તમને ખરેખર કોરોનાનો કેટલો ડર લાગે છે? – દૂરબીન : કૃષ્ણકાંત ઉનડકટ

તમને ખરેખર કોરોનાનો

કેટલો ડર લાગે છે?

દૂરબીન : કૃષ્ણકાંત ઉનડકટ

કોરોનાના કારણે આખી દુનિયા પરેશાન છે.

આપણે બધા એક વિચિત્ર અને ખતરનાક અનુભવના સાક્ષી

બની રહ્યા છીએ. વાતાવરણમાં ગમગીની અને

ઉદાસીનો અનુભવ થાય છે

દુનિયાના મનોચિકિત્સકો કોરોના વિશે

લોકોને સાવચેત કરી રહ્યા છે.

તકેદારી રાખો, પણ ડર તમને માનસિક રીતે

નબળા ન પાડી દે એનું ધ્યાન રાખજો

કોરોનાનો કોપ આખી દુનિયા ઉપર ફેલાયો છે. છેલ્લા કેટલાક દિવસથી વાતચીતનો એકમાત્ર મુદ્દો કોરોના જ છે. મીડિયાથી માંડી સોશિયલ મીડિયા સુધી કોરોનાની જ વાતો વહેતી રહે છે. કોઇ પણ વાત સતત નજર સામે આવે એટલે તેની માનસિક અસર થવી સ્વાભાવિક છે. આખો સમૂહ જ્યારે ચિંતાગ્રસ્ત હોય ત્યારે વાતાવરણમાં અસુખ થાય એવી ગમગીની ફેલાઇ જાય છે. કોરોનાની તમામ કથાઓ માણસને ડિસ્ટર્બ કરી દે એવી જ છે. ચીનના વુહાન બાદ ઇટાલી, યુરોપિયન દેશો, ઇરાન સહિત અલગ અલગ દેશોમાંથી જે અહેવાલો આવે છે એ બેચેની ફેલાવે એવા જ છે.

પહેલી વખત દુનિયા લોકડાઉનનો અનુભવ કરી રહી છે. શાળા, કોલેજ, મોલ, મલ્ટિપ્લેક્સથી માંડીને મંદિર, મસ્જિદ, ચર્ચ પણ બંધ કરી દેવાયાં છે. પુરાઇને રહેવું માણસની ફિતરત નથી. વધુ પડતા કામના કારણે ઘરે ન રહી શકતા અને ઘરે રહેવા માટે તરસતા લોકો પણ ઘરમાં બંધ થઇ જતા પરેશાન થઇ ગયા છે. કોરોનાના કારણે જેટલા લોકોને શારીરિક અસર થઇ છે એના કરતાં જેમને માનસિક અસરો થઇ છે એનો આંકડો અનેકગણો વધારે છે. આવા સમયમાં દુનિયાના મનોચિકિત્સકો લોકોને મક્કમ અને મજબૂત રાખવાના પ્રયાસો કરી રહ્યા છે. અમેરિકાની યુનિવર્સિટી ઓફ પેન્સિલ્વેનિયા સાથે જોડાયેલા માઇક બુચાનન કહે છે કે, નો ડાઉટ, આ અઘરો સમય છે, પણ તમે ઇચ્છો તો તમે તેને સારી રીતે પસાર કરી શકો છો. નિષ્ણાતો એમ પણ કહે છે કે, એક તો જ્યાં સુધી કોરોના તમારા પર ત્રાટકે નહીં ત્યાં સુધી જરા પણ ચિંતા ન કરો. ચિંતા ત્યારે જ કરો જ્યારે કોરોનાની અસર થાય. દુનિયામાં અબજો લોકો વસે છે, તેમાંથી માત્ર બે લાખ જેટલાને જ અસર થઇ છે. કોરોનાની અસર થઇ ગઇ હોય તો પણ એક વાત યાદ રાખો કે, કોરોના થાય એ બધા મરી જતા નથી. સોમાંથી સત્તાણું બચી જ જાય છે. જે સાવચેતી રાખવાની છે એ સાવચેતી રાખો, બાકી ખોટા ગભરાઇ ન જાવ.

ઘરે રહેવાનું થાય ત્યારે પણ બને ત્યાં સુધી કોરોનાની વાતો કરવાનું ટાળો. આપણે એક ને એક વાત જ વાગોળ્યા કરીએ તો વિચારો નબળા પડવાના જ છે. ચેપી રોગ પહેલી વખત જ ફેલાયો છે એવું નથી. ભૂતકાળમાં પણ અનેક વખત ચેપી રોગે કાળો કેર મચાવ્યો છે. આ વખતે ઊલટું સારી વાત એ છે કે, આપણને બધાને ખબર છે કે, શું કાળજી રાખવાની છે.

આપણા ભારત દેશની વાત કરીએ તો દુનિયાના બીજા દેશોની સરખામણીમાં આપણા દેશની હાલત ઘણી સારી છે. આ લખાય છે ત્યાં સુધીમાં ત્રણ મોત નોંધાયાં છે અને દોઢસો જેટલા લોકો સારવાર હેઠળ છે. આપણા દેશમાં બધું બંધ કરાવી દીધું છે એ એક જોતાં સારી વાત છે. વાતાવરણ બગડે પછી જાગવું એના કરતાં વાતાવરણ બગડે નહીં એ પહેલાં સતર્ક થઇ જવું વધુ સારું છે. આપણા દેશના મનોચિકિત્સકો પણ એવું જ કહે છે કે, તમને જે ફ્રી સમય મળ્યો છે એને એન્જોય કરો. તમને એમ થશે કે, આવા ખરાબ સમયમાં એન્જોયની વાત કરે છે, પણ માનસિક રીતે સ્વસ્થ રહેવા માટે એ જરૂરી છે. તમને ગમતું હોય એટલે કે જેમાં મજા આવતી હોય એવી પ્રવૃત્તિ કરો. વાંચવું ગમે તો વાંચો અને વેબ સિરીઝ જોવી ગમે તો એ કરો. મનગનતા કામમાં મગજને ઓક્યુપાઇ રાખો. ખરાબ થવાનું છે એવા વિચાર ન કરો. તમારા ઘરના લોકોને પણ સારું લાગે એવી વાતો કરો. એક ભાઇએ કહ્યું કે, મેં ઘરમાં બધાને સૂચના આપી છે કે ઘરમાં કોઇ કોરોનાની કારણ વગરની વાત નહીં કરે.

કોરોનાની એક ઇન્ટરેસ્ટિંગ ઇફેક્ટની તમને ખબર છે? આપણા બધાની લાઇફ એકદમ ફાસ્ટ થઇ ગઇ છે. આપણે એટલા બધા બિઝી હતા કે બીજું કંઇ વિચારવાની આપણને ફુરસદ જ નહોતી. અત્યંત વ્યસ્તતાની વચ્ચે અચાનક જ ધડ દઇને જે  બ્રેક આવી ગઇ છે એ આપણાથી સહન થતી નથી. અચાનક બધાને જાણે સાવ નવરા થઇ ગયા હોય એવું લાગવા માંડ્યું છે. પહેલાં તો રજા મળે એટલે બહાર ક્યાંક ફરવા ચાલ્યા જતા હતા, કોઇ પ્રોગ્રામ ઘડી કાઢતા હતા, આજના સંજોગોમાં તો ક્યાંય બહાર પણ જઇ શકાય એમ નથી. અમુક લોકો તો ઘરમાં હોય તો પણ કેદમાં હોય એવો અનુભવ કરે છે.

આ સમયે તમારા સંબંધોને મજબૂત કરવાનો બેસ્ટ સમય છે. તમે તમારા ઘરના લોકોને મેક્સિમમ સમય આપી શકો એમ છો. આપણે વર્ચ્યુલ વર્લ્ડમાં ખોવાઇ ગયા હતા, આ સમય રિઅલ વર્લ્ડમાં રહેવાનો છે. ફેસ ટુ ફેસ એકબીજાને મળવાનો છે. તમે અમને સમય નથી આપતા એ ફરિયાદ દૂર કરવાનો આ સમય છે. અલબત્ત, એના માટે સૌથી પહેલાં તો આપણે માનસિક રીતે સ્વસ્થ હોવા જોઇએ. જો આપણા જ મગજમાં કોરોના સવાર થઇ ગયો હશે તો આપણે બીજાને ખુશી આપી શકવાના નથી. વાતાવરણ એવું છે કે, ઘરનો એકાદો સભ્ય તો એમ બોલવાનો જ છે કે, ક્યાંય મજા આવતી નથી. તમે એના માટે અને ઘરના બધા માટે મજા આવે એવું કંઇક કરી શકો તો એ સૌથી મોટી વાત છે. ગમગીનીને ખંખેરો, એમ કંઇ બધું ખતમ થઇ જવાનું નથી. મનથી મજબૂત હશો તો દરેક પરિસ્થિતિનો સામનો કરી શકશો. આ સમય પણ ચાલ્યો જ જવાનો છે, પણ જો માનસિક અસર થઇ તો તેમાંથી મુક્તિ મળતા બહુ વાર લાગશે. તમામ પ્રકારની સાવચેતી રાખો, બાકી ડરવાની કોઇ જરૂર નથી. વાસ્તવિક ભય કરતાં કાલ્પનિક ભય વધુ ખતરનાક હોય છે, એટલે જરાયે નબળા ન પડતા અને બીજાને પણ નબળા પડવા ન દેતા.    

પેશ-એ-ખિદમત

ન ગઇ તેરે ગમ કી સરદારી,

દિલ મેં યૂં રોજ ઇન્કલાબ આયે,

કર રહા થા ગમ-એ-જહાં કા હિસાબ,

આજ તુમ યાદ બે-હિસાબ આયે.

– ફૈઝ અહમદ ફૈઝ

(‘દિવ્ય ભાસ્કર’, ‘રસરંગ’ પૂર્તિ, તા. 22 માર્ચ 2020, રવિવાર. ‘દૂરબીન’ કોલમ)

kkantu@gmail.com

Krishnkant Unadkat

Krishnkant Unadkat

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *