તું કોઈના માટે ગમે તે
ધારણાઓ બાંધી ન લે!
ચિંતનની પળે – કૃષ્ણકાંત ઉનડકટ
વાત બીજે વાળવાથી શું
વળે ને હકીકત ખાળવાથી શું વળે!
ફક્ત કિરણ એક ઝીલી ના
શક્યા, સૂર્ય આખો ચાળવાથી શું
વળે!
-શિવજી
રુખડા
દરેક માણસની વિચાર કરવાની એક ક્ષમતા હોય છે.
આપણે અમુક હદથી વધારે વિચારી જ નથી શકતા. કોઈ જ્યારે કંઇક નવું કે અનોખું કરે અથવા તો
અચંબો થઈ જાય એવું બોલે ત્યારે આપણા મનમાં એવો
સવાલ ઊઠે છે કે, એને આવા વિચારો કેમ આવતા હશે? આપણે બધા વિચારો તો કરતા જ હોઇએ છીએ. વિચારો એવી પ્રક્રિયા છે જે સતત ચાલતી જ રહે છે. વિચારશૂન્ય
અવસ્થાને યોગની કક્ષાએ મૂકવામાં આવે છે. તમને કોઇ કહે કે, તમારે કોઇ વિચાર કરવાના નથી તો?
તમે કરી શકો? વિચાર ન કરવાની વાત તો દૂર રહી, આપણે તો
વિચારોને કાબૂમાં પણ રાખી શકતા નથી. વિચારોને છુટ્ટા ઘોડાની જેમ રેઢા મૂકી ન શકાય. વિચાર પર પણ કાબૂ હોવો
જોઇએ. જિંદગીની દરેક અવસ્થા આખરે તો વિચારને
જ આધીન હોય છે. ડિપ્રેશન એ નેગેટિવ વિચારોનું જ પરિણામ છે. નકારાત્મક વિચાર આવતા હોય છે ત્યારે આપણે
કેટલા એલર્ટ હોઇએ છીએ કે, મારે આવા વિચાર નથી કરવાના? સુખ, શાંતિ અને ખુશીના વિચારો આપણને કેટલા આવે છે? આપણા વિચારોની
અસર આપણી વાણી પર પણ થતી હોય છે. આપણે જે શબ્દો બોલીએ છીએ એ વિચારોમાંથી ગળાઇને આવતા હોય છે. મનમાં ને મનમાં જે ગાળો બોલતો રહે છે એના મોઢેથી
વાતો કરતી વખતે પણ ગાળ નીકળી જ જાય છે. સારા વિચારો કરનારના મોઢેથી ઉત્તમ વાત જ નીકળવાની છે!
માણસ નાનો હોય કે મોટો, અમીર હોય કે ગરીબ, ડાહ્યો હોય કે મૂરખ, એને વાતો કર્યા વગર
નથી ચાલતું! આપણને બધાને વાતો કરવા જોઇએ છે. કોઇ ઓછું બોલતું હોય છે તો કોઇ સતત બોલબોલ કરતું હોય છે પણ બોલવા તો બધાને
જોઇએ જ છે. માણસ અંદરથી થોડોક પેક હોય છે.
આપણે બધી જ વાત બધાને નથી કરતા. માણસ કક્ષા જોઇને વાત કરતો હોય છે. લાયકાત હોય એની સાથે જ વાત કરવાની મજા
આવે છે. તમને એક બીજી વાત ખબર છે? પોતાના કરતાં ખૂબ ડાહી વ્યક્તિ પાસે માણસ મૌન થઇ જાય છે. એની સાથે બોલવા કરતાં એને સાંભળવાનું માણસ વધુ પસંદ કરે
છે!
માણસે વાતો કરતા રહેવું જોઇએ. વાતોથી પણ બુદ્ધિ
ખીલે છે. આપણા મનમાં જે સવાલો ઊઠે છે એ આપણી બૌદ્ધિક ભૂખ જ છે. સવાલો હશે તો જ જવાબો
શોધવાનું મન થશે. જવાબો જ આપણને સમજુ, શાણા, ડાહ્યા, હોશિયાર કે જ્ઞાની બનાવે છે. સવાલ એ છે કે, આપણે કેવી વાતો કરીએ છીએ? આપણે શું વાતો કરીએ છીએ? આપણી વાતમાં કેટલો દમ હોય છે? ઘણા લોકો વાતોનાં વડાં કરવામાં પાવરધા હોય છે. એ એવી ઊંચી ઊંચી હાંકતા હોય છે કે, માણસ એના પ્રભાવમાં આવી જાય. ખાલી વાતો કરતા લોકો સમય આવ્યે વર્તાઈ જતા હોય છે. ઘણા લોકો
એવા હોય છે જે બોલે છે ઓછું અને જે કરવું હોય એ કરી બતાવે છે. માણસ સૌથી વધારે કંઈ કરતો હોય તો એ કૂથલી
છે. ગોસિપ કરવી માણસને ગમે છે. દરેક માણસ
પોતાના ચોક્કસ ગ્રૂપમાં ગોસિપ કરતો જ હોય છે. ગોસિપમાં પણ કશું ખોટું તો નથી જ! ગોસિપને તો હેલ્ધી પણ
ગણવામાં આવે છે. અલબત્ત, ગોસિપ ક્યારે મર્યાદા ચૂકી જાય છે એનું ભાન ઘણી વખત આપણને રહેતું નથી. આપણે બધા જ ધારણાઓ બાંધી
લઇએ છીએ, જજ બની જઇએ છીએ, ગ્રંથિઓ બાંધી લઇએ છીએ અને ક્યારેક તો ગમે એના વિશે ગમેતેમ બોલી દઇએ છીએ!
બે મિત્રો ઊભા હતા. એ જ સમયે એની સોસાયટીની એક
છોકરી ઘરની બહાર નીકળી. કોઇ કાર એ છોકરી માટે વેઇટ કરતી હતી. છોકરી ફટાક દઇને કારમાં બેસી
ગઇ. એ જોઇને એક મિત્ર બોલ્યો, કંઇક લફરું લાગે છે નહીં? આ વાત સાંભળીને
તેના મિત્રએ કહ્યું કે, એને જે હોય તે, તને શું ફેર પડે છે? મને તો એનું લફરું હોય કે ન હોય, કોઇ ફેર પડતો નથી. બીજી વાત એ કે,
કોઇના વિશે ગમે તે માની કે ધારી લેવું શા માટે જોઇએ? કારમાં જે છોકરો હતો એ કોણ હતો એની આપણને કંઇ ખબર નથી, તે કોઇ પણ હોય શકે છે! કોઇના વિશે ગમે
તે બોલવું એ સારી વાત નથી! પેલા મિત્રએ કહ્યું, અરે, મેં તો અમસ્તા જ વાત કરી હતી! તેના મિત્રએ કહ્યું કે, અમસ્તા કોઇના વિશે વાત કરતી વખતે આપણે કોઇની સામે આંગળી ચીંધતા હોઇએ છીએ. જસ્ટ ફોર ફન કે જસ્ટ ફોર ટાઇમપાસ
માટેય આપણે શા માટે કોઇના વિશે ટિપ્પણી કરવી જોઇએ?
કોઈની બોડી લેન્ગવેજ જોઇને આપણે એ શું વિચારતો
હશે કે શું કરવા ધારતો હશે એના અંદાજ બાંધતા હોઇએ છીએ! ચહેરો જોઇને આપણે જાતજાતનાં અનુમાનો
બાંધીએ છે કે, એ મજામાં છે કે પ્રોબ્લેમમાં! મજાની એક વાત એ પણ છે કે, આપણે જેનું ધ્યાન રાખવાનું હોય છે એની કોઇ કેર કરતા નથી અને જેની સાથે કંઇ
લાગતું વળગતું ન હોય એની ચિંતા અને ફિકર કરતા
રહીએ છીએ! આપણી વ્યક્તિ કે આપણા ઘરના લોકોની બોડી લેન્ગવેજ આપણે કેટલી માર્ક કરતા હોઇએ છીએ? એક સાવ સાચો કિસ્સો છે. એક પતિ-પત્ની હતાં. પતિને સ્કિનમાં કોઇ પ્રોબ્લેમ થયો. એને શરીર
પર ખંજવાળ આવતી હતી. પતિને એ વાતનું ધ્યાન
જ નહોતું કે, તેને વધુ પડતી ખંજવાળ આવે છે. પત્નીએ પૂછ્યું, કેમ આટલી બધી ખંજવાળ કરે છે? શું થાય છે?
પતિનું ત્યારે છેક ધ્યાન ગયું કે, મને શરીરમાં
કંઇક વધુ પડતી જ ખંજવાળ આવે છે. સ્કિન સ્પેશ્યિાલિસ્ટ પાસે જઇને દવા લીધી એ પછી પતિને સારું લાગતું
હતું. જોકે પછી પતિ પોતાના શરીર પર જરાકેય
હાથ ફેરવે કે પત્ની તરત જ પૂછતી કે, હજુ ખંજવાળ આવે
છે? કંઇ થતું નથીને? તું માથું મારી રાખતો નથીને? જે થતું હોય એ તરત જ કહેજે! પતિએ કહ્યું,
હવે એ તો મટી ગયું, તું વધુ પડતી ચિંતા ન કર! પ્રેમ અને કેર એક સિક્કાની બે બાજુ છે. તમે કોઇને પ્રેમ કરો છો એ છેલ્લે તો એના પરથી જ સાબિત થતું હોય
છે કે તમે એની કેટલી કેર કરો છો!
ખોટી વાતો અને ખોટા વિચારોમાં તમારું મગજ ન
બગાડો. આપણને આપણું પોતાનું ગૌરવ હોવું જોઇએ. હું આવી મજાક ન કરું. મારાથી કોઇના વિશે એલફેલ
બોલાય જ નહીં. લોકો આપણને માપતા હોય છે. આપણને
જજ કરતા હોય છે. અલબત્ત, લોકો પાસે સારા દેખાવા માટે કંઇ કરવાની જરૂર નથી, ખરેખર સારા બનવા માટે જે કરવું જોઇએ એ કરીએ તો પૂરતું છે. કોઇના વિશે કોઇ ખ્યાલો બાંધી ન લો. દરેક પર નજર રાખવાની કે કોણ શું કરે છે એની ખબર
રાખવાની કોઇ જરૂર હોતી નથી. આપણે આપણો મોટા ભાગનો સમય ક્યાં વિતાવીએ છીએ અને અલ્ટિમેટલી એનાથી આપણને શું
પ્રાપ્ત થાય છે એ વિચારવું જરૂરી હોય છે. એનો
અર્થ જરાયે એવો નથી કે, આખો દિવસ સીરિયસ થઇને ફર્યા કરીએ, હળવા રહેવું,
મજામાં રહેવું પણ જરૂરી જ છે. સેન્સ ઓફ હ્યુમર હોવી અને ઠઠ્ઠા-મશ્કરી કરવી
એ બંનેમાં હાથી-ઘોડાનો ફેર છે. આપણી મજાકમાં પણ ડેપ્થ હોવી જોઇએ. છેલ્લે તો આપણું વર્તન જ એ વાતની ચાડી
ખાતું હોય છે કે, આપણે કેટલા પાણીમાં છીએ? છીછરા છીએ કે
ગહન? ડેપ્થ વર્તાઈ આવે છે! આછકલાઇ પણ પરખાઇ જ જાય છે! આપણે જ આપણું મૂલ્ય છતું કરતા હોઇએ
છીએ!
છેલ્લો સીન :
આપણે આપણા માટે કેટલું વિચારતા હોઈએ છીએ?
માણસ બીજા વિશે જેટલું વિચારે છે એનાથી અડધું પણ પોતાના માટે વિચારતો હોય તો એનું કલ્યાણ થઈ
જાય! -કેયુ.
(`સંદેશ’, સંસ્કાર પૂર્તિ, તા. 03 જુલાઈ, 2022, રવિવાર. `ચિંતનની પળે’ કૉલમ)
kkantu@gmail.com