ઘરનું સપનું અને સપનાનું ઘર! તમારે ઘરનું ઘર છે કે ભાડાનું? – દૂરબીન : કૃષ્ણકાંત ઉનડકટ

ઘરનું સપનું અને સપનાનું ઘર!

તમારે ઘરનું ઘર છે કે ભાડાનું?

દૂરબીન : કૃષ્ણકાંત ઉનડકટ

—–0—–

મારું પણ એક સુંદર મજાનું ઘર હોય! દરેક માણસનું આવું સપનું હોય છે.

પોતાનું ઘર સાવ નાનકડું હોય કે મસમોટો બંગલો હોય,

માણસને શાંતિ ઘરના ઘરમાં જ મળે છે.

મિલેનિયલ જનરેશનની વિચારસરણીમાં ફેર થયો હોવાની વાતો ભલે થતી હોય પણ

આપણા કલ્ચરમાં પોતાના ઘર વિશેના જે ખયાલો છે એ ક્યારેય ખતમ થવાના નથી.

બાય ધ વે, તમારું પોતાનું ઘર છે કે ભાડે રહો છો?

ઘરના ઘરનું સપનું પૂરું ન થાય ત્યાં સુધી માણસ કણસતો રહે છે

—–0—–

ઘર. બે અક્ષરના આ શબ્દમાં સ્વર્ગની અનુભૂતિ છે. આપણે ત્યાં એવું કહેવાતું અને સંભળાતું રહ્યું છે કે, ધરતીનો છેડો ઘર. ઘર ગમે એવડું હોય, માણસને હાશ પોતાના ઘરમાં જ થાય છે. દુનિયાના દરેક જીવનો કોઇ આશરો હોય છે. દર હોય કે માળો, એ ઘરના જ પ્રતીક છે. પ્રાચીન કાળમાં માણસ ગુફામાં રહેતો હતો. ધીમે ધીમે એ ઘર બાંધતો થયો. ઘરનો પ્રારંભિક હેતુ તો ગરમી, ટાઢ અને વરસાદથી રક્ષણ અને પ્રાણીઓ તથા દુશ્મનોથી બચાવનો જ હતો. રક્ષણ મળી જાય પછી જ માણસને સુવિધાની ઝંખના જાગે છે. ઘર વિશેના ખયાલોમાં સુખથી માંડીને પ્રાયવસીનો ઉમેરો થયો. દરેક માણસનું એક સપનું હોય છે કે, મારું પોતાનું એક ઘર હોય. સપના તો બહુ ઊંચા હોય છે પણ દરેક સપના ક્યાં પૂરા થતા હોય છે? દરેક માણસ પોતાના ગજા મુજબનું ઘર બનાવે છે. પોતાના ઘર માટે આપણે ત્યાં ઘરનું ઘર એવા શબ્દોનો ઉપયોગ થાય છે. ઘરનું ઘર એટલે પોતાનું ઘર, મારું ઘર. આ શબ્દનો સાચો અર્થ તો જેની પાસે પોતાનું ઘર નથી એને પૂછો તો ખબર પડે!

ભાડાનું ઘર ગમે એવું આલિશાન હોય એ પોતાનું લાગતું નથી. એક જુદારો એની સાથે જોડાયેલો રહે છે. સરકારી ક્વાટરોમાં ક્યારેક ચક્કર મારજો, એક પારકાપણાનો અહેસાસ થયા વગર નહીં રહે. ક્વાટરો વહેલા ખખડી જાય છે કારણ કે તેની કોઇને ખાસ ખેવના જ નથી હોતી! પોતાનું ઘર નાનકડું હોય તો પણ લોકો માટે એ રજવાડું હોય છે. હવેના સમયમાં ફ્લેટ તો બહુ કોમન થઇ ગયા છે. ફ્લેટનો કન્સેપ્ટ જ્યારે નવો નવો હતો ત્યારે લોકો એવું કહેતા કે, ફ્લેટમાં તે કંઇ થોડું રહેવાય? આપણી જમીન અને આપણું આકાશ હોય એ જ સાચું ઘર. આવા ઘરો પોષાતા બંધ થયા એટલે લોકો ફ્લેટો તરફ વળ્યા. હવે તો પોતાનો નાનકડો ફ્લેટ હોય એને પણ લોકો સારા નસીબ સમજે છે! ફ્લેટ સાથે વળી એમીનીટિસનો કન્સેપ્ટ ઉમેરાયો. ક્લબ હાઉસ, સ્વીમિંગ પૂલ, જિમ, લાયબ્રેરીથી માંડીને થિયેટરો ફ્લેટ સાથે ઊભા કરવામાં આવ્યા. ફ્લેટ કલ્ચરે લોકોની માનસકિતા પણ બદલી. ફ્લેટમાં સેફટી વધારે અને સફાઇની ચિંતા ઓછી. આમ છતાં હજુ એક વર્ગ એવો છે જે ફ્લેટને બદલે ટેનામેન્ટ જ પસંદ કરે છે. બંગલો બધાને પોષાતો નથી. અગેઇન, ઘર ગમે એવડું હોય એ સુખ અને શાંતિનું કારણ હોય છે. ઘર અને મકાનની વ્યાખ્યામાં ફેર છે. બધા ઘરમાં સુખ અને શાંતિ પણ નથી હોતા. એ પાછા અલગ વિષય છે. આજે અહીં એ બધી વાત નથી કરવી, વાત કરવી છે ઘરના ઘરની અને ભાડાના ઘરની!

હમણાં દુનિયાના દેશોમાં ઘરના ઘર અને ભાડાના ઘર વિશે એક સર્વે થયો હતો. ચીન અને રશિયા બે એવા દેશ છે જ્યાં સૌથી વધુ લોકોને પોતાની માલિકીનું ઘર છે. દર દસમાંથી આઠ લોકો પોતાના ઘરમાં રહે છે. જર્મની અને સ્વિટ્ઝર્લેન્ડમાં મોટી વસતિ ભાડાના ઘરમાં રહે છે. રશિયામાં દર હન્ડ્રેડે 87 લોકો ઘરના ઘરમાં રહે છે. ચીનમાં દર સોએ 83, ઇટાલીમાં દર સોએ 71, અમેરિકામાં દર સોએ 58 લોકો અને જાપાનમાં દર સોએ 61 લોકો પાસે ઘરનું ઘર છે. બાકીના લોકો ભાડે રહે છે. રોમાનિયા એવો દેશ છે જ્યાં દુનિયામાં સૌથી વધુ એટલે કે 96 ટકા લોકો પાસે પોતાનું ઘર છે. આ સર્વેમાં આપણા ભારત દેશનો સમાવેશ કરવામાં આવ્યો નથી. એક અંદાજ મુજબ આપણા દેશમાં 86 ટકા લોકો પાસે પોતાનું ઘર છે. બાકીના 14 ટકા માટે આજે પણ ઘરનું ઘર એ એક સપનું છે. આપણે ત્યાં આજે પણ દીકરી માટે ઠેકાણું જોતી વખતે પહેલો વિચાર એ કરવામાં આવે છે કે, છોકરા પાસે પોતાનું ઘર છે? આપણે માત્ર વર નથી જોતા, ઘર પણ જોયે છીએ.

ઘરના ઘર માટે બેંકની લોનનો સૌથી મોટો આશરો હોય છે. ભાડા ભરવા કરતા હપતા ભરવા સારા એવું મોટા ભાગના લોકો વિચારે છે. જેની માથે હોમ લોનનું ટેન્શન છે એની પીડા વળી જુદી છે. આ બધા વચ્ચે એક હકીકત એ છે કે, બેંકો ઘરની લોનને સૌથી વધુ સેઇફ માને છે. લોકો બાકીનું બધું પછી કરશે પણ લોનનો હપતો ભરવાનું નહીં ચૂકે. એનું કારણ પણ પોતાના ઘરનું એટેચમેન્ટ જ છે. આપણે ત્યાં મા-બાપ આજની તારીખે એવું જ વિચારે છે કે, સંતાનો માટે બીજુ કંઇ ન કરી શકીએ તો કંઇ નહીં, પણ જતા પહેલા તેના માટે એક ઘર બનાવતા જઇએ એટલે સંતાનોને કંઇ વાંધો ન આવે. ઘણા સંતાનોના મોઢે પણ એવું સાંભળવા મળે છે કે, સારું છે કે બાપા ઘર મૂકતા ગયા છે, બાકી આપણો તો મેળ જ ન પડત!

આ બધામાં વળી એવી વાતો પણ બહાર આવી છે કે, અત્યારની મિલેનિયલ જનરેશન ઘર વિશે સાવ જુદા જ ખયાલો ઘરાવે છે. મિલેનિયલ્સ એટલે એવી જનરેશન જેનો જન્મ ઇ.સ. 1980થી 2000 દરમિયાન થયો છે. આ સમયગાળા દરમિયાન જન્મેલાઓને જનરેશન વાય તરીકે પણ ઓળખવામાં આવે છે. મિલેન્યલ્સ વિશે થયેલા એક સર્વેમાં એવી ચોંકાવનારી વાત બહાર આવી હતી કે, આ જનરેશનના 40 ટકા લોકોને ઘરનું ઘર ખરીદવામાં રસ નથી. મોટી હોમ લોન લઇને હપતા ભરવા કરતા ભાડાના મકાનમાં રહીને મજા ન કરીએ! લોકો એકના એક ઘરમાં આખી જિંદગી કાઢી નાખે છે, ભાડાનું ઘર હોય તો મન થાય ત્યારે બદલી તો શકાય! કેટલી બધી વરાઇટીઝ મળે! આ જનરેશનના ઘણા યુવાનોએ તો એવું કહ્યું કે, અમારા મા-બાપે ઘર બનાવવાની ચિંતામાં જ આખી જિંદગી કાઢી નાખી. ઘર બનાવવાની ઉપાધીમાં સરખું જીવ્યા પણ નહીં.

એક યુવાનની આ સાવ સાચી વાત છે. તેણે કારની લોન માટે એક બેંકમાં એપ્લાય કર્યું. બેંકવાળાએ પૂછ્યું, તમારું ઘર છે? યુવાને કહ્યું કે, ના હું ભાડે રહું છું. બેંકવાળાએ પૂછ્યું કે, તમારી પાસે પોતાનું ઘર નથી અને તમારે કાર લેવી છે? યુવાને ત્યારે એવો જવાબ આપ્યો હતો કે, મારે શું લેવું અને શું ન લેવું એ મારે નક્કી કરવાનું છે, તમારે નહીં. તમારે કાર માટે લોન આપવી હોય તો આપો બાકી હું બીજી બેંકમાં ટ્રાય કરું. મિલેનિયલ્સ જનરેશન વિશે તો એવું પણ કહેવાય છે કે, એને તો પોતાની કાર લેવામાં પણ રસ નથી. આટલી બધી ટેક્સી કંપનીઓ છે. તમે એપ ડાઉનલોડ કરીને બોલાવો એટલે હાજર. ઘર બેઠાં શોફર ડ્રીવન કાર મળતી હોય તો પછી પોતાની કાર શા માટે લેવી? કારના મેઇન્ટેનન્સની કંઇ ઓછી ઝંઝટ હોય છે?

હશે, ભાડાના ઘરમાં જ રહેવાનું વિચારનારા લોકો પણ હશે પણ એની સંખ્યા બહુ નાની છે. મોટા ભાગના લોકો આજની તારીખે પણ ઘરના ઘરને જ પ્રાધાન્ય આપે છે. ભલે સ્ટુડિઓ ફ્લેટ હોય પણ પોતાનો હોવો જોઇએ. લેડીઝ માટે તો ઘરનું ઘર જિંદગીમાં સૌથી વધુ મહત્વનું હોય છે. સ્ત્રીને ઘર પ્રત્યે એક ગજબનો લગાવ હોય છે. ઘરનો દરેક ખૂણો એના માટે જિંદગી જીવવાનું કારણ હોય છે. પોતાના ઘરની દીવાલો પણ જીવતી અને ધબકતી લાગે છે. અમુક મહિલાઓને તો પોતાના ઘરનો એવો લગાવ થઇ ગયો હોય છે કે, એ મોટું ઘર ખરીદે તો પણ જૂનું ઘર છોડતા એનો જીવ નથી ચાલતો. એવું સાંભળવા મળે છે કે, મારી જિંદગીના શ્રેષ્ઠ વર્ષો અને બેસ્ટ સમય મેં આ ઘરમાં વિતાવ્યો છે. થોડા દિવસો બહાર ગયા હોઇએ તો પણ ઘરનો ઝૂરાપો લાગવા માંડે છે. આખી જિંદગી ભાડાના ઘરમાં રહેલી એક મહિલાનો દીકરો ભણી ગણીને સારી નોકરીએ લાગ્યો. એ મહિલા એક વખત એવું બોલી કે, જીવતે જીવ મારા દીકરાનું ઘરનું ઘર જોઇ લઉં એટલે હાશ! બાય ધ વે, તમારું ઘરનું ઘર છે? જો હા, તો તમે નસીબદાર છો. નો મેટર, એ કેવડું છે, નો મેટર એ લોન પર છે કે નહીં, મેટર એ જ કરે છે કે, આ ઘર મારું છે. આ ઘર અમારું છે. આ ઘર એ અમારું નરી આંખે જોવાતું અને જીવાતું સુંદર સપનું છે!

હા, એવું છે! :

અંગ્રેજીમાં સૌથી વધુ વપરાતો અક્ષર ઇ (E) છે. એક અભ્યાસ મુજબ અંગ્રેજીમાં ઇનો ઉપયોગ 11 ટકા થાય છે અને બાકીના બધા શબ્દો મળીને 89 ટકામાં આવી જાય છે. ટ્રાય કરવી હોય તો અંગ્રેજીમાં એક વાક્ય લખી જુઓ, એમાં ઇ તો આવશે જ! Really it’s true!

(‘સંદેશ’, અર્ધસાપ્તાહિક પૂર્તિ, તા. 19 મે 2021, બુધવાર. ‘દૂરબીન’ કોલમ)

kkantu@gmail.com

Krishnkant Unadkat

Krishnkant Unadkat

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *