નવા વર્ષમાં જિંદગીને વધુ જીવવા જેવી બનાવીએ – એકસ્ટ્રા કોમેન્ટ : કૃષ્ણકાંત ઉનડકટ

નવા વર્ષમાં જિંદગીને વધુ જીવવા જેવી બનાવીએ


એકસ્ટ્રા કોમેન્ટ : કૃષ્ણકાંત ઉનડકટ

——-

કોઇપણ નવી શરૂઆત માણસને બદલવાની પ્રેરણા અને શક્તિ આપે છે. સમયની પ્રકૃતિ સતત વહેતી રહેવાની છે. સમયની સાથે જિંદગીને વહેવા દો. સુખ, શાંતિ, સંબંધો અને સંવેદનાઓ સજીવન રહે એ માટે આપણે આપણી જિંદગી પર નજર નાખતા રહેવું જોઇએ

——-

ગયું એ ગયું, જિંદગીને સારી રીતે જીવવા માટે એ જરૂરી છે કે, યાદ રાખવા જેવું જ યાદ રાખીએ. નક્કામી બાબતોમાં મગજ ન બગાડીએ. સફળતા માટે એ જરૂરી છે કે, આપણા ધ્યેયથી ધ્યાન ભટકે નહીં. નવા વર્ષમાં એક યાદી ‘નોટ ટુ ડુ’ની પણ બનાવો

——-

તહેવારો જિંદગીને રિફ્રેશ કરે છે. જિંદગીને થોડીક અપડેટ કરવાનો મોકો આપે છે. આજથી નવું વર્ષ શરૂ થઇ રહ્યું છે. કોઇ પણ નવી શરૂઆત નવી ઉમ્મીદો, આકાંક્ષાઓ અને નવા સપનાઓ સાથે થવી જોઇએ. દરેક માણસને ક્યારેક તો એવો વિચાર આવતો જ હોય છે કે, આખરે જિંદગીનો ખરો ઉદ્દેશ શું છે? શું મેળવવું છે? સુખ, શાંતિ, સફળતા, સંપત્તિ, સ્વાસ્થ્ય, સંબંધો અને બીજું ઘણું બધું આપણા વીશ લિસ્ટમાં હોય છે. દરેકની પ્રાયોરિટી અલગ અલગ છે. દરેકની ઇચ્છાઓ જુદી જુદી છે. બધું કર્યા પછી પણ એવો સવાલ તો થતો જ રહે છે કે, હું જે કરું છું એ બરાબર તો છેને? હું રાઇટ ટ્રેક પર તો છુંને? જિંદગી પાસેથી જવાબો શોધીએ છીએ. જિંદગી પણ ગજબની છે. એક જવાબ મળે ત્યાં નવા સવાલો પેદા કરી દે છે. આમ જોવા જઇએ તો જિંદગીની મજા જ એ છે. બધું ધાર્યું જ થતું હોત તો જિંદગી આટલી રોમાંચક ન હોત.

આપણે વર્ષનું સરવૈયું કાઢીએ છીએ. વર્ષ એટલે શું? તારીખીયાના પાના અને ઘડિયાળની ટિકટિક! હવે તો બધું ડિજિટલ થઇ ગયું છે. પાના ફાટતા નથી અને ઘડિયાળ પણ મૂંગા મોઢે આગળ ધપતી રહે છે. 365 દિવસ, 8760 કલાક, 525600 મિનિટ અને 3,15,36,000 સેકન્ડ… વર્ષને આપણે આંકડાઓથી માપતા રહીએ છીએ. વર્ષને બીજી કઇ રીતથી માપી શકાય? કેટલા શ્વાસ, કેટલી સંવેદના, કેટલી આહ, કેટલી વાહ, કેટલા આંસુ, કેટલું હાસ્ય, કેટલા ડૂસકાં, કેટલા નિ:સાસા, કેટલો ઉકળાટ, કેટલો ઉત્ત્પાત, કેટલી વેદના, કેટલી સંવેદના, કેટલો પ્રેમ, કેટલી નફરત, કેટલું વરસ્યા, કેટલું તરસ્યા, કેટલું મેળવ્યું, કેટલું ગુમાવ્યું, ક્યાં જવું હતું, ક્યાં પહોંચ્યા, હજુ ક્યાં જવું છે, કેટલા માર્ગો, કેટલા મુકામ, કઇ મંઝિલ, કેટલી દોડ, કેટલું ચડ્યા અને કેટલું પડ્યા? આપણે આવો હિસાબ માંડીએ છીએ? જિંદગી આમ તો માપવાની ચીજ જ નથી, પામવાની ચીજ છે. આપણે જિંદગીને કેટલી પામી શક્યા છીએ? હાથની રેખાઓ અને કુંડળીના ખાનાઓમાં જિંદગીની તલાશ કરતા રહીએ છીએ.

કેલેન્ડર અને ઘડિયાળની જેમ આપણી જિંદગી પણ હવે ડિજિટલ થઇ ગઇ છે. આપણા બધાની લાઇફ ટેક્નોલોજી ડ્રિવન થઇ ગઇ છે. આપણે દોરવાતા રહીએ છીએ. મોબાઇલ, લેપટોપ અને બીજા ઇન્સ્ટ્રુમેન્ટ આપણને ન સમજાય એ રીતે આપણને કંટ્રોલ કરતા રહે છે. આપણી સંવેદનાઓનું પણ ડિજિટલાઇઝેશન થઇ ગયું છે. હવે આપણે હસતા નથી પણ ઇમોજી મૂકી દઇએ છીએ. આપણી બધી જ મોજ ઇમોજીએ છીનવી લીધી છે. હગના ઇમોજીમાં ઉષ્મા વર્તાતી નથી. રડવાના ઇમોજીથી આંખમાં જરાકેય ભેજ વર્તાતો નથી. ડાન્સના ઇમોજીમાં પગ જરાયે થરકતો નથી અને આહના ઇમોજીમાં રુંવાડુંયે ફરકતું નથી. વર્ચ્યુલ રિલેશન્સમાં સંબંધોનું પોત વધુને વધુ પાતળું પડતું જાય છે. સામે હોય એની પરવા નથી અને સ્ક્રીન પર આપણે સંબંધો શોધતા ફરીએ છીએ. લાઇક્સ, કમેન્ટસ, ફોલોઅર્સ, સ્ટેટસ અને ટ્રોલિંગમાં ખોવાયેલા આપણે સરવાળે તો એકલતા જ અનુભવીએ છીએ. સોશિયલાઇઝિંગની વ્યાખ્યા જ બદલી ગઇ છે. ખોટું કંઇ નથી, ખોટું હોય તો માત્ર એનો અતિરેક છે. પોતાના છે એને સાચવી રાખો, જાળવી રાખો, બાકી બધું પછી કરો. કોણ સૌથી વધુ મહત્વનું છે? શું સૌથી વધુ ઇમ્પોર્ટન્ટ છે? સરવાળે કોના માટે બધું કરીએ છીએ? કંઇક છૂટે ત્યારે આપણી અંદર પણ કંઇક તૂટતું હોય છે. નંબર ડિલિટ કરતી વખતે કે કોઇને બ્લોક કરતી વખતે આંગળી જરાક તો ધ્રૂજતી હોય છે, શ્વાસ જરાક તો તરડાતો હોય છે. મનને મનાવવું પડે છે અને તનને સંભાળવું પડે છે.

જિંદગીની સમયે સમયે તલાશ કરતા રહેવું જોઇએ. જિંદગી ખોવાઇ તો નથી ગઇને? કંઇ સુકાઇ તો નથી ગયુંને? ચહેરો જોઇને એ વિચારવું પડે છે કે, હાસ્ય ગૂમ તો નથી થઇ ગયુંને? આપણા બધા પાસે એક લાંબું ‘ટુ ડુ’ લિસ્ટ હોય છે. આપણે ‘નોટ ટુ ડુ’ લિસ્ટ બનાવતા નથી. આ મારે નથી કરવાનું, આ હું નહીં કરું, આ મને નથી શોભતું. હું કોઇનું દિલ નહીં દુભાવું. જે મને પ્રેમ કરે છે એની નજીક જ હું રહીશ. મારી જિંદગીમાં આ લોકો અપવાદ છે. એના માટે હું કંઇ પણ કરીશ. ત્યાં કોઇ ગણતરી નહીં હોય, ત્યાં કોઇ નારાજગી નહીં હોય, ત્યાં કોઇ જબરજસ્તી નહીં હોય, ત્યાં હશે તો માત્ર હળવાશ, માત્ર સાંનિધ્ય, માત્ર સંવેદના, માત્ર સાત્ત્વિકતા, માત્ર સહજતા અને માત્ર ને માત્ર સ્નેહ.

આપણે બધા બહુ જ ખરાબ સમયમાથી પસાર થયા છીએ. પાછું વળીને થોડુંક જોયે તો ઘણા બધા કરૂણ દ્રશ્યો નજર સામે તરવરી જાય છે. દરેકે કંઇક ગુમાવ્યું છે. દરેકે વેદના અનુભવી છે. ઘણાએ સ્વજનો ગુમાવ્યા છે. એક ટીસ છે જે વારેવારે ઉઠતી રહે છે. આટલું બધું થયું છતાં એ હકીકત છે કે, જિંદગી અટકી નથી. જિંદગી તો ચાલે જ છે. આ ચાલતી જિંદગીમાંથી જ આપણે જીવનને શોધવાનું છે અને જીવવાનું છે. કોઇ પણ અફસોસ કર્યા વગર. જે ગુમાવ્યું છે એનો ગમ તો હોવાનો જ પણ એની પાછળ રડતા રહેવાનો કોઇ મતલબ નથી. નવા વર્ષમાં નક્કી કરવા જેવું હોય તો એટલું જ છે કે, હું મારી જિંદગીને થોડીક વધુ જીવવા જેવી બનાવીશ. મારા સંબંધોને સજીવન રાખીશ. જિંદગી સારી રીતે જીવવાનો એક શ્રેષ્ઠ માર્ગ એ છે કે, જે ભૂલવા જેવું છે એને ભૂલી જાવ, ઇરેઝ કરી નાખો, ડિલિટ કરી નાખો. સારું છે એને યાદ રાખો. આપણે ભૂલવા જેવું હોય છે એને યાદ રાખીએ છીએ અને યાદ રાખવા જેવું હોય છે એને ભૂલી જઇએ છીએ. સરવાળે દુ:ખી થતા રહીએ છીએ. જિંદગી આપણે વિચારીએ છીએ એટલી અઘરી નથી. જિંદગી તો સહેલી છે. આપણે જ તેને વધુ પડતા વિચારો કરીને, ન બાંધવા જેવી ગ્રંથીઓ બાંધીને, પોતાની જાતને જ કોસતા રહીને, આક્ષેપો અને ફરિયાદો કરીને જિંદગીને અઘરી અને આકરી બનાવી દેતા હોઇએ છીએ. જિંદગી તો આખરે એવી જ રહેવાની છે જેવી આપણે તેને રાખીએ. જિંદગીને મસ્તીથી જીવો. ખંખેરવા જેવું હોય એને ખંખેરી નાખો. પોતાની જાતને થોડીક પેમ્પર કરતા રહો. હસવાનું થોડુંક વધારી દો. દરેક ક્ષણને પૂરેપૂરી જીવો. જિંદગીના પડકારોથી ડરો નહીં, સામનો કરો. સજ્જતાથી અને મક્કમતાથી. નક્કી કરો કે, મારે સરસ રીતે જીવવું છે. આવતા વર્ષમાં આપણા બધાની જિંદગી થોડીક વધુ જીવવા જેવી બને એવી આશા સાથે નવા વર્ષની શુભકામનાઓ.

(‘સંદેશ’, ‘એકસ્ટ્રા કોમેન્ટ’ કોલમ, નવું વર્ષ. 05 નવેમ્બર 2021, શુક્રવાર)

Krishnkant Unadkat

Krishnkant Unadkat

Leave a Reply

%d bloggers like this: