અત્યંત ખરાબ હાલતમાં પણ દેશના લોકોને કઇ તાકાત ટકાવી રાખે છે? – દૂરબીન : કૃષ્ણકાંત ઉનડકટ

અત્યંત ખરાબ હાલતમાં પણ દેશના

લોકોને કઇ તાકાત ટકાવી રાખે છે?

દૂરબીન : કૃષ્ણકાંત ઉનડકટ

———-0————

આપણા દેશના લોકોની સહનશક્તિ અને સમજશક્તિ શું બીજા દેશોના લોકો કરતા વધુ છે?

અઘરામાં અઘરી સ્થિતિ હોય તો પણ દેશના લોકો પૂરી તાકાતથી એનો સામનો કરે છે.

અમુક કિસ્સાઓ તો એવા હોય છે કે, કઠણ કાળજાનો માણસ પણ ભાંગી પડે.

તૂટી જવા માટે પૂરતા કારણો હોવા છતાં માણસ ટટ્ટાર ઊભો રહે એ નાની વાત નથી.

આપણા દેશના લોકો આશાવાદી અને વાસ્તવવાદી છે.

લોકોમાં સાક્ષીભાવ અને સ્વીકારભાવ છે એટલે જ આપણે ત્યાં

લોકો વિરોધ કરવા કે ઉશ્કેરાટ વ્યક્ત કરવા માટે મેદાનમાં આવી જતા નથી.

————–0—————

કંઇક તો ખૂબી છે આપણા દેશ અને દેશના લોકોમાં કે ગમે એવું સંકટ આવે તો પણ એમાંથી સાંગોપાંગ બહાર આવી જાય છે. કોરોના વાઇરસે આમ તો આખી દુનિયાને હેરાન કરી છે પણ આપણા દેશ જેવી હાલત કોઇની થઇ નથી. છેલ્લા થોડા દિવસોમાં આપણે લોકોને ઓક્સિજનના અભાવે મરતા જોયા છે. બેડ ન મળતા દવાખાનાના દરવાજે જ લોકોએ જીવ ગુમાવ્યાની ઘટનાઓ બની. સ્મશાનમાં પોતાના સ્વજનના અંતિમ સંસ્કાર માટે પણ કલાકોની રાહ જોવી પડી. ઇન્જેકશન અને દવાઓની શોધમાં લોકો રીતસરના કરગરતા જોવા મળ્યા. પોતાને તુરમખાન સમજતા તવંગરો અને પહોંચેલા લોકો પણ લાચાર અવસ્થામાં મૂકાઇ ગયા હતા. જે લોકોની ખાસ કોઇ પહોંચ નથી, જે લોકો માંડ માંડ પોતાનું ગુજરાન ચલાવે છે, નાના નાના સપનાઓ જોઇને જિંદગી પસાર કરે છે એવા લોકો ઉપર કોરોનાની આફત ત્રાટકી ત્યારે એમની હાલત તો ન કહેવાય કે ન સહેવાય એવી થઇ ગઇ છે. આવા લોકોમાં રોષ છે, નારાજગી છે, ઉદાસી છે અને ઉશ્કેરાટ પણ છે. આમ છતાં એ લોકો શાંત છે.

દુનિયાના ઘણા દેશોમાં એવું જોવા મળ્યું છે કે, લોકો રોડ પર આવી ગયા હોય. લોકડાઉનથી માંડીને માસ્ક પહેરવા સુધીની વાતનો લોકોએ પ્રચંડ વિરોધ કર્યો છે. સરકાર સામે દેખાવો કર્યા છે. હુલ્લડો ફાટી નીકળ્યાના પણ કિસ્સાઓ બન્યા છે. અમેરિકાથી માંડીને ઇઝરાયલના લોકોએ દેખાવો કર્યા છે. આપણા દેશમાં આટલું બધું થયું તો પણ લોકો શાંત છે. સરકારની એક-બે નહીં પણ અનેક ભૂલો છે. બીજી લહેરની ચેતવણી હતી છતાં સરકારે કંઇ ન કર્યું. કોરોનાને સમજવામાં સરકાર થાપ ખાઇ ગઇ છે એ હકીકત છે. સરકાર અને સિસ્ટમ સામે નારાજગી છે છતાં એક વર્ગ એવો પણ છે જે સરકાર સામે રોષ ઠાલવવાને બદલે સરકારની દયા ખાય છે! એવું કહે છે કે, સરકારેય બીચારી શું કરે? કુદરત જ જ્યારે રૂઠી હોય ત્યારે ક્યાં કોઇનું ચાલતું હોય છે? આપણા નસીબ જ ખરાબ હોય એમાં કોઇ શું કરી શકે? ક્યાંથી આવે છે આવી સ્પિરીટ? શાસ્ત્રોમાં એવું લખ્યું છે કે, આપણી સાથે જે કંઇ બને એને સાક્ષી ભાવે જોવું. સાક્ષી ભાવ રાખવો પણ કંઇ સહેલો તો નથી જ! અમુક લોકો સોશિયલ મીડિયા પર બળાપો ઠાલવીને સંતોષ માની લે છે. જે પોસ્ટ લખી નથી શકતા એ કોમેન્ટ લખીને મન મનાવી લે છે. જેમના પર વીતી છે એની પીડા કલ્પના પણ ન થઇ શકે એવી છે. જિંદગીભર ન ભૂલી શકાય એવા ઘા ખમ્યા છે. છતાં એ લોકો મન મનાવીને જિંદગી જેવી વીતી રહી છે એવી જીવી રહ્યા છે.

કોરોનાના કારણે જે સ્થિતિ સર્જાઇ છે એ વિશે દુનિયાના ત્રીસ મોટા દેશોમાં હમણા વર્લ્ડ ઇકોનોમિક ફોરમ અને ઇપ્સોસ દ્વારા એક સર્વે કરવામાં આવ્યો હતો. આ ત્રીસ દેશોમાં ભારતના લોકો સૌથી વધુ આશાવાદી હોવાનું બહાર આવ્યું છે. આપણા દેશના 24 ટકા લોકોએ એવી આશા વ્યક્ત કરી હતી કે, છ મહિનામાં લોકોનું જીવન સામાન્ય થઇ જશે.જાપાન, ફ્રાંસ, ઇટલી, દક્ષિણ કોરિયા, સ્પેન અને તુર્કીના લોકોમાં સૌથી વધુ નિરાશા જોવા મળી. જાપાનના 14 ટકા લોકોઅને ફ્રાંસના દસ ટકા લોકોએ તો એવું કહ્યું કે, પરિસ્થિતિ ક્યારેય સુધરવાની નથી. આ દેશોની સરખામણીમાં સાઉદી અરેબિયા, ચીન, રશિયા, મલેશિયા અને બ્રાઝિલના લોકો ધીમે ધીમે બધું થાળે પડી જશે એવું માને છે. ભારતના લોકો આશાવાદી છે એવું સર્વેમાં બહાર આવ્યું ત્યારે એક સવાલ એ પણ વિચારવા જેવો છે કે, આપણા દેશના લોકો આટલા આશાવાદી કેમ છે? કઇ માનસિકતા લોકોની આશાને અમર રાખે છે? શું એ આપણને બધાને વારસામાં મળેલા સંસ્કારો છે? શું આપણે બધા સમસ્યાઓથી ટેવાઇ ગયા છીએ? આપણને બધાને મન મનાવતા સારું આવડે છે? આપણે બધા નાના હોઇએ ત્યારથી વડીલોના મોઢે એવી વાતો સાંભળતા આવીએ છીએ કે, જિંદગીમાં સારો અને નરસો સમય ત આવતો જતો રહે છે. સમય એક સરખો ક્યારેય રહેતો નથી. આપણે આપણા વડીલો પાસેથી એમના સંઘર્ષના વાતો સાંભળી હોય છે. એમની વાતો સાંભળીને આપણને એમ થાય છે કે, એ લોકોના સંઘર્ષ પાસે અમારો સંઘર્ષ તો કંઇ નથી. આપણે બઘા એવો આશાવાદ સેવીએ છીએ કે સૌ સારાવાના થશે. આપણે પ્રાર્થના પણ એવી કરીએ છીએ કે, હે ઇશ્વર, જે સંજોગો સુધારી શકે એવી શક્યતા હોય એ સુધારવાની તાકાત આપજે અને જે અમારા હાથની વાત નથી એ સ્વીકારવાની અને સહન કરવાની શક્તિ આપજે. આ એક પ્રકારનો ઊંચી કક્ષાનો આશાવાદ છે.

આપણી આસપાસ રોજ એવા કિસ્સાઓ બને છે જે આપણને વિચારતા કરી દે. હમણાની એક વાત છે, એક પ્રૌઢ ઉંમરના વ્યક્તિ કોરોના પોઝિટિવ આવ્યા. તેમની સ્થિતિ બગડતા હોસ્પિટલમાં એડમિટ કર્યા. એ ભાઇએ હોસ્પિટલમાંથી વીડિયો કોલ પર એની દીકરાને કહ્યું કે, મને કંઇ થઇ જાય ત જરાયે હિંમત ન હારતો. બધું સંભાળી લેજે. ઇશ્વરે જે ધાર્યું હશે એ થશે. તું ભગવાન ઉપર ભરોસો રાખજે. દીકરાએ પિતાને કહ્યું કે, આવી નબળી વાત ન કરો, મરવાની તો વાત જ ન કરો. દીકરાની વાત સાંભળીને પિતાએ કહ્યું કે, વાત મારા મરવાની નથી, વાત તારા જીવવાની છે. હું મોતથી નથી ડરતો, કારણ કે જે આપણા હાથમાં નથી એનાથી ડરવાની જરૂર નથી!

એક બીજો કિસ્સો વળી સાવ જુદો જ છે. એક પતિ પત્નીનો દીકરો જન્મથી જ અપંગ છે. પતિ પત્ની વૃદ્ધ થઇ ગયા છે. દીકરો પોતાના હાથે કંઇ કરી શકે એવી સ્થિતિમાં જ નથી. એ તો ઘરની બહાર જ નીકળી શકે એમ નથી. ગમે તે થયું એ અપંગ યુવાનને કોરોના પોઝિટિવ આવ્યો. એની હાલત જ એવી નથી કે એને ક્વોરન્ટાઇન કરી શકાય. એ તો હન્ડ્રેડ પર્સન્ટ મા-બાપ પર જ ડિપેન્ડન્ટ છે. મા-બાપે કોરોનાગ્રસ્ત દીકરાની સારવાર ચાલુ રાખી. થયું એવું કે, મા-બાપ બંને પણ કોરોના પોઝિટિવ થઇ ગયા. પિતાએ ભગવાનને એવી પ્રાર્થના કરી કે, જો તું અમને બંનેને કોરોનાથી મારી નાખવાનો હોય તો પહેલા અમારા અપંગ દીકરાને તારી પાસે બોલાવી લેજે. અમે મરી જશું તો પછી એનું ધ્યાન કોણ રાખશે. અમને ચિંતા અમારા જીવવા કે મરવાની નથી, અમને ફિકર અમારા અપંગ દીકરાની છે!

કોરોનાના એક એક કેસની પાછળ જે કથાઓ છે એ કાળજું કંપાવી દે એવી છે. દરેક દરેક માણસે કંઇકને કંઇક ગુમાવ્યું છે. પીપીઇ કીટ પહેરીને સાવ નજીકના વ્યકિતને વિદાય આપી છે. આવું પાછું સવા વર્ષથી ચાલી રહ્યું છે. લોકોની માનસિક હાલત ખરાબ થઇ ગઇ છે. રાતના ઊંઘ નથી આવતી. દિવસે ચેન નથી પડતું. આમછતાં એક આશાવાદ છે કે, ધીમે ધીમે સારું થઇ જશે. કંઇ ન ચાલે ત્યારે એવું કહે છે કે, જેવી ભગવાનની મરજી! કોઇ વળી નસીબને દોષ દઇને ચલાવી લે છે. બધું થવા છતાં લોકો તૂટતા નથી. હા, થોડાક એવા લોકો છે જે હિંમત હારી ગયા છે પણ એવા લોકોની સંખ્યા નાની છે. અત્યારે તો લોકોએ પોતાની વ્યક્તિ તૂટી ન જાય એની પણ કેર કરવી પડે છે. મજામાં રહેવાના કોઇ કારણ ન હોય તો પણ પોતાની વ્યકિતને મજામાં રાખવાનો પ્રયાસ કરે છે. રોજે રોજ કેસોની સંખ્યા ઉપર નજર નાખીને વિચારે છે કે, આજે થોડાક કેસો ઘટ્યા ખરા? થોડોક સુધારો થાય તો પણ એવું કહે છે કે હાશ, કંઇક તો ફેર પડ્યો. એમા પણ વળી એવો આશાવાદ સેવવાવાળા પડ્યા છે કે, ભલે બહુ સુધારો ન થયો હોય પણ બગડ્યું તો નથી, કેસો વધ્યા તો નથી! સલામ છે આ આશાવાદને, આ સ્પિરિટને અને ગમે એવી પરિસ્થિતિમાં ટકી રહેવાની હિંમતને! આવા સમયનો સામનો કરવામાં માટે પણ કલેજુ જોઇએ અને એ આપણા દેશના લોકો પાસે છે!

હા, એવું છે! :

ફ્રાંસની ગણના આમ તો સુખી અને સમૃદ્ધ દેશમાં થાય છે પણ એક અભ્યાસ એવું કહે છે કે, ફ્રાંસ દુનિયાનો સૌથી હતાશ દેશ છે. ફ્રાંસમાં દર પાંચમાંથી એક માણસ ક્યારેકને ક્યારેક હતાશાનો અનુભવ કર્યો છે!

(‘સંદેશ’, અર્ધસાપ્તાહિક પૂર્તિ, તા. 12 મે 2021, બુધવાર. ‘દૂરબીન’ કોલમ)

kkantu@gmail.com

Krishnkant Unadkat

Krishnkant Unadkat

Leave a Reply

%d bloggers like this: