માણસને પોઝિટિવ વિચાર વધુ આવે છે કે નેગેટિવ? : દૂરબીન-કૃષ્ણકાંત ઉનડકટ

માણસને પોઝિટિવ વિચાર

વધુ આવે છે કે નેગેટિવ?

દૂરબીન-કૃષ્ણકાંત ઉનડકટ

 

વિચાર એ સતત ચાલતી પ્રક્રિયા છે,

વિચારને રોકી શકાતા નથી. તમને કેવા વિચારો

વધુ આવે છે એના વિશે ક્યારેય વિચાર

કર્યો છે? તમે વિચારને કંટ્રોલ કરી શકો છો?

વિચાર ઉપર નજર રાખવી પડે છે,

જો નજર હટે તો વિચાર આપણા

પર હાવી થઇ જાય છે. નબળા વિચારો જ

આવ્યા કરે તો માણસ સબળ ન બની શકે

વિચારો વિશે આપણે સતત કોઇ ને કોઇ વાતો સાંભળતા આવ્યા છીએ. વિચાર માણસને ઘડે છે. આપણે જે કંઇ છીએ એ આપણા વિચારોનું જ પરિણામ છે. સારા વિચારો જ આપણને સારા માણસ બનાવે છે. વિચારો માણસને તારે પણ છે અને મારે પણ છે. તમારા વિચારોને નબળા પડવા નહીં દો, વિચારો નબળા પડશે તો તમે પણ સબળા નહીં રહો. આ અને આના જેવી ઘણી વાતો આપણે સાંભળતા, બોલતા, વાંચતા, કહેતા અને અનુભવતા રહીએ છીએ.

વિચારોને જો ખંખેરતા ન આવડે તો વિચારો આપણો પીછો નથી છોડતા. આપણા દરેક વર્તનનો આધાર આપણા વિચારો ઉપર જ હોય છે. જ્ઞાન એ બીજું કંઇ નથી માત્ર વિચારોની પરિપકવતા છે. વિચારો ઉપર બહુ બધા વિચારો અને સંશોઘનો થયાં છે. જોકે વિચારોને હજુ પણ પૂરેપૂરા સમજી શકાયા છે કે કેમ એ સવાલ છે. માણસને કેવા વિચારો વધુ આવે છે, પોઝિટિવ કે નેગેટિવ? આ વિશે પણ અભ્યાસો થયા છે. જે વાત બહાર આવી છે એ રસપ્રદ છે. માણસ જેવા વિચારો આવવા દે એવા વિચારો એને આવે છે. ગમે તેવો મહાન માણસ હોય, તેને પણ નબળા વિચારો આવ્યા જ હોય છે. એને માત્ર એટલી ખબર હોય છે કે આ વિચાર નબળો  છે એને મારે મારા પર સવાર થવા દેવાનો નથી.

આપણે વિચારીએ છીએ કે આપણને કેવા વિચારો આવે છે? અમુક વિચારો શા માટે આવે છે? આપણે માણસ છીએ, તમામ પ્રકારના વિચારો આવવાના જ છે. આપણું કામ, આપણું વાતાવરણ, આપણી આસપાસ બનતી ઘટનાઓ, આપણને થતા અનુભવો અને આપણી માનસિકતા આપણને અમુક વિચારો કરવા મજબૂર કરે છે. આપણે ઘટનાઓને આપણા વિચારોથી જોખીએ છીએ પછી અનુમાનો બાંધીએ છીએ. એ ઘટનાને સારી કે નરસીનું લેબલ મારીએ છીએ. હું હોવ તો આવું કરું અથવા આવું ન કરું, એવો પણ વિચાર કરીએ છીએ. એક વિચાર શરૂ થાય પછી એ આપણને ક્યાંના ક્યાં લઇ જાય છે. વિચારો અંત તરફ પણ લઇ જાય અને અનંત તરફ પણ લઇ જાય છે.

ક્રિમિનોલોજી એવું કહે છે કે, માણસ કોઇ ગુનો અચાનક નથી કરતો. ક્યારેક ઉશ્કેરાટમાં બની જતી ઘટનાઓ અપવાદ હોય છે. બાકી માણસે એ ગુના વિશે એક વખત નહીં પણ અનેક વખત વિચારો કર્યા હોય છે. હત્યા કરતાં પહેલાં એવા વિચારો આવ્યા હોય છે કે મારે એને મારી નાખવો છે. સતત આવતા વિચારો આખરે અંજામમાં ફેરવાઇ જાય છે. સ્યુસાઇડનો વિચાર પણ માણસને એક વાર આવે એટલે માણસ આપઘાત નથી કરી લેતો. એ વિચાર ઘૂંટાયા રાખે છે અને આખરે માણસ પોતાનો જીવ લઇ લે છે. સ્યુસાઇટલ ટેન્ડેન્સી એક વિચારથી નથી બનતી. ડિપ્રેશનનું પણ એવું જ છે. માણસને સતત ભય, ચિંતા, ઉદાસી, નારાજગી અને બીજું ઘણુંબધું થતું હોય છે. ડિપ્રેશન નકારાત્મક વિચારોના સમૂહનું પરિણામ હોય છે.

આજના સમયમાં માણસને સાયકોલોજિસ્ટની સૌથી વધુ જરૂર પડે છે. એનું કારણ શું છે? હવે આપણાં ઘરોમાં આપણને સાચી વાત સમજાવે એવા વડીલો રહ્યા નથી. જોઇન્ટ ફેમિલીમાં વડીલો સાચી સમજણ આપતા, શું સારું અને શું ખરાબ એ સમજાવતા, કોઇનું વર્તન બદલાય તો તરત સમજી જતા. હવે માણસ દિવસે ને દિવસે વધુ ને વધુ એકલો થતો જાય છે. કોઇની વાત ઉપર એને ભરોસો બેસતો નથી. ભરોસો કરી શકાય એવા માણસો જ આપણી જિંદગીમાં ઘટતા જાય છે. જે હોય છે એની સામે તો આપણને ફરિયાદો હોય છે. હતાશા, નિરાશા, ડિપ્રેશન અને આપઘાત વધવાનું સૌથી મોટું કારણ એ છે કે માણસ અને માણસ વચ્ચેનું અંતર સતત વધતું જાય છે.

એક નહીં અનેક સર્વે અને સંશોધનો એવું કહે છે કે તમારે સુખી થવું છે તો તમારા લોકોથી નજીક રહો. તમે તમારા લોકોને પ્રેમ કરો છો તો તમે તેના વર્તન અને વિચારો પર પણ નજર રાખો. હમણાંનો જ એક કિસ્સો છે. એક મા સાયકોલોજિસ્ટ પાસે આવી. તેણે કહ્યું કે આજકાલ મારા દીકરાના વર્તનમાં બહુ ચેન્જ જોવા મળે છે. અમે લોકો કારમાં જતાં હોઇએ અને કોઇ સાઇકલસવાર કે બાઇકસવાર વચ્ચે આવે તો એ તરત જ એવું બોલે છે કે આવા લોકો દેશ પર ભારરૂપ છે. એને જીવવાનો જ કોઇ અધિકાર નથી. મારું ચાલે તો એને ખતમ કરી દઉં. એ આવો નહોતો. સાયકોલોજિસ્ટે સૌથી પહેલા તો એ લેડીને અભિનંદન આપ્યા કે તેણે દીકરાના આવા વર્તનને નોટિસ કર્યું. પછી ઉપાયો સૂચવ્યા. સવાલ એ છે કે તમે તમારી વ્યક્તિ કંઇક બોલે કે કંઇ કરે ત્યારે તમને સવાલ થાય છે કે એણે આવું શા માટે કર્યું?

એનાથી પણ મોટો સવાલ એ છે કે આપણાથી ક્યારેય એવું વર્તન કે વાત થઇ જાય તો આપણને સમજ પડે છે કે મારાથી આવું કેમ થઇ ગયું? દરેક માણસે આખા દિવસ દરમિયાન અને બને તો રાતે સૂતી વખતે એ વિચાર કરવો જોઇએ કે આજે આખા દિવસ દરમિયાન મને કેવા વિચારો આવ્યા? જો નબળા વિચાર આવ્યા તો શા માટે આવ્યા? આવા વિચાર ન આવે એ માટે મારે શું કરવું જોઇએ? માણસ ઇચ્છે તો નબળા વિચારને ટાળી શકે છે. એની સૌથી પહેલી શરત એ હોય છે કે આપણને પહેલા તો એ સમજ પડવી જોઇએ કે આ વિચાર નબળો છે. મારે એને ટાળવાનો છે. આપણે ત્યાં એક સરસ મજાની ઉક્તિ છે. ચારે દિશાઓથી અમને સારા વિચારો પ્રાપ્ત થાઓ. અલબત દરેક વખતે સારા વિચારો આવતા નથી, એ તો આપણે લાવવા પડતા હોય છે. જેને વિચારોનું ઓબ્ઝર્વેશન કરતા આવડે છે એ માણસ જ પોતાની જિંદગીને પોતે ઇચ્છે એવો આકાર આપી શકે છે. જો વિચારો તમારા હાથમાંથી છટકી જશે તો તમે ભટકી જશો. સુખ અને દુ:ખ એ પણ વિચારોનું જ કારણ છે, આપણે નક્કી કરવાનું હોય છે કે આપણે શું થવું છે? બાય ધ વે, તમે તમારા વિચારો ઉપર વિચાર કરો છો? કરી જોજો, એ કરવા જેવું કામ છે, કારણ કે એ જ તમને સાચા રસ્તે લઇ જશે અને ખોટા રસ્તે હશો તો તમને સાવચેત કરશે.

 

પેશ-એ-ખિદમત

સહરા મેં દીવાર બનાના જાને કૈસા હો,

ઔર ફિર ઇસ સે સર ટકરાના જાને કૈસા હો,

ઉસ કે સામને હમ ક્યા જાનેં દિલ પર ક્યા ગુજરે,

નામ તક અપના યાદ ન આના જાનેં કૈસા હો.

-ખાલિદ અહમદ

 (‘દિવ્ય ભાસ્કર’, ‘રસરંગ પૂર્તિ’, તા. 10 જુન 2018, રવિવાર. ‘દૂરબીન’ કોલમ)

kkantu@gmail.com

Krishnkant Unadkat

Krishnkant Unadkat

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *