જોબ : કામના રંગો અને પરસેવાનો પૈસો – દૂરબીન : કૃષ્ણકાંત ઉનડકટ

જોબ : કામના રંગો
અને પરસેવાનો પૈસો

દૂરબીન : કૃષ્ણકાંત ઉનડકટ


———-

દેશ અને દુનિયાના લોકોને હવે વ્હાઇટ કૉલર જોબ જ કરવી છે!

વ્હાઇટ સિવાયના કલર્સ સાથે કેવી કેવી જોબ જોડાયેલી છે? 

હવે પ્લમ્બિંગ, કલરકામ, બાંધકામ અને પરંપરાગત કામોમાં સારાં નાણાં મળે છે

પણ કોઇને મહેનતનું કામ કરવું ગમે છે ક્યાં?


———–

બે છોકરીઓ એક રેસ્ટોરાંમાં બેઠી હતી. બરાબર એ જ સમયે એક હેન્ડસમ યુવાન રેસ્ટોરાંમાં પ્રવેશ્યો. ફૂટડા યુવાનને જોઇને બંને છોકરીઓએ એક-બીજી સામે જોયું. એક બોલી, છે તો વૅલ ડ્રેસ્ડ, કોઇ મોટી કંપનીમાં કામ કરતો હશે. આ વાત સાંભળીને બીજી છોકરી બોલી. ના, ઓફિસમાં કામ નથી કરતો, એનાં બૂટ જો, બૂટ પર ધૂળ જામેલી છે, બહાર ફરીને કરવું પડે એવું જ કોઇ કામ કરતો હોવો જોઇએ! યુવાન આ વાત સાંભળતો હતો. છોકરીઓ પાસે આવીને તેણે કહ્યું કે, હા હું ફિલ્ડવર્ક કરું છું પણ એરકન્ડિશન્ડ ઓફિસમાં બેસીને ક્લર્કી કરતાં બીજાં છોકરાં છોકરીઓ કરતાં વધુ કમાઉં છું! છોકરીઓ યુવાનની વાત સાંભળીને છોભીલી પડી ગઈ! આપણે ત્યાં બધાનાં મોઢે એવી ડાહી ડાહી વાતો સાંભળવા મળે છે કે, કામ કામ છે, કોઇ કામ મોટું નથી અને કોઇ કામ નાનું નથી! વાત સારી લાગે પણ હવેનો સમય એવો છે કે કોઇને નાનું કહેવાતું કામ કરવું નથી. ટેબલ ખુરશી પર બેસીને જ કામ કરવું છે!
હવે પ્લમ્બિંગ, બાંધકામ, કલરકામ સહિતનાં મહેનતનાં કામમાં સારાં એવાં નાણાં મળે છે. પ્લમ્બિંગનું કામ કરનાર યુવાન દિવસના પાંચસોથી માંડને હજારેક રૂપિયા આરામથી કમાઈ લે છે. બાંધકામ કરનારા ભલે કહેવાતા હોય મજૂર પણ તેને પણ રોજના આઠસોથી હજાર આરામથી મળી જાય છે. હેર ડ્રેસિંગ હોય કે પછી કારપેન્ટિંગ દરેકમાં ઇન્કમ તો સારી જ થાય છે પણ એ કામ કોઇને ગમતું નથી. આપણા દેશના એક જોબ એક્સપર્ટે કહ્યું કે, આપણે ત્યાં કામ નથી એ વાત ખોટી છે. હા, જેને જે કામ કરવું છે એ મળતું નથી! આપણા દેશમાંથી અમેરિકા, બ્રિટન કે બીજે ક્યાંય જનારાં યુવક-યુવતીઓ ત્યાં જઇને જે મળે એ કામ કરી લે છે પણ અહીંયાં એને ચોઇસ જોઇએ છે! મહેનતનું કામ કરવું નથી!
બાય ધ વે, એવું રખે માનતા કે આવું માત્ર ભારતમાં જ છે. આખી દુનિયામાં કાગડા બધે કાળા જ છે. હમણાં જ અમેરિકામાં થયેલો એક અભ્યાસ એવું જણાવે છે કે, અમેરિકામાં પ્લમ્બર, કાર્પેન્ટર વગેરે 60 લાખ જેટલી કમાણી કરે છે પણ પ્રોબ્લેમ એ છે કે, એવું કામ કરવા કોઇ આગળ નથી આવતું. જે યંગસ્ટર્સ ગ્રેજ્યુએશન કરી લે છે એ બધાને ઓફિસવર્ક જ જોઈએ છે! હેન્ડશેક નામના ઓનલાઇન રિક્રુટમેન્ટનું કામ કરતા એક પ્લેટફોર્મનો સ્ટડી એવું કહે છે કે, છેલ્લાં એક-બે વર્ષમાં અમેરિકામાં પ્લમ્બર, ઇલેક્ટ્રિશિયન, કાર્પેન્ટર, કલરકામ કરવા માટે વર્ષે 60 લાખ રૂપિયાવાળી જોબ ઓફર કરવામાં આવતી હતી પણ એવું કામ કરનારા મળતા નહોતા. 2020ની સરખામણીએ આવું કામ કરનારાઓમાં 49 ટકા જેટલો ઘટાડો થયો હતો. જે રીતનો સીન ક્રિએટ થયો છે એ જોઇને એવું કહેવાઇ રહ્યું છે કે, આગામી સમયમાં અમેરિકા જ નહીં, દુનિયાભરમાં કુશળ શ્રમિકોની અછત પેદા થવાની છે. મા-બાપ સંતાનોને હાયર એજ્યુકેશન માટે મોકલે છે અને કૉલેજમાં ગયા પછી યંગસ્ટર્સની કામ પ્રત્યેની માનસિકતા બદલાઇ જાય છે. દુનિયાના કેટલાંક દેશો બીજા દેશના લોકો માટે વર્કિંગ વિઝા ઓફર કરે છે, એની શરત માત્ર એટલી છે કે તમારે અમારા દેશમાં આવીને કેટલાંક ચોક્કસ કામો જ કરવાં પડશે!
દુનિયામાં અમુક સમૃદ્ધ દેશો એવા છે જ્યાં તમારા ઘરના તમામ કામ તમારે જ કરવાં પડે છે પછી એ ઇલેક્ટ્રિકનું કામ હોય, પ્લમ્બિંગનુ હોય કે ગાર્ડનિંગનું હોય! આપણે ત્યાં તો ફ્રિજ, વોશિંગ મશીન. ટેલિવિઝન કે બીજી કોઇ મોટી વસ્તુ લઇએ તો એનું ઇન્સ્ટોલેશન કરવા અને ડેમો આપવા માટે કંપનીનો કર્મચારી આવે છે. વેસ્ટર્ન કન્ટ્રીઝમાં મેન્યુઅલ જોઇને બધું પોતાના હાથે જ કરવાનું રહે છે. આપણે ત્યાં ઇસ્ત્રી કરનારા ઘરે આવીને કપડાં લઇ જાય છે અને આપી જાય છે. અમેરિકા અને બ્રિટનમાં તમને આવી સગવડ મળતી નથી. એવી સર્વિસ એવેલેબલ છે પણ એ બધાને પરવડે નહીં. સુપર ક્લાસ પિપલને જ આવી જાહોજલાલી પોસાય છે!
વ્હાઇટ કૉલર જોબનું માહાત્મ્ય આમ તો પહેલેથી છે પણ જેમ જેમ સમય જાય છે એમ એમ તેનો દબદબો વધતો જાય છે. અગાઉના સમયમાં પરિવારનું જે પરંપરાગત કામ હતું તે વારસામાં સંભાળવામાં આવતું હતું. હવે એવું નથી. દરેકને બાપ-દાદાનું નહીં પણ પોતાનું ગમતું કામ કરવું છે. વૅલ, જેમ વ્હાઇટ કૉલર છે એમ જોબ સાથે બીજા કલર પણ જોડવામાં આવે છે. બ્લેક કૉલર જોબ્સ સામાન્ય રીતે ખાણોમાં અથવા તો ઓઇલ રિફાઇનરીઓમાં કામ કરનારા લોકો માટે વાપરવામાં આવે છે. બેનંબરી ધંધાઓ કરતા લોકો માટે પણ બ્લેક કલર જોબ જેવો શબ્દ વાપરવામાં આવતો હોય છે. રિટાયરમેન્ટ એજ પછી કરવામાં આવતા કામને ગ્રે કૉલર જોબ કહેવામાં આવે છે. મેન્યુફેક્ચરિંગ કંપનીઓ અને વેરહાઉસ વગેરેમાં જે કામ હોય છે એને બ્લૂ કૉલર જોબની કેટેગરીમાં મૂકવામાં આવે છે. પર્યાવરણ માટેનાં કામોને ગ્રીન કૉલર જોબ નામ આપવામાં આવે છે. કોરોનાના સમય બાદ વર્ક ફ્રોમ હોમની બોલબાલા વધી છે. હવે વર્ક ફ્રોમ હોમ કરનારા માટે પણ ઓપન કૉલર જોબ જેવો શબ્દ વપરાય છે. રિસેપ્સનિસ્ટ અને લાઇબ્રેરિયન જેવાં કામોને પિંક કૉલર જોબમાં મૂકવામાં આવે છે. દુનિયામાં પોર્નોગ્રાફી ઇન્ડસ્ટ્રી પણ કંઈ નાની નથી. ઘણા દેશોમાં તો પોર્નોગ્રાફી લિગલ છે. ગંદા કહેવાતા આ ક્ષેત્રના કામ માટે સ્કારલેટ કૉલર જોબ જેવો શબ્દ ઉપયોગમાં લેવામાં આવે છે. આમ તો ગમે તે કલર સાથે જોડી દો, કામ એ કામ છે.
દરેક માણસની એક ડ્રીમ જોબ હોય છે. નાના હોઇએ ત્યારથી એક સપનું હોય છે કે, મારે આ બનવું છે. બધાનું ડ્રીમ પૂરું થાય એવું જરૂરી નથી. ઘર ચલાવવા માટે અને પેટિયું રળવા માટે ઘણી વખત જે મળે એ કામ પણ કરી લેવું પડતું હોય છે. માણસને જો પોતાની ચોઇસ મુજબનું કામ મળે તો એ નસીબદાર છે. જે કામ ધરાર કરવું પડે છે એમાં વેઠ જ ઊતરે છે. સફળતા માટે સાચી વાત એ છે કે, તમારા ભાગે જે કોઈ કામ આવ્યું હોય એ દિલથી કરો. કામ પ્રત્યેની નિષ્ઠા જ તમને સફળતા અપાવશે. અત્યારે હરીફાઈનો જમાનો છે. આપણે જો સરખું કામ ન કરીએ તો આપણી જગ્યા લેવા માટે બીજો માણસ તૈયાર જ છે. જો તમારામાં કાબેલિયત હશે તો તમને જરાયે વાંધો આવતો નથી. છેલ્લે એક રસપ્રદ વાત પણ જાણવા જેવી છે. હ્યુમન રિસોર્સના એક એક્સપર્ટે એવું કહ્યું કે, દરેકે દરેક ક્ષેત્રમાં અત્યારે માણસોની જરૂર છે. તકલીફ એ છે કે, કમિટેડ અને મહેનતુ લોકો મળતા નથી. ઘણી વખત તમારે જે મળે એનાથી ચલાવી લેવું પડતું હોય છે. જેને કંઇક કરી છૂટવું છે એ ગમે તેમ કરીને કામ શોધી લેશે અને બેસ્ટ પરફોર્મ કરીને ટોચ પર પણ પહોંચશે. કામ કોઇ પણ કલરના કૉલરનું હોય, મહેનત અને ધગશ વિના કોઇનો મેળ પડવાનો નથી. સમય બદલાતો જાય છે. હવે દરેકે દરેક માણસની કાબેલિયત માપવામાં આવે છે. દરેકે સાબિત કરવું પડે છે કે, મને જે કામ આપવામાં આવ્યું છે એના માટે હું હન્ડ્રેડ પર્સન્ટ લાયક છું. જે પોતાની જાતને પ્રૂવ કરી શકતા નથી તેને દરવાજો દેખાડી દેવામાં પણ વાર લાગતી નથી. કોરોનાના સમયમાં ઘણા લોકોને છૂટા કરવામાં આવ્યા હતા. એ સમયે પણ જે બેસ્ટ કામ કરતા હતા એને કોઇ વાંધો આવ્યો નહોતો. આ જ વાત સાબિત કરે છે કે, તમારું બેસ્ટ આપો, તમારા વગર ચાલશે જ નહીં!
હા, એવું છે!
જોબ અને કામ વિશેનો એક અભ્યાસ એવું કહે છે કે, હવે કંપનીઓ જોબ માટે યંગસ્ટર્સને પ્રાયોરિટી અપાવા લાગી છે. મોટી ઉંમરનાને કામ મળવામાં તકલીફ થવા લાગી છે. એક સમયે અનુભવને ઇમ્પોર્ટન્સ આપવામાં આવતું હતું, હવે એનર્જીને વધુ માઇલેજ મળવા લાગ્યું છે! અનુભવી કરતાં ન્યૂકમર સસ્તા પડે છે એ પણ આ ટ્રેન્ડનું એક કારણ છે!
(`સંદેશ’, અર્ધસાપ્તાહિક પૂર્તિ, તા. 18 જાન્યુઆરી 2023, બુધવાર, `દૂરબીન’ કૉલમ)
kkantu@gmail.com

Krishnkant Unadkat

Krishnkant Unadkat

Leave a Reply

%d bloggers like this: