મારું તો એના ઉપરથી મન જ ઉતરી ગયું છે – ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ

મારું તો એના ઉપરથી

મન જ ઉતરી ગયું છે

ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ

તમે ટૂંકાણમાં લખજો, તમોને કેમ લાગે છે,

મને આકાશ બહેરું ને ધરા ખામોશ લાગે છે,

ચુકાદો આપતા પહેલા પુરાવા જોઇ લેજો આ,

મને કુદરત હજી પણ સો ટકા નિર્દોષ લાગે છે.

-કિશોર જિકાદરા

દરેક માણસ કોઇને કોઇ ભ્રમમાં જીવતો હોય છે. આપણે પણ ઘણા લોકો વિશે જાતજાતના ભ્રમ સેવતા હોઇએ છીએ. સંબંધોમાં આપણે ઘણા વિશે એવું કહેતા હોઇએ છીએ કે, મને એના માટે હાઇ રિગાર્ડસ છે. એના જેવો તો માણસ ન થાય! ઘણી વખત ભ્રમ ધડાકા સાથે તૂટે છે. અમુક લોકોની હકીકત જ્યારે સામે આવે ત્યારે એવું થાય છે કે, આ માણસ તો સાવ બોદો છે, હલકો છે, છીછરો છે, ખોખલો છે! એને તો કોઇ ઝમીર જેવું કંઇ છે જ નહીં. કોઇ ગૌરવ, કોઇ સેલ્ફ રિસ્પેક્ટ જ નથી. ઊંચી ઊંચી વાતો કરનાર ઘણા બધા બહુ નીચા હોય છે. એક માણસ ફિલોસોફર પાસે ગયો. તેણે તેના એક સંબંધી વિશે વાત કરીને કહ્યું કે, ઉસને મેરે સાથ જો કીયા ઉસ સે વો મેરી નજરોં સે ગિર ગયા! ફિલોસોફરે કહ્યું કે, ઉસ મેં કસૂર ઉસ કા કમ, તુમ્હારી નજરો કા જ્યાદા હૈ! તુમને ઉસ કો ઉપર ઉઠા રખા થા!

જિંદગીમાં અમુક સમય એવો આવતો હોય છે જ્યારે સંબંધો મપાઇ જતાં હોય છે. માણસ પરખાઇ જતા હોય છે. જિંદગી ખરાબ સમય કદાચ એટલે જ આપતી હશે કે, આપણને એ વાતનું ભાન થાય કે, કોણ આપણું છે અને કોણ પરાયું છે. હમણાની જ એક સાવ સાચી વાત છે. એક યુવાનને ખરાબ સમયમાં મોટા ભાગના લોકોના ખરાબ અનુભવો થયા. તેણે કહ્યું કે, મને તો દરેક સંબંધો ઉપરથી ભરોસો જ ઉઠી ગયો છે. અનકન્ડીશનલ લવ જેવું કંઇ હોતું જ નથી. લવ કન્ડીશનલ હોય તો પણ વાંધો નથી, પણ લવ તો હોવો જોઇએને? હવે તો પ્રેમ જ દુર્લભ થઇ ગયો છે. એ યુવાને કહ્યું કે, હવે તો કોઇ સારી વાત કરે છે તો પણ શંકા જાય છે. એ ખરા દિલથી વાત કરતો હશે કે પછી નાટક કરતો હશે? વાઇરસથી બચવા લોકો માસ્ક પહેરે છે પણ બીજા ઘણા વાઇરસો અંદર ધરબીને બેઠો હોય છે. આપણી અંદર નફરત, ઇર્ષા, ગુસ્સો, નારાજગી, દેખાદેખી સહિત કેટલા બધા વાઇરસ હોય છે. ચહેરા ઉપર હસતું મહોરું પહેરેલું હોય છે અને અંદરથી ભારોભાર ગુસ્સો હોય છે.

એક યુવતીની આ વાત છે. તેને એનો પતિ ત્રાસ આપતો હતો. બધા લોકોની વચ્ચે પત્નીના વખાણ કરે અને એકલા પડે ત્યારે અત્યાચાર કરે. પત્નીએ એક વખત કહ્યું કે, જ્યારે મારા પ્રત્યે કોઇ લાગણી જ નથી ત્યારે બધા વચ્ચે સારું બોલવાનો મતલબ શું છે? પતિએ કહ્યું કે, તારું ખરાબ ન લાગે એટલે હું તને જાહેરમાં ખખડાવતો નથી! આ વાત સાંભળીને પત્નીએ કહ્યું કે, ના મારું ખરાબ લાગે એટલે નહીં, તમારું ખરાબ ન લાગે એ માટે તમે બધાની સામે સારા બનો છો. તમારે એવું દેખાડવું છે કે, હું સારો પતિ છું. હું તો તમને કહું છું કે, તમે ખાનગીમાં જેવો વ્યવહાર કરો છો એવો જ વ્યવહાર બધાની વચ્ચે કરો, કમસે કમ બઘાને ખબર તો પડે કે તમારી અસલિયત શું છે! તમારે બહાર સારા દેખાવું છે અને અંદરથી જેવા છો એવા જ રહેવું છે. તમારા ડબલ સ્ટાન્ડર્ડની તમને જ શરમ નથી.

આપણે ક્યારેય થોડીક ક્ષણો માટે પણ એવું વિચારીએ છીએ કે, ખરેખર આપણે લોકો સામે જેવા પેશ આવીએ છીએ એવા જ છીએ? આખા દિવસમાં આપણે કેટલા રિઅલ હોઇએ છીએ અને કેટલું નાટક કરતા હોઇએ છીએ? સોશિયલ મીડિયા પર કોઇના વિશે લખતી વખતે એમાં કેટલું તથ્ય હોય છે અને કેટલું સારું લગાડવાની દાનત હોય છે? કોઇ આપણા સ્ટેટસને લાઇક કરે એટલે આપણે બધાની પોસ્ટ ઉપર લાઇક કરતા હોઇએ છીએ. સારું લગાડવા માટે કમેન્ટસ કરતા રહીએ છીએ. માત્ર આપણે એવું કરતા નથી, એ પણ જોતા રહીએ છીએ કે કોણે આપણા માટે શું લખ્યું છે? કમેન્ટસમાં કોઇ આપણા વખાણ કરે એટલે આપણે પોરસાઇ જઇએ છીએ. બર્થ ડે ઉપર કેટલા લોકોએ આપણું સ્ટેટસ મૂક્યું એના પરથી આપણે કેટલા પોપ્યુલર છે એની ઘારણાઓ બાંધી લઇએ છીએ. એક ભાઇની આ વાત છે. તે એક કંપનીમાં સિનિયર પોસ્ટ પર હતા. તેનો બર્થ ડે આવ્યો. ઓફિસમાંથી ઘણા લોકોએ તેના બર્થ ડે ના સ્ટેટસ મૂક્યા. બોસ ખુશ થઇ ગયા. છ મહિના જેટલો સમય થયો એ પછી તેણે જોબ બદલી નાખી. નવી કંપની જોઇન કરી. એ પછી પાછો બર્થ ડે આવ્યો. જૂની કંપનીના એકેય માણસે સ્ટેટસ ન મૂક્યા! નવી કંપનીમાંથી ઘણાએ સ્ટેટસ મૂક્યા. એ વખતે તેણે તેના મિત્રને કહ્યું કે, આમાં હરખાઇ જવા જેવું કંઇ નથી. સ્ટેટસ પણ લોકો સારું લગાડવા માટે મૂકે છે. અગાઉ એવા અનુભવો થતા કે હાલત બદલે એટલે લોકો મોઢું ફેરવી લે. હવે તો એવું સોશિયલ મીડિયામાં પણ વર્તાઇ છે. તમારા પાસે નોકરી ન રહે કે નોકરી બદલે એટલે લાઇક અને કમેન્ટસમાં પણ ફેર પડી જાય છે.  

દેખાડાની દુનિયા દરરોજ નવા નવા રૂપ ધારણ કરે છે. આ રૂપ છેતરામણા છે. સાથો સાથ એ પણ હકીકત છે કે, અમુક સંબંધો ગમે તે પરિસ્થિતિમાં અકબંધ રહે છે. એ સંબંધો સાત્વિક હોય છે, આત્મિક હોય છે. એ સંબંધોને એટલે જ આત્માના નિયમો એને લાગુ પડે છે. એ સંબંધોને અગ્નિ બાળી શકતો નથી, પવન સૂકવી શકતો નથી, પાણી ભીંજવી શકતું નથી કે કોઇ શસ્ત્ર એને છેદી શકતું નથી. જિંદગીના છેલ્લા શ્વાસ સુધી એ સંબંધો અમર રહે છે. એક મિત્ર બીમાર પડ્યો. ગંભીર થઇ ગયો. મિત્રને કહ્યું કે, મારું મૃત્યુ થશે એ સાથે આપણા સંબંધનો અંત આવી જશે. આ વાત સાંભળીને તેના મિત્રએ કહ્યું, ના એ વાત ખોટી છે. તારા મૃત્યુથી એ સંબંધનો અંત નહીં આવે, મારા મૃત્યુથી એનો અંત આવશે. તું નહીં હોય તો પણ આપણો સંબંધ મારામાં જીવતો રહેવાનો છે. સાચો સંબંધ એક છેડો પૂરો થાય તો બીજા છેડે પણ જીવતો રહે છે.  

કોઇનાથી મન ઉતરી જાય તો ઉતરવા દેવું. ભ્રમ તો જેટલા વહેલા ભાંગે એટલું જ સારું. કોઇની કંઇ મજબૂરી હોય અને એ આપણા માટે કંઇ ન કરી શકે તો એ જુદી વાત છે. કોઇ કંઇ કરી ન શકે ત્યારે એના પર સીધી ચોકડી મૂકી દેવી પણ વાજબી નથી. ઘણી વખત આપણા લોકોને આપણા માટે ઘણું બધું કરવું પણ હોય છે, કોઇ કારણોસર એ કરી શકતા નથી. એની દાનત ખરાબ હોતી નથી. બનવાજોગ છે કે, એ પણ ખરાબ સમયમાંથી પસાર થતા હોય. સમજ એટલે બીજું કંઇ નહીં પણ કોણ કેવું છે, કોણ ભરોસાપાત્ર છે, કોણ સાચું હસે છે, કોણ ખોટું રડે છે, કોણ નાટક કરે છે, કોણ ખેલ કરે છે, કોને આપણું પેટમાં બળે છે એનું ભાન! બધા ખરાબ નથી હોતા અને દરેક સારા પણ નથી હોતા, આપણે માણસોને પણ તારવવા પડતા હોય છે! સંબંધોમાં જેને તારવતા આવડે છે એ જ તરી જાય છે, બાકી ડૂબવાનો વારો આવે છે!

છેલ્લો સીન :

મન થાય એમ કરવાનો વિચાર આવે ત્યારે મનને પણ ચકાસવું પડે છે કે, મન જે કહે છે એ વાજબી તો છેને? –કેયુ. 

 (‘સંદેશ’, સંસ્કાર પૂર્તિ, તા. 16 મે 2021, રવિવાર, ‘ચિંતનની પળે’ કોલમ)

kkantu@gmail.com

Krishnkant Unadkat

Krishnkant Unadkat

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *