દુનિયાના વયોવૃદ્ધ નેતાઓને પરેશાન કરતું પર્ફોર્મન્સ પ્રેશર – દૂરબીન : કૃષ્ણકાંત ઉનડકટ

દુનિયાના વયોવૃદ્ધ નેતાઓને પરેશાન કરતું

પર્ફોર્મન્સ પ્રેશર

દૂરબીન : કૃષ્ણકાંત ઉનડકટ

———-0————

અમેરિકાના પ્રેસિડેન્ટ જો બાઇડેન હોય કે પછી રશિયાના પ્રેસિડેન્ટ વ્લાદિમીર પુટિન, દુનિયાના અનેક નેતાઓ ઉપર ફીટ દેખાવવાનું અને હું હજુ કામ કરી શકું તેમ છું એવું સાબિત કરવાનું જબરજસ્ત સાઇકોલોજિકલ પ્રેશર છે. વધતી ઉંમર અને ઘસાતા શરીર સામે ભલ ભલા લાચાર થઇ જાય છે

————–0—————

જિંદગીના જેટલા સત્યો છે તેમાં સૌથી મોટું તથ્ય એ છે કે, સમયની સાથે શરીરની ક્ષમતાઓ વધતી ઘટતી રહેવાની છે. બચપણનો થનગનાટ ગજબનો હોય છે. યુવાનીમાં પગ મૂકીએ એટલે ઇરાદાઓને પાંખો લાગે છે. રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીએ લખ્યું છેને કે, ઘટમાં ઘોડા થનગને આતમ વીંઝે પાંખ, અણદીઠેલી મોભ પર યૌવન માંડે આંખ. યુવાની વિષે એવું કહેવાય છે કે, એ આંખના પલકારાની માફક પસાર થઇ જાય છે. ઉંમર વધવાની સાથે માણસ પીઢ અને પાકટ બને છે. ધીમે ધીમે શરીરને પણ ઘસારો લાગવાની શરૂઆત થાય છે. સમય અને અવસ્થા જે રીતે બદલાય એ રીતે માણસે જિંદગીમાં પરિવર્તનો કરવા જોઇએ. સાઇકોલોજિસ્ટોથી માંડીને ફિલોસોફર સુધીના લોકો એવું કહે છે કે, જિંદગીને માણવી હોય તો ઉંમરને મગજ પર સવાર ન થવા દો. એજ ઇઝ જસ્ટ એ ફિગર. મનથી જવાન રહો. સાચી વાત છે. એની સાથે એ પણ હકીકત છે કે, શરીર તો ઉંમરની સાથે બદલવાનું જ છે. એની પાસેથી કામ લેવામાં માણસે કૂનેહ દાખવવી પડે છે અને સાવચેત રહેવું પડે છે. શરીરને જો મેનેજ કરતા આવડે તો તેની પાસેથી ધાર્યું કામ લઇ શકાય છે. એમાં જો થાપ ખાઇ જઇએ તો ક્યારેક ન થવાનું થઇ જાય છે.

અમેરિકાના પ્રેસિડેન્ટ જો બાઇડેન થોડા દિવસો અગાઉ રાષ્ટ્રપતિ માટે ખાસ બનાવવામાં આવેલા વિમાન એરફોર્સ વનની સીડી ચડતા હતા ત્યારે સ્લીપ થઇ ગયા. બાઇડેનને ખબર હતી કે, ન્યૂઝ ચેનલોના કેમેરાઓ તેના પર મંડાયેલા છે. પહેલી વખત સહેજ લપસ્યા કે તરત જ ટટ્ટાર થવા ગયા. પોતાની જાતને સંભાળે એ પહેલા તો બીજી વાર લપસ્યા. માંડ માંડ સ્વસ્થ થયા કે ત્રીજી વાર ગબડ્યા. ટેલિવિઝન સિરિયલમાં ઢેન ઢેન ઢેન કરીને એકનો એક સીન ત્રણ વખત આવે એની જેવું જ સાચ્ચે સાચું થયું. જોત જોતામાં તો પ્રેસિડેન્ટ લપસ્યા એની ક્લિપ વાઇરલ થઇ ગઇ. હવે વિચારો કે, બાઇડેન જ્યારે પહેલી વખત જ પગથિયું ચૂક્યા ત્યારે આરામથી એક-બે મિનિટ ઊભા રહી સ્વસ્થ થઇને પછી ચડ્યા હોત તો શું વાંધો આવી જાત? ના, તો એવું લાગે કે, પ્રેસિડેન્ટ નબળા પડી ગયા છે!

એ વાતથી જરાયે ઇનકાર થઇ શકે નહીં કે, વિશ્વના પહેલી હરોળના નેતાઓની બોડી લેન્ગવેજ ઉપર આખી દુનિયાની નજર રહેતી હોય છે. બોડી લેન્ગવેજ પરથી લોકો નેતાઓને જજ પણ કરતા હોય છે. અલબત્ત, લોકો એટલું સમજતા પણ હોય છે કે, આવું થાય! જો બાઇડેન 78 વર્ષના છે. અમેરિકન લોકશાહીની ઇતિહાસમાં બાઇડેન સૌથી મોટી ઉંમરના પ્રેસિડેન્ટ છે. પોતે કડેધડે છે એવું દેખાડવા માટે બાઇડેને ખૂબ મહેનત કરવી પડે છે. ગયા વર્ષે નવેમ્બર મહિનામાં બાઇડેન પોતાના ડોગ સાથે રમતા હતા ત્યારે લથોડ્યું ખાઇ ગયા હતા. એ વખતે બાઇડેનને જમણા પગમાં હેરલાઇન ફ્રેક્ચર થયું હતું. ચાલવામાં જ નહીં, બાઇડેન બોલવામાં પણ સ્લીપ થઇ જાય છે. સ્લીપ ઓફ ટંગની ઘટનાને પણ અમેરિકનો ખૂબ ગંભીરતાથી લે છે. બાઇડેને એક પ્રવચનમાં કમલા હેરિસને વાઇસ પ્રેસિડેન્ટને બદલે પ્રેસિડેન્ટ કહી દીધા હતા. આવી ઘટનાઓ બાદ બાઇડેનની હેલ્થ વિશે જાતજાતની ચર્ચાઓ થઇ રહી છે. અગાઉના ઘણા પ્રેસિડેન્ટોએ પોતાની બીમારીઓ છુપાવી હોવાના કિસ્સાઓ પણ બહાર આવ્યા. અમેરિકાના ભૂતપૂર્વ પ્રેસિડેન્ટ્સમાં એન્ડ્રયુ જેકસન, ફ્રેંકલિન રૂઝવેલ્ટ સહિત અનેક પ્રમુખોએ પોતાની બીમારીઓ છુપાવી હતી.

રશિયાના પ્રેસિડેન્ટ વ્લાદિમીર પુટિન વિશે પણ ગયા વર્ષે એવી વાતો વહેતી થઇ હતી કે, તેઓ હવે રિટાયર થવાના મૂડમાં છે. પુટિને જ્યારે એવો કાયદો પસાર કર્યો કે, ભૂતપૂર્વ પ્રેસિડેન્ટ પર કોઇ કાનૂની કાર્યવાહી થઇ શકશે નહીં, ત્યારે પણ એવી વાતો થઇ હતી કે, પુટિનને રિટાયર થવું છે એટલે પાણી પહેલા પાળ બાંધી રહ્યા છે. પુટિન 68 વર્ષના છે. તેમની તબિયત વિશે જાતજાતની વાતો થતી રહે છે. પુટિન ચાલતા હોય ત્યારે તેમનો એક હાથ હલતો નથી. તેના આધારે તેની બીમારીઓ વિશે અનુમાનો લગાવવામાં આવી રહ્યા છે. પુટિનની 37 વર્ષની પ્રેમિકા એલેના કાબાએવા અને પહેલી પત્નીથી થયેલી બે દીકરીઓ પુટિન પર એવું પ્રેશર કરે છે કે, હવે બધું છોડીને બાકીની જિંદગી આરામથી જીવો. એક તબક્કે એવું લાગતું હતું કે, પુટિન બધું છોડી દેશે, પરંતું હવે એવું લાગતું નથી. એનું કારણ એ છે કે, હમણાં જ પુટિને રશિયાની સસંદમાં કાયદો પસાર કરાવીને એવી ગોઠવણ કરી લીધી કે, તેઓ જીવે ત્યાં સુધી પ્રેસિડેન્ટ તરીકે રહી શકે.

સત્તા એવી ચીજ છે કે, એ આસાનીથી છૂટતી નથી. માણસ કોઇના ટેકા વગર ચાલી શકતો ન હોય, સરખું સાંભળી શકતો ન હોય, બોલવામાં જીભ થોથવાતી હોય, કંઇ યાદ રહેતું ન હોય તો પણ ખુરશી છોડતો નથી. ઘણાને તો વળી એવી ઇચ્છાઓ પણ હોય છે કે, એ કોઇ ઊંચા હોદ્દા પર હોય ત્યારે જ એની જિંદગીનો અંત આવે, જેથી દેશ અને દુનિયામાં તેને માન-પાન મળે! મરી ગયા પછી પણ ઘણાને માઇલેજ જોઇતું હોય છે! અલબત્ત, દુનિયામાં એવા પણ અનેક કિસ્સાઓ છે જ્યારે અમુક મહાન નેતાઓએ રાઇટ ટાઇમે પદ છોડી દીધું હોય. નજીકના ભૂતકાળની વાત કરીએ તો જાપાનના ભૂતપૂર્વ વડાપ્રધાન શિન્જો આબેનો આવા નેતાઓમાં સમાવેશ થાય છે. ગયા વર્ષે ઓગસ્ટ મહિનામાં જાપાનના તત્ત્કાલીન વડાપ્રધાન શિન્જો આબેએ એવું કહીને રાજીનામું આપી દીધું હતું કે, મારે હેલ્થના ઘણા ઇસ્યૂ છે. હું એવું નથી ઇચ્છતો કે મારી નાજુક તબિયતના કારણે નિર્ણયો લેવામાં કોઇ મુશ્કેલી થાય અને એની અસર મારા દેશના વિકાસ પર થાય. 66 વર્ષના શિન્જો આબેએ એવું કહ્યું હતું કે, હેલ્થ પરમિટ કરતી ન હોય ત્યારે માણસે પોતે જ એવું નક્કી કરવું પડે છે કે, બસ બહુ થયું. ઇનફ ઇઝ ઇનફ.

ફિલોસોફી તો એવું કહે છે કે, એક દિવસ બધાએ બધું થોડીને ચાલ્યા જ જવાનું છે. કંઇ સાથે આવાવનું નથી. માણસે જાતી જિંદગીએ સરસ રીતે જીવવું જોઇએ. સાથોસાથ એવી પણ વાતો થતી જ રહે છે કે, શરીર સાથ આપે ત્યાં સુધી એક્ટિવ રહેવુ જોઇએ. કામ માણસને મજબૂત રાખે છે. આમ જોવા જઇએ તો બંને વાતો સાચી છે. આ બે એકસ્ટ્રીમ વચ્ચે ક્યારે અને કેવું બેલેન્સ કરવું એ નક્કી કરવાનું હોય છે. આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી 70 વર્ષના છે. મોદીની ફિટનેસ જબરજસ્ત છે. એ કોઇપણ જાતના ટેકા વગર સડેડાટ વિમાનની સીડી ચડી જાય છે. ચીનના પ્રેસિડેન્ટ શી જિનપિંગ 67 વર્ષના છે. ચીન પેક દેશ છે. પ્રેસિડેન્ટની હેલ્થ કે બીજા કશા વિશે કોઇ સાચી વિગતો ચીનમાંથી બહાર આવતી નથી. પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાન 68 વર્ષના, બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીના 73 વર્ષના છે. દુનિયાની દરેક નોકરીઓમાં રિટાયરમેન્ટ એજ છે પણ રાજકારણમાં વયની કોઇ મર્યાદા નડતી નથી. રાજકારણના રંગ વિશે એટલે જ એવું કહેવાતું રહ્યું છે કે, રંગ ઝાંખો પડે તો પણ કોઇ છોડતું નથી. રાઇટ ટાઇમે ક્વિટ કરવાની આવડત અને ક્ષમતા બહુ ઓછા લોકોમાં હોય છે. સૌથી મોટો સવાલ એ પણ છે કે, રાઇટ ટાઇમ એટલે ક્યો ટાઇમ? સાચી વાત એ છે કે, દરેક વ્યક્તિએ પોતાનો રાઇટ ટાઇમ પોતે જ નક્કી કરવો જોઇએ. કામ કરી શકાય એમ હોય તો કરવું જોઇએ, જેટલું એક્ટિવ રહેવાય એટલું રહેવું જોઇએ, સાથોસાથ એ પણ સમજ હોવી જોઇએ કે ક્યારે સ્લો ડાઉન કરવું અને ક્યારે ક્વિટ કરવું? ધ્યાન માત્ર એટલું રાખવાનું હોય છે કે, જિંદગીના છેલ્લા શ્વાસ સુધી જીવવાની મજા આવવી જોઇએ.

હા, એવું છે! :

સૌથી મોહક મેઘધનુષની રચના હવાઇમાં થાય છે. રેઇનબોની ક્વોલિટી અને કોન્ટિટીમાં હવાઇ આખી દુનિયામાં ટોપ પર છે.

(‘સંદેશ’, અર્ધસાપ્તાહિક પૂર્તિ, તા. 29 એપ્રિલ 2021, બુધવાર. ‘દૂરબીન’ કોલમ)

kkantu@gmail.com

Krishnkant Unadkat

Krishnkant Unadkat

Leave a Reply

%d bloggers like this: