ફિલ્મ, વેબ સિરીઝ, વાઇરલ વિડીયો, રિલ્સ અને ક્લિપ્સ : દરેકને એવું થતું રહે છે કે શું જોવું અને શું ન જોવું? – દૂરબીન : કૃષ્ણકાંત ઉનડકટ

ફિલ્મ, વેબ સિરીઝ, વાઇરલ વિડીયો, રિલ્સ અને ક્લિપ્સ

દરેકને એવું થતું રહે છે કે

શું જોવું અને શું ન જોવું?

દૂરબીન : કૃષ્ણકાંત ઉનડકટ

———-

સ્ક્રીન પર આપણે જે જોઈએ છીએ તેની સીધી અસર આપણા દિલ અને દિમાગ પર થાય છે.

તેનાથી આપણી તબિયત સુધરી કે બગડી શકે છે!

જે વાત, જે ઘટના અને જે કિસ્સા તમને ડિસ્ટર્બ કરતા હોય એવું જોવાનું ટાળો.

બધું જ જોવું કંઇ જરૂરી હોતું નથી! કામનું હોય કે મજા આવે એવું હોય એ જ જુઓ!

આપણું મગજ કચરો ભરવા માટે નથી. નવરા પડીએ એટલે તરત જ

મોબાઇલ હાથમાં લઇને આપણે શું જોતા રહીએ છીએ?

———–

એક યુવાનની આ સાવ સાચી વાત છે. એ બીમાર પડ્યો. સારવાર માટે હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યો. એકદમ હાઇ-ફાઇ હોસ્પિટલ હતી. બધા રિપોર્ટસ કરાવીને તેની સારવાર શરૂ કરવામાં આવી. બે દિવસ થયા તો પણ તબિયતમાં કોઇ સુધારો થયો નહીં. બે દિવસ બાદ વધુ સ્ટ્રોંગ મેડિસિન્સ આપવામાં આવી. યુવાનની તબિયતમાં તો પણ ખાસ સુધારો જણાયો નહીં. ડોકટરને આશ્ચર્ય થયું. આવું તો બને જ નહીં! આખરે ડોકટરે તેના પર વોચ રાખી. એ યુવાન આખો દિવસ કાનમાં ઇયર ફોન લગાવીને કંઇકને કંઇક જોતો રહેતો. ડોકટરે તેની પાસે જઇને પૂછ્યું, તું શું જુએ છે? યુવાને જે જવાબ આપ્યો તેના પરથી ડોકટરને તેનો ઇલાજ મળી ગયો. યુવાન સેડ ફિલ્મો અને સેડ સોંગ્સ જોયા રાખતો હતો. એ જે જોતો હતો એ જોઇને વધુ ઉદાસ અને હતાશ થતો હતો. તેને વિચારો આવતા રહેતા કે, દુનિયા બદમાશ લોકોની જ છે, સારા લોકોનું અહીં કામ જ નથી, કોઇનો ભરોસો કરવા જેવો નથી! ડોકટરે કહ્યું કે, આવું બધું જોવાનું બંધ કરીને હળવાશ ફીલ થાય, મજા આવે એવું કંઇક જુઓ. છોકરાએ એવું કર્યું. એ કોમેડી ફિલ્મો અને હળવી રિલ્સ જોવા લાગ્યો. થોડા જ દિવસોમાં તેની તબિયત સુધરવા લાગી.

તમે જે જુઓ છો તેની તમારા પર કેવી અને કેટલી અસર થાય છે એના વિશે તમે ક્યારેય વિચાર કર્યો છે? એક છોકરીની આ વાત છે. તેને રાતે બિહામણા સપના આવતા હતા. એક સમય એવો આવ્યો કે, તેને મનોચિકિત્સક પાસે લઇ જવી પડી. ડોકટરે પૂછ્યું ત્યારે કારણ મળી ગયું. એ છોકરી અડધી રાત સુધી હોરર, ખતરનાક સાહસો અને ખૂંખાર પ્રાણીઓના વીડિયો જોયા રાખતી. એના સબકોન્સિયસ માઇન્ડમાં એવું બધું જ ચાલતું રહેતું. આવા સંજોગોમાં બિહામણા સપના ન આવે તો જ નવાઇ!

માણસના દિવસના ઘણા કલાકો હવે સ્ક્રીન સામે જવા લાગ્યા છે. મોબાઇલ, લેપટોપ અને ટેલિવિઝન સ્ક્રીન પર જ માણસની નજર હોય છે. ટેલિવિઝનથી માણસો કંટાળ્યા હતા. જો કે, સ્માર્ટ ટીવી આવ્યા બાદ લોકો ફરીથી ટેલિવિઝન પર વેબસિરીઝ અને ફિલ્મો જોવા લાગ્યા છે. આમ જોવા જઇએ તો એમાં કશું જ ખોટું નથી. માણસને જિંદગી સારી રીતે જીવવા માટે એન્ટરટેનમેન્ટ પણ જરૂરી છે જ. રિલેક્સ થવા માટે માણસ માણસ વેબ સિરીઝ કે બીજું કંઇ જુએ એ જરૂરી પણ છે. ઘણા લોકોની લાઇફમાં એન્ટરટેનમેન્ટ જેવું કશું હોતું જ નથી. એ પણ સારી વાત નથી. તન માટે કસરત કરીએ છીએ એમ મનને પ્રફૂલ્લિત રાખવા માટે પણ મનોરંજનની જરૂર પડે છે જ. ધ્યાન એટલું રાખવાનું હોય છે કે, આપણે મજા માટે શું કરીએ છીએ? મજા માટે જે કરીએ છીએ એ જ સજા બની જવી ન જોઇએ!

તમને એક વસ્તુની ખબર છે? હવે આપણે શું જોવું એ પણ બીજા નક્કી કરવા લાગ્યા છે. આપણને ખબર ન પડે એ રીતે આપણા ઉપર કોઇની પસંદગી આપણી ઉપર થોપી દેવામાં આવે છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આપણા પર સતત નજર રાખે છે. તમે એક વખત કંઇક જુઓ એ સતત તમારી સામે આવે રાખે છે. એક વખત કોઇ કન્ટેન્ટ તમે જુઓ એના જેવું જ કન્ટેન્ટ તમને પીરસવામાં આવે છે. આપણને ક્યારે એની આદત પડી જાય છે એની આપણને ખબર કે સમજ નથી પડતી. એ આપણને ગમતું હોય તો જુદી વાત છે પણ જસ્ટ ફોર ચેન્જ એક વખત તમે કંઇ ટ્રાય કરો તો પણ એના જેવી સામગ્રી તમારી સામે આવતી રહે છે. આપણે માત્ર એટલો વિચાર કરવાનો હોય છે કે, હું જે જોવ છું એની મારા પર કેવી અસર થાય છે? ઘણી વખત આપણે અમુક પ્રકારના રિલ્સ જોતા હોઇએ છીએ. એક જ સરખા રિલ્સ જોઇ જોઇને આપણું મગજ બહેર મારી જાય છે.

આપણે જે વેબ સિરીઝ જોઇએ છીએ એ કેવી રીતે નક્કી કરીએ છીએ? આપણને કોઇ કહે કે, પેલી વેબ સિરીઝ સારી છે એટલે આપણે એ જોઇ લઇએ છીએ. આપણે એવો વિચાર કરીએ છીએ કે, એ મારા ટેસ્ટની છે કે નહીં? દરેકની ચોઇસ અલગ હોય છે. બીજાને ગમે એ આપણને ગમે એવું જરૂરી નથી. પુષ્પા ફિલ્મનું ઉદાહરણ આપણી સામે છે. એ ફિલ્મ વિશે એટલી બધી વાતો થઇ કે, એ ટાઇપની ફિલ્મ ન જોનારાઓએ પણ ફિલ્મ જોઇ નાખી. ઘણાને એવો સવાલ પણ થયો હતો કે, આ ફિલ્મમાં એવું તો શું છે કે બધા એની પાછળ ગાંડા થયા હતા? હવે ઘણું બધું ટાઇમ પાસ માટે જોવાય છે. ટાઇમ હોય તો વાંધો નથી પણ ટાઇમ વેડફાય નહીં એની પણ તકેદારી રાખવી જોઇએ.

સોશિયલ મીડિયા પર જે ક્લિપ્સ અપલોડ થાય છે એ ઘણી વખત બિહામણી કે ચિતરી ચડે એવી હોય છે. ખાસ કરીને સીસીટીવીના જે ફૂટેજ અપલોડ કરવામાં આવે છે એ તો ડિસ્ટર્બ કરી દે એવા હોય છે. હમણા એક વીડિયો વાઇરલ થયો હતો. બે યુવાનો જેસીબીના ટાયરમાં હવા ભરતા હતા ત્યારે ટાયર ફાટ્યું. બંને રીતસરના હવામાં ફંગોળાયા. બંનેના મોત થયા. કોઇપણ માણસને કમકમાટી થઇ આવે એવી એ ક્લિપ્સ હતી. સવાલ એ થાય કે, એ જોવી જરૂરી હતી? ન જોઇ હોય તો શું ફેર પડે? આપણે બધા કુતૂહલ ખાતર ઘણી વખત ન જોવાનું જોઇએ છીએ અને પછી દુ:ખી થઇએ છીએ. સૂચના લખી હોય કે, આ ક્લિપમાં જે બતાવાયું છે એ તમને વિચલિત કરી શકે છે તો પણ આપણે જોઇએ છીએ અને વિચલિત પણ થઇએ છીએ. વિચલિત થવામાં પણ કંઇ વાંધો નથી, જો તમે થોડા જ સમયમાં સ્વસ્થ થઇ જવાની ક્ષમતા ધરાવતા હોવ. બધા એવા નથી હોતા. અમુક સંવેદનશીલ લોકોના મગજમાંથી કેટલાંય દિવસો સુધી અમુક દ્રશ્યો હટતા નથી. અફઘાનિસ્તાનમાં તાલિબાનો ઘૂસી આવ્યા હતા ત્યારે અમેરિકન એરફોર્સના કાર્ગો વિમાન પર બેસીને દેશ છોડવાનો પ્રયાસ કરનારા વિમાન ઉપરથી ટપોટપ નીચે પડ્યા હતા. એ દ્રશ્યો કંપારી છૂટી જાય એવા હતા, છતાંયે બધાયે વારંવાર જોયા હતા. યૂક્રેન વોરના દ્રશ્યો નીંદર હરામ કરી દે તેવા આવે છે. મિસાઇલો છૂટતી હોય એ દ્રશ્યો જોવા ગમવા લાગે ત્યારે એ પણ વિચારવું જોઇએ કે આપણી સંવેદનાને થયું છે શું?

એ જ જુઓ, જે તમને હળવા કરે, જે જોવાથી રિલેક્સ થવાય. બધી કોમેડી પણ સારી હોતી નથી. સ્ટેન્ડ અપ કોમેડીમાં તમે એક વસ્તુ માર્ક કરજો. બે-ચાર ગાળો વગર તો કોઇ કોમેડી પૂરી જ થતી નથી! વલ્ગરનું વળગણ થઇ જાય પછી એ ઘડીકમાં છૂટતું નથી. તમારો મૂડ મસ્ત કરે, તમારી માનસિકતાને મજબૂત કરે અને બીજું કંઇ ન કરે તો અપસેટ તો ન જ કરે, એનું ધ્યાન રાખવાનો અત્યારે સમય છે. ઓટીટી પ્લેટફોર્મથી માંડીને સોશિયલ મીડિયા સુધીમાં હવે રોજેરોજ એટલું બધું કન્ટેન્ટ ખડકી દેવામાં આવે છે કે, આપણી મતિ મૂંઝાઇ જાય. બધું જોવું જરૂરી નથી. બધું જોઇ શકાય એમ પણ નથી. એટલે જ સિલેક્ટ કરવું પડે છે. સિલેક્ટ કરવામાં સાવચેત રહેવું જરૂરી છે. ઓડિયો વિઝ્યુલ કન્ટેન્ટ આપણા પર ઘડીકમાં ન ભૂંસાય એવી અસર કરે છે. આપણે ઘણી વખત કહીએ છીએ કે, આડેધડ ગમે તે જોવામાં ધ્યાન રાખજે, તારૂ મગજ ન બગડી જાય! આપણે બધાએ આ વાતનું ધ્યાન રાખવાનું છે કે, ક્યાંક આપણું મગજ, મન ન બગડી જાય! આપણી જિંદગી તો શું આપણો એક દિવસેય નહી, એક કલાક પણ બગડવી ન જોઇએ. તમારા સમય અને તમારા મૂડની કેર અને કદર કરો! ગમે તે થાય, આપણી લાઇફ જરાયે ડિસ્ટર્બ ન થાય એ જોવાની જવાબદારી પણ અલ્ટીમેટલી આપણી જ હોય છે!

હા, એવું છે!

શિકાગો યુનિવર્સિટીનો એક અભ્યાસમાં એવું બહાર આવ્યું છે કે, એકલતાના કારણે માણસ શારીરિક અને માનસિક રીતે નબળો પડે છે. લાંબી અને સારી જિંદગી જીવવા માટે સંબંધો સજીવન રાખો.

(‘સંદેશ’, અર્ધસાપ્તાહિક પૂર્તિ, તા. 11 મે 2022, બુધવાર, ‘દૂરબીન’ કોલમ)

kkantu@gmail.com

Krishnkant Unadkat

Krishnkant Unadkat

Leave a Reply

%d bloggers like this: