કોરોના પછી સફળતાના ઝનૂનમાં
જબરજસ્ત વધારો થવાનો છે!
દૂરબીન – કૃષ્ણકાંત ઉનડકટ
*****
જિંદગીના માર્ગમાં પણ સ્પીડ બ્રેકર અને ડાયવર્ઝન
આવતા રહે છે. કોરોનાએ આખી દુનિયાની ગાડી
ધીમી પાડી દીધી છે, એ ધીમે ધીમે સ્પીડ પકડવાની જ છે!
*****
માણસને આઘાત લાગે એ પછી એ થોડોક ચિંતાગ્રસ્ત
થાય છે. એ નવો પડકાર ઝીલે છે અને ફરીથી બેઠો થઇ જાય છે.
સાવ નીચે ગયા પછી ઉપર જ ઉઠવાનો રસ્તો બાકી રહે છે!
*****
અંગ્રેજીમાં એક સરસ મજાની કહેવત છે. એવરી ક્લાઉડ હેઝ એ સિલ્વર લાઇનિંગ. દરેક કાળા વાદળને રૂપેરી કોર હોય છે. જ્યાં સુધી શ્વાસ ચાલે છે ત્યાં સુધી કંઇ જ ખતમ થતું નથી. કોરોનાના આ કાળમાં હવે એના ઉપર અભ્યાસો થઇ રહ્યા છે કે, કોરોના પછીનું વાતાવરણ કેવું હશે? દુનિયાના મનોચિકિત્સકો એક ઉમદા તારણ પર આવ્યા છે કે, કોરોના પછી લોકોના ઉત્સાહમાં ઉછાળો આવશે! આવી વાત કરવા પાછળ તેઓ એ આધાર આપે છે કે, દુનિયાના દેશોમાં મોટી દુર્ઘટના સર્જાઇ હોય એ પછીના અભ્યાસો એવું કહે છે કે, માણસ તૂટી ગયા પછી ફરીથી બેઠો થાય છે. માણસ પાસે કંઇ જ ન રહે એ પછી એની પાસે ગુમાવવાનું કંઇ હોતું જ નથી, એ પછી જે હોય છે એ પાછું મેળવવાનું જ હોય છે! સાવ તળિયે પહોંચી ગયા પછી નીચે જવાનો કોઇ રસ્તો જ નથી હોતો, એટલે જ ઉપર ઉઠવાની શરૂઆત થાય છે. આ લોજિક ભલે થોડુંક વિચિત્ર લાગતું હોય પણ વાતમાં દમ તો છે જ!
કોરોનાએ આખી દુનિયાના દરેક વ્યક્તિને નાનો મોટો ફટકો માર્યો છે. કોઇ આર્થિક મુશ્કેલીમાં મૂકાયું છે, તો કોઇને માનસિક ક્ષતિ પહોંચી છે. ઘણાને એક સામટી એટલે કે આર્થિક, શારીરિક, માનસિક અને સામાજિક સમસ્યાઓનો સામનો કરવો પડ્યો છે. માણસ ઉપર કોઇ આફત આવે એટલે પહેલા તો એ મૂંઝાઇ જાય છે. કોઇ દિશા સૂઝતી નથી. ઘણાને તો એવું લાગવા માંડે છે કે, બધું ખતમ થઇ ગયું. માણસમાં આઘાત પચાવવાની પણ જબરજસ્ત તાકાત હોય છે. ધીમે ધીમે માણસ જે પરિસ્થિતિ હોય એનો સ્વીકાર કરે છે. એ પછી એ નવેસરથી શરૂઆત કરે છે. જ્યારે કોઇ રસ્તો ન હોય ત્યારે જ માણસ નવો રસ્તો બનાવવા માટે કમર કસે છે. માણસ ભલે પડી ગયો હોય પણ એ કાયમ માટે પડ્યો રહેતો નથી. પડી ગયા વખતે એને એવું લાગે છે કે, હવે ઊભા નહીં થઇ શકાય. કળ વળે એટલે એ પાછો સળવળે છે. થોડીક મહેનત કરીને બેસે છે. ઊભો થાય છે. ઊભા થયા પછી એનામાં હિંમત આવે છે. એને એવું થાય છે કે, ઊભા થઇ શક્યો છું તો ચાલી પણ શકીશ. ચાલવાનું શરૂ કરે પછી જ દોડવાનું શરૂ થાય છે.
સમાજશાસ્ત્રીઓ સાવ સાદા ઉદાહરણથી આ વાતને સમજાવે છે કે, આપણે રોડ પર જતા હોઇએ ત્યારે ક્યારેક સ્પીડ બ્રેકર આવે છે. આપણે ઇચ્છતા ન હોઇએ તો પણ ગાડી ધીમી પાડવી પડે છે. ક્યારેક ડાયવર્ઝન પણ આવી જાય છે. ડાયવર્ઝન ગમે એવડું મોટું હોય પણ એક તબક્કે પૂરું થતું જ હોય છે. જિંદગીના માર્ગનું પણ એવું જ છે. ક્યારેક મોટો આંચકો લાગે છે. જિંદગીની રફતાર ધીમી પડે છે. ધીમે ધીમે ફરીથી ગાડી પાટે ચડે છે અને દોડવા લાગે છે.
દુનિયાનો ઇતિહાસ કેવી કેવી ઘટનાઓથી ભરેલો છે. કેટલું બધું ખતમ થઇ ગયું છે. છતાં દુનિયાએ વિકાસ તો કર્યો જ છેને? દુનિયા ડિપ્રેશનની બહુ વાતો કરે છે, ડિપ્રેશન વિશે પણ છેલ્લે એક વાત તો છે જે કે, ગમે એવું ડિપ્રેશન હોય એ વહેલું કે મોડું ખતમ તો થાય જ છે. આશાવાદી લોકો અઘરી પરિસ્થિતિમાંથી વહેલા બહાર આવી શકે છે. સાયકોલોજિસ્ટોનું કહેવું છે કે, માણસને ભલે ગમે એવું નુકશાન ગયું હોય પણ માણસે આશા ગુમાવવી ન જોઇએ. આવતી કાલ સુંદર હશે એ વાતમાં ગજબની તાકાત છે. એ તમને મુશ્કેલીમાં ટકાવી રાખે છે. મંદીના સમયમાં બજાર સાવ ઠંડું પડી જાય છે. અર્થશાસ્ત્રના જાણકારોને ખબર છે કે, મંદી એક તબક્કે પૂરી થાય છે અને તેજીની શરૂઆત થાય છે. કુદરતનો ક્રમ પણ આવો જ છે. સવાલ એટલો જ હોય છે કે, માણસની પોતાની ક્ષમતા કેવી છે? માણસમાં કુદરતે અખૂટ શક્તિઓ મૂકી છે. આપણી સામે એવા અનેક કિસ્સાઓ છે જે જોઇને આપણને થાય કે, આ માણસ આવી કપરી અને જોખમી પરિસ્થિતિમાં પણ કેવી રીતે ટકી શક્યો હશે?
કોરોના પછી દુનિયા વધુ સારી થશે એવું માનવાવાળા એક્સપર્ટ્સની પણ કમી નથી. એ લોકો એવું કહે છે કે, લોકો આમાંથી બહુ સરળતાથી બહાર આવી જશે. કદાચ લોકો જિંદગીને વધુ સમજતા થશે. આવો રોગચાળો દુનિયાએ કંઇ પહેલીવાર નથી જોયો, અગાઉ આવા કે આનાથી પણ ગંભીર સંકટોનો લોકોએ સામનો કર્યો છે. અધ્યાત્મવાદીઓ એને કુદરતના ક્રમ સાથે જોડીને વાત સમજાવે છે. ગમે એવો ધરતીકંપ હોય તો પણ ધરતી થોડીક વાર ધણધણીને પાછી શાંત પડી જ જાય છે. ખતરનાકમાં ખતરનાક તોફાન પણ શાંત પડતું હોય છે. સુનામી પછી પણ દરિયા પાછો પોતાની મર્યાદામાં આવી જાય છે. હા, એનાથી નુકશાન ચોક્કસ થાય છે, ઘણા લોકોનો ભોગ પણ લેવાય છે, પણ જે લોકો જીવતા છે એની જિંદગી તો ચાલતી જ રહે છે. મુશ્કેલીઓ વચ્ચે પણ માણસ ટકી તો રહે જ છે. ઘણી વખત તો મુશ્કેલી જ માણસને એનો અહેસાસ કરાવે છે કે, મારામાં લડવાની આટલી મોટી શક્તિ હતી. કપરાં સંજોગોમાંથી પસાર થયેલા ઘણા લોકોના મોઢે આપણે એવું સાંભળ્યું હોય છે કે, મને પોતાને સમજાતું નથી કે, હું કેવી રીતે આમાંથી પાર નીકળ્યો. કહેવાનો મતલબ એ છે કે, આશાવાદી રહો, બધું જ સારું થવાનું છે. બીજી વાત એ પણ છે કે, નિરાશાવાદી રહેવાનો કોઇ ફાયદો નથી કે કોઇ મતલબ પણ નથી. કોરોનાને જવા દો, દુનિયાનો વધુ સારો સમય આવવાનો છે. આપણે બસ સમય બદલે ત્યાં સુધી ટકી રહેવાનું હોય છે!
————–
પેશ-એ-ખિદમત
ઇસ શહર કે બાદલ તેરી જુલ્ફોં કી કરહ હૈં,
યે આગ લગાતે હૈં બુઝાને નહીં આતે,
યારો નયે મૌસમ ને યે અહેસાન કિએ હૈ,
અબ યાદ મુઝે દર્દ પુરાને નહીં આતે.
-બશીર બદ્ર
( ‘દિવ્ય ભાસ્કર’, ‘રસરંગ’ પૂર્તિ, તા. 22 નવેમ્બર 2020, રવિવાર, ‘દૂરબીન’ કોલમ)
kkantu@gmail.com