તમે સ્પીડ બ્રેકર ઉપર ધડામ
દઈને ઊછળ્યા છો કે નહીં?
દૂરબીન-કૃષ્ણકાંત ઉનડકટ
આપણા દેશમાં દરરોજ નવ લોકોનાં મોત
સ્પીડ બ્રેકરના પાપે થાય છે.
મનફાવે એવી સાઇઝમાં આડેધડ બનાવાતા
સ્પીડ બ્રેકર લોકોનાં માથાં ફાડી નાખે છે.
સ્પીડ બ્રેકરના મામલે બધું દે ધનાધન ચાલે છે!
બ્રિટન અને ઓસ્ટ્રેલિયામાં રોડ અકસ્માતમાં
જેટલાં મોત થાય છે એનાથી વધુ મોત તો
આપણે ત્યાં માત્ર સ્પીડ બ્રેકરના કારણે થાય છે!
આપણે આરામથી બાઇક કે કારમાં જઈ રહ્યા હોઈએ અને અચાનક સ્પીડ બ્રેકર આવી જાય, આપણે ધડામ દઈને ઊછળીએ, માંડ માંડ ગાડી કંટ્રોલ થાય. મનમાં ને મનમાં બળાપો કાઢીએ કે આ લોકો સ્પીડ બ્રેકરનું પાટિયુંય નથી મારતા કે નથી સ્પીડ બ્રેકર પર ધોળા પટ્ટા ચીતરતા. ક્યાંક બોર્ડ માર્યું હોય તો એ સ્પીડ બ્રેકરથી એટલું નજીક હોય છે કે આપણને ભાન થાય ત્યાં તો ઊછળી ગયા હોઈએ. દરરોજ જે રસ્તે આવતા-જતા હોઈએ ત્યારે તો આપણને એની ખબર જ હોય છે કે હા, હવે સ્પીડ બ્રેકર આવશે પણ ક્યારેક કોઈ અજાણ્યા રસ્તે તો આપણે જ્યારે ઊંચા-નીચા થઈ જઈએ ત્યારે જ ખબર પડે કે સ્પીડ બ્રેકર હતું!
સ્પીડ બ્રેકર્સના નિયમો છે. સ્પીડ બ્રેકર ક્યાં હોય, કેવડા હોય, વાહનચાલકને ખબર પડે એ માટે શું નિશાનીઓ રાખવી જોઈએ વગેરે બધું જ નિયમ મુજબ હોવું જોઈએ. જોકે, આપણે ત્યાં કયા નિયમ સરખી રીતે પળાય છે કે સ્પીડ બ્રેકરના નિયમો પાળવામાં આવે! મન થાય એમ અને આડેધડ રીતે સ્પીડ બ્રેકર ઠોકી દેવામાં આવે છે. ક્યાંક તો વળી નાના-નાના આઠ-દસ સ્પીડ બ્રેકર હોય છે, સૌરાષ્ટ્રમાં આવા સ્પીડ બ્રેકર્સને ધડધડિયા કહે છે, અમુક એને ડિસ્કો સ્પીડ બ્રેકર્સ કહે છે.
આપણે ત્યાં ઘણી જગ્યાએ તો લોકો પોતાની રીતે જ સ્પીડ બ્રેકર મૂકી દે છે. ઘણાં મંદિરો, શાળાઓ કે બીજી સંસ્થાઓ આવું કરે છે. હવે તો રેડી સ્પીડ બ્રેકર વેચાતા મળે છે. લોકો એ માત્ર પોતાની સોસાયટીમાં નહીં, જાહેર માર્ગ પર લગાડી દેતા હોય છે.
સ્પીડ બ્રેકરનો મુખ્ય ઉદ્દેશ શું હોય છે? વાહનચાલકો પોતાનું વાહન ધીમું પાડે અને અકસ્માત ન થાય. અકસ્માત સંભવ ક્ષેત્રમાં સ્પીડ બ્રેકર લગાવવામાં આવે છે. જોકે, તમને એ જાણીને આશ્ચર્ય થશે કે આપણે ત્યાં સ્પીડ બ્રેકરના કારણે જ વધુ અકસ્માત થાય છે. આપણા દેશની ટ્રાન્સપોર્ટ મિનિસ્ટ્રીએ જ સત્તાવાર રીતે આંકડા બહાર પાડ્યા છે કે સ્પીડ બ્રેકરના કારણે દરરોજ 30 દુર્ઘટના થાય છે અને નવ લોકોનાં મોત થાય છે. વાર્ષિક ગણતરી કરીએ તો કુલ 10950 અકસ્માત અને 3285 લોકોનાં મોત.
આ અકસ્માતો તો નોંધાયેલા છે. જે નોંધાયા ન હોય અને સ્પીડ બ્રેકર્સના કારણે નાની-મોટી ઇજા થઈ હોય તેવા અકસ્માતોનો આંકડો તો ઘણો મોટો થાય. તમને ખબર છે આપણે ત્યાં સ્પીડ બ્રેકર્સના કારણે જેટલાં મોત થાય છે એટલાં મોત તો ઘણા દેશોમાં ટોટલ રોડ એક્સિડન્ટ્સથી પણ નથી થતાં! ઓસ્ટ્રેલિયામાં 2015માં 2937 લોકોના માર્ગ અકસ્માતમાં મોત થયાં હતાં. બ્રિટનમાં 3409 લોકોનાં મોત રોડ એક્સિડન્ટ્સથી થયાં હતાં. આપણા દેશમાં 2015માં કુલ 1.46 લાખ લોકોનાં મોત માર્ગ અકસ્માતમાં થયાં હતાં. દરરોજ 400નાં મોત!
વિદેશમાં કોઈ અકસ્માત થાય તો તેના ઉપર તપાસપંચ બેસે છે. અકસ્માતનાં કારણો શોધી તેને દૂર કરવાના પ્રયાસ થાય છે. આપણે ત્યાં માત્ર વાતો થાય છે અને દિલગીરી વ્યક્ત થાય છે. અમુક કિસ્સામાં વળતર ચૂકવાય છે. કંઈ ન સૂઝે ત્યારે સ્પીડ બ્રેકર્સ મૂકી દેવાય છે. સ્પીડ બ્રેકર્સના કારણે થતાં મૃત્યુ વિશે કંઈ જ વિચારાતું નથી.
આપણા દેશમાં સ્પીડ બ્રેકર્સના કાયદા અને નિયમો છે, પણ તેને મોટાભાગે નજરઅંદાજ કરવામાં આવે છે. ધ ઇન્ડિયન રોડ્સ કોંગ્રેસના સૂચન મુજબ સ્પીડ બ્રેકરની ઊંચાઇ 0.10 મીટરની હોવી જોઈએ. વાહનોની સ્પીડ 25 કિ.મી પર અવર રહેવી જોઈએ. ગયા વર્ષે દેશની રોડ ટ્રાન્સપોર્ટ મિનિસ્ટ્રીએ રાજ્ય સરકારો અને નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાને નેશનલ હાઇવે ઉપરથી સ્પીડ બ્રેકર્સ હટાવી દેવાની ભલામણ કરી હતી. સ્પીડ બ્રેકર્સથી થતાં મોતના અહેવાલ બાદ આ નિર્ણય લેવાયો હતો.
સ્પીડ બ્રેકર્સને સ્પીડ બમ્પ્સ, સ્પીડ રેમ્પ્સ, સ્પીડ હમ્પ્સ, સ્પીડ ટેબલ્સ તથા સ્પીડ કુશન્સના નામે પણ ઓળખવામાં આવે છે. આ સ્પીડ બ્રેકર મોટાભાગે સ્કૂલ્સ, હોસ્પિટલ્સ, સાંકડા રસ્તા, સિનિયર સિટિઝન્સની અવર-જવર હોય એવા માર્ગો અને નાના રોડ હાઇવેને મળતા હોય એવી જગ્યાએ બનાવવાના હોય છે. આપણે ત્યાં તો ચાર રસ્તા હોય એવી જગ્યાએ પણ સ્પીડ બ્રેકર લગાવી દેવાય છે. જોકે, એક દલીલ એવી પણ કરવામાં આવે છે કે આપણા લોકોમાં ટ્રાફિક સેન્સ જ નથી! સ્પીડ બ્રેકર્સના નિયમો 23મી માર્ચ, 1992ના હોમ ડિપાર્ટમેન્ટના રિઝોલ્યુશન નંબર ટીએફસી-1092-991-વીમાં વિગતવાર આપવામાં આવ્યા છે. જોકે, તેનું પાલન કેટલું થાય છે એ સૌથી મોટો સવાલ છે. સ્પીડ બ્રેકર્સનું મેઇન્ટેનન્સ સ્થાનિક ટ્રાફિક પોલીસે જોવાનું હોય છે. જોકે, બધા નિયમો, કાયદાઓ અને ધોરણો મોટાભાગે સરકારી ચોપડામાં જ દબાયેલા રહે છે.
સ્પીડ બ્રેકર્સ સામે લોકો પણ ક્યારેય કોઈ સવાલ કરતા નથી. કોઈ પૂછતું નથી કે આ સ્પીડ બ્રેકર તમે કોને પૂછીને, કયા નિયમોને આધારે લગાવ્યું અને તેનું ધોરણ જળવાયું છે કે નહીં! ચાલવા દો જેમ ચાલે છે તેમ! આપણે ત્યાં તો સ્પીડ બ્રેકર્સના કારણે ફની સિચ્યુએશન સર્જાતી રહે છે. એક કિસ્સો યાદ આવે છે. એક વખત ઓફિસના પાંચ લોકો કારમાં જતા હતા. બોસ ડ્રાઇવિંગ કરતા હતા. એક બમ્પ આવ્યો અને કાર ઊછળી. માંડ માંડ કાર કંટ્રોલ થઈ. એ પછી બાજુમાં બેઠેલો કર્મચારી રોડ પર જ જોતો હતો. સ્પીડ બ્રેકર આવવાનું હોય કે તરત જ બોલે, સર સ્પીડ બ્રેકર, પ્લીઝ બી કેરફુલ!
પતિએ ગાડી ઉછાળી હોય તો પત્ની ધ્યાન રાખતી હોય છે. સંભાળજો હો, સ્પીડ બ્રેકર આવે છે! પત્ની ચલાવતી હોય ત્યારે તો પતિને ગાડી ચલાવવા કરતાં વધુ થાક બાજુમાં બેસવામાં લાગતો હોય છે. ગમે તેને પૂછી જોજો, એકાદ વખત ઊછળવાનો અનુભવ તો એને હશે જ, બાઇકમાં પાછળ બેઠેલો વ્યક્તિ પડી ગયો હોય અને કારમાં ઉપર માથું ભટકાયું હોય એવી ઘટનાઓ પણ બનતી જ રહેતી હોય છે. બાય ધ વે, આવા ખતરનાક અને જીવલેણ સ્પીડ બ્રેકર્સનો કોઈ ઉપાય છે ખરો? હા છે, આપણું આપણે ધ્યાન રાખવાનું! ઘણી જગ્યાએ બોર્ડ નથી માર્યાં હોતાં, સાવધાની હટી, દુર્ઘટના ઘટી એનો મતલબ એવો જ કરવાનો કે આપણું ધ્યાન આપણા સિવાય કોઈ રાખવાનું નથી!
પેશ-એ-ખિદમત
દિલ આબાદ કહાઁ રહ પાયે ઉસ કી યાદ ભુલા દેને સે,
કમરા વીરાઁ હો જાતા હૈ, ઇક તસ્વીર હટા દેને સે,
આલી શેર હો યા અફસાના યા ચાહત કા તાના બાના,
લુત્ફ અધૂરા રહ જાતા હૈ પૂરી બાત બતા દેને સે.
– જલીલ ‘આલી’
પાકિસ્તાની શાયર જલીલ આલી રાવલપિંડીમાં રહે છે. તેમનો જન્મ 12મી મે 1945ના રોજ પંજાબના અમૃતસરમાં થયો હતો. ભાગલા વખતે તેમનો પરિવાર પાકિસ્તાન ચાલ્યો ગયો. ઉર્દૂ સાહિત્યમાં તેમનું માન ગૌરવભેર લેવાય છે.
(‘દિવ્ય ભાસ્કર’, ‘રસરંગ પૂર્તિ’, તા. 02 જુલાઇ 2017, રવિવાર. ‘દૂરબીન’ કોલમ)
kkantu@gmail.com