પ્રેમ ન આપે તો કંઇ નહીં, પેઇન તો ન આપ! : કૃષ્ણકાંત ઉનડકટ

પ્રેમ ન આપે તો કંઇ

નહીં, પેઇન તો ન આપ!

-કૃષ્ણકાંત ઉનડકટ

વાત એની એકદમ સાચી હતી,

આપણી સમજણ ઘણી કાચી હતી,

એક ધમકી એય ઉચ્ચારી ગયા,

આપણે પણ ક્યાં ક્ષમા યાચી હતી?

-હિમલ પંડ્યા

પ્રેમ કરવા માટે અને પ્રેમ મેળવવા માટે સૌથી વધુ જો કંઇ જરૂરી હોય તો એ છે, નજાકત અને સલુકાઇ. પ્રેમની નાજુક ક્ષણો જે સાચવી જાણે છે એ પ્રેમને પામી શકે છે. માત્ર થોડાક શબ્દો પ્રેમના સૌંદર્યને અનેકગણું વધારી શકે છે. પોતાની વ્યકિતનો આદર, પોતાની વ્યક્તિનું સન્માન અને પોતાની વ્યક્તિનું ગૌરવ એ પ્રેમની સૌથી મોટી નિશાની છે. આપણે ક્યારેય વિચારીએ છીએ કે, આપણી વ્યકિતને આપણી પાસે શું અપેક્ષા છે? એને એ જ અપેક્ષા હોય છે જે આપણને એની પાસે હોય છે. આપણે સતત એવું ઇચ્છીએ છીએ કે, આપણી અપેક્ષા પૂરી થાય પણ આપણી વ્યક્તિની અપેક્ષા પૂરી કરવાની દરકાર આપણને હોતી નથી. તમે જે ઇચ્છો એવું તમે તમારી વ્યક્તિ માટે કરવા માંડો, તમારી વ્યક્તિ આપોઆપ એવું કરવા લાગશે.

એક પતિ-પત્નીની આ વાત છે. ફેમિલીમાં બધા ભેગા થયા હોય અને બંનેની વાત નીકળે ત્યારે પત્ની પતિ વિશે ક્યારેય સારું બોલે નહીં. પત્ની ખરાબ ન બોલતી પણ ક્યારેય વખાણ પણ ન કરતી. બંને વચ્ચે કોઇ પ્રોબ્લેમ નહોતો. બંને બહુ જ સરસ રીતે રહેતા હતા, છતાં પતિને એવું થતું હતું કે, પત્નીને મારા પ્રત્યે જે લાગણી છે એ વ્યક્ત નથી થતી. પતિએ એના વિશે બહુ વિચાર કર્યો. આખરે તેણે એક નવી રીત અજમાવી. બધા ભેગા થયા હોય ત્યારે એ પત્નીના વખાણ કરવા લાગ્યો. કંઇ સારું કામ કર્યું હોય તો કહે કે, આજે તો તેણે દાદ આપવી પડે એવું કામ કર્યું છે. પત્નીએ વોર્ડરોબ સરખો કર્યો તો પતિએ કહ્યું કે, તેં કેવું સરસ બધું ગોઠવ્યું છે! પત્નીને ઓફિસમાં બેસ્ટ એમ્પલોઇનો એવોર્ડ મળ્યો તો ઘરના બધાને બોલાવીને નાનકડી પાર્ટી કરી. થોડા સમયમાં પત્નીમાં પણ એવું જ પરિવર્તન આવ્યું. કંઇ પણ હોય એટલે એ પણ બધા વચ્ચે પતિને એપ્રિસિએટ કરવા માંડી. આપણો પ્રોબ્લેમ એ હોય છે કે, આપણે ઊંધું કરીએ છીએ. પત્ની એક ભૂલ કહેશે તો આપણે તેની બે ભૂલ કાઢીશું. વખાણ હોય કે વાંધો હોય, જે શરૂ થાય એનો સિલસિલો ચાલુ થતો હોય છે. આપણને ખબર હોવી જોઇએ કે, દાંપત્ય રાઇટ ટ્રેક પર છે કે નહીં?

આપણે ઘણી વખત કોઇ વાતને રાઇટ સ્પિરીટમાં જ લેતા નથી હોતા. કંઇ વાત થાય તો એનો બીજો જ મતલબ કાઢીએ છીએ. આપણને કંઇ કહેવામાં આવે ત્યારે એવું જ માનીએ છીએ કે એ ખોચરા જ કાઢે છે. એક પતિ પત્ની હતા. પતિએ એક વખત પત્નીને કહ્યું કે, મારે તને એક વાત કરવી છે. પત્નીએ કહ્યું, હા કહેને. પતિએ કહ્યું કે, તું આ એક વસ્તુ કરે છે ને એ મને નથી ગમતી. પત્નીથી આ વાત સહન ન થઇ. પત્નીએ ગુસ્સે થઇને કહ્યું કે, તારી તો એવી ઘણી વાતો છે જે મને પણ નથી ગમતી. પત્નીની વાત સાંભળીને પતિએ કહ્યું કે, અરે! એવું છે? તો તેં મને કહ્યું કેમ નહીં? મને કહે તને મારી કઇ વાત નથી ગમતી? હું સુધારી લઇશ. તેં કેમ અત્યાર સુધી મને એ વાત ન કરી? મારે તને ન ગમે એવું કંઇ જ કરવું નથી. પત્નીના એટિટ્યૂડમાં તરત બદલાવ આવી ગયો. આપણે કહી દેવું હોય છે પણ સાંભળવાની આપણી તૈયારી નથી હોતી. પત્નીએ કહ્યું કે, તેં વાત શરૂ કરી એ પછી મને એવું લાગતું હતું કે, આપણી વચ્ચે ઝઘડો થઇ જશે પણ તે બહુ સલુકાઇથી વાત સંભાળી લીધી. પતિએ કહ્યું કે, ઝઘડો કરવો સાવ સહેલો છે. એક-બીજાને સમજીને રહેવામાં જ થોડુંક ધ્યાન રાખવાનું હોય છે. તારી સાથે ઝઘડીને મારે શું મેળવવું છે?

આપણે કોઇ ઝઘડો કે કોઇ માથાકૂટ કરીએ ત્યારે વિચારવાનું એ હોય છે કે, આપણે કોની સાથે ઝઘડીએ છીએ? આખરે આપણે સાબિત શું કરવું હોય છે? જિંદગીમાં એક જ વ્યક્તિ એવી હોય છે જે આપણી હોય છે. એની સાથે જીવવાનું હોય છે. એને જ હેરાન કરીને આપણે શું મેળવવું હોય છે? કોઇ તમને પૂછે કે, તું આ આખો દિવસ જે મહેનત મજૂરી કરે છે એ કોના માટે કરે છે? આ પ્રશ્નનો જે જવાબ હોય એના માટે ખરેખર તમે શું કરો છો? એને ક્યારેય કહો છો કે, તું મારા માટે કેટલી મહત્વની કે મહત્વનો છે? ઝઘડો થાય ત્યારે આપણે ઘણી વખત દાઢમાં અને ગુસ્સામાં એવું બોલીએ છીએ કે, તારા માટે આખો દિવસ કૂચે મરું છું પણ તને કંઇ કદર જ નથી! એને ક્યારેક અહેસાસ તો કરાવો કે, તારા વગર મારી જિંદગી અધૂરી છે. તું છે તો બધું છે. આપણે એવું કહી શકતા નથી.

બગડે છે એ માત્રને માત્ર બોલવાથી જ બગડે છે. આપણે પ્રેમ તો કરતાં હોઇએ છીએ પણ સારા શબ્દો વાપરી શકતા નથી. પતિ પત્નીની એવી જ એક વાત છે. પત્ની કંઇ વાત કરે તો પતિ વાયડાઇથી જ જવાબ આપે. જૂની વાત યાદ કરીને ટોણા જ મારે. પત્નીએ આખરે કહ્યું કે, તું દરેક વાત કેમ ઊંધી રીતે જ લે છે? તું પ્રેમ ન આપ તો કંઇ નહીં, પેઇન તો ન આપ! તારા શબ્દો મને બાણની જેમ વાગે છે. ડહાપણ આખરે શું છે? જેને શબ્દોનો સાચો ઉપયોગ કરતા આવડે છે એ ડાહ્યો માણસ છે. શબ્દો વાત બગાડી પણ શકે છે અને વાત સુધારી પણ શકે છે. સરખી રીતે વાત કરીએ તો ઘણી વખત સોરી કહેવાની પણ જરૂર પડતી નથી.

આપણા સુખનો આધાર છેલ્લે તો આપણી વ્યક્તિ જ હોય છે. ઘરના વાતાવરણ વિશે ક્યારેક થોડોક વિચાર કરજો. બધાનો મૂડ ઠેકાણે હશે તો ઘરનું વાતાવરણ આપોઆપ સારું રહેશે. બંને વચ્ચે ઝઘડો થયો હોય ત્યારે બંને અથવા બેમાંથી એક મોઢું ચડાવીને ફરતા હોય ત્યારે ઘરમાં એક ભાર સર્જાતો હોય છે. એક અજંપો જન્મે છે. આપણને એ પણ ખબર હોય છે કે, જો આનો મૂડ સુધરી જાયને તો બધું સરખું થઇ જાય. ખબર હોવા છતાં આપણે એનો મૂડ સુધરે એવુ કંઇ કરતા હોતા નથી. એક વાત કહી જુઓ કે, જવા દેને! તું ચૂપ છે તો મને નથી મજા આવતી. તારું મૌન મારાથી સહન નથી થતું. તારી વાતોથી તો આ ઘર ભર્યુંભર્યું લાગે છે. એવું વિચારવાને બદલે આપણે એવું જ વિચારીએ છીએ કે, મારે એકલાયે જ અથવા તો મારે એકલીએ જ ધ્યાન રાખવાનું? એની કંઇ ફરજ નથી? દરેક માણસ એવું જ સમજતું હોય છે કે, હું જ દરવખતે જતું કરું છું. એક હસબન્ડ સમજુ હતો. પત્ની કંઇ વાત કરે તો એ તરત જ વાળી લે. જતું કરી દે. પત્નીએ એક વખત કહ્યું કે, તું દર વખતે જતું કરી દે છે. પતિએ કહ્યું કે, તારા માટે બધું કરું છું તો જતું ન કરું? અત્યારે રિલેશનશીપના જે ઇસ્યૂઝ છે એ મોટા ભાગે સ્વભાવના કારણે છે. જીદ અને અહમ આપણા પર એટલા હાવી થઇ જાય છે કે, આપણે આપણી વ્યક્તિને જ ઠેંસ પહોંચાડીએ છીએ. મનથી થોડાક હળવા થઇ જાવ, હળવાશ આપોઆપ અનુભવાશે. આપણે જેવા હોઇશું એવું જ આપણે આપી શકીશું અને એવું જ મેળવી શકીશું. હળવાશ જોઇએ છે તો હળવા રહો અને હળવા રાખો. સંબંધ અને દાંપત્ય સજીવન રાખવાનું બહુ અઘરું નથી, માત્ર આપણી સંવેદનાઓ સજીવન હોવી જોઇએ!

છેલ્લો સીન :

બેમાંથી એક જતું કરી શકે તો પ્રેમ જળવાઇ રહે. એક દીવો બૂઝાયેલો હોય તો બીજા દીવાથી તેને પ્રજ્વલિત કરી શકાય, પરંતું જો બંને દીવા બૂઝાયેલા હોય તો પછી અંધારું જ છવાઇ જવાનું છે!                                                         -કેયુ.

( ‘સંદેશ’ સંસ્કાર પૂર્તિ, તા. 05 સપ્ટેમ્બર 2021, રવિવાર.  ‘ચિંતનની પળે’ કોલમ)

kkantu@gmail.com

Krishnkant Unadkat

Krishnkant Unadkat

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *