દિવાળી : પ્રકાશ, રંગ અને થોડાક ખીલવાનો અવસર – એકસ્ટ્રા કોમેન્ટ : કૃષ્ણકાંત ઉનડકટ

દિવાળી : પ્રકાશ, રંગ અને થોડાક ખીલવાનો અવસર

એકસ્ટ્રા કોમેન્ટ :  કૃષ્ણકાંત ઉનડ​કટ

———-

​દરેકની જિંદગીમાં સંસ્કૃતિ અને પરંપરાનું આગવું મહત્ત્વ હોય છે. તહેવારો એકધારી ચાલતી જિંદગીને બ્રેક આપે છે અને એવો સંદેશ આપે છે કે, જિંદગી ખૂબસુરત છે. જિંદગીને જીવી લો. જે છે એ વર્તમાન છે. ગઇકાલ ગઇ, આવતીકાલની ખબર નથી, આજ તમારા હાથમાં છે!

​————-​
દિવાળી ઉજવવાની રીત ભલે થોડીક બદલાઇ હોય પણ એનું હાર્દ, એનું મહાત્મય અને એનો મર્મ ક્યારેય બદલવાનો નથી. તહેવારો આપણને થોડાક હળવા બનાવે છે અને જિંદગીની નજીક લઇ જાય છે. તહેવારો આપણને આપણા લોકો સાથે જોડે છે

​————-​


દિવાળી પ્રકાશ, રંગ, પૂજા, ઉત્સાહ અને આનંદનું પર્વ છે. તહેવારો તો આવે છે અને જાય છે પણ દિવાળીની વાત નિરાળી છે. તમે માર્ક કરજો, દિવાળી આવવાની હોય એ પહેલા લોકો એવું બોલે છે કે, યાર દિવાળી આવી ગઇ? ખબર જ ન પડી! સમય કેટલો ફાસ્ટ જાય છે નહીં? હા, સમય બહુ સ્પીડમાં વહે છે. ખરાબ સમય હોય ત્યારે એક દિવસ પણ આકરો લાગે છે, બાકી આખે આખું વર્ષ ક્યારે પૂરું થઇ જાય છે એની ખબર જ નથી પડતી. દિવાળીને આપણે અનુભવો સાથે પણ જોડીએ છીએ. તારા કરતા મેં વધુ દિવાળી જોઇ છે. આપણે એમ કેમ નથી બોલતા કે, તારા કરતા મેં વધુ દિવાળી જીવી છે! દિવાળી જીવવાનો તહેવાર છે. સવારની રંગોળી આપણને જીવનમાં રંગ પૂરવાનું શીખવે છે અને રાતના દીવા આપણેને થોડાક વધુ તેજોમય બનવાની શીખ આપે છે.

બે ઘડી વિચાર કરો કે, જો તહેવારો ન હોત તો શું થાત? જેણે પણ તહેવારોનું સર્જન કર્યુ હશે એ કેટલા શાણા અને ડાહ્યા લોકો હશે? એને ખબર હતી કે, જો તહેવારો નહીં હોય તો માણસને જિંદગી જેવું જ નહીં લાગે. માણસ આખો દિવસ દોડતો જ રહે છે. સુબહ હોતી હૈ, શામ હોતી હૈ, જિંદગી યુ હી તમામ હોતી હૈ. એક સરખી ઘરેડમાં ચાલતી જિંદગી માણસને હતાશ કરી દે છે. એવું વિચારતા કરી દે છે કે, શું આખી જિંદગી ઢસરડા જ કરવાના છે? તહેવારો એનો જવાબ આપે છે કે, ના થોડોક આનંદ કરવાનો છે, રંગોળી કરવાની છે, દીવા પ્રગટાવવાના છે, ફટાકડા ફોડવાના છે, મીઠાઇ ખાવાની છે અને પોતાના લોકોની નજીક જવાનું છે. સમયની ફિતરત એવી છે કે, એ સતત બદલાતો રહેવાનો છે. પહેલાના સમય કરતા હવે પરિવારો નાના થયા છે અને વિભક્ત થયા છે. માણસ અગાઉના સમય કરતા વધુ વ્યસ્ત થયો છે. સ્વજનો એક-બીજાથી દૂર થયા છે. દિલથી નજીક હોય એવા લોકો પણ કામ, નોકરી કે ધંધા અર્થે દૂર જાય છે. એક દિવાળી જ તો છે જે દરેકને એક-બીજાની નજીક લાવે છે.

હા, સમયની સાથે દિવાળી ઉજવવાની રીત બદલાઇ છે. અગાઉના સમયમાં દિવાળીની તૈયારીઓ ઘણા સમય અગાઉથી થવા લાગતી હતી. પ્રિય વ્યક્તિઓને પોસ્ટથી ગ્રિટિંગ્સ કાર્ડ મોકલવામાં આવતા હતા. પોસ્ટ વિભાગે એના માટે વિશેષ વ્યવસ્થાઓ કરવી પડતી હતી. ઘરના બધા લોકોના નવા કપડાં બનાવવા માટે ઘરે જ ટેઇલર બેસતા. કપડાં સીવવા આવનાર પર ઘરના જ સભ્ય હોય એવો ભાવ રહેતો. બાપ-દાદા સાથે બેસીને એમને માત્ર એટલું પૂછજો કે, તમારા સમયમાં દિવાળી કેવી રીતે ઉજવાતી? તરત જ તેમની બધી જ નોસ્ટાલ્જિક મેમરી જીવતી થઇ જશે. અરે, એ સમય જ જુદો હતો. મા-બાપ સુરજ ઉગે એ પહેલા જ ઉઠાડી દેતા. એ પછી પૂજા થતી. સાંજના સમયે ચોપડા પૂજન થતું. હજુ ચોપડા પૂજન થાય છે પણ હવે એ સિમ્બોલિક થઇ ગયું છે. પહેલાની વાત અલગ હતી. દરેક વ્યક્તિને પહેલાની વાત અલગ જ લાગતી હોય છે. ચોપડા પૂજન પતે પછી ફટાકડા ફોડવામાં આવતા. દરેક શહેરમાં એવો કોઇ વિસ્તાર હોય છે, એવો કોઇ રોડ હોય છે, જ્યાં સૌથી વધુ ફટાકડા ફૂટે છે. લોકો દારૂખાનું જોવા ત્યાં જતા. દિવાળી વખતે એવું કહેવાતું કે, ચાલો રોશની જોવા જઇએ. દરેક શહેરમાં અમુક મંદિરો એવો હોય છે જ્યાં દિવાળીના દિવસે ભીડ જામે છે. આમ તો આવું બધું હજુ છે જ, પણ થોડુંક બદલાયું છે. ઘણા લોકો એવું બોલતા હોય છે કે, હવે બધું બગડી ગયું છે. આ વાત સાચી નથી. કંઇ બગડ્યું નથી, થોડુંક બદલ્યું છે. આજે છે એ પણ ભવિષ્યમાં બદલવાનું છે.

હવે દિવાળીમાં કે દિવાળી પતે એ પછી તરત જ લોકો ફરવા ચાલ્યા જાય છે. અગાઉના સમયમાં દિવાળી જેવા પર્વે બહાર જવાને શુભ માનવામાં આવતું નહોતું. દિવાળીના દિવસે લક્ષ્મીજી ઘરમાં પધારે છે, એ દિવસે બારણાઓ બંધ ન રખાય એવી માન્યતા હતી. આજની તારીખે દિવાળીના તહેવારોમાં ઘણા લોકો પોતાના ઘરના બારણાઓ ખુલ્લા રાખે છે. હવે તો દિવાળીની વાત નીકળે એટલે લોકોનો પહેલો સવાલ એ જ હોય છે કે, ક્યાં જવાના છો? ગઇ દીવાળીએ કોરોના વાઇરસ બધાને ઘરમાં પૂરી રાખ્યા હતા. હજુ કોરોના તો છે જ પણ ડર થોડોક ઘટ્યો છે. ધ્યાન રાખીશું એવું વિચારીને લોકો નીકળી પડ્યા છે. હવે દિવાળીની આગોતરી તૈયારીઓ થાય છે પણ એ તૈયારીઓ ફરવા જવાની હોય છે. ગમતા ડેસ્ટિનેશન પર હોટલ કે રિસોર્ટસનું બુકિંગ કરાવવાનું હોય છે. ફ્લાઇટ કે ટ્રેનની ટિકિટ મેળવી લેવાની હોય છે. થોડુંક વહેલું કરાવીએ તો સસ્તુ પડે. હવે હોટલ, રિસોર્ટ, ફ્લાઇટ સહિતના બધા જ લોકો ચાલાક થઇ ગયા છે, એ અમુક તારીખોના ભાવ પહેલથી જ વધુ રાખી દે છે. એને ખબર જ છે કે, આ દિવસે લોકો આવવાના જ છે.

લોકોના મનમાં પણ એવી જ લાગણી છે કે, ગયા વર્ષે જે કસર રહી ગઇ હતી એ આ વખતે પૂરી કરી લેવી છે. માંડ માંડ બહાર જવાનો મોકો મળ્યો છે. મેડિકલ ફેટરનીટિને હજુ કોરોનાની ચિંતા છે. કોરોના વિશે તેઓ એવું જ કહે છે કે, આગામી પંદર દિવસ હેમખેમ પસાર થઇ ગયા તો બેડો પાર. કોરોનાનું હજુ ધ્યાન રાખવા જેવું તો છે જ. આપણે બધા જ ઇશ્વરને પ્રાર્થના કરીએ કે, આવતી દિવાળી માસ્ક વગરની હોય. લોકો કોઇપણ જાતના ભય વગર ગળે મળીને શુભકામનાઓ પાઠવી શકે. બધા જ ખુલ્લી હવામાં શ્વાસ લે. બધું જ પાછું હતું એવુંને એવું ધમધમતું થઇ જાય. ભૂલાઇ જાય કે કોરોના જેવા કોઇ વાઇરસે આખા જગતમાં કાળો કેર મચાવ્યો હતો. કોરોના આમ તો આસાનીથી ભૂલી શકાય એવો નથી કારણે કે બધાને કોરોનાના કારણે કોઇને કોઇ ફટકા પડ્યા છે. અલબત્ત, ભૂલવા સિવાય બીજો કોઇ વિકલ્પ જ નથી. વિશ્વાસ રાખો આવનારો સમય વધુ સારો હશે, લાઇફ પાછી રોકિંગ થઇ જવાની છે. આ દિવાળીએ સંકલ્પ કરીએ કે, જિંદગીને પૂરેપૂરી જીવીશું. વર્ચ્યુલ વર્લ્ડથી થોડાક દૂર હટીને રિયલ રિલેશન્સને ફીલ કરીશું. આપણા સંબંધોને સુકાવવા નહીં દઇએ. દિવાળીના શુભ પર્વે આપણી બધાની જિંદગીમાં વધુ પ્રકાશ રેલાય અને જિંદગી છે એના કરતા વધુ રંગીન અને સંગીન બને એવી શુભેચ્છાઓ.

​(સંદેશ, એકસ્ટ્રા કોમેન્ટ, દિવાળી, તા. 4 ઓકટોબર 2021, ગુરૂવાર)

Krishnkant Unadkat

Krishnkant Unadkat

Leave a Reply

%d bloggers like this: