આપણા દેશમાં ‘પ્રેમ’ આટલો બધો ‘કાતિલ’ કેમ બની ગયો છે? : દૂરબીન-કૃષ્ણકાંત ઉનડકટ

આપણા દેશમાં ‘પ્રેમ’ આટલો બધો

‘કાતિલ’ કેમ બની ગયો છે?

દૂરબીન-કૃષ્ણકાંત ઉનડકટ

 

આપણા દેશમાં છેલ્લાં પંદર વર્ષમાં

આતંકવાદ કરતાં વધુ મોત

પ્રેમના કારણે થયાં છે!

આખરે આપણે પ્રેમ કરવામાં અને

પ્રેમને સમજવામાં ક્યાં થાપ ખાઈ જઈએ છીએ?

પ્રેમ કરતાં આવડવું જોઈએ, એના ક્લાસ ન હોય!

 

આધિપત્ય, શંકા, ઈર્ષા, બેવફાઈ, જીદ

અને અવિશ્વાસ પ્રેમનો અકાળે અંત લાવે છે.

કેટલી લવસ્ટોરી સુખદ હોય છે?

 

પ્રેમ આમ તો બહુ સરળ છે, પણ ક્યારેક એ એટલો બધો અઘરો બની જાય છે કે માણસને કોઈ રસ્તો સૂઝતો નથી. પ્રેમ દરેક વખતે જિંદગીનું કારણ બનતો નથી, ઘણી વખત મોત માટે નિમિત્ત બની જાય છે. એક પ્રેમી અને એક પ્રેમિકા મળે છે અને શરૂ થાય છે એક લવસ્ટોરી. દરેક લવસ્ટોરી એક જિવાતી નવલકથા છે. દરેક લવસ્ટોરીનો અંત સુખદ હોતો નથી. કોઈ લવસ્ટોરી જુદાઈ સાથે પૂરી થાય છે. અમુક લવસ્ટોરી આખી જિંદગી અફસોસ બનીને રહી જાય છે. કેટલીક લવસ્ટોરી દરરોજ થોડી થોડી કણસતી રહે છે. અમુક લવસ્ટોરી આંખમાંથી વરસતી રહે છે. કેટલીક લવસ્ટોરી રેલવના પાટા નીચે કપાઈ જાય છે. થોડીક ઊંડા પાણીમાં ડૂબી જાય છે. અમુક ભડભડ સળગે છે તો બીજી કેટલીક ફાંસામાં લટકી જાય છે. કેટલીક લવસ્ટોરી ગોળીઓથી વિંધાઈ જાય છે, કેટલીક તીક્ષ્ણ હથિયારથી ચિરાઈ જાય છે. અધૂરી રહી ગયેલી આવી લવસ્ટોરીઝ વિશે સાંભળીએ, વાંચીએ કે જોઈએ ત્યારે એની સાથે કોઈ લેવા-દેવા ન હોવા છતાં એક નિસાસો નખાઈ જાય છે.

તમારો પ્રેમ તમારી સાથે છે? તમારો પ્રેમ તમને મળી ગયો છે? તો તમે નસીબદાર છો. બધા એટલા લકી હોતા નથી. દરેક લવસ્ટોરીમાં એકાદ વિલન હોય છે. સાચી લવસ્ટોરીઝ ફિલ્મ જેવી નથી હોતી જેમાં અંતે હીરો-હિરોઇન જ જીતે અને જીવે. ઘણામાં વિલન પણ ક્રૂર ભાગ ભજવી જતા હોય છે. ક્યારેક શંકા વિલન બની જાય છે. ક્યારેક આધિપત્યનો અતિરેક પ્રેમને ગૂંગળાવી મારે છે. ક્યારેક તો પ્રેમી જ પ્રેમીના મોતનું કારણ બને છે. ઘણી વખત આપણે કહીએ છીએ કે એ તો પ્રેમમાં પાગલ છે. જોકે, પ્રેમમાં માણસ પાગલ જ નથી થઈ જતો, ખૂની પણ થઈ જાય છે. પ્રેમિકા કોઈ સાથે બોલતી હોય તો પ્રેમીએ તેનું કાસળ કાઢી નાખ્યું હોય એવા બનાવ બનતા રહે છે. બીજા સાથે પ્રેમમાં પડેલી યુવતી પ્રેમી સાથે જ મળી પહેલા પ્રેમીની હત્યા કરાવી નાખે છે. દીકરી કોઈના પ્રેમમાં હોય તો બાપ કે ભાઈએ જ પ્રેમીને પતાવી દીધાના કિસ્સા બને છે. એક તરફી પ્રેમમાં માણસ કંઈ પણ કરે છે. પ્રેમ વિશે વાતો ભલે ત્યાગ, સ્નેહ, સમજ, લાગણી, વફાદારી, સમપર્ણ અને એના જેવી બીજી વાતો થતી હોય, પણ છેવટે તો માણસ આધિપત્ય જ ઇચ્છતો હોય છે. અમુક હદનું આધિપત્ય સમજી પણ શકાય, પણ સંપૂર્ણ આધિપત્ય ઘાતક નીવડતું હોય છે.

આતંકવાદ કરતાં પણ વધુ મોત પ્રેમના કારણે થતાં હોય એ વિચિત્ર વાત છે. હમણાં બહાર આવેલા છેલ્લાં પંદર વર્ષના આંકડા તો એવું જ કહે છે કે, આપણા દેશમાં ટેરરિઝમ નહીં, પણ પ્રેમના મામલે વધુ મોત થયાં છે. 2001થી 2015 દરમિયાન પ્રેમના મુદ્દે 38585 હત્યા અને 79189 આપઘાત થયાં હતાં. આ જ સમય દરમિયાન આતંકવાદના કારણે સુરક્ષા કર્મીઓ સહિત કુલ 20 હજારનાં મોત થયાં હતાં! આતંકવાદને કદાચ આપણે સમજી શક્યા છીએ અને તેનાથી બચવાના રસ્તાઓ પણ અપનાવ્યા છે, પણ પ્રેમને કદાચ આપણે પૂરેપૂરો સમજી શક્યા નથી!

પ્રેમને સમજવામાં હજુ કંઈક ખૂટે છે! શું ખૂટે છે? આપણે જોઈ લેવા કે બતાડી દેવાની દાનત રાખીએ છીએ. તુમ અગર મુજકો ન ચાહો તો કોઈ બાત નહીં, તુમ કીસી ઔર કો ચાહોગી તો મુશ્કીલ હોંગી. ક્યાંય વળી મા-બાપ કહે છે તારે તારી પસંદગીથી નહીં પણ અમે કહીએ ત્યાં મેરેજ કરવાના છે. લવમેરેજ શક્ય ન બને ત્યારે ઘણાં પ્રેમીપંખીડાં આપઘાત કરી લે છે.

કેવું છે, આપણે ત્યાં પરીક્ષાનાં પરિણામો આવવાનાં હોય ત્યારે નાપાસ થનાર કે ઓછા માર્ક્સ મેળવનાર આપઘાત ન કરે તે માટે ઘણા પ્રયાસ થાય છે, પણ પ્રેમમાં નિષ્ફળતાના કારણે આપઘાત કરનાર વિશે કોઈ કંઈ વિચારતું નથી! એના માટે કોઈ જ કાઉન્સેલિંગ કે બીજી મદદ મળતી નથી.

પ્રેમ ક્યાંય શિખવાડવામાં નથી આવતો. દુનિયામાં દરેક પ્રકારના ક્લાસીઝ છે, પણ પ્રેમ કરવાના કે જિંદગી જીવવાના ક્લાસીઝ નથી. પ્રેમમાં આપણે ક્યાં થાપ ખાઈ જઈએ છીએ? પ્રેમથી તો માણસની જિંદગી વધુ સારી અને સુખમય બનવી જોઈએ. આધિપત્ય પ્રેમને ગૂંગળાવી નાખે છે. હું કહું એમ જ તારે કરવાનું. હું કહું એને જ મળવાનું. એક સાયક્યિાટ્રિસ્ટે કહ્યું કે બંને વ્યક્તિ એકબીજા પર પ્રભાવ જમાવવાના પ્રપંચ કરતાં રહે છે. અપેક્ષાઓ એટલી બધી હોય છે કે વાત જવા દો. કેટલીક અપેક્ષાઓ ગેરવાજબી પણ હોય છે. એક કિસ્સામાં એવું હતું કે, પ્રેમી પ્રેમિકાને એવું કહેતો હતો કે મેરેજ પછી તારે જોબ નહીં કરવાની. કોઈ તારી સામે જુએ એ પણ મારાથી સહન થતું નથી! પ્રેમિકાએ કહ્યું કે એવું થોડું હોય? મારે તો જોબ કરવી છે. આ મુદ્દે ઝઘડો થયો અને વાત ત્યાં સુધી વણસી કે છોકરાએ આપઘાત કરવાની ધમકી આપી દીધી. ઇમોશનલ બ્લેકમેઇલિંગના કારણે ઘણા પ્રેમીઓ તંગ આવી જાય છે.

પોતાનો પ્રેમી કોઈ બીજી છોકરીનો ફોટો લાઇક કરે તો એનાથી સહન થતું નથી. પ્રેમિકા તેના બીજા બોયફ્રેન્ડ્સ સાથે ફોટા અપલોડ કરે તો ઝઘડો થઈ જાય છે. કોઈ કારણોસર ફોન કાપે તો માથાકૂટ થઈ જાય છે. અમુક વખતે તો સાવ નાની બાબતે બંને સામસામા આવી જાય છે.

અમુક કિસ્સામાં મા-બાપ સમજતાં નથી. દુનિયા ભલે મોડર્ન દેખાતી હોય, પણ આપણી માનસિકતા હજુ એટલી બધી આધુનિક થઈ નથી. જેમ જેમ સમય જતો જાય છે એમ એમ પ્રેમ અત્યંત નાજુક બનતો જાય છે. કંઈ જ જતું કરી શકતો નથી. કંઈ જ સહન કરી શકતો નથી. બધું જ જોઈએ છે અને પોતે ઇચ્છે એ રીતે જોઈએ છે.

બાય ધ વે, તમે પ્રેમમાં છો? તમે લવમેરેજ કર્યા છે? તમારી લવ-લાઇફ ઇઝી છે? તો એને એન્જોય કરો. પ્રેમ છે તો જિંદગી છે. તમારા પ્રેમની વચ્ચે કોઈ જ શંકા, કોઈ જ ઈર્ષા, કોઈ ઇગો, જરાયે અવિશ્વાસ કે બીજા કશાને આવવા ન દો. પ્રેમને સમજો. તમારી વ્યક્તિને સમજો. કોઈ ક્રાઇસિસ ઊભી થાય તો પણ બહુ મેચ્યોરિટીથી એની સાથે ડિલ કરો. પ્રેમમાં અત્યંત નજાકત રહેવી જોઈએ, ગ્રેસ રહેવો જોઈએ, કોઈ ઉતાવળિયો કે આંધળુકિયો નિર્ણય પ્રેમનું પતન નોતરી શકે છે. તમારો પ્રેમ કેવો છે એ તો તમે એકબીજા સાથે કેવી રીતે જીવો છો એના પરથી જ નક્કી થાય છે. પ્રેમ થવો સહજ છે પણ પ્રેમ નિભાવવો એ એક સાધના છે, ખૂબી છે. જિંદગી જીવતા એને જ આવડતી હોય છે જેને પ્રેમ કરતાં આવડે છે!

પેશ-એ-ખિદમત

જિંદગી ક્યા હુયે વો અપને જમાને વાલે,

યાદ આતે હૈ બહુત દિલ કો દુખાને વાલે,

કિસ સે પૂછું યે સિયહ રાત કટેગી કિસ દિન,

સો ગયે જા કે કહાં ખ્વાબ દિખાને વાલે.

(સિયહ-કાળી)      -અખ્તર સઇદ ખાન.

(‘દિવ્ય ભાસ્કર’, ‘રસરંગ પૂર્તિ’, તા. 11 જુન 2017, રવિવાર. ‘દૂરબીન’ કોલમ)

kkantu@gmail.com

Krishnkant Unadkat

Krishnkant Unadkat

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *