હું સમજુ અને ડાહ્યો છું એ જ મારો વાંક છે? – ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ

હું સમજુ અને ડાહ્યો છું

એ જ મારો વાંક છે?

ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ

દિલ અગર હૈ તો દર્દ ભી હોગા, ઇસ કો કોઇ નહીં હૈ હલ શાયદ,

રાખ કો ભી કુરેદ કર દેખો, અભી જલતા હો કોઇ પલ શાયદ.

-ગુલઝાર

—–

આપણી બુદ્ધિ, આપણી સમજણ, આપણું જ્ઞાન અને આપણી આવડત

જો કોઇને કામ લાગે તો જ એ સાર્થક છે.

જો કોઇને કંઇ કામ ન લાગે તો એ વ્યર્થ અને નિરર્થક છે.

—–

સમજુ હોવું એટલે શું? કોઇ તમને સમજણની વ્યાખ્યા આપવાનું કહે તો તમે શું કહો? દરેક બાબતમાં જે માણસ સંયમપૂર્વક, તટસ્થતાપૂર્વક અને સંવેદનાપૂર્વક વર્તે એ માણસ સમજુ. દરેક માણસ આમ તો પોતાને સમજુ જ સમજતો હોય છે. માણસને પોતાના વિશે પણ જાતજાતના અભિપ્રાયો હોય છે. અભિપ્રાયો હોય ત્યાં સુધી પણ વાંધો નથી, ઘણાને તો પોતાના વિશે જાત જાતના ભ્રમ પણ હોય છે. સમજ અને સ્વાર્થમાં બહુ મોટો ફેર છે. ઘણા લોકોની સમજ પોતાના સ્વાર્થ પૂરતી મર્યાદિત હોય છે. એની બુદ્ધિ પોતાના સુધી આવીને અટકી જાય છે. મારે શું અને મારું શું એવું વિચારનારા લોકો દરેકમાં પોતાનો ફાયદો જુએ છે. એક માણસની આ વાત છે. કંઇ પણ હોય એટલે એ તરત જ એવું વિચારે કે, આમાં મને કંઇ લાભ છે? મારે મારી એનર્જી એની પાછળ વેડફવી જોઇએ કે નહીં? આપણા વર્તન અને કર્મનું સેન્ટર શું હોય છે તેના પરથી આપણી ફિતરત નક્કી થતી હોય છે. સેલ્ફ સેન્ટર્ડ લોકો માત્ર પોતાનું જ વિચારે છે. આવા લોકો પાસે પાછી એની દલીલ પણ હોય છે. એનું લોજિક પણ એ શોધી કાઢે છે. એ માણસને એક વખત તેના મિત્રે કહ્યું કે, તું હમેશાં તારો ફાયદો જ જુએ છે. તને લાભ હોય એવું જ કરે છે. શું એ વાજબી છે? એ માણસે કહ્યું કે, તારી વાત ખોટી નથી. હું મને ફાયદો હોય એવું કરું છું પણ સાથોસાથ એનું પણ ધ્યાન રાખું છું કે, મારા ફાયદાથી કોઇનું નુકસાન તો નથી થતુંને? કોઇનું નુકસાન થતું હોય તો હું એવું નથી કરતો? પહેલા હું બધા માટે બધું કરતો હતો ત્યારે મને લોકો એવું કહેતા હતા કે, તું મૂર્ખ છે. જેની પાછળ ઘસાવવું ન જોઇએ એની પાછળ પણ તું ઘસાતો રહે છે. એ પછી મેં મારો ફાયદો જોવાનું નક્કી કર્યું. મિત્રે કહ્યું કે, બધામાં આપણો ફાયદો, આપણો લાભ, આપણો સ્વાર્થ જોવાનો ન હોય! જિંદગી માત્રને માત્ર નિયમો ઉપર નથી ચાલતી, જિંદગીમાં પણ કેટલાંક અપવાદો રાખવાના હોય છે. અપવાદો માટે કોઇ વાદ, વિવાદ ન હોય. એક વાત યાદ રાખ, જે બીજાનું વિચારે છે એ જ સાચો માણસ છે. પોતાનું તો સહુ વિચારે. આપણે જુદા તો જ પડીએ જો બીજા કરતા જુદું વિચારીએ.

આ દુનિયામાં સમજણની પણ કિંમત ચૂકવવી પડતી હોય છે. દુનિયાને અપેક્ષાઓ એની પાસેથી જ હોવાની જેનામાં કંઇક સમજણ છે. મૂર્ખ કે નકામા લોકોને કોઇ કંઇ કહેતું નથી. ઉલટું બધા એનાથી દૂર રહે છે. અમુક લોકોનું નામ પડે ત્યારે આપણે એવું કહીએ છીએ કે, રહેવા દેને, એ કોઇ કામનો નથી. કામના હોય એને લોકો ગમે ત્યાંથી શોધી કાઢતા હોય છે. આપણને બધાને એવા અનુભવો થયા હોય છે કે, કોઇ દિવસ વારે તહેવારે પણ યાદ કરતા ન હોય એવા લોકોને કંઇક કામ પડે ત્યારે એ આપણને ગમે ત્યાંથી શોધી લેતા હોય છે. એક યુવાનની આ વાત છે. બધા તેને કામ સોંપ્યા રાખે. કામ નાનું હોય કે મોટું, ફટ દઇને એને ફોન કરી દે! આ યુવાન એક સમયે કંટાળી ગયો. બધાથી છૂટકારો મેળવવા માટે આ યુવાને પોતાનો ફોન નંબર જ બદલી નાખ્યો. એક બે દિવસ તો શાંતિ રહી પણ પછી પાછા બધાના ફોન આવવા લાગ્યા. તેણે પોતાના મિત્રને કહ્યું કે, ખબર નહીં આ બધા મારો નંબર ક્યાંથી શોધી લે છે? તેના મિત્રે કહ્યું કે, જેને તારું કામ હશેને એ તને સાતમા પાતાળમાંથી પણ શોધી કાઢશે. પણ યાર, એ નાનીસૂની વાત નથી. તારા ઉપર એ બધાને ભરોસો છે. એક રીતે જો તો એ તારી ક્રેડિટ છે. બાકી આજના જમાનામાં કોઇને કોઇ માટે ફૂરસદ નથી. કહેવું હોય તો એવું કહેવાય કે, દુનિયા સ્વાર્થી છે પણ એ તો રહેવાનું જ છે.

તમને લોકો વધારે કામ સોંપે છે? કોઇ તમને નવરા નથી રહેવા દેતું? તમારા વગર કોઇને નથી ચાલતું? જો આનો જવાબ હા હોય તો માનજો કે તમે કામના માણસ છો. આ કક્ષા પણ મેળવવી પડે છે. કોઇને તમારી જરૂર પડે છેને? એ જ તો તમારી લાયકાત બતાવે છે. એક યુવાનની આ સાવ સાચી વાત છે. તેના ઘરમાં કે પરિવારમાં કંઇ પણ હોય એટલે બધા તરત જ તેને કામ સોંપી દે. કંઇ હોય તો સૌથી પહેલા એને બોલાવે. તું આવી જજે હોં, તારા વગર નહીં ચાલે. એ બધે પહોંચી પણ જાય. દોડાદોડી કરીને બધાનો કામ કરી આપે. એક વખત એક સગાએ તેને એક કામ માટે બોલાવ્યો. એ ગુસ્સે થઇ ગયો. તેણે કહ્યું કે, બધા મને નવરો જ સમજે છે? કંઇ પણ હોય એટલે મને જ કહી દેવાનું? આ વાત સાંભળીને તેના પિતાએ કહ્યું કે, લોકો નવરાને કામ નથી સોંપતા, કામ કરી આપે એને જ કામ સોંપે છે. સાવ નવરા લોકો પાસે કોઇ કામની ફૂરસદ હોતી નથી અને કામ કરવાની દાનત પણ હોતી નથી. તું ડાહ્યો અને સમજુ છે એટલે જ તો બધા તને કામ સોંપે છે. દીકરાએ કહ્યું કે, હું ડાહ્યો અને સમજુ છું એ જ મારો વાંક છે? પિતાએ કહ્યું, એ વાંક નથી એ સમજ છે, એ ધગશ છે, એ તારી કદર છે, એ તેં મેળવેલી ક્રેડિટ છે. તને ખબર છે, ઘણા લોકો પ્રચંડ બુદ્ધિશાળી હોય છે પણ એ કોઇને કામ લાગતા નથી. આપણી બુદ્ધિ, આપણી સમજણ, આપણું જ્ઞાન અને આપણી આવડત જો કોઇને કામ લાગે તો જ એ સાર્થક છે. જો કોઇને કંઇ કામ ન લાગે તો એ વ્યર્થ અને નિરર્થક છે. દુનિયામાં આજે જે કંઇ છે એ કોઇએ બનાવેલું છે. એ બધાએ પોતાનું જ વિચાર્યું હોત તો આ જગત આજે છે એવું ન હોત.

આ દુનિયા એવા લોકોથી જ ટકી રહી છે જે બીજાની ચિંતા કરે છે. પોતાનું પેટ તો પ્રાણીઓ પણ ભરે છે. પોતાના માટે તો બધા બધું કરવાના જ છે. તમે કોઇના માટે શું કરો છો એ મહત્વનું છે. બીજાનું ભલું કરવામાં પણ બેલેન્સ રાખવાની જરૂર રહેતી હોય છે. ઘણા લોકો એવા હોય છે જે પોતાના લોકોને સાઇડમાં રાખીને બીજાને મદદ કરવા દોડી જતાં હોય છે. આવા લોકોને દુનિયા સામે સારા દેખાવવું હોય છે પણ એ પોતાના લોકોને હર્ટ કરતા હોય છે. આપણી પહેલી જવાબદારી પોતાના લોકો પ્રત્યે છે. દુનિયા માટે બધું કરી છૂટો પણ પોતાના લોકોના ભોગે નહીં. એક યુવાનના પિતા સમાજના મોટા આગેવાન હતા. એ યુવાન એવું કહેતો કે, મારા બાપા આખા ગામનું કામ કરશે પણ અમારી કોઇ વાત નહીં સાંભળે. કોનું કેટલું ધ્યાન રાખવું એનું પણ પ્રમાણભાન હોવું જોઇએ. જે પોતાના લોકોને અન્યાય કરે છે એ બીજાને ન્યાય કરતા હોતા નથી. આપણું વજૂદ છેલ્લે તો એનાથી જ નક્કી થતું હોય છે કે, આપણે બધાને કેટલા કામના છીએ. સ્વાર્થ ખાતર પણ લોકોએ તમને બોલાવવા પડતા હોય તો એમાં કશું ખોટું નથી. દુનિયાનો તો એ નિયમ છે કે, કામ પડે એટલે દોડી આવે. સાથોસાથ એ પણ યાદ રાખવા જેવું છે કે દુનિયા એની પાછળ જ દોડે છે જેનામાં કંઇક દમ છે! કામના લોકોનું જ કામ પડતું હોય છે. તમારા વગર ન ચાલે એ તમારી આવડત અને કાબેલિયતનું જ સૌથી મોટું ઉદાહરણ છે.

છેલ્લો સીન :

જેનું કંઇક મૂલ્ય હોય એનો જ ભાવ પુછાતો હોય છે. આપણું મૂલ્ય આપણે જ બેઠું કરવું પડતું હોય છે. માન પણ ભાન હોય એને જ મળે છે.  –કેયુ. 

 (‘સંદેશ’, સંસ્કાર પૂર્તિ, તા. 23 મે 2021, રવિવાર, ‘ચિંતનની પળે’ કોલમ)

kkantu@gmail.com

Krishnkant Unadkat

Krishnkant Unadkat

Leave a Reply

%d bloggers like this: