું પૂછીને પાણી પીવડાવવા પણ નથી આવતો! થોડી વાર પછી પેલો માણસ હાથમાં જગ લઇને આવ્યો. તેણે કહ્યું કે, માફ કરજો, મને થોડી વાર લાગી, હકીકતે મને એમ થયું કે, બહુ ગરમી છે એટલે તમારા માટે પાણીને બદલે સરબત લાવું. સરબતનું નામ સાંભળીને પેલા માણસનો અભિપ્રાય પાછો બદલાઈ ગયો. તેને થયું કે, આ તો ખરેખર સારો માણસ છે, મેં તો તેના વિશે કેવો નેગેટિવ વિચાર કરી લીધો હતો! એ માણસે ગ્લાસમાં સરબત આપ્યું. સરબત ચાખ્યું તો સાવ મોળું હતું! પેલા માણસનો અભિપ્રાય પાછો બદલાયો. કેવો માણસ છે, સરબતમાં ખાંડ તો છે જ નહીં! આવું સરબત કંઈ થોડું કોઇને પીવડાવાય? હજુ બીજો ઘૂંટડો ભર્યો ત્યાં તો સરબત લાવનાર માણસે કહ્યું કે, એક મિનિટ એક મિનિટ, હું સુગર તો સાવ ભૂલી જ ગયો, મને વિચાર આવેલો કે, તમને ક્યાંક સુગર હશે તો? એટલે હું સુગર ફ્રી અને ખાંડની પડીકી બંને લાવ્યો હતો? તમને શું ફાવશે? પેલા માણસનો અભિપ્રાય ફરીથી બદલાયો કે, આ માણસ તો હું ધારતો હતો એના કરતાં સાવ જુદો જ નીકળ્યો! એ માણસનો અભિપ્રાય થોડીક જ મિનિટોમાં કેટલી વખત બદલાયો? આ તો પારકા માણસની વાત છે, માણસ તો પોતાના લોકો માટે પણ જાતજાતની માન્યતાઓ બાંધી લેતો હોય છે.
કોઇક આપણું જરાકેય કંઇક ન કરે તો આપણે તરત જ એવું વિચારવા લાગીએ છીએ કે, હવે તેને મારામાં રસ રહ્યો નથી! હવે એ મને પહેલાં જેવો પ્રેમ કરતો નથી કે પ્રેમ કરતી નથી! આવો સવાલ થાય ત્યારે પોતાની જાતને પણ એક સવાલ પૂછવો જોઇએ કે, હું એને કેટલો પ્રેમ કરું છું? અપેક્ષા રાખો પણ અપેક્ષા સંતોષવાની તૈયારી પણ રાખો. પ્રેમ એવી ચીજ છે કે, આપશો તો જ મળશે. સંબંધો સુકાવા દેવા ન હોય તો પ્રેમ અને લાગણીને સીંચતા રહો, આપણી વ્યક્તિ આપણી જ હોય છે પણ તેને એવું સાંભળવાની ઇચ્છા તો હોય જ છે કે, મારા માટે પણ તું જ સર્વસ્વ છે!


છેલ્લો સીન :
અવસાદ લાગતો હોય તો સાદ આપી જુઓ, બનવાજોગ છે કે હોંકારો મળી જાય! ધ્યાન એટલું રાખજો તે તમે પોતે જ એટલા દૂર ન ચાલ્યા જતા કે તમારો સાદ પણ સંભળાય નહીં! -કેયુ.


(`સંદેશ’, સંસ્કાર પૂર્તિ, તા. 26 જૂન, 2022, રવિવાર. `ચિંતનની પળે’ કૉલમ)
kkantu@gmail.com

Krishnkant Unadkat

Krishnkant Unadkat

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *