કોઇનું સારું એનાથી
જોવાતું જ નથી!
ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ
તાજ શું છે ને તખત શું છે?
હુંય જાણું છું, જગત શું છે?
પ્રેમ આપીને પ્રેમ ચાહું છું,
એમ પણ અહીંયા મફત શું છે?
-નીરવ વ્યાસ
આપણી આસપાસ સતત કંઇકને કંઇક બનતું રહે છે. ક્યારેક એ સારું હોય છે, ક્યારેક એ નરસું હોય છે. ક્યારેક ગમે છે, ક્યારેક નથી ગમતું. ક્યારેક ગુસ્સો આવે છે, ક્યારેક ખુશી થાય છે. દરેક એકશનની સામે આપણું રિએકશન હોય છે. એ બહુ સ્વાભાવિક પણ છે. દરેક માણસ પોતાના હાથમાં એક ત્રાજવું રાખીને જ જીવતો હોય છે. કંઇપણ થાય એટલે એ તરત જ એને માપવા અને તોળવા લાગે છે. બધાને જજ બનવું ગમે છે. આપણને જેની સાથે કંઇ લાગતું વળગતું ન હોય એના વિશે પણ આપણે આપણા અભિપ્રાયો અને મંતવ્યો આપતા રહીએ છીએ. આપણે જે કંઇ કરીએ છીએ એમાં આપણી વૃતિ અને પ્રકૃતિ પ્રગટ થાય છે. આપણા શબ્દો આપણું માપ કાઢી લેતા હો
ય છે. એક યુવાન હતો. એ સતત બોલબોલ કરતો રહેતો. એક વખત એ યુવાન એક સંત પાસે ગયો. સંત પાસે પણ તેણે સતત બોલબોલ કર્યું. સંત ચૂપ રહ્યા. યુવાને છેલ્લે કહ્યું કે, તમે કેમ કંઇ બોલતા નથી? સંતે કહ્યું, હું એ નક્કી કરી રહ્યો છું કે, તું મારી વાત સાંભળવા આવ્યો છે કે તારી વાત મને સંભળાવવા આવ્યો છે? સંતે યુવાનને કહ્યું કે, કામ વગર બોલવું એ પણ શક્તિનો વ્યય જ છે. તમારી વાત કોઇ તો જ સાંભળશે જો તેમાં સાંભળવા જેવું અને સમજવા જેવું કંઇક હશે. લોકો પાસે પોતાના પૂરતું જ્ઞાન ઓલરેડી હોય જ છે. દરેક માણસ પોતાન બુદ્ધિશાળી જ સમજતો હોય છે. તમને એ તો જ તેનાથી વધુ સમજુ માનશે જો તમારી વાતમાં એને દમ લાગશે. માણસ બહુ પારખુ હોય છે, કોણ પોતાનું અને કોણ પારકું એની એને તરત ખબર પડી જાય છે. પાલતુ પ્રાણી પણ જો માલિકની દાનત પારખી જતું હોય તો પછી માણસ તો બુદ્ધિશાળી અને ચાલાક છે.
કોઇના વિશે બોલતા પહેલા માણસે સો વખત વિચાર કરવો જોઇએ. સૌથી પહેલી વાત તો એ વિચારવી જોઇએ કે, હું તેના વિશે અભિપ્રાય આપવા માટે લાયક છું? મને એના જેટલું જ્ઞાન છે ખરું? એક સંગીતકાર હતો. તે પોતાની ક્લિપ સોશિયલ મીડિયા પર મૂકતો હતો. તેને ટ્રોલ કરનારા લોકો તેના વિશે એલફેલ લખતા હતા. એક વખત એક કોમેન્ટ વાંચીને એ વિચારે ચડી ગયા અને કહ્યું કે, ખરેખર મેં સંગીતમાં એક ભૂલ કરી છે. સંગીતકારના મિત્રે કહ્યું કે, તમે તો કોઇની કમેન્ટ ગંભીરતાથી નથી લેતા, આ એક કમેન્ટ કેમ તમારી પર આટલી બધી અસર કરી ગઇ? સંગીતકારે કહ્યું કે, જેણે એ કમેન્ટ કરી છેને, એ સંગીતનો પ્રચંડ જ્ઞાની માણસ છે. મારા માટે એ ગૌરવની વાત છે કે, એણે મારું સંગીત સાંભળીને કમેન્ટ કરી. ટીકા કરનારા બધા ટ્રોલર નથી હોતા, ઘણા હિતેચ્છુઓ પણ હોય છે. કોઇ ટીકા કરે ત્યારે પણ આપણે ટીકા કરનારાઓને અલગ અલગ તારવવા પડતા હોય છે કે, કોણ સાચા છે અને કોણ ખોટા છે? દરેક ટીકાને ગંભીરતાથી લેવાની જરૂર નથી સાથોસાથ દરેક ટીકાને તમે નજરઅંદાજ પણ ન કરી શકો. આપણે કોઇની ટીકા કરીએ તે પહેલા એટલું વિચારીએ છીએ ખરા કે, આપણી ટીકાને કેવી રીતે લેવામાં આવશે?
આપણી ટીકાને તો જ ગંભીરતાથી લેવામાં આવે જો આપણે કોઇના સાચા વખાણ કરી જાણતા હોઇએ. જે સારું જોઇ શકે એ જ ખરાબ પકડી શકતા હોય છે. નેગેટિવને સમજવા માટે પોઝિટિવની સમજ હોવી આવશ્યક છે. અજવાળું તો જ સમજી શકાય જો અંધારાથી પરિચય હોય. ઘૂવડને દિવસથી કોઇ ફેર પડતો નથી, એને રાત જ પસંદ હોય છે. અમુક લોકો પણ ઘૂવડ જેવા હોય છે. એને બધે અંધારું અને કાળું જ દેખાતું હોય છે. એક છોકરી હતી. એ પોતાની નજીકના દરેક વ્યક્તિનું સારું થાય એવું કંઇને કંઇ એ કરતી જ રહેતી. તેના પરિવારમાં એક છોકરો હતો. છોકરી કંઇ પણ કરે એટલે એ તેની ટીકા જ કરે. છોકરીને બહારથી ખબર પડે કે, તારો પેલો સગો છે એ તારા વિશે ખરાબ જ બોલતો હોય છે. છોકરીએ એક વખત તેના પિતાને સવાલ કર્યો કે, એ કેમ મારા વિશે નબળું જ બોલે છે? દીકરીની વાત સાંભળીને પિતાએ કહ્યું કે, એ છોકરાએ ક્યારેય કોઇ વિશે સારું બોલ્યું છે? તેં ક્યારેય એવું સાંભળ્યું કે, એ કોઇના વખાણ કરતો હતો? અમુક લોકો વાંકદેખા હોય છે, એને કોઇનામાં કંઇ સારું દેખાતું જ હોતું નથી. એ કોઇનું સારું બોલી જ શકતા નથી. એવા લોકોની વાતને ગણકારવાની નહીં. બીજી વાત એ છે કે, જ્યારે તમે કંઇક સારું કરતા હોવ ત્યારે તમારી અદેખાઇ કરનારાઓ ફૂટી જ નીકળવાના છે. એના વિશે વિચારીને આપણે આપણી શક્તિ વેડફવાની કંઇ જરૂર નથી.
ડાહ્યો માણસ એ છે જે ક્યારેય દોઢ ડાહ્યો થતો નથી. કોઇ જ્યાં સુધી પૂછે નહીં ત્યાં સુધી મૌન રહેવું એ સમજુ માણસનું લક્ષણ છે. જેને કંઇક શીખવું હશે, જેને કંઇ સમજવું હશે એ સામેથી પૂછશે. એક ગુરૂ હતા. તેણે પોતાના શિષ્યોને જ્ઞાનની વાતો કરતા. શિષ્યો સવાલ પૂછતા એનો જવાબ આપતા. તેના શિષ્યોની પણ એક કક્ષા હતી. એક વખત એક શિષ્યે સવાલ કર્યો. એ સવાલનો જવાબ ગુરૂને આવડતો નહોતો. સવાલ સાંભળીને ગુરૂએ બાકીના શિષ્યોને સવાલ કર્યો કે, તમારામાંથી કોઇને આ પ્રશ્નનો જવાબ આવડે છે. એક શિષ્યએ ઊભા થઇને કહ્યું કે, મને આવડે છે. ગુરૂએ તેને સ્ટેજ પર બોલવ્યો અને પોતે શિષ્યો સાથે બેસી ગયા. પેલા શિષ્યએ જવાબ સમજાવ્યો. વાત પૂરી થઇ એટલે એ શિષ્યે ગુરૂને પૂછ્યું કે, મારો જવાબ બરાબર હતો? ગુરૂએ કહ્યું, આ સવાલનો જવાબ મને જ ખબર નહોતો. મને તમારી પાસેથી શીખવાનું મળ્યું. જ્યારે તમને જવાબ ન ખબર હોય ત્યારે તમારે શિષ્ય બની જવું જોઇએ. મેં એ જ કર્યું હતું. ગમે એવા જ્ઞાનીને પણ બઘી જ ખબર હોય એવું જરૂરી નથી.
જે કંઇ નથી કરતા એની ટીકા કોઇ નથી કરતું. તમે કંઇક કરતા હશો તો તમારી ટીકા થવાની જ છે. ટીકા કોણ કરે છે એ જોઇને ટીકા ઉપર ધ્યાન આપવાનું હોય છે. ટીકા કરવા માટે પણ લાયકાત કેળવવી પડતી હોય છે. કોઇની ભૂલ કાઢતા પહેલા એ વિષયમાં મહારત હોવી જરૂરી છે. આપણી આસપાસ એવા ઘણા લોકો હોય છે જે બોલબોલ કરતા જ હોય છે, કોઇ એની વાત સાંભળતા નથી, ઉલટું એવું કહેશે કે, એને તો આદત પડી છે. આપણને કેવી કેવી આદતો પડી છે તેનું આપણને ભાન હોય છે? એક યુવાન ફિલોસોફર પાસે ગયો. તેણે કહ્યું કે, મારા લોકો જ મારી વાત ગંભીરતાથી લેતા નથી. ફિલોસોફરે કહ્યું કે, તું તારી વાતને કેટલી ગંભીરતાથી લે છે? તને એ વાતનો અંદાજ છે કે, તારી વાત ખરેખર વજૂદવાળી છે? તારી વાતમાં દમ છે? ફિલોસોફરે પછી પોતાની વાત કરી. તેણે કહ્યું, હું જ્યારે લોકોને વાત કરતો ત્યારે એ જોતો કે, એ લોકોને મારી વાતની કોઇ અસર થાય છે કે નહીં? મારી વાત એ લોકોને ગળે ઉતરે છે કે નહીં? કોઇ વાત કરતા પહેલા હું એ પણ વિચારતો કે, એ વાત મને સમજાય છે ખરી? જો મને જ મારી વાત નહીં સમજાય તો બીજાને ક્યાંથી સમજાવાની છે? તમારી વાત લોકો તો જ માનશે જો તમે તેને સમજતા, સ્વીકારતા અને અનુસરતા હોવ. ખાલી ડહાપણ ડહોળવાવાળાને કોઇ સ્વીકારતું નથી. તમારે તમારી જાતને સાબિત કરવી પડતી હોય છે. લાયક બનવું પડતું હોય છે. કોઇની ટીકા કરતા પહેલા સો વખત વિચાર કરો કે, મારે ટીકા કરવી જોઇએ કે નહીં? ટીકા કરવા જેટલી આવડત મારામાં છે? છેલ્લે એક વાત, ટીકા કરવા પાછળ મારી દાનત શું છે? કોઇને ઉતારી પાડવા માટે કરવામાં આવતી ટીકા છેલ્લે તો કોઇની નજરમાંથી આપણને જ નીચા ઉતારી દેતી હોય છે!
છેલ્લો સીન :
ટક ટક અને રોક ટોક કોઇને ગમતી નથી. કોઇ ક્યારેય કંઇ ભૂલ જ ન કરે એવું ઇચ્છનાર વ્યકિતએ એટલું વિચારવું જોઇએ કે, શું મેં ક્યારેય કોઇ ભૂલો નથી કરી? -કેયુ.
(‘સંદેશ’, સંસ્કાર પૂર્તિ, તા. 20 ફેબ્રુઆરી 2022, રવિવાર. ‘ચિંતનની પળે’ કોલમ)
kkantu@gmail.com
Nice
Thanks. 🙂