કામના કલાકો અને કામના દિવસો કેટલા હોવા જોઈએ? – દૂરબીન : કૃષ્ણકાંત ઉનડકટ

કામના કલાકો અને કામના
દિવસો કેટલા હોવા જોઈએ?


દૂરબીન : કૃષ્ણકાંત ઉનડકટ


———-

બ્રિટનમાં પાંચ વર્કિંગ ડેઝની જગ્યાએ હવે અઠવાડિયાના ચાર દિવસ કામની ટ્રાયલ શરૂ થઇ છે.

ચાર દિવસમાં પાંચ દિવસ જેટલું કામ થઇ જશે?


સામાન્ય રીતે દિવસના ત્રણ ભાગ પાડવામાં આવે છે.

આઠ કલાક કામના, આઠ કલાક આરામના એટલે કે ઊંઘના અને બાકીના આઠ કલાક મનગમતી પ્રવૃત્તિ કરવાના!

તમે કેટલા કલાક કામ કરો છો?


કામ કરવાની દરેકની કેપેસિટી અને મેન્ટાલિટી જુદી જુદી હોય છે.

વર્કોહોલિક નેચરના લોકો કામ ન કરે તો ડિસ્ટર્બ થઇ જાય છે.

ઘણાની દાનત જ કામ કરવાની હોતી નથી!


———–

બ્રિટનમાં ફોર ડેઝ અ વિક એટલે કે અઠવાડિયાના ચાર દિવસ કામ કરવાની નવી સિસ્ટમની ટ્રાયલ શરૂ થઇ છે. આ નવી પદ્ધતિના કારણે વર્કિંગ અવર્સ અને વર્કિંગ ડેઝ વિશે નવેસરથી ચર્ચાઓ શરૂ થઇ છે. બાય ધ વે, તમે કેટલા કલાક કામ કરો છો? તમારા વર્કિંગ અવર્સથી તમને સંતોષ છે? તમને લાગે છે કે, તમે અત્યારે જે જેટલું કામ કરો છો એનાથી વધુ કામ કરી શકો છો? આરામ અને મજા કરવા માટે તમને પૂરો સમય મળે છે? ફેમિલીને તમે પૂરતો સમય આપી શકો છો? આ પ્રશ્નોના જવાબ દરેક વ્યક્તિએ અલગ જ હોવાના છે! દરેકને ભાગે જે કામ આવ્યું છે અને જોબની જે ડિમાન્ડ હોય છે એ મુજબ બધાએ કામ કરવું પડતું હોય છે. આપણી પાસે ચોઇસ જ નથી હોતી! જોબના વર્કિંગ અવર ફિક્સ હોય છે. કામ વિશેની જે પરંપરાગત થિયરી છે એ દિવસના ત્રણ ભાગ પાડીને બનાવવામાં આવી છે. દિવસના 24 કલાકમાં આઠ કલાક કામ, આઠ કલાક આરામ એટલે કે ઊંઘ અને આઠ કલાક આપણને ગમતું હોય તે કરવાનું! સિસ્ટમ સારી છે પણ આવું બધાનાં નસીબમાં હોતું નથી! પ્રાઇવેટ કંપનીઓમાં હવે વર્કિંગ અવર્સ આઠને બદલે નવ કલાકના થઇ ગયા છે. એક કલાક લંચ અવરને બાદ કરીને કામના આઠ કલાક ગણવામાં આવે છે. વૅલ, કામના આ કલાકોમાં ઘરેથી ઓફિસ જવામાં અને ઓફિસેથી ઘરે આવવામાં જે સમય જાય છે એની ગણતરી કરવામાં આવતી નથી. મોટા સિટીમાં ટ્રાફિકની સમસ્યાઓ એટલી વધી ગઇ છે કે, ઓફિસ દસ કિલોમીટર દૂર હોય તો પણ ત્યાં પહોંચતા અડધોથી એક કલાક થઇ જાય છે. અપ-ડાઉન કરવાવાળાની સ્થિતિ વળી સાવ જ જુદી હોય છે. ઘણા લોકો માટે તો આવવા જવાનું ગણીને બાર કલાકની નોકરી થઇ જાય છે. ઘરેથી સવારે જેટલા વાગ્યે નીકળ્યા હોય એટલા જ વાગ્યે સાંજે કે રાતે ઘરે પાછા આવે!
હવે બીજો સવાલ. તમે અઠવાડિયાના કેટલા દિવસ કામ કરો છો? ફાઇવ કે સિક્સ ડેઝ? જે લોકોને શનિ-રવિની રજા મળે છે એ નસીબદાર લોકો છે. છ દિવસ કામ કરનારાઓને હંમેશાં આવા લોકોની ઇર્ષા આવતી હોય છે. હવે તેમાં પણ પાંચને બદલે ચાર દિવસની નવી સિસ્ટમ પર પ્રયોગો શરૂ થયા છે. બ્રિટનમાં 70 કંપનીઓ સાથે મળીને નવી સિસ્ટમ પર કામ કરી રહી છે. આ 70 કંપનીઓએ 3300 કર્મચારીઓ પસંદ કર્યા છે. એ બધા છ મહિના સુધી અઠવાડિયામાં માત્ર ચાર દિવસ જ કામ કરશે. સોમથી ગુરુ કામ કરવાનું અને શુક્ર, શનિ અને રવિ રજા! આ વાત સાંભળતા જ નોકરી કરનારને એવો વિચાર આવી જ જાય કે, આપણે ત્યાં પણ આવું થઇ જાય તો મોજ પડી જાય! બ્રિટનના આ પ્રયોગ પાછળનો જે થોટ છે એ 80 ટકા સમયમાં 100 ટકા કામ આપવાનું છે. સવાલ એ થાય કે એનો હિસાબ કેવી રીતે લગાવવાનો? ઉત્પાદન થતું હોય એવા યુનિટમાં આ હિસાબ કરવો સહેલો પડે. પાંચ દિવસમાં જેટલી વસ્તુઓ બને એટલી ચાર દિવસમાં બનાવી આપવાની! તમારી પ્રોડક્ટિવિટી વધારી દેવાની! જે કંપનીઓ આ પ્રયોગમાં જોડાઇ છે તેમાં સોફ્ટવેરથી માંડીને ચિપ્સ બનાવતી કંપનીઓનો સમાવેશ થાય છે. આ નવા એક્સપેરિમેન્ટ પાછળ એક લૉજિક એવું છે કે, સતત પાંચ દિવસ કામ કરવાથી થાકનો અનુભવ થાય છે. ચાર દિવસ કામ કરશે તો રેસ્ટનો સમય વધુ મળશે અને જે દિવસોમાં કામ કરવાનું હશે એ દિવસોએ વધુ ધગશ અને મહેનતથી કામ કરશે! ખરેખર આવું બનશે કે કેમ એ સવાલ છે! તેનું એક કારણ એ છે કે, મેન્ટલ કે ફિઝિકલ એનર્જી એ એવી વસ્તુ નથી કે તેનો સંગ્રહ કરી શકાય. જેને કામ કરવું જ નથી એને ગમે એટલો આરામ કે સુવિધાઓ આપો એ દાંડાઈ જ કરવાના છે. જેને કામ કરવું છે એ ખરાબમાં ખરાબ સંજોગોમાં બેસ્ટ રિઝલ્ટ આપવાના છે. જોકે, માણસ રિલેક્સ હોય તો વધુ સારું રિઝલ્ટ આપી શકે છે એ વાત પ્રૂવ થઈ છે! ખરેખર, ચાર દિવસ કામના પ્રયોગનું પરિણામ કેવું આવે છે એ તો છ મહિના પૂરા થશે ત્યારે જ ખબર પડશે! બ્રિટન પછી સ્પેન અને સ્કોટલેન્ડમાં પણ ફોર વર્કિંગ ડેઝનો આ પ્રયોગ શરૂ થવાનો છે. જો આ મોડલ સફળ રહ્યું તો વર્કિંગ પેટર્ન અને વર્કિંગ સ્ટાઇલમાં નવો બદલાવ જોવા મળશે. ફિનલેન્ડનાં વડાંપ્રધાન સના મારિને બે વર્ષ પહેલાં જ ચાર દિવસ અને માત્ર છ કલાક કામ કરવાનો વિચાર રજૂ કર્યો હતો. સ્વીડને દિવસના છ કલાક જ કામ કરવાનો નિયમ 2015માં અપનાવ્યો હતો. ચીનની અલીબાબા કંપનીના માલિક જેક માએ 2017માં ચાર દિવસ જ કામ કરવાની તરફેણ કરી હતી. જાપાનસ્થિત માઇક્રોસોફ્ટ કંપનીએ ચાર વર્કિંગ ડેઝનો નિયમ દાખલ કર્યો એ પછી પ્રોડક્શનમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો હતો.
કામ મામલે એક વખત તો એવો વિચાર પણ રજૂ કરવામાં આવ્યો હતો કે, ફોર ડેઝ વર્કને બદલે અોલ્ટરનેટ ડે કરવું જોઇએ. મતલબ કે, એક દિવસ કામ અને એક દિવસ રજા! આ આઇડિયા પણ મજાનો હોવાનો ઘણાનો મત છે. અગેઇન એમાં વાત કામ કરવાની દાનતની વાત તો આવવાની જ છે. કામ મેન્ટલ સ્ટેટસ અને ફિઝિકલ કેપેસિટી સાથે પણ સીધો સંબંધ ધરાવે છે. માણસની ઉંમર અને અનુભવની સાથે કામ કરવાની ક્ષમતા અને કુશળતામાં પણ ફેર પડતો હોય છે. કામના કલાકોની વાત આવે એટલે વળી ધંધાર્થીઓ અને હાઉસવાઇફના વર્કિંગ અવર્સની વાત પણ આવવાની જ છે! જે લોકો વેપાર-ધંધો કરે છે, દુકાન કે શૉરૂમ ચલાવે છે એ તો આખો દિવસ એમાં જ રચ્ચાપચ્ચા રહે છે. ધંધાવાળાને એવું લાગે છે કે, નોકરી બહુ સારી, ઓફિસનો સમય પૂરો થાય એટલે ખંખેરીને હાલતા, ધંધામાં તો રાતે ઘરે હોય તો પણ ઊંઘ ન આવે. નોકરિયાતોને એવું હોય છે કે, ધંધામાં રૂપિયા વધુ મળે તો મહેનતેય વધુ જ કરવી પડેને? જે મહિલાઓ હાઉસવાઇફ છે એ તો આખો દિવસ ઘરમાં કામ જ કરતી હોય છે. વર્કિંગ વુમન પર તો વળી ઘર અને ઓફિસની બમણી જવાબદારી હોય છે. કામ વિશે દરેકના પ્રશ્નો અને પ્રોબ્લેમો જુદા જુદા હોવાના છે. વર્કોહોલિક લોકોને વળી કામ વગર ચેન પડતું નથી. એને કામ કરે તો જ હાશ થાય છે અને મજા આવે છે. દુનિયામાં એવા લોકોની પણ કમી નથી જેને રોજ કામ કર્યા વગર ચેન પડતું નથી. એ લોકોની ફિલસૂફી એવી હોય છે કે, નવરા બેસવાનો કોઈ મતલબ નથી. ઊલટું નવરા બેઠા રહેવાથી નક્કામા વિચારો આવ્યા રાખે છે. તમારે ખોટા વિચારોથી મુક્તિ જોઇતી હોય તો તમારી જાતને કામમાં એટલી બિઝી કરી નાખો કે કામ સિવાય બીજું કંઈ વિચારવાનો મેળ જ ન પડે! બીજો એક મુદ્દો એ પણ છે કે, કામ સિવાયનો સમય તમે શું કરો છો? એ સમયમાંથી તમે તમારી જાતને કેટલો સમય આપો છો અને તમારા ફેમિલી સાથે કેટલો સમય ફાળવો છો? કામ હોય કે આરામ, અલ્ટિમેટલી દરેકને ક્વોલિટી ટાઇમ આપવો જોઇએ! સરવાળે જિંદગી જીવવાની મજા આવે એ જ સૌથી વધુ મહત્ત્વનું હોય છે! સાચું કે નહીં? કામ ઢસરડો ન લાગે તો કામ ચાર દિવસનું હોય કે પાંચ દિવસનું ખાસ કંઇ ફેર પડતો નથી. બસ, કામ કરવાની મજા આવવી જોઇએ. તમને તમારું કામ કરવાની મજા આવે છે ખરી?


હા, એવું છે!
જિંદગી, ઉંમર અને કામ અંગે કરાયેલા એક અભ્યાસ બાદ વૈજ્ઞાનિકોએ એવું કહ્યું છે કે, માણસે સારી રીતે જિંદગી જીવવા માટે 80 વર્ષ સુધી કામ કરવું જોઇએ. 65 વર્ષની ઉંમર બાદ અઠવાડિયામાં ઓછામાં ઓછા 25 કલાક કામ કરવું જોઈએ. સારા સ્વાસ્થ્ય માટે શરીર અને મગજને એક્ટિવ રાખવું જરૂરી છે. એમને એમ તો નહીં કહેવાયું હોયને કે, નવરો બેઠો નખ્ખોદ વાળે!


(`સંદેશ’, અર્ધસાપ્તાહિક પૂર્તિ, તા. 15 જૂન, 2022, બુધવાર, `દૂરબીન’ કૉલમ)
kkantu@gmail.com

Krishnkant Unadkat

Krishnkant Unadkat

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *