સાજા નરવાં રહેવું હોય તો રડવું આવે ત્યારે રડી લેજો : દૂરબીન – કૃષ્ણકાંત ઉનડકટ

સાજા નરવાં રહેવું હોય તો

રડવું આવે ત્યારે રડી લેજો

દૂરબીન – કૃષ્ણકાંત ઉનડકટ

*****

મેક્સિકોમાં દર વર્ષે તારીખ 1 નવેમ્બરે ‘ડે ઓફ ધ ડેડ’

મનાવાય છે. એ દિવસે લોકો પોતાના સ્વજનોની કબર પર જઇને

રડી લે છે. રડીને હળવા થવા જેવી રેમિડી બીજી કોઇ નથી

*****

પુરુષો રડી શકતા નથી એટલે વધુ હતાશ અને દુ:ખી રહે છે.

રડવાને મર્દાનગી સાથે જોડી દેવા જેવી મૂર્ખામી બીજી કોઇ નથી.

*****

તમે છેલ્લે ક્યારે રડ્યા હતા? રડવું આવે ત્યારે તમે સહજતાથી રડી શકો છો? માણસ જેટલો આરામથી હસી શકે છે એટલી સહજતાથી રડી શકતો નથી. રડવામાં માણસને કંઇક નડે છે. હું રડું તો કેવો લાગું? રડીશ તો લોકો મને નબળો માની લેશે. પુરૂષોની સરખામણીએ સ્ત્રીઓ આસાનીથી રડી શકે છે. મહિલાઓને સ્વસ્થ, સુંદર અને સક્ષમ રાખવા માટે પણ એની રડી લેવાની સહજતા ઘણા બધા અંશે કારણભૂત છે. આ વાત સાયન્ટિફિકલી પ્રૂવ થયેલી છે. પુરુષોના રડવાને મર્દાનગી સાથે જોડી દેવામાં આવ્યું છે. કોઇ છોકરો રડતો હોય તો એવો ટોણો મારવામાં આવે છે કે, શું છોકરીની જેમ રડે છે! પુરૂષો દુ:ખી, ઉદાસ અને હતાશ રહે છે તેનું કારણ એ જ છે કે, રડવું આવે ત્યારે એ રડતા નથી. આંસુ પણ સંવેદનાનું પ્રતીક છે. દસ દિવસ પહેલાં 19મી નવેમ્બરે ઇન્ટરનેશનલ મેન્સ ડેની ઉજવણી કરવામાં આવી હતી. મેન્સ ડે આમ તો બહુ જોર શોરથી ઉજવાતો નથી પણ થોડીક વાતો તો ચોક્કસ થાય છે. પુરુષોનો મોટો માઇનસ પોઇન્ટ એ છે કે, એ રડવું દબાવી રાખે છે.

ગયા વર્ષે ઇન્ટરનેશનલ મેન્સ ડે નિમિત્તે ભારતરત્ન ક્રિકેટર સચિન તેંડુલકરે યુવાનો અને પુરુષોને એક ખુલ્લો પત્ર લખ્યો હતો. સચિને લખ્યું હતું કે, રડવું આવે ત્યારે ખુલ્લા દિલે રડી લો. આંસુને વહેવા દો. જાહેરમાં રડવું આવે તો પણ દબાવી ન રાખો. આંસુ તમને વધુ મજબૂત બનાવશે. પુરૂષોએ પોતાની લાગણીઓ છુપાવવી જોઇએ નહીં. અઘરી પરિસ્થિતિમાં અથવા તો કોઇ પણ સંવેદનશીલ વાત પર ભાવુક થઇ જવાય અને રડી પડાય તો એમાં કશું ખરાબ કે ખોટું નથી. કોઇ ટેન્શન, કોઇ નિષ્ફળતા, કોઇ દર્દ, કોઇ વેદના કે કોઇ યાદ વખતે રડવું આવે ત્યારે રડી લેવું સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. ઘણા લોકો સ્વજનના મૃત્યુ વખતે રડી શકતા નથી. એનું કારણ એને લાગેલો જબરજસ્ત આઘાત હોય છે. કોઇ રડે નહીં ત્યારે એટલે જ એવું કહે છે કે, એને ગમે એમ કરીને રડાવો. રડી લેશે એટલે હળવા થઇ જશે. રૂદાલીથી માંડીને મરશિયા ગાવા પાછળનું લોજિક એ જ છે કે, એક વખત હૈયાફાટ રૂદન કરી લો. કારણ ગમે તે હોય રડવું આવે ત્યારે રડી લેવું જોઇએ, ન રડીએ તો મન અને મગજમાં નકારાત્મકતા આવી જાય છે. જે રડી શકતા નથી એ હાઇપરટેન્શન, હ્રદયની બીમારીથી માંડીને જાત જાતના માનસિક રોગનો ભોગ બને છે.

મેક્સિકોમાં દર વર્ષે નવેમ્બર મહિનાની પહેલી તારીખે ‘ડે ઓફ ધ    ડેડ’ મનાવવામાં આવે છે. એ દિવસે લોકો પોતાની સ્વજનની કબર પર જાય છે અને એમને યાદ કરીને રડે છે. આ પરંપરા દાયકાઓથી ચાલી આવે છે. એની પાછળનું લોજિક તો સ્વજનને યાદ કરીને હળવા થવાનું જ છે. આ વર્ષે કોરોનાના કારણે ઘણા લોકો કબર પર જઇ શક્યા નહોતા. લોકો રડી શકે એ માટે રડવાની સ્પર્ધા પણ યોજવામાં આવે છે. ક્રાઇંગ થેરેપીના પ્રયોગો પણ ઘણા દેશોમાં થાય છે. આપણે ત્યાં સુરતમાં જ ક્રાઇંગ ક્લબ ચાલે છે.

આખી દુનિયામાં રડવા વિશે અનેક સંશોધનો અને સર્વે થયા છે. અમેરિકાનો એક સ્ટડી એવું જણાવે છે કે, અમેરિકન મહિલાઓ મહિનામાં એવરેજ 3.5 ટાઇમ રડે છે. પુરૂષો મહિનામાં સરેરાશ 1.9 વખત રડે છે. રડવાથી અનેક ફાયદાઓ થાય છે. રડવું સેલ્ફ સુધિંગ સિસ્ટમ જેવું કામ કરે છે. આંસુની સાથે શરીરના ઝેરી તત્વો પણ બહાર નીકળી જાય છે એક અભ્યાસ એવું કહે છે કે, માણસ ત્રણ પ્રકારના આંસુ સારે છે. બેસલ, રિફલેક્સ અને ઇમોશનલ. બેસલ પ્રકારના આંસુમાં પ્રોટિનયુક્ત એન્ટીબેકેરિયલ લિકવિડ હોય છે જે આંખોને ચોખ્ખી કરે છે. ડુંગળી કાપતી વખતે કે આંખમાંથી જે આંસુ નીકળે છે એ રિફ્લેક્સ પ્રકારમાં ગણાય છે. એ આંસુ ભલે વેદનાના ન હોય તો પણ એ આંખો ચોખ્ખી તો કરે જ છે. ત્રીજા પ્રકાર છે એ ઇમોશનલ સૌથી વધુ મહત્વનો છે. આપણી લાગણીઓના કારણે આપણે રડીએ ત્યારે આંસુની સાથે સ્ટ્રેસ હોર્મોન્સ રિલીઝ કરે છે. સાયકોલોજિકલ સ્ટડી એવું કહે છે કે, રડવાથી આપણા ઇમોશન્સ શાંત પડે છે. રડી લેવાથી મન શાંત થાય છે. સ્ટ્રેસમાં ઘટાડો થાય છે. આપણે રડીએ ત્યારે આપણને નજીકની વ્યક્તિ સાંત્વના આપીને શાંત કરવાનો પ્રયાસ કરે છે. તેની પણ આપણા મન ઉપર મોટી અસર થાય છે. કોઇ છે જેને મારી ચિંતા થાય છે, કોઇ છે જેને મારી વેદના સ્પર્શે છે એવી ફીલિંગ આવે છે. એ પણ સપોર્ટ સિસ્ટમ જેવું કામ કરે છે. લેડીઝમાં એક વાત માર્ક કરજો. એક સ્ત્રી રડતી હોય ત્યારે બીજી સ્ત્રી આપોઆપ રડી પડે છે. શાંત પાડતી વખતે પણ એ રડતા રડતા શાંત પાડશે.

જે રડી શકે છે એ જિંદગીની વધુ નજીક હોય છે. રડવા વિશે એવું પણ કહેવામાં આવે છે કે, જો કોઇ રડતું હોય તો એને તરત શાંત પાડવાનો પ્રયાસ ન કરો, એને થોડુંક રડી લેવા દો. એના ખભે હાથ પસવારો પણ એને રડતા રોકો નહીં. બીજી ધ્યાન રાખવા જેવી એક વાત એ છે કે, કોઇ છોકરો કે પુરૂષ રડતો હોય તો એને નબળો ન સમજી લો. એને કોઇ ટોણા ન મારો. આપણે બધાએ પણ એ વાત યાદ રાખવા જેવી છે કે, રડવું આવે ત્યારે શરમાવું નહીં કે રડવાનું દબાવી રાખવું નહીં. કોણ શું કહેશે કે કોણ શું વિચારશે એની ચિંતા કરવાની પણ જરૂર નથી. બધામાં રડવાની ત્રેવડ હોતી નથી. જે લોકો આસાનીથી રડી શકે છે એ લોકો દિલના સાફ હોય છે. હા, રડવાનું નાટક કરનારાની વાત જુદી છે. સાચું રડી શકે છે એ સારું જીવી શકે છે.  

————–

પેશ-એ-ખિદમત

અપને હર લફ્જ કા ખુદ આઇના હો જાઉંગા,

ઉસ કો છોટા કહ કે મૈં કૈસે બડા હો જાઉંગા,

મુઝ કો ચલને દો અકેલા હૈ અભી મેરા સફર,

રાસ્તા રોકા ગયા તો કાફિલા હો જાઉંગા.

-વસીમ બરેલવી

( ‘દિવ્ય ભાસ્કર’, ‘રસરંગ’ પૂર્તિ, તા. 29 નવેમ્બર 2020, રવિવાર, ‘દૂરબીન’ કોલમ)

kkantu@gmail.com

Krishnkant Unadkat

Krishnkant Unadkat

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *