એણે મારું રાખવું જોઇએ એવું ધ્યાન ન રાખ્યું! – ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ

એણે મારું રાખવું જોઇએ

એવું ધ્યાન ન રાખ્યું!

ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ

અગર તલાશ કરું કોઇ મિલ હી જાએગા,

મગર તુમ્હારી તરહ કૌન મુજ કો ચાહેગા,

તુમ્હેં જરૂર કોઇ ચાહતોં સે દેખેગા,

મગર વો આંખે હમારી કહાં સે લાએગા.

-બશીર બદ્ર

———-

માણસે માત્ર બીજા માટે જ સારું નથી રહેવાનું,

પોતાના માટે પણ સારું રહેવાનું હોય છે.

આપણે જે વિચારતા હોઇએ, જે માનતા હોઇએ, જે ઇચ્છતા હોઇએ

એની સૌથી વધુ અસર આપણા ઉપર જ થતી હોય છે.

———-

સંબંધોનું માપ ક્યારેક કોણે કોનું કેટલું ધ્યાન રાખ્યું એના પરથી કાઢવામાં આવતું હોય છે. અમુક સંબંધોમાં ધ્યાન રાખવાનો પણ ભાર લાગતો હોય છે. એનું તો બહુ ધ્યાન રાખવું પડશે. જો ધ્યાન નહીં રાખીએ તો એને ખરાબ લાગી જશે. માણસના પણ વજન હોય છે. અમુક લોકો ભારે હોય છે. એ લોકોનું નામ પડે એટલે ભાર લાગવા માંડે. અમુક લોકો હળવા હોય છે. એ લોકોની હાજરી જ હળવાશ આપે છે. દરેક ભારે વ્યકિતને આપણે ટાળી શકતા નથી. એ

કેટલાંક લોકો આપણા લમણે લખાયા હોય છે. એને ટેકલ કરવા પડે છે. માણસને ટેકલ કરવામાં પણ ટ્રીક વાપરવી પડે એ સંબંધોની કરૂણતા છે. એક પતિ-પત્ની હતા. પતિના એક સગા માથાભારે હતા. એ ઘરે આવે ત્યારે કોઇને કોઇ બબાલ જ થાય. એક વખત એ સગા આવવાના હતા ત્યારે પત્નીએ કહ્યું કે, એની હાજરી જ મારીથી સહન નથી થતી. પતિ સમજુ હતો. તેણે કહ્યું કે, આવા લાકો હોય ત્યારે એનું ધ્યાન રાખી લેવાનું. આપણે ક્યાં એની સાથે જિંદગી કાઢવી છે? થોડાક સમયની જ વાત હોય છે. મગજ ઉપર બરફ રાખીને ટાઇમ પાસ કરી દેવાનો. થોડાક સમયની વાત હોય ત્યાં સુધી તો વાંધો નથી આવતો પણ જેની સાથે કાયમનો પનારો હોય, એનો સ્વભાવ જો વિચિત્ર હોય તો મુશ્કેલી સર્જાય છે. એમ થાય છે કે, હવે આનાથી છૂટકારો ક્યારે મળશે?

એક ઓફિસની આ વાત છે. ઓફિસનો બોસ બધાને તંગ કરતો હતો. કોઇને શાંતિ ન લેવા દે. રોજ એક-બે કર્મચારીને સાચા કે ખોટા કારણ વગર ધધડાવે નહીં તો એને શાંતિ ન થતી. અમુક લોકો કોણ જાણે કયા ભવનું ફ્રસ્ટ્રેશન સાથે લઇને ફરતા હોય છે. આ બોસની ટ્રાન્સફર થઇ. બધાએ નક્કી કર્યું કે, આપણે આ બોસને ફેરવેલ નથી આપવી. એક કર્મચારીએ કહ્યું કે, ફેરવેલ તો આપવી જ જોઇએ. એક પાર્ટી તો થવી જ જોઇએ. એનાથી છૂટકારો મળવાનો છે એની ખુશીમાં! ઘણા લોકો આવે એની ખુશીમાં આપણે પાર્ટી કરતા હોઇએ છીએ અને ઘણા જાય એના રાજીપામાં!

સારું લગાડવું એક વાત છે અને ધ્યાન રાખવું બીજી વાત છે. આપણે કહીએ છીએ કે, એને મનથી થવું જોઇએ. આપણી જિંદગીમાં આપણે કેટલું મનથી અને કેટલું કરવું પડે એટલે કરતા હોઇએ છીએ? જિંદગીની વાત નીકળે ત્યારે એવું કહેવાતું હોય છે કે, જે ગમતું હોય એ જ કરવું જોઇએ. દરેકને એવું કરવું પણ હોય છે. એ વાત જુદી છે કે, દરેક કિસ્સામાં એવું થઇ શકતું નથી. આપણે જ ઘણીવખત એવું કહેતા હોઇએ છીએ કે, આ તો કરવું પડે છે એટલે કરું છું, મને ગમતું તો નથી જ. ફરજ અને જવાબદારીના નામે આપણા ઉપર ઘણું બધું ઠોકી બેસાડવામાં આવતું હોય છે. જ્યાં પ્રેમ, લાગણી કે આત્મિયતા ન હોય ત્યાં બધું ધરાર થતું હોય છે. આપણે કરતા પણ હોઇએ છીએ, જો કે એમાં મજા આવતી નથી. એમાં પણ ઘણા લોકોની ફિતરત અનોખી હોય છે. કરવાનું છે તો પછી દિલથી કરવાનું. કરવાનું તો આપણે જ છેને? આપણે આપણને સારું લાગે એટલા માટે કરવાનું. વાત સારી છે પણ દરેક કિસ્સામાં આવું થઇ શકતું નથી. જે વ્યક્તિ ગમતી હોય એના માટે બધું કરવું ગમે છે અને જે નથી ગમતી એના માટે કંઇપણ કરવામાં ઝાટકા લાગે છે. એવું થાય છે કે, કોણ જાણે ક્યા ભવનું માંગતા હશે!

અમુક લોકો એવા પણ હોય છે જેના માટે ગમે તેટલું કરીએ તો પણ એને ઓછું જ લાગે. એક પતિ પત્નીની આ વાત છે. એક રિલેટિવને ત્યાં પ્રસંગ હતો. બંને આ પ્રસંગમાં હાજરી આપવા ગયા. પ્રસંગ પૂરો થયો પછી ઘરે પાછા આવ્યા ત્યારે પત્નીએ કહ્યું કે, એણે આપણું રાખવું જોઇએ એટલું ધ્યાન ન રાખ્યું. પતિએ કહ્યું કે, કેટલું કેટલું ધ્યાન રાખવું જોઇતું હતું? એ બિચારાથી થાય એટલું તો કર્યું? આનાથી વધારે શું કરી શકે? આપણે ઘણી વખત કોઇની કદર જ કરી શકતા નથી. દરેક વ્યક્તિની એક ક્ષમતા હોય છે. દરેક માણસ પોતાની કેપેસિટી મુજબ બધું કરતો હોય છે. આપણે એને આપણી ઇચ્છા કે અપેક્ષાથી નહીં પણ તેની ક્ષમતા અને દાનતથી મૂલવવા જોઇએ. કોની કેવી દાનત છે એ મહત્વનું છે. ઘણા લોકો આપણને કહેતા હોય છે કે, અમારાથી બન્યું એટલું અમે કર્યું. આપણે આવા સમયે તેને સારું લગાડવા માટે એવું પણ બોલી દેતા હોઇએ છીએ કે, તમે તો બહુ કર્યું. ખરેખર, આપણને એવું થતું હોય છે ખરું? અંદરથી તો ઘણી વખત એવું બોલતા હોઇએ છીએ કે, એવું તે તમે શું કરી નાખ્યું? કંઇ ઠેકાણા તો હતા નહીં! તમે એક વાત માર્ક કરજો, બોલાતું હોય છે જુદું અને વિચારાતું હોય છે સાવ અલગ જ! આપણે પણ ઘણી વખત જાણે-અજાણે એવું જ કરતા હોઇએ છીએ. એક સુભાષિત એવું છે કે, જે ફાવશે, ચાલશે, ગમશે અને ભાવશે એવી વૃતિ રાખે છે એ દરેક પરિસ્થિતિમાં સુખી રહે છે. કોઇના વાંક કાઢીને છેલ્લે તો આપણે જ દુ:ખી થતા હોય છે. તેણે આમ ન કર્યું, તેમ ન કર્યું, આમ કરવું જોઇતું હતું, આટલું તો હોવું જ જોઇએને? એવું બધું વિચારીને આપણે અંદરને અંદર ઘૂંટાતા હોઇએ છીએ. જે છે એની મજા માણવાની આવડત અને આદત છેલ્લે તો આપણને જ હળવા રાખતી હોય છે.

બીજા શું કરે છે? બીજાએ કેટલું કર્યું? એનાથી પણ વધુ મહત્વનું એ છે કે, આપણે શું ફીલ કર્યું? કેટલું ફીલ કર્યું? આપણે મોઢું ચડાવીને ફરીએ ત્યારે બીજાને તો જેવું લાગે એવું પણ આપણું ચડેલું મોઢું આપણને અંદરથી ખોખલું કરતું હોય છે. માણસે માત્ર બીજા માટે જ સારું નથી રહેવાનું, પોતાના માટે પણ સારું રહેવાનું હોય છે. આપણે જે વિચારતા હોઇએ, જે માનતા હોઇએ, જે ઇચ્છતા હોઇએ એની સૌથી વધુ અસર આપણા ઉપર જ થતી હોય છે. કોઇના પર ગુસ્સો આવે અને આપણે દાંત કચકચાવીએ ત્યારે દાંત આપણા જ ઘસાતા હોય છે અને મગજ આપણો જ બગડતો હોય છે. દરેક માણસ બીજા સાથે જેવો હોય છે એવો જ એ પોતાની સાથે રહે છે. ક્રુર માણસ પોતાની જાત સાથે પણ ક્રુરતા જ આચરતો હોય છે. આપણે ઘણાને બતાવી દેવા કે સંભળાવી દેવા ઘણું બધું કરતા હોઇએ છીએ, એ સમયે એવું પણ વિચારવું જોઇએ કે આની મારા પર શું અસર થાય છે? માનસિક બીમારીથી પીડાતા મોટા ભાગના લોકોને દુનિયા સામે જ વાંધો હોય છે પણ એ માનસિક બીમાર થયા એનું કારણ એ પોતે હોય છે. એટલા બધા વાંધા, એટલી બધી ફરિયાદો, એટલા બધા ઇસ્યૂઝ, એટલા બધા પ્રોબ્લેમ આપણને બધા સામે હોય છે કે એ બધાના બળાપામાં આપણે જ બળી જઇએ છીએ. આપણે આપણી જાતને તો અન્યાય નથી કરતાને એ પણ ચેક કરતા રહેવું જોઇએ. દુનિયા માટે નહીં, પોતાની જાત માટે ખુશ રહેવાનું હોય છે. વાંધા શોધવા બેસશો તો નવરા જ નહીં પડો. આપણે બીજાના વાંધો શોધીએ ત્યારે આપણને આપણા વાંધા નથી દેખાતા. આપણે બીજાની સારી બાજુ જોઇએ ત્યારે આપણે આપોઆપ સારું અનુભવતા હોઇએ છીએ. આપણે જેવું બીજા માટે માનીએ એવા જ આપણે બનતા અને થઇ જતા હોઇએ છીએ. બીજા માટેની નેગેટિવિટી સૌથી પહેલા આપણને જ નેગેટિવ બનાવતી હોય છે. બધાનું સારું ઇચ્છવામાં અને બધાનું ભલું ચાહવામાં આપણે આપણને અંદરથી પણ થોડાક ઉઘડતા હોઇએ છીએ, જે ઉઘડે છે એને ક્યારેય પુરાઇ જવાનો ડર લાગતો નથી! જે લોકો પુરાયેલા હોય છે એણે મોટા ભાગે પોતાના હાથે જ ઢાંકણું કે દરવાજો બંધ કર્યો હોય છે!

છેલ્લો સીન :

અપેક્ષાઓ જેટલી વધારે હશે, સંબંધ ઉપર એટલું જ જોખમ વધુ રહેશે.  –કેયુ.

(‘સંદેશ’, સંસ્કાર પૂર્તિ, તા. 30 મે 2021, રવિવાર, ‘ચિંતનની પળે’ કોલમ)

kkantu@gmail.com

Krishnkant Unadkat

Krishnkant Unadkat

Leave a Reply

%d bloggers like this: