એના પર ભરોસો કર્યો એ મારી ભૂલ હતી! – ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ

એના પર ભરોસો કર્યો

એ મારી ભૂલ હતી!

ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ

મેં સહજ મૂક્યો ભરોસો, પણ પછી,

પીઠ પાછળ જઇ ઊભો એ જણ પછી,

લોક મોટાભાગના મૃગજળ સમા,

એટલે હું થઇ ગયો’તો રણ પછી.

-અર્પણ ક્રિસ્ટી

ભરોસો, શ્રદ્ધા અને વિશ્વાસ એ જિંદગી અને સંબંધનો સૌથી મોટો આધાર છે. ભરોસા વગરનો પ્રેમ ટકતો નથી. શ્રદ્ધા વગરની લાગણી અલ્પજીવી હોય છે. વિશ્વાસ વગરનો સ્નેહ પાતળો પડી જાય છે. આપણે બધા જ ભરોસાના તાંતણે જોડાયેલા હોય છે. એ તાંતણો નબળો પડે ત્યારે માણસ તૂટી જાય છે. આપણી નજીકના લોકો માટે આપણને એટલી ખાત્રી હોય છે કે, એ મારી સાથે આવું ન જ કરે. પ્રેમ ઘણીવખત તો એ કક્ષાએ પહોંચી જાય છે કે, આપણી વ્યક્તિ ક્યારે શું કરશે એનો પણ આપણને અંદાજ આવી જાય છે. આઘાત ત્યારે લાગે છે જ્યારે આપણે ધાર્યું હોય કંઇક અને આપણી વ્યક્તિ કરે કંઇક. અમુક સમયે ભરોસો એક જોરદાર કડાકા સાથે તૂટે છે. એ સમયે એવું લાગે છે જાણે આપણા આખેઆખા અસ્તિત્ત્વના ટૂકડા થઇ ગયા અને બધું વેરવિખેર થઇ ગયું. આપણે કહીએ છીએ કે, કોઇ વગર જિંદગી અટકી નથી જતી. સાચી વાત છે પણ જિંદગી થોડી ભટકી જરૂર જતી હોય છે. જિંદગીને પાછી એની ઘરેડમાં લાવવામાં વાર લાગે છે. શ્રમ પડે છે. થાક લાગે છે. હાંફી જવાય છે.

એક છોકરી તેના બોયફ્રેન્ડ સાથે ખૂબ એટેચ હતી. આખો દિવસ એના જ સપના જોતી. એની સાથે જિંદગી વિતાવવાની કલ્પના કરતી. પ્રેમી ઉપર એને પોતાની જાત કરતા પણ વધુ ભરોસો હતો. એક વખતે તેને ખબર પડી કે, એનો પ્રેમી તો તેની સાથે રમત રમી રહ્યો છે. બીજી છોકરીઓ સાથે પણ એને સંબંધ છે. એ છોકરીને આઘાત લાગ્યો. છોકરા સાથેના તમામ સંબંધો તેણે તોડી નાખ્યા. જે થયું એ એનાથી સહન નહોતું થતું. ભરોસો તૂટે પછી એની કરચો આપણા આખા અસ્તિત્ત્વને ખૂંચતી હોય છે. શ્વાસ પણ જાણે શરીરને ચીરતો હોય એવું લાગે છે. તેને સમજાતું નહોતું કે, આ વેદનામાંથી મુક્ત કેવી રીતે થવું? એ છોકરી એક ફિલોસોફરને મળી. છોકરીએ કહ્યું કે, એના ઉપર ભરોસો કર્યો એ મારી સૌથી મોટી ભૂલ હતી. ફિલોસોફરે કહ્યું કે, સૌથી પહેલી વાત તો એ કે, તને ખબર પડી ગઇ છે કે એ ભૂલ હતી. હવે બીજી વાત સાંભળ. આપણને ખબર પડી જાય કે મારાથી આ ભૂલ થઇ છે પછી એ ભૂલને વાગોળ્યા રાખવાનો કોઇ મતલબ નથી હોતો. ભૂલને સુધારવાની હોય છે. તે સુધારી પણ લીધી છે. હવે એ ભૂલના વિચારોથી મુક્ત થવાનું છે.

દરેક માણસ સંબંધોમાં કોઇને કોઇ ભૂલ કરતો જ હોય છે. દરેકને કોઇને કોઇથી વિશ્વાસઘાત, છેતરપીંડી કે બદમાશીનો અનુભવ થયો જ હોય છે. કંઇક બને ત્યારે આપણને આંચકો લાગે છે. એ માણસે મારી સાથે આવું કર્યું? આપણે દરેક પાસેથી એવી અપેક્ષા ન રાખી શકીએ કે એ આપણે ધાર્યું હોય, આપણે માન્યું હોય કે આપણે કલ્પ્યું હોય એવું જ વર્તન કરે. માણસનું વર્તન ગમે એ ઘડીએ બદલાઇ શકે છે. ઘણા લોકોની પ્રકૃતિ જ ડીચ કરવાની હોય છે. નીચ હોય એ ડીચ જ કરે. દરેક માણસની એક કક્ષા હોય છે. એક હાઇટ હોય છે. હાઇટ માત્ર બહારની જ નથી હોતી, અંદરની પણ એક ઊંચાઇ હોય છે. અમુક લોકો સાવ છીછરા હોય છે. એટલા છીછરા કે આપણે ન તો ડૂબી શકીએ કે ન તરી શકીએ. થોડાક ભીંજાઇએ અને આપણે એવા ભ્રમમાં રાચવા માંડીએ કે આપણે કાયમ તરબતર રહેશું તો એ આપણી ભૂલ હોય છે.

કોઇ આપણી સાથે ચીટ કે ડીચ કરે ત્યારે આપણે હચમચી જઇએ છીએ. આપણે કહીએ છીએ કે, આટલા હલકા માણસો? હલકા માણસો સામાન્ય ઘટનાથી મપાઇ જતા હોય છે. કોઇની કક્ષા આપણે નક્કી ન કરી શકીએ. જે જેવા હોય એવા જ રહે છે. હા, આપણે કેવા છીએ એ આપણે ચોક્કસપણે નક્કી કરી શકીએ. આપણી કક્ષા, આપણી હાઇટ, આપણું લેવલ, આપણું ગૌરવ આપણે નક્કી કરવાનું અને જાળવવાનું હોય છે. આપણે ઘણા વિશે એવું બોલીએ છીએ કે, એ તો બહુ ઊંચી હાઇટનો છે, એનું લેવલ તો સાવ જુદું જ છે, એની કક્ષાએ કોઇ ન પહોંચે! માણસને માપવાની કોઇ ફૂટપટ્ટી હોતી નથી. ખાનદાની મપાતી હોતી નથી, એ વર્તાતી હોય છે, સર્જાતી હોય છે, અનુભવાતી હોય છે. સંબંધોમાં પણ એક સમય આવે છે જ્યારે માણસ મપાઇ જાય છે, પરખાય જાય છે, ઓળખાઇ જાય છે. કોઇ માણસ પોતાનું રિયલ પોત કાયમ માટે છુપાવી શકતો નથી. પોત વહેલું કે મોડું પ્રગટ થઇ જ જતું હોય છે. પોત પ્રગટે ત્યારે આપણને ખબર પડે છે કે કોઇ માણસ કેવો છે? પોતને પૈસા સાથે કંઇ લાગતું વળગતું નથી. ગરીબનું ગૌરવ અને ગ્રેસ પણ એવો હોય છે જેને કોઇ આંબી ન શકે. માણસ નાનો છે કે મોટો એ એની પાસે કેટલું છે એનાથી નથી મપાતો પણ એ કેવો છે એનાથી વર્તાય છે.

ક્યારેક કંઇક ખોટું કરવાનું મન થાય ત્યારે આપણી જાત આપણને ચેતવતી હોય છે. એ આપણને કહેતી જ હોય છે કે, તારાથી આવું ન થાય. તું આવો નથી. આપણી જાત આપણી સામે રેડ લાઇટ ધરીને રોકાઇ જવાનું પણ કહે છે. આપણે આપણી જાતની વાત કેટલી માનીએ છીએ એના પરથી આપણી કક્ષા નક્કી થઇ જતી હોય છે. જે પોતાની જાતને છેતરી શકે એને બીજા કોઇ સાથે છેતરપીંડી કરવામાં કોઇ શરમ નડતી નથી. સાચો બેશરમ એ છે જેને પોતાની જ શરમ ન હોય. એક યુવાનની આ વાત છે. તે એક કંપનીમાં કામ કરતો હતો. તેના શેઠે તેને એકાઉન્ટનો તમામ હવાલો સોંપ્યો હતો. તેની સાથે એક બીજો યુવાન કામ કરતો હતો. સાથે કામ કરતા હોવાથી બંને વચ્ચે દોસ્તી થઇ ગઇ હતી. એક વખત એ યુવાને કહ્યું કે, આપણે થોડાક રૂપિયા સરકાવી લેશું તો શેઠને અંદાજ પણ નહીં આવે. આવડા મોટા વહીવટમાં એને ક્યાં ખબર પડવાની છે? એ યુવાને કહ્યું કે, તારી વાત તો સાચી છે, શેઠને કંઇ જ ખબર નહીં પડે, એને અણસાર સુદ્ધા નહીં આવે. સવાલ શેઠનો નથી. સવાલ મારો પોતાનો છે. મને અણસાર આવે, મને ખબર હોય એનું શું? આપણે ક્યારેય પકડાઇએ નહીં પણ અંદર જે ગિલ્ટ ઊભું થશે એનું શું?

ગિલ્ટ આપણો પીછો નથી છોડતું. ગિલ્ટથી બચવાનો એક જ રસ્તો છે કે, ગિલ્ટ થાય એવું કરવું જ નહીં. આપણે ઘણા વિશે એવું બોલીએ છીએ કે, એને અંતરઆત્મા જેવું કંઇ છે કે નહીં? એવા લોકો હોય છે જેને કંઇ ફેર પડતો નથી, એ આરામથી કોઇને છેતરી શકે છે, કોઇને વેતરી શકે છે. આવા લોકોએ પહેલા પોતાને છેતરી લીધા હોય છે. માણસ જે કંઇ કરે છે એ પહેલા પોતાની જાતને કન્વીન્સ કરે છે. બીજા સાથે વાત કરતી વખતે આપણે જે ધ્યાન રાખીએ છીએ એના કરતા અનેકગણું ધ્યાન આપણે આપણી સાથે વાત કરતી વખતે રાખવાનું હોય છે. આપણી જાત સાથેનો સંવાદ જ જો સાત્ત્વિક નહીં હોય તો બીજા સાથેનો વ્યવહાર તામસી જ રહેવાનો છે. હસતા ચહેરાઓ પાછળની ક્રુરતા ખતરનાક હોય છે. ઘણા લોકોના હાસ્ય આસાનીથી પકડાતા નથી. કોણ સાચું હસે છે અને કોણ નાટક કરે છે એ નક્કી થતું નથી. હા, આપણે શું કરીએ છીએ એની આપણને ખબર હોય છે. આપણા વર્તનમાં કેટલી કૃત્રિમતા અને કેટલી વાસ્તવિકતા છે એની આપણને સમજ હોય છે. આપણા માટે એ જરૂરી હોય છે કે, આપણે આપણી જાતનો ભરોસો ન તોડીએ. જે પોતાની જાત સાથેનો ભરોસો તોડે છે એ ક્યારેય બીજા કોઇ માટે ભરોસાપાત્ર બની શકતા નથી.

છેલ્લો સીન :

કેવા બનવું, કેવા રહેવું, કેવા દેખાવવું અને કેવા વર્તાવવું એની ચોઇસ માણસના હાથમાં છે. છેલ્લે તો આપણે જેવા અંદરથી હોવાના એવા જ બહાર વર્તાવાના છીએ. -કેયુ.

(‘સંદેશ’, સંસ્કાર પૂર્તિ, તા. 02 મે 2021, રવિવાર, ‘ચિંતનની પળે’ કોલમ)

kkantu@gmail.com

Krishnkant Unadkat

Krishnkant Unadkat

Leave a Reply

%d bloggers like this: