શું લોકો દારૂથી દૂર જઈ રહ્યા છે? – દૂરબીન : કૃષ્ણકાંત ઉનડકટ

શું લોકો દારૂથી
દૂર જઈ રહ્યા છે?

દૂરબીન : કૃષ્ણકાંત ઉનડકટ


———-

દારૂ પીવા વિશે થયેલો એક સરવૅ એવું કહે છે કે, દુનિયામાં દારૂ પીનારાઓની સંખ્યા ઘટી રહી છે.

લોકોને હવે દારૂનાં ભયસ્થાનો સમજાયાં છે એટલે દારૂ પીવાનું ટાળી રહ્યા છે!​ ​

દારૂ પીનારાઓ ઘટ્યા એની પાછળ એક કારણ એ પણ આપવામાં આવે છે કે, 

હવે દારૂમાં કોઇને કિક નથી વાગતી!

યંગસ્ટર્સ હવે કિક માટે જીવલેણ અને ખતરનાક ડ્રગ્સ તરફ વળી રહ્યા છે!


———–

પીવા વિશે એવું કહેવાતું આવ્યું છે કે, પીને વાલોં કો પીને કા બહાના ચાહિએ! કંઈ સારું થયું હોય તો સેલિબ્રેશનનું બહાનું અને કંઇ ખરાબ થયું હોય તો ગમ ભૂલવાનું બહાનું! ઢીંચવા માટે બસ, બહાનું જોઇએ! અલબત્ત, હવે સીન થોડોક ઊંધો થયો છે. લોકો દારૂ ન પીવાનાં અને પાર્ટીથી છટકવાનાં બહાનાં શોધે છે! એનું કારણ એ છે કે, દુનિયામાં દારૂ પીનારાની સંખ્યા ઘટી રહી છે! લોકો દારૂથી બચવા માટે કેવાં કેવાં બહાનાં કાઢે છે? રહેવા દે યાર, સવારે વહેલું ઊઠવાનું છે! કાલે ઓફિસમાં બહુ કામ છે એટલે રાતે તૈયારી કરવાની છે! મારે ટ્રાવેલ કરવાનું છે, ડ્રિંક કરીને મને ટ્રાવેલિંગ ફાવતું નથી! મારે ડ્રાઇવ કરવાનું છે એટલે પીવું નથી! હેલ્થ ઓકે નથી લાગતી એટલે આજે નથી પીવું! પેટમાં ગરબડ છેથી માંડીને ડૉક્ટરે હમણાં ના પાડી છે ત્યાં સુધીનાં બહાનાં લોકો બનાવવા લાગ્યા છે. લોકોમાં દારૂથી થતા ગેરફાયદા વિશે અવેરનેસ આવી છે. થોડીક વાર નશાની મજા પછી તેની નેગેટિવ અસરો કંઇ ઓછી નથી હોતી. ઘણાથી હેંગઓવર જ સહન થતો નથી. પીતા પીવાય જાય છે પછી વૉમિટ થાય છે. એક સમય હતો જ્યારે સોસાયટીના ડરના કારણે લોકો દારૂથી દૂર રહેતા. પીતા તો પણ છાનાખૂણે કોઇને ખબર ન પડે એ રીતે પીતા હતા. કોઇ દારૂ પીએ છે એવી ખબર પડે તો પણ એની ઇમેજ ખરાબ થઇ જતી. હવે એવું નથી. હવે કોઇને ખાસ કંઇ ફેર પડતો નથી. આપણે શું, જેને જે કરવું હોય એ કરે, એવી માનસિકતા વધતી જાય છે. કોઇ પીતું હોય તો કોઇને કંઇ નવાઇ લાગતી નથી અને ન પીતું હોય તો કંઇ ફેર પડતો નથી! મરજી અપની અપની, ખયાલ અપના અપના!
વૅલ, બ્રિટન અને અમેરિકાના આ વર્ષના આંકડા એવું જણાવે છે કે, દારૂ પીનારાઓની સંખ્યામાં ઘટાડો નોંધાયો છે. એ ઘટાડો બહુ વધુ નથી પણ વધારો નથી એ નાની વાત નથી. જનરેશન ઝેડ એટલે કે જેની ઉંમર અત્યારે 10થી 25 વર્ષની છે એ પોતાની હેલ્થ, લાઇફ અને કરિયર વિશે વધુ અવેર છે અને વ્યસનોથી દૂર રહે છે. દારૂ પીવાવાળા પણ કોઇના દબાણ કે આગ્રહના કારણે અથવા તો કોઇને સારું લગાડવા માટે પીએ છે. બ્રિટનમાં હમણાં થયેલો એક સરવૅ એવું જણાવે છે કે, દસમાંથી ત્રણ લોકો કોઇ ને કોઇ દબાણના કારણે દારૂ પીએ છે. 28 ટકા લોકો કોઇ ને કોઇ બહાનું આગળ ધરીને પીવાનું ટાળે છે. અમેરિકાનો ટ્રેન્ડ પણ એવું જ બતાવે છે કે, દારૂ પીનારાઓની સંખ્યા ઘટી છે. આમાં એવું પણ ગણી શકાય કે, અગાઉ જે વીકમાં એક વખત ડ્રિન્ક કરતા હતા એ હવે પંદર દિવસે એક દિવસ પીવે છે. બધા જ પીનારા સુધરી ગયા છે એવું કહેવું વાજબી નથી. ઘણાને પરવડતું નથી અને ઘણાને હેલ્થ પરમિટ કરતી નથી એ પણ કારણ છે. એક જે કારણ મળે છે એ વધુ ચિંતાજનક છે. એ કારણ એવું છે કે, હવે દારૂમાં લોકોને કિક મળતી નથી. જેમ જેમ પીતાં જાય છે એમ એમ કેપેસિટી વધતી જાય છે પછી ચાર-પાંચ પેગે પણ ચડતી નથી. પેટ ફુલ થઇ જાય પછી વધુ પીવાતું પણ નથી. ઝડપથી કિક મેળવવા આલ્કોહોલ કરતાં ડ્રગ્સનું પ્રમાણ વધ્યું છે. એક સટ ભેગી કિક વાગે છે. ડ્રગ્સ લેનારા એ ભૂલી જાય છે કે, તમે તમારા જીવ સાથે ભયંકર ચેડાં કરો છો.
આપણા દેશમાં ડ્રિંકિંગ ટ્રેન્ડ વિશે જે સરવૅ થયા છે એ જુદાં જુદાં પરિણામો બતાવે છે. આપણે ત્યાં ગરીબ વર્ગમાં દેશી દારૂ પીવાનું ચલણ વધુ છે એટલે કેટલા લોકો દારૂ પીએ છે અને દેશમાં ટોટલ કેટલો દારૂ પીવાય છે એ જાણવું અઘરું બને છે. જે ઓફિશિયલ ફિગર છે એ રસપ્રદ છે. નેશનલ ફેમિલી હેલ્થ સરવૅનો લેટેસ્ટ રિપોર્ટ એવું કહે છે કે, આપણા દેશમાં અંદાજે 16 કરોડ લોકો દારૂ પીએ છે. મહિલાઓમાં દારૂ પીવાનું પ્રમાણ વધતું જાય છે એમાં ના નહીં પણ હજુ પંચાણું પુરુષે પાંચ સ્ત્રીઓ જ દારૂ પીએ છે. આપણા દેશનાં 28 સ્ટેટ અને આઠ કેન્દ્રશાસિત પ્રદેશમાંથી મણિપુર, લક્ષદ્વીપ, બિહાર, મિઝોરમ, નાગાલેન્ડ અને આપણા ગુજરાત રાજ્યમાં પ્રોહિબિશન છે. આખા દેશમાં ગુજરાત અને લક્ષદ્વીપ એવાં રાજ્યો છે જ્યાં સૌથી ઓછો દારૂ પીવાય છે. ગેરકાયદે વેચાતા અને પીવાતા દારૂની ગણતરી આમાં થતી નથી. તમને એક વાત જાણીને કદાચ આશ્ચર્ય થશે પણ અર્બન કરતાં રૂરલ એટલે કે શહેરો કરતાં ગામડાંઓમાં દારૂ વધુ પીવાય છે! શહેરી વિસ્તારમાં 16.5 ટકા જ્યારે ગ્રામ્ય વિસ્તારમાં એ પ્રમાણ 19.9 ટકા છે. આપણા દેશમાં અરુણાચલમાં ડ્રિન્કિંગનું પ્રમાણ સૌથી વધુ છે. આ રાજ્યમાં 53 ટકા પુરુષો અને 24 ટકા મહિલાઓ દારૂ પીએ છે. ગ્રામીણ વિસ્તારમાં આદિવાસીઓ અને બીજી કેટલીક જ્ઞાતિઓમાં દારૂ પીવો એ પરંપરા અને આદતોનો જ હિસ્સો છે, દારૂ પીવાને ખરાબ માનવામાં જ નથી આવતું! આદિવાસીઓ તાડી ઉપરાંત નશો ચડે એવાં પોતપોતાનાં પીણાં પણ મોટા પાયે બનાવે છે.
ગુજરાતમાં દારૂની સ્થિતિ કેવી છે એ બધા સારી રીતે જાણે છે. ગુજરાતનું કોઇ શહેર કે ગામ એવું નહીં હોય જ્યાં દારૂ મળતો ન હોય. હવે તો એવું કહેવામાં આવે છે કે, ગુજરાતમાં દૂધ લેવા માટે બહાર જવું પડે છે પણ દારૂ ઘરેબેઠા મળી જાય છે. અલબત્ત, આમ છતાં મોટા ભાગના લોકો એવું માને છે કે, દારૂબંધી છે એ સારી વાત છે. એના કારણે જ ગુજરાતમાં શાંતિ અને સુરક્ષા છે અને બહેન-દીકરીઓને બહાર નીકળવામાં કોઇ ડર લાગતો નથી. મજાની વાત એ છે કે જે લોકો દારૂ પીએ છે એમાંથી પણ ઘણા લોકો એવું કહે છે કે, દારૂબંધી છે એ બરાબર છે. જેને પીવો હોય છે એને મળી જાય છે પણ એ સંતાઇને તો પીએ છે. જાહેરમાં છાકટા બનીને તો ફરતા નથી! ગુજરાતમાં વિદેશથી આવતા લોકોને પરમિટ પર દારૂ મળી જાય છે. અગાઉ હતા એના કરતાં નિયમો થોડાક હળવા પણ કરવામાં આવ્યા છે. ગુજરાતમાં રહેતા લોકો હેલ્થ પરમિટ મેળવીને દારૂની મજા માણે છે. દારૂની પરમિટને પણ હેલ્થ પરમિટનું નામ આપવામાં આવે છે! એવી કઇ બીમારી છે, જેમાં ડૉક્ટર દારૂ પીવાની સલાહ આપતા હોય? વૅલ, ગુજરાતમાં કેટલા લોકો પાસે લીકર પરમિટ છે? 40921. બે વર્ષ અગાઉ 2020માં આ સંખ્યા 27452 હતી. બે વર્ષમાં પરમિટ મેળવનારાઓની સંખ્યામાં 49 ટકાનો વધારો થયો છે! પરમિટ પાછળનું લૉજિક પણ એવું જ છે કે, પરમિટ હોય તો પછી કોઇ ટેન્શન નહીંને! ગુજરાતમાં નથી મળતો એટલે પીનારા લોકો જ્યારે મળે ત્યારે પીવાય એટલો પી લે છે એવું પણ કહેવાતું રહ્યું છે.
કોઇ વ્યસન સારું નથી એ બધા જાણે છે પણ લોકો એમાં પણ બહાનાં શોધતા ફરે છે. એક વખત લત લાગી જાય છે પછી ઘડીકમાં છૂટતી નથી. દારૂમાં પણ હવે ઓકેઝનલ ડ્રિંકિંગનો ટ્રેન્ડ વધતો જાય છે. વાત આંખો મીંચીને ઢીંચ્યે રાખતા બેવડા દારૂડિયાઓની નથી પણ જે લોકો સમજુ છે એ સમજી વિચારીને કરે છે. મફતનો મળતો હોય તો પણ લોકો એટલું તો વિચારે જ છે કે, દારૂ બીજાનો છે પણ શરીર તો આપણું છેને! સાચી વાત એ છે કે, દારૂ હોય કે બીજું કોઇ વ્યસન હોય, એનાથી જેટલા દૂર રહેવાય એટલું સારું છે!
હા, એવું છે!
આલ્કોહોલ વિશે એક રિસર્ચ એવું કહે છે કે, એકસરખી જ માત્રામાં દારૂ પીવા છતાં છોકરા અને છોકરીને તેની અસર જુદી જુદી થાય છે. એક અભ્યાસ બાદ છોકરીના બ્લડમાં આલ્કોહોલનું લેવલ પણ છોકરા કરતાં વધુ જોવા મળે છે. બંનેને જે મજા આવે છે એમાં પણ ફેર હોય છે! આ ઉપરાંત પીવાની સ્પીડ પર પણ તેની અસરનો આધાર રહે છે!
(`સંદેશ’, અર્ધસાપ્તાહિક પૂર્તિ, તા. 04 જાન્યુઆરી 2023, બુધવાર, `દૂરબીન’ કૉલમ)
kkantu@gmail.com

Krishnkant Unadkat

Krishnkant Unadkat

Leave a Reply

%d bloggers like this: