અમારી વચ્ચે હવે પહેલાં જેવો પ્રેમ રહ્યો નથી! – ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ

અમારી વચ્ચે હવે પહેલાં

જેવો પ્રેમ રહ્યો નથી!

ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ

 

માગું છું દુઆ કોઈથી વિખવાદ ન આવે,

સંવાદ વગર કોઈ બીજો સાદ ન આવે,

એવું જો અહીં થાય તો ચિંતાનો વિષય છે,

બે જણને પ્રણયમાં કદી ફરિયાદ ન આવે.

-મરીઝ

પ્રેમ પારદર્શક હોય છે, એ દેખાઈ આવે છે. પ્રેમને નિરખવાની દૃષ્ટિ હોવી જોઈએ. પ્રેમ બોલકો હોય છે. પ્રેમ મૌનમાં પણ બોલતો હોય છે. ચહેરાની રેખાઓ ચાડી ફૂંકતી રહે છે. ટેરવાં અત્યંત સંવેદનશીલ બની જાય છે. પ્રિયતમના સ્પર્શમાં એવું માધુર્ય હોય છે જે આપણું રોમેરોમ સજીવન કરી નાખે છે. પ્રેમ એક જ એવો અહેસાસ છે જેમાં માણસ સોએ સો ટકા જીવતો હોય છે. માણસ પ્રેમમાં હોય ત્યારે એને પ્રકૃતિના તમામ અંશમાં પરમ તત્ત્વની અનુભૂતિ થાય છે. સંવેદનાઓ સોળે કળાએ ખીલેલી હોય છે અને સ્વર્ગ જાણે આપણી હથેળીમાં હોય છે. માણસને એવું લાગે જાણે તમામ સપનાંઓ સાકાર થવાની અણી ઉપર છે. જીવનમાં એક જ ઇચ્છા રહે છે કે મારી વ્યક્તિ મને મળી જાય. મને એનું સાંનિધ્ય જોઈએ છે. પ્રેમી કે પ્રેમિકા જ જીવવાનું કારણ બની જાય છે. બીજું બધું જ ગૌણ લાગે. એનો જ વિચાર, એનો જ ખયાલ, એની જ ચિંતા, એનો જ લગાવ અને એનું જ આખેઆખું અસ્તિત્વ માણસ જીવતો હોય છે.

પ્રેમ ક્યારેય એકસરખો રહેતો નથી. પ્રેમનું ઝરણું ક્યારેક સુકાય છે. ખળખળ વહેતું હોય એ ક્યારેક રોકાઈ પણ જાય છે. ક્યારેક આપણને જ એવો સવાલ થાય છે કે ક્યાં ગઈ એ અલૌકિક અનુભૂતિ? ક્યાં ગયો એ અનોખો અહેસાસ? હવે કેમ પહેલાં જેવો રોમાંચ થતો નથી? પહેલાં તો એની એક નજર માટે હું તરફડતો હતો, હવે કેમ એવું થતું નથી? ક્યાં ગયો એ તલસાટ? જે એક્સ્ટ્રા ઓર્ડિનરી લાગતું હતું એ કેમ રૂટિન થઈ ગયું છે? જેના માટે આખી દુનિયા સામે લડી લેવાની તૈયારી હતી એની સામે જ કેમ હારી જતો હોઉં એવું લાગે છે? જૂનો સમય કેમ ફરીથી જીવી શકાતો નથી?

એક પ્રેમી અને પ્રેમિકા વચ્ચે ઝઘડો થયો. થોડા દિવસ અબોલા રહ્યા. જુદા પડીએ પછી પણ યાદો કંઈ થોડી સમેટાઈ જતી હોય છે? સ્મરણો કંઈ પડીકું નથી કે તમે એને બાંધીને માળિયે મૂકી શકો. સ્મરણોને બાંધી શકાતાં નથી. સ્મરણો તો છુટ્ટાં ફરે છે અને એક પછી એક સામે આવતાં રહે છે. પ્રેમમાં હોઈએ ત્યારે પોતાની વ્યક્તિને યાદ કરવી પડતી નથી, એ યાદ આવતી જ હોય છે, ભૂલવા માટે કોશિશ કરવી પડે છે. ભૂલવાની કોશિશ પણ છેલ્લે તો એની યાદ અપાવતી જ રહે છે. એ જુદાં થયેલાં પ્રેમી-પ્રેમિકા ફરીથી મળ્યાં. પ્રેમીએ કહ્યું, ચાલ આપણે ફરીથી પ્રેમમાં પડીએ. ચાલ તને હું પાછું પ્રપોઝ કરું! તું મને સ્વીકારીને પાછી મારી થઈ જા. પ્રેમિકાએ કહ્યું, પ્રેમમાં તો એક વાર જ પડી શકાય. આપણે પ્રેમમાં હતાં. આપણે એ રોમાંચ ફીલ કર્યો છે. એ તો જિવાઈ ગયું છે. એનું એ પાછું શા માટે જીવવું? આપણે એનાથી પણ વધુ સારી રીતે જીવી શકીએ. સુષુપ્ત થયેલા પ્રેમને ફરીથી સજીવન કરીએ. છૂટાં પડીએ અને પછી પાછા મળીએ ત્યારે ભૂતકાળનો થોડોક બેગેજ સાથે હોય છે, એ સામાનને તમે ઉતારી શકો છો? ભૂંસવા જેવું હોય એને ભૂંસી શકો છો? કાટમાળને ઢાંકી દો તો પણ ઢગલો તો દેખાતો જ રહે છે. અમુક કાટમાળને ઢાંકવાનો હોતો નથી, પણ દાટવાનો હોય છે. એ નજરે જ ન પડવો જોઈએ.

પ્રેમને સજીવન કરતો રહેવો પડે છે. છોડની જેમ એને રોજ પાણી પીવડાવવું પડે છે. પ્રેમને સીંચવો પડે છે. એક યુવાન ફિલોસોફર પાસે ગયો. તેણે કહ્યું કે, હવે મારા અને મારી પત્ની વચ્ચે પહેલાં જેવો પ્રેમ રહ્યો નથી. ફિલોસોફરે પહેલાં તો તેને કહ્યું કે, તું ખૂબ ડાહ્યો છે. સમજુ છે. તને એટલી તો સમજ છે કે હવે તમારા વચ્ચે પહેલાં જેવો પ્રેમ નથી. આપણી માનસિક સ્થિતિ, આપણું વર્તન અને આપણી જિંદગી કેવી રીતે ચાલી રહી છે એની ખબર હોવી એ પણ નાનીસૂની વાત નથી. બીમારીની ખબર હોય તો એનો ઇલાજ થાય. ફિલોસોફરે કહ્યું કે, હવે તને ખબર જ છે કે તમારી વચ્ચે પ્રેમ રહ્યો નથી, તો એને જીવતો કર. પ્રેમ એ કંઈ એવું ફૂલ નથી જે કરમાઈ અને ખરી જાય, એ તો ફરી ફરીને તાજું થઈ શકે છે. જે ખાલી થયું છે એ ભરી દે, જિંદગી પાછી છલોછલ થઈ જશે. આપણો પ્રોબ્લેમ ખાલી થવું એ નથી, આપણો પ્રોબ્લેમ આપણે એ પાછું ભરતા નથી એ હોય છે! ખાલી તો થવાનું જ છે, ધીમે ધીમે સુકાવાનું જ છે, રોજ જેટલું ખાલી થાય એટલું રોજ ભરી દેવું પડે.

પ્રેમ વિશે એવું કહેવાતું આવ્યું છે કે પ્રેમ મુક્ત હોવો જોઈએ. સાચી વાત છે, પ્રેમ મુક્ત રહેવો જોઈએ, છતાં પ્રેમમાં અપેક્ષા તો હોય જ છે. અપેક્ષા હોવી પણ જોઈએ. પ્રેમમાં આઝાદી અને સ્વીકારાયેલું બંધન સહજ હોવું જોઈએ. બંધન એટલે મનાઈ નહીં, બંધન એટલે ગુલામી નહીં, બંધન એટલે રોકટોક નહીં, બંધન એટલે પોતાની વ્યક્તિને ન ગમતું હોય એ ન કરવાની દાનત. તને ન ગમતું હોય એવું કંઈ કરવું નથી, કારણ કે તું મને ગમે છે. એક પતિ-પત્નીની આ વાત છે. બંને વચ્ચે અનહદ પ્રેમ. એકબીજા માટે કંઈ પણ કરવા તૈયાર. એક વખત પત્નીએ કહ્યું કે મને તારી સાથે એક પ્રોબ્લેમ છે. પતિને આશ્ચર્ય પણ થયું અને આઘાત પણ લાગ્યો. મેં તો એવું કંઈ નથી કર્યું જે તને ન ગમે. પત્નીએ કહ્યું, હા તેં એવું કંઈ નથી કર્યું કે જે મને ન ગમે. મારું એટલું જ કહેવું છે કે તું એવું પણ કર જે મને ગમે! તું મને દરેક વાતની હા પાડે છે. તને ન ગમતું હોય એની પણ મને હા પાડે છે. એ હા ન પાડ, તને ન ગમતું હોય એની ના પાડ. તું કહે કે, તું અત્યારે બહાર ન જા, મને તું મારી પાસે જોઈએ છે. તું કિચનમાં ન ભરાઈ રહે, મારી સાથે બેસીને વાત કર. મારા માટે એટલો સારો પણ ન થા કે તારે તારું મન મારવું પડે. મારે જવું હોય એટલે મને જવા ન દે, ક્યારેક મને રોક, ક્યારેક મને ટોક, ક્યારેક મને અટકાવ. કહી દે કે મને આ નથી ગમતું, મને આ જોઈએ છે. તને ખબર છે કેટલાંક બંધન પણ પ્રિય લાગતાં હોય છે. કેટલીક નારાજગી પણ ગમતી હોય છે. આધિપત્ય અને અપેક્ષા વચ્ચે ફેર છે. તું આધિપત્ય ન રાખ, પણ તારી અપેક્ષાઓ તો કહે.

એક પતિ-પત્ની હતાં. પત્ની પિયર જવાની વાત કરે ત્યારે પતિ કહે કે યાર ન જાને. ચાર દિવસનું કહે તો પતિ કહે કે બે દિવસમાં આવી જજે ને. એક વખત પિયર જવા મામલે બંને વચ્ચે ઝઘડો થયો. પત્ની ગુસ્સે થઈ ગઈ. તારે મને જવા જ દેવી હોતી નથી. તું કહે એમ જ મારે કરવાનું? દર વખતે મારાં મા-બાપ પાસે જવા માટે મારે કરગરવાનું? તારી બધી સગવડ સચવાય એનું જ ધ્યાન રાખવાનું? આ વાત વાજબી છે? બંને વચ્ચે ઝઘડો લાંબો ચાલ્યો. પતિ મોઢું ચડાવીને ઓફિસે ચાલ્યો ગયો. રાતે ઘરે પાછો આવ્યો ત્યારે ફૂલ ને ચોકલેટ્સ લાવ્યો. પત્નીને બાજુમાં બેસાડીને કહ્યું કે, તેં જે સવારે વાત કરી તે આખો દિવસ મારા દિલ અને દિમાગમાં ગુંજતી રહી. હવે મારી વાત સાંભળ. હું તને શા માટે જવા નથી દેતો એ તને ખબર છે? એટલા માટે જવા નથી દેતો કે તારા વગર મને ઘરમાં ગમતું નથી. બધું સૂનું-સૂનું લાગે છે. આખું ઘર ખાવા દોડે છે. હા, તું મારું બહુ ધ્યાન રાખે છે. મને તારી આદત પડી ગઈ છે. તને ખબર છે, આદત એમ છૂટતી નથી. મને તું જોઈતી હોય છે. તને જવા દેવાની ઇચ્છા નથી થતી, કારણ કે તું મને બહુ ગમે છે. મને નથી ગમતું તું જાય એ. તારી વાત સાચી છે કે તને તારાં મા-બાપ પાસે જવાનું મન થાય, પણ મને જે થાય એ તો તને કહું ને? પત્નીએ હગ કરીને કહ્યું, મને ખબર છે. તને નથી ગમતું એ પણ ખબર છે. આજે પહેલી વખત તું બોલ્યો. મને ગમ્યું. તને કહું, તું કદાચ એમ કહી દેને કે, હા તારે જવું હોય એટલા દિવસ જા તો પણ કદાચ મને ન ગમે! સાચું કહું, પિયર ગયા પછી તો એમ જ થાય છે કે જલદી તારી પાસે આવતી રહું.

ડિસ્ટન્સ લાગવાનું એક કારણ એ પણ હોય છે કે આપણે જે અનુભવતા હોઈએ એ એક્સપ્રેસ કરતા નથી. દરેકના મનની લિપિ અલગ અલગ હોય છે. મન દરેક વખતે વંચાતું નથી, ક્યારેક વંચાવવું પણ પડે. આપણે સમજતા હોઈએ એ આપણી વ્યક્તિ સમજી જાય એ જરૂરી નથી. મનમાં જે હોય એ મોઢેથી બોલાવવું પણ જોઈએ. માત્ર ગમે એ જ નહીં, ન ગમે એ પણ કહો. ઘણા લોકો મનમાં ને મનમાં સોસવાતા હોય છે. મનમાં ધરબી રાખે એના કરતાં જરૂર લાગે ત્યારે લડી લે એ લોકો વધુ પ્રામાણિક હોય છે. મને જે લાગે એ કહી દીધું. એક પ્રેમી-પ્રેમિકા હતાં. પ્રેમિકા એક વાતે એના પ્રેમીને ચીડવે. કંઈક કહે એટલે એની છટકે. પ્રેમિકાને ખબર કે હું જવાની વાત કરીશ એટલે એ મને રોકશે. થોડીક વાર બેસને. પ્રેમિકા એવું કરવા માંડેલી કે, જવાનું હોય એ સમય થાય એ પહેલાં જ કહી દે કે ચાલ હવે હું જાઉં. પ્રેમી દર વખતે રોકે. પાંચ-દસ મિનિટ તો બેસ. દર વખતે એને બેસાડે. એક વખતે બંને મળ્યાં. પ્રેમિકાએ કહ્યું, ચાલ હવે હું જાઉં? પ્રેમીએ કહ્યું કે, સારું જા! પ્રેમિકાને આશ્ચર્ય થયું. તેણે કહ્યું કે, કેમ આજે તરત જ હા પાડી દીધી? પ્રેમીએ કહ્યું, તારા પર ધરારી કરવી ગમતી નથી, આ તો દરેક વખતે એમ થાય છે કે થોડીક વાર રહે ને, એટલે રોકાવાનું કહું છું. પ્રેમિકાએ કહ્યું, અરે પાગલ, એવું કહે, મને ગમે છે. હું ઇચ્છું છું કે તું મને રોકે. જવા ન દે. તારી તડપ મારી તરસ બુઝાવે છે. તારી વાતમાં તારો પ્રેમ ઝળકે છે, પછી એ આગ્રહ હોય કે દુરાગ્રહ! તારું વર્તન બતાવે છે કે તું મને અનહદ પ્રેમ કરે છે. બસ, એ સુકાવવા ન દેતો. આપણને એવું લાગે કે પ્રેમ ઘટી રહ્યો છે તો એને વધારી દો. સ્નેહ સુકાઈ જાય એ પહેલાં એને છલકાવી દો. બોલી દો જે મનમાં હોય તે, નારાજગી હોય તો પણ વ્યક્ત થઈને વાત પૂરી કરો. આપણી વ્યક્તિ જો દૂર થતી હોય એવું લાગે તો એને નજીક લાવવી પડે અથવા તો એની નજીક જવું પડે. દૂરી એટલી વધવા જ ન દો કે એકબીજા સુધી પહોંચવું અઘરું લાગે!

છેલ્લો સીન :

પ્રયત્ન કરવો પડે તો પ્રયત્ન કરીને પણ પ્રેમ જીવતો રાખો, કારણ કે પ્રેમ જો ખતમ થઈ ગયો તો પછી પ્રયત્નનું પણ કોઈ પરિણામ મળશે નહીં.- કેયુ

(‘દિવ્ય ભાસ્કર’, ‘કળશ’ પૂર્તિ, તા. 18 જુલાઇ 2018, બુધવાર, ‘ચિંતનની પળે’ કોલમ)

kkantu@gmail.com

Krishnkant Unadkat

Krishnkant Unadkat

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *