તું જે કંઇ કર એ સમજી વિચારીને કરજે! – ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ

તું  જે કંઇ કર એ

સમજી વિચારીને કરજે!

ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ

ખાલીપાથી ખખડેલો છું, હું બંધ મકાનનો ડેલો છું,

ખુદને શોધવાની પાછળ હું, બહુ જગ્યાએ ભટકેલો છું,

ખબર નહીં ક્યારે ફૂટી જઇશ, ફુગ્ગાની જેમ ભરેલો છું,

કોઇ પૂછે મારા વિશે તો કહેજે કે બહુ ઘેલો છું.

-સુધીર દત્તા

જિંદગી માણસને અનેક વખત કોઇ નિર્ણય કરવા માટે મજબૂર કરે છે. આપણે જિંદગીના દરેક તબક્કે કોઇ ને કોઇ ડિસિઝન લેવા પડે છે. માણસ શું બને છે એનો મુખ્ય આધાર પણ છેલ્લે તો એણે લીધેલા નિર્ણયો જ હોય છે. શું ખાવું, શું ન ખાવું, ક્યાં જવું, ક્યાં ન જવું, કોની સાથે સંબંધ રાખવા, કોની સાથે સંબંધ ન રાખવા, સંબંધ બાંધી લીધા પછી પણ એવો નિર્ણય કરવો પડતો હોય છે કે સંબંધો ચાલુ રાખવા કે તોડી નાખવા, નોકરી કરવી કે બિઝનેસ કરવો, લગ્ન કરવા કે ન કરવા, લગ્ન કરવા તો લવમેરેજ કરવા કે અરેન્જ મેરેજ કરવા, બાળકને જન્મ આપવો કે નહીં, બાળકની ઇચ્છા હોય તો પણ સવાલ થાય કે કેટલા બાળકો કરવા, બાળકના જન્મ પછી એના ભવિષ્ય માટે નિર્ણયો લેવા, નોકરી બદલવી કે ન બદલવી, શહેર છોડવું કે ન છોડવું, પ્રેમ કરતાં રહેવું કે બ્રેકઅપ કરવું? જિંદગી એ આમ જુઓ તો નિર્ણયો કરવા સિવાય બીજું કંઇ જ નથી!

નિર્ણયો કરવાના હોય છે એટલે તો સમજણની જરૂર પડે છે. વેલ એજ્યુકેટેડ માણસ પણ નિર્ણયો કરવામાં થાપ ખાઇ જાય છે. અભણ માણસ ઘણી વખત જ્ઞાનીને પણ ટક્કર મારે એવો નિર્ણય કરે છે. થોથાં સૂઝ કરતાં ઘણી વખત કોઠાસૂઝ વધુ શક્તિશાળી સાબિત થતી હોય છે. એક યુવાન હતો. તેને કોઇ પણ મૂંઝવણ હોય ત્યારે એ એક વડીલ પાસે જાય. વડીલ તેને સચોટ માર્ગદર્શન આપે. એક વખત યુવાને એ વડીલને પૂછ્યું, ‘તમે કેટલું ભણ્યા છો?’ વડીલે કહ્યું, ‘મેં પુસ્તકો કરતાં માણસોને વધુ વાંચ્યા છે. ડિગ્રી કરતાં દિલને વધુ મહત્ત્વ આપ્યું છે. ભણવું જરૂરી છે, પણ એ ભણતર આપણને સાચા નિર્ણયો અને સારા વિચારો કરવા માટે ઉપયોગી બનવું જોઇએ. સાચી કેળવણી એ છે જે માણસને ઉચ્ચ કક્ષાએ લઇ જાય. માણસની ગતિ ઉર્ધ્વ તરફની હોવી જોઇએ. ગતિ અને મતિ જેના કાબૂમાં છે, એ જ પ્રગતિ કરી શકે છે. ફક્ત ઉપર ઊઠવાથી જ વાત પતી જતી નથી. નાળિયેરીનું ઝાડ બહુ ઊંચું હોય છે, પણ એ છાંયો ન આપી શકે. છાંયો આપવા માટે વડલો બનવું પડે.’

માણસ સરવાળે જે કંઇ કરે છે એ સમજી વિચારીને કરતો હોય છે? અફકોર્સ સમજી વિચારીને કરતો હોય છે. ક્રિમિનલ કોઇ ગુનાને અંજામ આપતાં પહેલાં કેટલું બધું વિચારતો હોય છે? એક ચોર હતો. પોતાના કામમાં એકદમ પરફેક્ટ! ક્યાંય ચોરી કરવાની હોય એટલે એનું પૂરેપૂરું પ્લાનિંગ કરે. જે બંગલામાં ઘૂસવાનું હોય એનો પૂરેપૂરો અભ્યાસ કરે. કોણ ક્યારે આવે છે, ક્યારે જાય છે, એની બરોબર રેકી કરે. સીસીટીવી કેમેરા છે કે નહીં એ પણ ચેક કરે. હોય તો તેનાથી કેવી રીતે બચવું એ પણ વિચારી લે. પાક્કે પાક્કું હોમવર્ક કરીને જ એ ચોરી કરવા કોઇના ઘરમાં ઘૂસે. એક વખત એના મિત્રએ તેને કહ્યું કે, ‘તું ચોરી કરવામાં જેટલું મગજ ચલાવે છે, એટલું ધ્યાન જો બીજા સારા કામમાં આપતો હોત, તો આજે ક્યાંનો ક્યાં હોત!’ ચોરે કહ્યું કે, ‘હું જે કંઇ કરું છું એ પરફેક્ટ પ્લાનિંગ સાથે કરું છું. બધું સમજી વિચારીને કરું છું!’ તેના મિત્રએ કહ્યું, ‘નો ડાઉટ, તું બધું સમજી વિચારીને કરે છે, પણ તને એ ખબર છે કે, તારી સમજ અને તારા વિચાર જ ખોટા છે! માણસે કંઇ વિચારતી વખતે એ પણ વિચારવું જોઇએ કે મારું થિંકિંગ રાઇટ ટ્રેક પર તો છે ને?’

બધા વિચારો સાચા અને સારા હોય એ જરૂરી નથી. વિચારો તો સતત આવતાં જ રહે છે. આપણે વિચારોને તારવવા પડતાં હોય છે. નબળા વિચારોને ટાળવા પડતાં હોય છે. તારવતાં અને ટાળતાં ન આવડે તો વિચારો જ આપણું પતન નોંતરે છે. ઘણી વખત કોઇના કારનામાં સાંભળીને આપણને એમ થતું હોય છે કે, એવું કરતાં પહેલાં એને કંઇ વિચાર નહીં આવ્યો હોય? એને વિચાર તો આવ્યો જ હોય છે, પણ એને એ અંદાજ નથી હોતો કે, હું જે કરવા જઇ રહ્યો છું એનું પરિણામ સારું નહીં આવે! ગુનો કરનારા મોટા ભાગના લોકો એવું જ માનતાં હોય છે કે પોતે પકડાવાના નથી. જેલમાં જે લોકો છે એ ખોટા નિર્ણયોના જીવતા જાગતા ઉદાહરણ છે.

એક પોલીસ ઓફિસરે કહેલી આ સાવ સાચી વાત છે. તેમણે કહ્યું કે, ‘દરેક ગુનેગાર એવું માને છે કે, એ ચાલાક છે, એ ચાલાક હોય પણ છે. એની ચાલાકી જ એને ભૂલ કરવા પ્રેરે છે. પહેલી વખતે ક્રાઇમ કરે ત્યારે એણે પાક્કે પાયે પ્લાનિંગ કર્યું હોય છે. એ ક્રાઇમ કરે છે અને એમાં સફળ પણ થાય છે. સારા કામમાં જેમ પ્રેક્ટિસથી કોન્ફિડન્સ આવે છે એમ ખરાબ કામોમાં પણ કોન્ફિડન્સ આવતો હોય છે. એક વખત એ જે રીતે સફળ થયો હોય છે એને જ એ મોડસ ઓપરેન્ડી બનાવી લે છે. ગુનો કરવાની સ્ટાઇલ ધીમે ધીમે સરખી થતી જાય છે. એમાં જ એ બીજા ગુનેગારો કરતાં જુદો પડી જાય છે અને વહેલો કે મોડો પકડાઇ જાય છે. ગજબની વાત એ છે કે, ગુનેગારનું દિમાગ સારા માણસની સરખામણીએ વધુ તેજ હોય છે. શાતિર દિમાગની જરૂર પડે છે. સારા માણસોને વધુ ચિંતા કરવાની જરૂર હોતી નથી, કારણ કે એ એવું કંઇ કરતાં જ નથી કે એને પકડાઇ જવાનો ડર હોય! ગુનેગારે તો સતત ભયમાં રહેવું પડે છે કે હાથ લાગી ગયો તો વારો પડી જવાનો છે!’ એટલે જ કહેવું પડે છે કે વિચારો મહત્ત્વનાં નથી, મહત્ત્વનું એ છે કે એ વિચારો કેવા છે?

આપણી જિંદગીમાં એવી ઘટનાઓ બની જ હોય છે, જ્યારે આપણે કોઇ નિર્ણય કર્યો હોય અને અંગત વ્યક્તિને એની વાત કરી હોય. આપણી વાત સાંભળીને એણે એવું પણ કહ્યું હોય કે, ‘તું જે કંઇ કર એ સમજી વિચારીને કરજે!’ કોઇ આવું કહે પછી આપણે આપણા નિર્ણયને સેકંડ થોટ આપીએ છીએ ખરાં? ક્યારેય આવું કહેનારાને એવું પૂછીએ છીએ ખરાં કે, મારી જગ્યાએ તું હોય તો તું શું કરે? ઘણા મિત્રો એવા પણ હોય છે જે મોંઢામોંઢ સંભળાવી દે છે કે, ‘આવા ગાંડા જેવા વિચારો ન કર! આપણે એવું કંઇ નથી કરવું!’ એક યુવાનની આ વાત છે. તેને એક છોકરી સાથે પ્રેમ થયો. છોકરીના પરિવારવાળા રિજિડ હતા. છોકરીએ તેના પ્રેમીને કહ્યું કે, ‘મારા ઘરના લોકો કોઇ પણ સંજોગોમાં માનશે નહીં. આપણી પાસે એક જ રસ્તો છે કે, આપણે ભાગીને લગ્ન કરી લઇએ.’ છોકરાએ તેના મિત્રને વાત કરી. તેનો મિત્ર સમજુ હતો. તેણે કહ્યું, ‘તારું ભેજું તો ઠેકાણે છે ને? પેલીએ કહ્યું અને તેં ભાગી જવાનું નક્કી કરી લીધું. પહેલાં એના ઘરે વાત કર. એ વાત કરી શકે એમ ન હોય તો તું કર. તું પણ કરી શકે એમ ન હોય તો તારા ફેમિલીવાળાને કહે. ભાગવાનો નિર્ણય છેલ્લો હોવો જોઇએ.’ ઘણી વખત આપણે અંતિમ નિર્ણય પહેલો કરીને સંજોગોથી ભાગવાનો પ્રયાસ કરતાં હોઇએ છીએ. સહેલો રસ્તો શોધતી વખતે એ પણ જોવું જરૂરી છે કે આ રસ્તો સાચો અને સારો તો છે ને? વિચારોમાં પણ માણસે ફ્લેક્સિબલ રહેવું પડતું હોય છે. બાંધછોડ કરવી પડતી હોય છે. એક ખોટો વિચાર ઘણી વખત આખી જિંદગી અફસોસનું કારણ બની જતો હોય છે. કોઇ નિર્ણય કરતાં પહેલા એના પર પૂરો વિચાર કરો અને સતત ચેક કરતાં રહો કે વિચારોની દિશા ભટકી નથી ને? નિર્ણયનું પરિણામ વિચારો. પરિણામ પણ ઘણી વખતે આપણે આપણને અનુકૂળ અને આપણને ફાયદામાં હોય એવું જ વિચારીએ છીએ. ઘણી વખત પરિણામ એક નહીં, પણ અનેક હોય છે. આપણને આપણું ધાર્યું પરિણામ મળે એ માટે જ વિચારમાં સમજની જરૂર પડે છે! સમજીને વિચારવાનું છે, વિચારીને આપણને અનુકૂળ હોય એવું સમજી લેવાનું હોતું નથી! ધ્યાન ન રાખીએ તો આપણા વિચારો પણ આપણને થાપ ખવડાવી દે છે!

છેલ્લો સીન :

એટલા બધા ઊંડા વિચારો પણ ન કરો કે એનું તળિયું જ ન આવે!     -કેયુ.

(‘દિવ્ય ભાસ્કર’, ‘કળશ’ પૂર્તિ, તા. 11 નવેમ્બર 2020, બુધવાર, ‘ચિંતનની પળે’ કોલમ)

kkantu@gmail.com

Krishnkant Unadkat

Krishnkant Unadkat

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *