જે ગયું એ ભૂલી જા, નવાનું સ્વાગત કર! – ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ

જે ગયું એ ભૂલી જા,

નવાનું સ્વાગત કર!

ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ

ઉદાસીનું ધુમ્મસ ખસે છે જ ક્યાં? પથ્થરનાં ફૂલો હસે છે જ ક્યાં?

ડામરની સડકો અને ચોરસ મકાનો, શહેરોમાં માણસ વસે છે જ ક્યાં?

અમે ધૂપસળી થઈને સળગી રહ્યા, મંદિરની મૂરત શ્વસે છે જ ક્યાં?

નહીં તો ન જીવતો રહ્યો હોઉં હું, સ્મૃતિઓના સર્પો ડસે છે જ ક્યાં?

-પુરુરાજ જોશી

આજની તારીખ એ આવતી કાલની તવારીખ છે. સમયનું ચક્ર ઘડિયાળના કાંટા સાથે ફરતું રહે છે. દરેક ક્ષણ નવો શ્વાસ લઈને આવે છે.  આપણામાં કંઈક ઉમેરાતું રહે છે. થોડુંક ઠલવાતું પણ રહે છે. ક્યારેક કંઈક દિલમાં કાયમ માટે સચવાઈ જાય છે, તો ક્યારેક કંઈક આંખમાંથી આંસુ બનીને વહી જાય છે. દરરોજ આપણી જિંદગીમાં થોડો થોડો ભૂતકાળ ઉમેરાતો જાય છે. અનુભવો, યાદો, સ્મરણો, હૂંફ,  તિરસ્કાર, ઝઘડા, નારાજગી, ઉદાસી, એકાંત, એકલતા, સાંનિધ્ય, સુખ, વેદના, વલોપાત, આશા, હતાશા, પ્રેમ, નફરતની કથાઓ જિંદગીમાં ઉમેરાતી જાય છે. દિલ અને દિમાગ વચ્ચે કશ્મકશ ચાલતી રહે છે. સારા અને નરસાના હિસાબો મંડાતા રહે છે. ફાયદા અને  નુકસાનની ગણતરીઓ થતી રહે છે. સુખ અને દુ:ખના વિચારો આવતા રહે છે. હરીફરીને થોડાક સવાલ પેદા થાય છે કે, હું ક્યાં છું? હું શું  છું? હું જે કરું છું એ બરાબર તો છે ને? મેં જે માર્ગ પકડ્યો છે એ સાચો તો છે ને?

માર્ગ સાચો હતો કે ખોટો એ તો મંજિલ આવે ત્યારે ખબર પડે! ઘણી વખત તો એવો પણ વિચાર આવે છે કે, મંજિલે પહોંચાશે તો ખરું ને? ક્યારેક કંઈક સાર્થક થાય ત્યારે એવો પણ વિચાર આવી જાય છે કે, આ મંજિલ છે કે એ મુકામ છે? એક યુવાનની આ વાત છે. નાનો હતો ત્યારે આંખમાં થોડાંક સપનાઓ આંજી રાખ્યાં હતાં. જિંદગીમાં આટલું તો કરવું જ છે. કરિયર, ઘર, જીવનસાથી સહિત અનેક સપનાંઓ તેણે સેવ્યાં હતાં. થયું એવું કે, નાની ઉંમરમાં જ તેનાં બધાં સપનાં સાકાર થઈ ગયાં. અભ્યાસમાં સારા માર્ક્સ આવ્યા. સારા પગારની નોકરી મળી ગઈ. ઘરનું ઘર પણ થઈ ગયું. પ્રેમ કરે એવી જીવનસાથી પણ મળી ગઈ. સમાજમાં સારી એવી પ્રતિષ્ઠા પણ મળવા લાગી. અચાનક એને થયું કે, મેં વિચાર્યું હતું એ બધું તો થઈ ગયું, હવે શું? એ ડિસ્ટર્બ થઈ ગયો. પોતાની મૂંઝવણનું માર્ગદર્શન મેળવવા એ એક  ફિલોસોફર પાસે ગયો. યુવાને પોતાની બધી વાત કરી. છેલ્લે સવાલ કર્યો કે, મેં ધાર્યું હતું, મેં કલ્પ્યું હતું અને મેં જે ઇચ્છ્યું હતું એ બધું તો મને મળી ગયું, હવે મારે શું કરવું? ફિલોસોફરે કહ્યું, તારી પાસે બે રસ્તા છે. એક તો જે છે એને એન્જોય કર! બીજો રસ્તો એ છે કે, તારા સપનાને વિશાળ કરી દે. સપનાં સર્જવાં એ તો આપણા હાથની વાત છે. કદાચ તારે હજુ કંઈક કરવાનું હશે! ધ્યાન માત્ર એટલું જ રાખજે કે, સપનાને વિશાળ કરવામાં અને એ સપનાને પૂરું કરવામાં તું તારી પાસે જે છે એને એન્જોય કરવાનું ભૂલી ન જતો!

દરેક પાસે જિંદગીને માણી શકાય એટલું તો હોય જ છે. આપણે જે હોય છે એને એન્જોય કરતા નથી અને જે નથી હોતું એની પાછળ દોડતા રહીએ છીએ. દોડતી વખતે આપણે વચ્ચે થાક ખાવા રોકાઈએ છીએ. જેને થાક ખાવાની મજા આવે છે એને જ દોડવાનો ઉત્સાહ રહે છે. આપણે જે કંઈ હોઈએ, આપણે જે કંઈ મેળવ્યું હોય છે, એને આપણે કેટલું માણીએ છીએ? એક પતિ-પત્ની હતાં. બંનેએ લવમેરેજ કર્યાં હતાં. દાંપત્યજીવન પણ સરસ હતું. લગ્ન પછી પતિ આગળ ને આગળ વધતો જતો હતો. બધું એના વિચાર અને ઇચ્છા મુજબ ચાલતું હતું. ધીમે-ધીમે એ સફળતા પાછળ એવો દોડવા લાગ્યો કે, પત્ની અને ઘર તરફ તેનું ઓછું ધ્યાન રહેતું. એક દિવસ પત્નીએ સવાલ કર્યો.  આટલી બધી દોડધામ કેમ કરે છે? પતિએ જવાબ આપ્યો કે, આપણી પાસે છે એના કરતાં મારે ઘણું વધારે મેળવવું છે! પત્નીએ કહ્યું, પ્રેમમાં વધારો નથી કરવો? જો તેં બધું જ વધારે કરવાનું નક્કી કર્યું છે તો પ્રેમમાં વધારો કરવાનું પણ નક્કી કરને! આ ફરિયાદ નથી, ઇચ્છા છે! આપણો પ્રેમ તો ઘટતો જતો હોય એવું લાગે છે. તારી પાસે સાંનિધ્ય માટે સમય જ નથી! મારે પ્રેમ વધારવો છે, તું એમાં મને  સાથ આપીશ? પતિએ પત્નીની સામે જોયું. તેણે કહ્યું, આવો તો મને વિચાર જ નથી આવ્યો. તારી વાત સાચી છે. સારું થયું તેં મારું ધ્યાન દોર્યું. તને થોડા જ દિવસમાં મારામાં ચેન્જ લાગશે. આપણી જિંદગીમાં પણ આવું બનતું હોય છે. બેમાંથી એકનું ધ્યાન ક્યાંક બીજે  પરોવાઈ જાય છે. આપણે ત્યારે શું કરીએ છીએ? સીધા ઝઘડા કે નારાજગી પર પહોંચી જઈએ છીએ. તને હવે મારી કંઈ પડી નથી, મારા માટે તારી પાસે સમય જ નથી, બીજું મેળવવામાં તું મને ગુમાવી દઈશ. નક્કી કરી લે તારે કરવું છે શું? જ્યાં સંવાદ કરવાનો હોય ત્યાં આપણે સવાલો કરવા માંડીએ છીએ. સવાલ ન કરો, જવાબ શોધો, ઉકળાટ ન કરો, ઉકેલ મેળવો. માણસના દુ:ખનું સૌથી મોટું કારણ સમજણનો અભાવ જ હોય છે. આપણે જે જોઈતું હોય છે એના માટે આપણે મરણિયા થઈ જઈએ છીએ. હવે તો આ પાર કે પેલે પાર એવું નક્કી કરી લઈએ છીએ. આપણા મન અને મગજમાં ઉશ્કેરાટ છવાઈ જાય છે. તમને કોઈ પ્રોબ્લેમ છે, તો વાત કરો. તમને કોઈ મૂંઝવણ  છે તો દિલને ખુલ્લું મૂકો. આપણે વાત કરવાની કળા ભૂલતા જઈએ છીએ!

આપણે બધું બહુ પકડી રાખીએ છીએ. છોડતા જ નથી. આજને આલિંગન આપવા માટે ગઈ કાલથી મુક્ત થવું પડે છે. જિંદગીમાં ગમે  એવી અને ન ગમે એવી ઘટનાઓ બનતી જ રહે છે. આપણે ન ગમતી ઘટનાઓને પંપાળ્યા રાખીએ છીએ અને દુ:ખી થતા રહીએ છીએ. એક છોકરી સાથે તેના પ્રેમીએ બેવફાઈ કરી. પ્રેમી એને છોડીને ચાલ્યો ગયો. છોકરી ડિસ્ટર્બ હતી. તેની ફ્રેન્ડ સાથે તેણે વાત કરી. એ પહેલેથી મને છેતરતો હતો. એણે મારી સાથે પ્રેમનું નાટક કર્યું. મને સતત એવા વિચાર આવે છે કે, એણે મારી સાથે કેમ આવું કર્યું? મારો શું વાંક હતો? મારાથી કશું ભુલાતું નથી. આ વાત સાંભળીને તેની ફ્રેન્ડે કહ્યું કે, સારું થયું ને એ ગયો? જો હોત તો તું વધુ મૂરખ બનત! તને એવું જોઈતું હતું કે, તું વધુ છેતરાય? સવાલ રહ્યો કે, મારો વાંક શું? દરેક વખતે આપણો વાંક હોય એવું જરૂરી નથી. અમુક સજાઓ વાંક વગરની હોય છે. આપણી જિંદગીમાં ક્યારેક એવા લોકો આવી જતા હોય છે, જે આપણને લાયક જ નથી હોતા. એ દૂર જાય એમાં દુ:ખી શા માટે થવાનું? ભૂલી જા એને. જે માણસ લાયક ન હોય એને યાદ રાખવા જેટલું પણ ઇમ્પોર્ટેન્સ ન આપવું જોઈએ. જે ગયું એ ગયું, જે ગયું એને ભૂલી જા. જે નવું છે એનું સ્વાગત કર. ખુલ્લા દિલે જિંદગીને આવકાર આપ. એક વ્યક્તિથી જિંદગી ખતમ થઈ જતી  નથી. આપણો એ પ્રોબ્લેમ હોય છે કે, અમુક ઘટનાઓ બાદ આપણે બધું ખતમ થઈ ગયું એવું માની લેતા હોઈએ છીએ. કંઈ ખતમ થાય ત્યારે સમજવું એ કે આ નવું કંઈક શરૂ થવાનો સંકેત છે. ખરાબ થાય એ પછી સારું થવાની શરૂઆત થતી હોય છે.

આજથી નવું વર્ષ શરૂ થાય છે. કંઈક નવા, કંઈક તાજા અને થોડાક હળવા થવાની તમારી કેટલી તૈયારી છે? આપણને એવું કહેવાતું આવ્યું છે કે, ખરાબ થયું હોય એને ભૂલી જાવ. સાચી વાત છે. એની સાથોસાથ એ વાત પણ એટલી જ સાચી અને જરૂરી છે કે જે સારું થયું છે એને યાદ રાખો. ગયા વર્ષમાં શું સારું થયું? આપણે વર્ષનો હિસાબ માંડીએ ત્યારે મોટાભાગે ખરાબ ઘટનાઓને જ તાજી કરીએ છીએ. આજે એ પણ વિચારો કે, શું સારું થયું? થોડુંક જુદી રીતે વિચારશો તો ખબર પડશે કે, ઘણું બધું સારું થયું છે. મોબાઇલ ફોનની ગેલેરી ઉથલાવો. અમુક ફોટાઓ ઉપર નજર ફેરવો. એ તસવીરમાં તમારા ચહેરા પર જે ખુશી તરવરે છે એનું કારણ શોધો. એની સાથે બીજું એક  કામ પણ કરજો. વેદના આપે એવા ફોટા હોય એને ડિલીટ પણ કરી નાખજો. ગેલેરીમાં જ નહીં, દિલમાંથી પણ! બધું યાદ રાખવાની કંઈ જરૂર હોતી નથી! આપણે અમુક નંબરો બ્લોક કરી દઈએ છીએ, પણ મગજમાંથી એને ઇરેઝ કરતા નથી. બ્લોક નહીં કરો તો ચાલશે, મગજમાંથી કાઢી નાખો!

નવા વર્ષે બીજું કંઈ ન કરો તો કંઈ વાંધો નહીં, માત્ર એટલું નક્કી કરો કે હું મારી જિંદગીને ભારે થવા નહીં દઉં. આપણે આપણી જિંદગીને ભારે થવા દઈએ તો આપણે જ એની નીચે દબાઈ જઈએ છીએ. ભારને ભેગો થવા ન દો. રોજેરોજ દરરોજનો ભાર ખંખેરતા જશો તો ભાર વધશે નહીં. પોતાના સુખ માટે, પોતાની શાંતિ માટે, પોતાની સહજતા માટે દરેકે સજાગ રહેવું જોઈએ. જરાકેય ગાફેલ રહીએ તો જિંદગી આડાપાટે ચડી જાય છે. જિંદગીમાં યાદ રાખવા જેવું ઘણું હોય છે, એને યાદ રાખો તો ભૂલવા જેવું બધું આપોઆપ ભુલાઈ જશે.

છેલ્લો સીન :

દિલ ડસ્ટબિન નથી કે કચરો ભેગો જ થવા દઈએ. સુવાસ માટે વાસને દૂર રાખવી પડે છે.                           -કેયુ.

(‘દિવ્ય ભાસ્કર’, ‘કળશ’ પૂર્તિ, તા. 01 ડિસેમ્બર 2020, બુધવાર, ‘ચિંતનની પળે’ કોલમ)

kkantu@gmail.com

Krishnkant Unadkat

Krishnkant Unadkat

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *